Maintenance free love adhi akshar 437-1
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

Estimated reading time: 9 minutes

DIAMOND CITY NEWS, SURAT

Maintenance free love adhi akshar 437-2

મેઈન્ટેનન્સ ફ્રી પ્રેમ? લવ? ઈશ્ક? મુહબ્બ્ત? ઉલ્ફત? ચાહત? એ વળી કઈ બલા?

લવ પોતે જ મહાબલા છે, તો એ મેઈન્ટેનન્સ ફ્રી કેમ કરીને થઈ શકે?

આ તો એવી લક્ઝરી છે જેની કિંમત લગાવી શકાય નહિ (છતાં લોકો લગાવે છે) પણ આ સંપત્તિ અલ્ટ્રા છે, એકસ્ટ્રા છે, અલ્ટીમેટ લક્ઝરી છે.

આનાથી મોટી, મહાન, વિશેષ, દિલચસ્પ, અવર્ણનીય, અતુલનીય, અગાધ, અમાપ, અદ્વિતીય કોઈ સંપત્તિ છે?

ના. એટલે જ તો પ્રેમની પરાકાષ્ઠા ભલભલાને પોસાતી નથી. એવી સંપત્તિ મેઈન્ટનન્સ ફ્રી જોઈએ છે? પણ છે ક્યાં?

અહીં તો લવ-લાઈનને ઓઈલીંગ કરવું જ પડે, નહિતર લાગણીઓના દરવાજા કીચકીચ અવાજ કરવા લાગે. જ્યાં કીચડકૂ થાય, ત્યાં ગ્રીસ લગાવવું પડે.

સમય, પ્રસંગ, અવસર, અનુકૂળતા અને સંજોગો મુજબ રિલેશનમાં રિચાર્જ જોઈએ જ.

ક્યારેક એક “હું છું ને”નો રિચાર્જ,

ક્યારેક “આજે તું થાકી ગઈ હશે” નો રિચાર્જ, ક્યારેક “ચાલ, આજે તને સાંભળું” નો રિચાર્જ. રિલેશન બચાવવું હોય તો કાન બંધ કરીને દિલ ચાલુ રાખવું પડે.

વળી, નાનું રિચાર્જનું પેક રિલેશનમાં ચાલતું નથી. માત્ર ગુડ મોર્નિંગના મેસેજથી પ્રેમ ટકતો નથી. કોલ… કોલ… વીડીઓ કોલ… ડેટ… મોડી રાત સુધીની રંગીન ડેટ…. આ મેઈન્ટેનન્સ છે!

માત્ર સ્ટેટસ મૂકવાથી સંબંધ જીવતો નથી. વચગાળાના પેકથી રિલેશનમાં રિલેટીવ્સને પોસાતું નથી. મસમોટા પૈક જોઈએ — સમય વાપરવાના, મોંઘીદાટ ગિફ્ટ્સના, મસમોટા ખર્ચાના, માફીના, ચૂપ રહેવાના, આંખ આડા કાન કરવાના…

“પલ પલ દિલ કે પાસ, તુમ રહતી હો”

પણ પલ પલ રહેવું હોય તો પલ પલ આપવી પણ પડે. પ્રેમમાં બૅલેન્સ પણ જોઈએ અને ઈન્વેસ્ટમેન્ટ પણ તગડું!

તો લવની લક્ઝરી વિના રિચાર્જે કઈ રીતે ચાલે સરકાર?

લવ એ મોબાઇલ જેવો છે!

જો નેટવર્ક ન મળે, તો અવાજ તૂટી જાય.

જો બૅટરી જાય તો સંવાદ બંધ થઈ જાય.

એટલે જ વારંવાર ચાર્જિંગ જોઈએ.

સતત કનેક્શન જોઈએ.

સતત સિગ્નલ જોઈએ.

“લગ જા ગલે કિ ફિર યે હસીન રાત હો ન હો!” આવું સૌ ગાય છે, કારણ કે દરેક રાત હસીન નથી હોતી, પણ ગળે લગાવવાનું મેઈનટનન્સ હોય તો જ અંધારી રાત પણ ઉજળી બની શકે, આ યથાર્થ છે; લવનું…

લવને કાટ લાગી જાય જો રોજ ઓઈલીંગ ન થાય. જો કેયર ન લેવાય તો લવમાં તિરાડ પડી જાય. લવમાં થાક આવે છે જો શેયરીંગનું રિચાર્જ બંધ થાય. લવ મરણતોલ ફટકો લગાવે જો અવગણનાનો વાયરસ ન હટાવાય!

