Rapaport Group Announces Major Policy Shift, Supports Only Natural Diamonds and Officially Rejects Lab-Grown Diamonds
(સૌજન્ય : રેપાપોર્ટ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વભરના હીરા બજારમાં જેમના ભાવ (Rapaport Price List) પ્રમાણભૂત માનવામાં આવે છે, તેવા પ્રતિષ્ઠિત ‘રેપાપોર્ટ ગ્રુપ’ (Rapaport Group) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.

રેપાપોર્ટ ગ્રુપના સીઈઓ ડેન માનોએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે સંસ્થા હવેથી માત્ર અને માત્ર કુદરતી (Natural) હીરા માટે જ કામ કરશે અને સિન્થેટિક એટલે કે લેબ-ગ્રોન હીરાને પ્રોત્સાહન આપશે નહીં.

રેપાપોર્ટ નેચરલ ડાયમંડ પોલિસી : મુખ્ય મુદ્દાઓ

રેપાપોર્ટ ગ્રુપે પોતાની વૈશ્વિક ટીમ અને બહારના સભ્યો માટે જારી કરેલી નવી નીતિમાં સ્પષ્ટ રેખા ખેંચી દીધી છે :

  • અલગ શ્રેણી : રેપાપોર્ટનું માનવું છે કે લેબ-ગ્રોન હીરા એ કુદરતી હીરાના વિકલ્પ નથી, પરંતુ તે ઝિર્કોનિયા, મોઈસેનાઈટ અને ક્રિસ્ટલ જેવા ‘ઈમિટેશન’ ઉત્પાદનોની શ્રેણીમાં આવે છે.
  • પ્લેટફોર્મ પર પ્રતિબંધ : સંસ્થાના ટ્રેડિંગ પ્લેટફોર્મ, પ્રાઈસિંગ સિસ્ટમ અને અન્ય સેવાઓ હવે સંપૂર્ણપણે કુદરતી હીરા માટે જ સમર્પિત રહેશે.
  • ગ્રાહક સુરક્ષા : વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ લેબ-ગ્રોન હીરાને કુદરતી હીરાની સાથે રાખીને ગ્રાહકોમાં મૂંઝવણ ઊભી ન કરે અને તેનું વેચાણ સ્પષ્ટ ડિસ્ક્લોઝર સાથે અલગથી કરે.

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

સીઈઓ ડેન માનોએ આ નિર્ણય પાછળનું કારણ સમજાવતા જણાવ્યું હતું કે, “રેપાપોર્ટે ચાર દાયકાથી વધુ સમય કુદરતી હીરાના બજારમાં પ્રામાણિકતા અને વિશ્વાસ જાળવવા પાછળ ખર્ચ્યા છે. લેબ-ગ્રોન હીરા એ ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુ છે જે કુદરતી હીરાની જેમ દુર્લભતા કે આંતરિક મૂલ્ય ધરાવતી નથી. અમે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સને સમર્થન આપીને ઉદ્યોગની શાખ જોખમમાં મૂકવા માંગતા નથી.”

માર્ટિન રેપાપોર્ટના સિદ્ધાંતોનું પુનરાવર્તન

નોંધનીય છે કે, હીરા ઉદ્યોગના ‘ગોડફાધર’ ગણાતા માર્ટિન રેપાપોર્ટ, જેઓ ૨૦૨૫ની શરૂઆતથી ગ્રુપના ચેરમેન પદે કાર્યરત છે, તેઓ હંમેશા લેબ-ગ્રોન હીરાના વિરોધમાં રહ્યા છે. આ નવી પોલિસી તેમના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવે છે.

ભારતીય હીરા ઉદ્યોગ પર અસર

ભારતના સુરત અને મુંબઈ જેવા હીરા ઉદ્યોગના કેન્દ્રો માટે આ જાહેરાત ઘણી મહત્વની છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લેબ-ગ્રોન હીરાનું ચલણ વધ્યું છે, ત્યારે રેપાપોર્ટ જેવી મોટી સંસ્થા દ્વારા લેબ-ગ્રોન હીરાને ‘ઈમિટેશન’ ગણાવવાને કારણે કુદરતી હીરાના ભાવો અને તેની વિશ્વસનીયતામાં વધારો થવાની સંભાવના છે.

રેપાપોર્ટના આ નિર્ણયથી હીરા બજાર બે ભાગમાં વહેંચાઈ જશે તે સ્પષ્ટ છે. એક તરફ ‘કુદરતી હીરા’ જેઓ પોતાની દુર્લભતા અને રોકાણના મૂલ્ય પર ટકી રહેશે, અને બીજી તરફ ‘લેબ-ગ્રોન હીરા’ જેઓ માત્ર ફેશન જ્વેલરી તરીકે ઓળખાશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant