DIAMOND CITY NEWS, SURAT
સુરતના રત્નકલાકારો માટે સ્કૂલ ફી સહાય યોજના હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ નવા પરિપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ એસોસિએશનની રજૂઆત બાદ માન. કલેક્ટરે નવી શરતો હટાવી, જૂના પરિપત્રના આધારે સહાય આપવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રે રત્નકલાકારોને એનેક્ષર-A ફોર્મમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર અથવા ઉદ્યોગ આધાર નંબર સહિતની વિગતો રજૂ કરવાનું ફરજિયાત કર્યું હતું. આ શરતોને કારણે ઘણા નાના રત્નકલાકારો, ખાસ કરીને 5 થી 10 ઘંટી ચલાવતા કારીગરો, આ સહાયથી વંચિત રહેવાની શક્યતા હતી, કારણ કે તેમની પાસે આવા સરકારી પ્રમાણપત્રો નથી.
તા. 10 સપ્ટેમ્બર 2025ના રોજ માન. કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રજૂ કર્યું કે નવો પરિપત્ર યોગ્ય નથી અને જૂના ફોર્મની વિગતોના આધારે જ પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ, જેથી વધુમાં વધુ રત્નકલાકારોને લાભ મળી શકે. આ રજૂઆતને કલેક્ટરે સ્વીકારી હતી.
તા. 11 સપ્ટેમ્બર 2025થી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સહી-સિક્કા માટે ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનને મોકલવામાં આવશે. એસોસિએશન પણ તાત્કાલિક આ ફોર્મ પર સહી-સિક્કા કરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત મોકલશે. આથી, જૂના પરિપત્રના નિયમોના આધારે જ સ્કૂલ ફી સહાય આપવામાં આવશે.
આ નિર્ણયથી નાના રત્નકલાકારોને ખાસ રાહત મળશે, જેઓ પાસે સરકારી પ્રમાણપત્રો ન હોવાને કારણે સહાયથી વંચિત રહેવાના હતા. સુરત ડાયમંડ એસોસિએશન રત્નકલાકારોને વહેલી તકે સહાય મળે તે માટે સતત પ્રયત્નશીલ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