એટલે મેઈન્ટેનન્સ ફ્રી લવ એ શબ્દ જ ખોટો છે! લવ એટલે સતત મેઈન્ટેનન્સ!

લવ એટલે સતત ચાર્જિંગ!

લવ એટલે સતત આપતા રહી –

ન થાકવા, ન કંટાળવા, ન હારવા, ન ડરવા, ન ગૂંગળાવવાની કળા!

લવ એટલે રોજ ફરી ફરી “હા” કહેવાની હિંમત.

“તૂ રુઠા તો મૈં રો દૂંગી સનમ…”

અહીં નારાજગી પણ એક સંવાદ છે.

ત્યાં ચૂપ્પી નહિ, વાર્તાલાપ જોઈએ!

સ્પર્શ જોઈએ! દૂરી નહિ નજદીકી જોઈએ!

આ વિશ્વે પ્રેમને રોગ કહ્યો…પ્રેમને દર્દ કહ્યો…

એવું દર્દ કે જે શરીરથી લઈ મન સુધી વસે છે.

એવો રોગ કે જે લોહીમાં સળગે છે અને યાદોમાં ફેલાય છે.

કોઈ કહે છે દુઆ સિવાય ઈલાજ નથી, અને કોઈ કહે છે દુઆ પણ ખુદા સાંભળતો નથી.

બે આનાની શાયરી, ચાર આનાના આંસુડાઓ અને છ આનાના દિલની કિતાબ…

આ બધું લખાઈ ગયું, વંચાઈ ગયું, રડી લેવાયું…પણ પ્રેમનું નિદાન ક્યાંય મળ્યું નથી.

અહીં કોઈ પ્રેમમાં ઘાયલ છે, કોઈ મરીઝ છે,

કોઈ શૂન્ય છે, કોઈ ગાલિબ છે, કોઈ સૂરૂર છે,

કોઈ બેતાબ છે. નામ અલગ છે, વેશ અલગ છે, ભાષા અલગ છે… પણ અંદર એક જ ચીસ છે — પ્રેમ પૂર્ણ થતો નથી. પ્રેમમાં કોઈ ધરાતું નથી!

આ દુનિયાની સૌથી ખતરનાક ચીજ જો કંઈ હોય તો એ મુહબ્બત છે. જાલિમમાં જાલિમ વસ્તુ ઈશ્ક છે. બૂરામાં બૂરી શૈ ઉલ્ફત છે.

ભયાનકમાં ભયાનક બાબત ચાહત છે.

ફાલતુમાં ફાલતુ ઘટના પ્યાર છે. બકવાસમાં બકવાસ રિશ્તો લવનો છે. અર્થહીનમાં અર્થહીન વાર્તા પ્રણયકથા છે અને મોટામાં મોટો ગુનાહ જો કંઈ હોય તો સનેડાની વફાદારી છે.

આવું બંને છેડા પરના લોકો કહે છે.

એક છેડો એ લોકોનો,જેમણે પ્રેમ કર્યો…

અને કરીને બરાબર પછડાયા.

જ્યાં ખાનદાની ખૂટી ત્યાં પ્રેમને ગાળ દેવામાં લિહાજનો ગિલાફ ઉતરી ગયો. દર્દ મળ્યું તો પ્રેમને દોષ, અશાંતિ આવી તો પ્રેમને દોષ,

અસફળતા આવી તો પ્રેમને દોષ.

જેમ પોતાનો પડછાયો પણ અંધારામાં ડરાવા લાગે એમ પ્રેમ પણ શત્રુ બની ગયો! એવો દુશ્મન જેના વગર જીવાય નહિ!

બીજો છેડો એ લોકોનો, જેમણે એકતરફી પ્રેમ કર્યો…પણ સામે પક્ષનો પ્રેમ ન મળ્યો.

અહીં પણ ખૂટી તો ખાનદાની જ. માણસ પાનદાની પર જઈ બેઠો, પીચકારી મારવા લાગ્યો. પહેલાં પોતે ગંધાયો,

પછી પ્રેમને ગંધાવા માટે તેને ગંદગીમાં ઢસડી લાવ્યો.

ન મળ્યો પ્રેમ એટલે પ્રેમ ખોટો!

ન મળ્યું સાથ એટલે પ્રેમ ઝેરી!

ન મળ્યું પ્રતિફળ એટલે પ્રેમ બકવાસ!

