DIAMOND CITY NEWS, SURAT
વર્ષ 2026ના પ્રથમ છ માસિક ગાળા (H1 2026) દરમિયાન કિંમતી ધાતુઓની વધતી કિંમતો અને ગ્રાહકોની નરમ માંગને કારણે રશિયાના જ્વેલર્સ દ્વારા દાગીનાનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું છે. રશિયન ફેડરલ એસે ચેમ્બરના ડેટા પર આધારિત ‘ઇઝવેસ્તિયા’ (Izvestia)ના વિશ્લેષણ અનુસાર, માર્કેટમાં નવા દાગીનાની સપ્લાય અને પ્રોડક્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
ઉત્પાદન અને સર્ક્યુલેશનના આંકડા :
રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન રશિયન બજારમાં આભૂષણોના સપ્લાય અંગેના મુખ્ય આંકડા નીચે મુજબ છે :
- સોનાના આભૂષણ : બજારમાં 10.18 મિલિયન (1.01 કરોડ) ગોલ્ડ આઇટમ્સ વેચાણ અર્થે મૂકવામાં આવી હતી, જે 2025ના સમાન ગાળાની સરખામણીએ 11.5% ઓછી છે.
- ચાંદીના આભૂષણ : ચાંદીના દાગીનાનું ઉત્પાદન 13.5% ઘટીને 29.3 મિલિયન (2.93 કરોડ) નંગ રહ્યું હતું.
વેચાણમાં મોટો ફેરફાર : ગ્રાહકો સસ્તા વિકલ્પો તરફ વળ્યા
H1 2026 દરમિયાન સોનાના દાગીનાનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 4% ઘટીને 41.3 મિલિયન નંગ રહ્યું હતું. આનાથી વિપરીત, ચાંદીના ઘરેણાંનું વેચાણ 7% વધીને 115.1 મિલિયન નંગ પહોંચ્યું હતું. વેચાણના આ ટ્રેન્ડ પરથી સ્પષ્ટ થાય છે કે ગ્રાહકો હવે વધુ પરવડે તેવા (Affordable), ઓછા વજન ધરાવતા (Lightweight) દાગીના અને ગોલ્ડ-પ્લેટેડ (ગિલ્ડેડ) ચાંદીના ઘરેણાં ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ગ્રાહક વર્તણૂક અને બજારના પડકારો :
નિષ્ણાતોના મતે, આર્થિક અસ્થિરતા અને અનિશ્ચિતતાના સમયમાં રશિયન નાગરિકો બિન-જરૂરી અથવા સ્પૉન્ટેનિયસ (અચાનક) ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત, ગ્રાહકો દાગીના પાછળ ખર્ચ કરવાને બદલે પ્રવાસ અને મનોરંજન પાછળ નાણાં ખર્ચવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.
કાચા માલની કિંમતોમાં અસહ્ય વધારો :
દાગીનાના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો પણ માંગને નકારાત્મક રીતે અસર કરી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષો દરમિયાન, જ્વેલરી ઉદ્યોગના મુખ્ય કાચા માલ – સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે 75% અને 90%નો જંગી વધારો થયો છે.
ભવિષ્યનું આઉટલુક :
ઉદ્યોગ સાહસિકોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં રશિયન જ્વેલરી માર્કેટની સ્થિતિ કાચા માલના ભાવો પર આધારિત રહેશે. યુએસ ડોલર સામે રશિયન રૂબલ (Ruble) નબળો પડવાની સ્થિતિમાં જો કિંમતી ધાતુઓના ભાવ વધુ વધશે, તો સ્થાનિક બજારમાં દાગીના વધુ મોંઘા થશે. આ પરિસ્થિતિમાં સોનાના ગ્રાહકો વધુ પ્રમાણમાં ચાંદીના સેગમેન્ટ તરફ શિફ્ટ થઈ શકે છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