અને બંને છેડા વચ્ચે અટકી ગઈ એક જ વાત! લવ મેઈન્ટેનન્સ માંગે છે.

હા, લવ માંગે છે મેઈન્ટેનન્સ.

રોજની સંભાળ. રોજની દરકાર. રોજની સમજણ. રોજની તૈયારી. રોજની બેકરારી.

પણ અહીં જ વિસંગતિ ઊભી થાય છે.

કારણ કે ગમે તેવો મેઈન્ટેન કરો,

ગમે તેવી કાળજી લો,

ગમે તેવી પૂર્ણતાએ પહોંચાડવા જાઓ…

વાર્તા સદા આધી-અધૂરી જ રહે છે.

ક્યારેક, ક્યાંય, કોઈનીય, કોઈપણ સંજોગોમાં — આશાઓ પૂરી થતી નથી.

અપેક્ષાઓ સંતોષ પામતી નથી.

આકાંક્ષાઓ શાંત થતી નથી.

અરમાનો મરી જતા નથી.

ઈચ્છાઓ વિરામ લેતી નથી.

ચાહે તમે આકાશ-પાતાળ એક કરી નાખો.

ચાહે તમે ચામડીના જોડા સિવડાવી દો.

ચાહે તમે પ્રાણો ન્યોછાવર કરી દો.

છતાં પણ કંઈક બાકી રહી જાય છે.

છતાં પણ કંઈક ખૂટતું રહે છે.

છતાં પણ દિલ કહે છે — હજી પૂરું થયું નથી.

એટલે પ્રશ્નો વારંવાર ઊભા થાય છે…

કે આટલી ઠોકમઠોક પછી, આટલી તૂટફૂટ પછી, આટલી આશા-નિરાશા પછી,

આટલી રોકકળ પછી… છેવટે હાથમાં આવે છે તો ફક્ત એક ઠીકરું

અધૂરા લવનું!

એટલે લવ મેઈન્ટેનન્સ માંગે છે…અને છતાં પણ પૂર્ણતા નથી આપતો. દુઆ માંગે છે અને છતાં પણ જવાબ નથી આપતો. સમર્પણ માંગે છે…અને છતાં પણ સંતોષ નથી આપતો.

આ જ ઈશ્કની સૌથી મોટી વિડંબના છે.

આ જ મુહબ્બતની સૌથી મોટી ક્રૂરતા છે.

અને આ જ કારણે લવ સૌથી વધારે નામ પામ્યો, અને સૌથી વધારે બદનામી પણ!

લવ કોઈ હાર્ટ નથી કે એક વાર સ્ટાર્ટ કર્યું એટલે છેક સુધી ચાલતું જ રહે.

લવ તો ગુલાબનો છોડ છે!

જો સ્નેહ જળ ન રેડો તો સૂકાવા લાગે!

જો પ્રકાશ ન આપો તો કરમાવા લાગે

જો ધ્યાન ન રાખો તો ગુલાબના ફૂલ ન આવે!

જો ખાતર ન નાંખો તો સુગંધ ન પ્રસરે!

એટલે લવ કોઈ પણ હોય, દરેક લવને જરુર મુજબ ખાતર-પાણી જોઈએ. દરેક રિલેશનને સૂર્ય પ્રકાશ જોઈએ. દરેક રિલેશનને વાડ જોઈએ ને બધુ મેઈનટનન્સ જ તો છે!

અને ત્યારે જ પ્રેમ લક્ઝુરિયસ બને છે, અનમોલ બને છે, નહીંતર એ વામણો રહી જાય છે.

જગતમાં મેઈન્ટેનન્સ ફ્રી લવ જેવું કંઈ નથી હોતું! લવ એટલે જ મેઈન્ટેનસ

લવ એટલે જ રિચાર્જ!

લવ એટલે જ સતત નિભાવ કરવાની શક્તિ!

તો પછી મેઈન્ટેનન્સ ફ્રી પ્રેમ ક્યાં છે?

ક્યાંથી મળે છે? કેવી રીતે મળે છે?

શું કરતા મળે છે? મળે પણ છે કે નહીં?

મળે છે! મળે જ છે!

એવો મળે છે કે માપ્યો મપાય નહીં!

એવો મળે છે કે તોલ્યો તોલાય નહીં! એવો મળે છે કે ઝીલ્યો ઝીલાય નહીં! એવો મળે છે કે રોક્યો રોકાય નહિ!

અને એવો મળે છે કે ઓડકાર અમૃતનો આવે!

અક્ષય રૂપે મળે છે, અમર થઈ મળે છે, અખંડ તત્વે મળે છે, અદ્વિતીય અંદાજે મળે છે!

જેટલાને જેટલો જોઈએ, જ્યારે જોઈએ, જ્યાં જોઈએ, તેટલો મળે છે!

પણ આ પ્રેમ કોઈ ખિસ્સાની વાત નથી.

આ પ્રેમ કોઈ સોદો નથી.

આ પ્રેમ કોઈ કરાર નથી.

આ પ્રેમ તો એવી દિવાનગી છે જે જાતે જ જીવંત રહે છે!

ન રિચાર્જ જોઈએ, ન મેઈન્ટેનન્સ જોઈએ, ન સંભાળવાની તણાવભરી વ્યવસ્થા જોઈએ.

આ પ્રેમ પોતે જ પ્રકાશ છે! પોતે જ પવન છે! પોતે જ પાણી છે!

આ પ્રેમનાં નામ હજ્જાર છે!

રસ્તા પણ હજ્જાર છે!

કોઈ તેને આનંદ કહે છે, કોઈ ઉત્સવ!

કોઈ રસ કહે છે, કોઈ માધુર્ય!

કોઈ લીલા કહે છે, કોઈ ભક્તિ!

કોઈ યોગ કહે છે, કોઈ શક્તિ!

કોઈ સમર્પણ કહે છે, કોઈ સંયમ!

કોઈ શિખર કહે છે, કોઈ શૂન્યતા!

અહીં દરેક દરવાજો પ્રેમ તરફ જ ખૂલે છે, દરેક રસ્તો એ જ સ્રોત તરફ જાય છે!

એ સ્રોતને કોઈ ઈશ્વર કહે, કોઈ ખુદા કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ રામ કહે, કોઈ રહીમ કહે, કોઈ જીસસ કહે, કોઈ બુદ્ધ કહે, કોઈ મહાવીર, કોઈ શિવ તો કોઈ શક્તિ!

ફેર શું પડે?

તરસ્યાને તો બસ એ જ જોઈએ જે તરસ બુજાવે! નામ શું હોય, શું ફરક પડે?

અને આ પ્રેમ જીવ્યો તો મીરાએ જીવ્યો.

રાજમહેલ છોડ્યો, લોકલાજ છોડી, ઝેર પીધું પણ પ્રેમ છોડ્યો નહીં!

એનો પ્રેમ કોઈ મેઈન્ટેનન્સ માંગતો ન હતો, એ તો નૃત્ય બની ગયો, ધૂન બની ગયો, ભજન બની ગયો, શ્વાસ બની ગયો!

નરસિંહ મહેતાએ જીવ્યો તો “વૈષ્ણવ જન તો તેને કહીએ” કહીને પ્રેમને માનવતા બનાવી દીધો. એના પ્રેમમાં કોઈ હિસાબ કિતાબ નહોતા! ફક્ત મૈત્રી હતી!

કબીરે જીવ્યો તો મસ્જિદ અને મંદિર વચ્ચે પ્રેમનો દીવો સળગાવ્યો. કહ્યું – પ્રેમ પાંખો વગર ઉડાવે છે, શાસ્ત્ર વગર સમજાવે છે.

એ પ્રેમને કોઈ રિચાર્જની જરૂર નહોતી, એ તો ચેતનાનો પ્રવાહ હતો!

રૈદાસે જીવ્યો તો ચમારની ઝૂંપડીમાં પરમાત્મા પધાર્યા! પ્રેમ જૂતાના ટાંકા સીવતો સિંહાસન સુધી પહોંચ્યો!

સૂરદાસે જીવ્યો તો વગર આંખે કાનજીને જોયા! જ્યાં દુનિયા દૃશ્ય માંગે ત્યાં પ્રેમે પોતે દર્શન આપ્યા!

તુલસીદાસે જીવ્યો તો શબ્દોમાં રામ ઉતર્યા

અને પ્રેમ ગ્રંથ બની ગયો જે સતત પ્રેરણાના ઝરણાં વહાવી રહ્યો છે!

બુલ્લેશાહે જીવ્યો. કહ્યું :

“બુલ્લા કી જાના મેં કૌન”

અને પ્રેમમાં પોતાની ઓળખ ઓગાળી દીધી. એ પ્રેમ ન માંગે સહારો, ન માંગે સાબિતી, ન માંગે ખાતરી, ન બાંહેંધરી!

આ બધાનો પ્રેમ મેઈન્ટેનન્સ ફ્રી હતો.

કારણ કે એ કોઈ વ્યક્તિ માટે નહોતો, એ સત્ય માટે હતો! પરમ તત્વ માટે હતો!

એ કોઈ શરીર મેળવવા માટે નહોતો, એ આત્મા પામવા માટે હતો! એ કોઈ એક સમય માટે નહોતો, એ શાશ્વત માટે હતો!

આના પ્રેમમાં કોઈ ડર નથી હોતો,

કારણ કે અહીં ગુમાવવાનું કશું નથી હોતું!

આ પ્રેમમાં કોઈ ખતરો નથી હોતો,

કારણ કે અહીં હાંસલ કરવાનું કશું નથી!

આ પ્રેમમાં કોઈ અપેક્ષા નથી હોતી,

કારણ કે અહીં જેટલું મળે પ્રસાદ ગણાય છે!

આ દિવાનગી હજ્જારો સયાનાપણાંથી બહેતર છે! આ મસ્તી બૌદ્ધિકતાથી ઊંચી છે! આ પ્રેમ લાજવાબ છે! આ પ્રેમ બેમિસાલ છે! આ પ્રેમ સર્જનહારની સૌગાત છે!

આ પ્રેમનો રાહી કદી એકલો હોતો નથી.

જ્યારે દુનિયા સાથ છોડે છે, ત્યારે તેનો પ્રેમી તેની વધુ નજીક આવે છે!

જ્યારે સંબંધો ખાલી લાગે છે, ત્યારે પ્રેમ કરનાર પ્રેમીના અસ્તિત્વથી તરબોળ થઈ છે. જ્યારે શબ્દો થાકી જાય છે, ત્યારે એ મૌન બની બોલે છે!

માણસો સંબંધોના ગણિત બદલાવ બદલાવ કરે છે પણ ઈશ્વરના પ્રેમનું કાવ્ય બદલાતું નથી!

દુનિયા રંગ બતાવે છે, ત્યારે પ્રેમીને પરમાત્માનો રંગ ચઢે છે! એનો રંગ તો એક વાર ચડે પછી ચડ્યા જ કરે છે.

કોઈ તેને ગેરુઓ રંગ કહે છે!

કોઈ તેને ચિશ્તિયા રંગ કહે છે!

કોઈ તેને ભગવો રંગ કહે છે!

કોઈ તેને શ્વેત કહે છે!

કોઈ તેને પીત કહે છે!

નામ જુદા છે, રસ એક જ છે!

રૂપ જુદા છે, નૂર એક જ છે!

આ પ્રેમ બાંધતો નથી. આ પ્રેમ મુક્ત કરે છે.

આ પ્રેમ માંગતો નથી. આ પ્રેમ વરસતો રહે છે. આ પ્રેમ ગણતરી નથી કરતો. આ પ્રેમ ઉજવણી છે.

એટલે જ કહું છું…

મેઈન્ટેનન્સ ફ્રી લવ છે! છે! અને છે જ!

વળી અહીં જ છે. આ જગતમાં જ!

મીરાના ગીતમાં છે. કબીરના દોહામાં છે.

નરસિંહના ભજનમાં છે. સૂરદાસની અંધ આંખોમાં છે.

બુલ્લેશાહના કલામમાં છે.

તુલસીના રામમાં છે. રૈદાસના કામમાં છે.

અને જેનો પ્રેમ એ પદારથ સુધી પહોંચી જાય છે, એને પછી પ્રેમ “કરવો નથી પડતો” કારણ કે પ્રેમી સ્વયં “પ્રેમ બની જાય છે!”

સ્વયં પ્રેમ હોય એ કોને મેઈનટનન્સ આપે?!

ગોલ્ડન કી

આપણે ચમત્કારની શોધમાં વલખાં મારતાં હોઇએ છીએ
પણ આપણી આંખો પર પડેલો પરદો આપણને એ નથી જોવા દેતો
કે આ જગતમાં સૌથી મોટો ચમત્કાર કોઈ છે તો તે એક જ છે, જેનું નામ છે – “પ્રેમ!“
પરમાત્માએ પ્રેમ સર્જીને માણસને લૌકિક સંસારમાં
અલૌકિક તત્ત્વનો પરચો અને પરિચય કરાવી દીધા છે!

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant