“માઈન્સ ટુ માલા’નો અર્થ છે કાચા હિરાના સર્જનથી લઈ ગળાની માળા બનાવવા સુધીની સંપૂર્ણ વૅલ્યુ ચેઈન (ઈકો સિસ્ટમ) આપણી પાસે ઉપલબ્ધ હોવી.
લેબગ્રોન હિરાની પરખ કેવી રીતે કરવી : આપણે જ્યારે વિશ્વાસપૂર્વક એવું કહીએ છીએ કે લેબમાં તૈયાર થયેલા હિરા અને કુદરતી હિરાનાં ભૌતિક ગુણધર્મમાં કોઈ ફરક નથી ત્યારે કોઈને પણ સવાલ થાય કે ક્યો હિરો લેબગ્રોન અને કયો હિરો કુદરતી તે ઓળખવો કઈ રીતે?
વિશ્વાસની ખાતરી માંગતો પ્રશ્ન હોવાથી અતિ મહત્વનો પણ છે. પ્રશ્ન મહત્વનો તો ન બન્યો હોત જો લેબગ્રોન હિરા અને કુદરતી હિરાના સમાન ભૌતિક ગુણધર્મની સાથોસાથ તેની કિંમતમાં પણ સરખાપણું હોત.
કુદરતી હિરા અને લેબગ્રોન હિરા સમાન હોવા છતાં અતી પુરવઠાના કારણે લેબગ્રોન હિરાની કિંમતમાં આવેલ ઘટાડાથી જ આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
જો લેબગ્રોન હિરાનો પુરવઠો મર્યાદિત હોત તો ગુણધર્મની સમાનતાના કારણે કયો હિરો લેબગ્રોન અને કયો હિરો કુદરતી એ પ્રશ્ન જ કોઈ પૂછેત નહીં.
છતાં પ્રશ્ન જ્યારે ઊભો થયો જ છે ત્યારે હિરાની વિશ્વ વિખ્યાત લેબના નિષ્ણાતોએ મહા મહેનતે એક સામાન્ય પેરામીટરથી લેબગ્રોન અને કુદરતી હિરાને અલગ પાડવામાં સફળતા મેળવી છે.
જે પેરામીટર છે લેબગ્રોન હિરા અને કુદરતી હિરાનાં આંતરિક માળખાની રચનામાં નજીવા ફેરફારનો.
ઘરતીના પેટાળમાં બીનઆયોજિત અથવા અનિયંત્રિત અવસ્થામાં તૈયાર થતા કુદરતી હિરાનાં અને લેબમાં આયોજિત અથવા નિયંત્રિત અવસ્થામાં તૈયાર થતા લેબગ્રોન હિરાના આંતરિક લેયરનાં નજીવા તફાવતને ઉચ્ચ કક્ષાની લેબમાં ઉચ્ચ કક્ષાના નિષ્ણાતો જ જાણી શકે કે આ હિરો લેબગ્રોન છે અને આ હિરો કુદરતી.
બાકીના તમામ પેરામીટરથી લેબગ્રોન અને કુદરતી હિરા સમાન હોવાથી સો વરસ જુના હિરાના વેપારી પણ ન પારખી શકે કે કયો હિરો લેબગ્રોન કે કયો માઈન્સનો. પછી સામાન્ય માણસનું તો ગજુ જ નથી કે બન્ને હિરાનો ભેદ પારખી શકે. બંને હિરા વચ્ચેનો ભેદ કોઈ એટલે પારખી ન શકે કે બંને વચ્ચે ભૌતિક ગુણધર્મનો કોઈ ફરક જ નથી.
પોલીશ કરેલા લેબગ્રોન હિરાની સરખામણીએ કાચા લેબગ્રોન હિરા પારખવા સરળ એટલે હોય કે તેનો બાહ્ય દેખાવ એવરેજ સરખો જ હોય છે. જ્યારે કુદરતી કાચા હિરાનો બાહ્ય દેખાવ અને આકાર એક સરખો હોતો નથી.
ઉદાહરણ તરીકે એક સરખા આકારમાં બનતી મશીનમાં બનાવેલ રોટલી હાથથી બનેલ રોટલી કરતા સરખાપણામાં થોડી જુદી દેખાય તેવું જ લેબગ્રોન અને કુદરતી હિરાનું છે.
લેબગ્રોન હિરા આયોજિત અને કુદરતી હિરા બિનઆયોજિત એવા આપોઆપ બનેલ હોવાથી બંને વચ્ચે આકારમાં થોડો ફરક તો રહેવાનો જ?
લેબગ્રોન હિરા આયોજિત અને કુદરતી હિરા બિનઆયોજિત હોવા છતાં ગુણધર્મથી તો બંને હિરા સરખા જ છે.
જેમ મશીનથી બનેલ રોટલી અને હાથથી બનેલ રોટલીનો આકાર સરખો ન હોવા છતાં બંનેના ગુણધર્મ સરખા જ હોય છે તેમ. મશીનથી અને હાથથી બનેલ બંને રોટલી એક બોટમાંથી જ બને છે તેમ બંને હિરા એક કાર્બનમાંથી જ બને છે.
લેબગ્રોન અને કુદરતી હિરાની કિંમતમાં તફાવત હોવાનું કારણ
જો લેબગ્રોન અને કુદરતી હિરા તમામ પેરામીટરથી સમાન હોય તો બંને વચ્ચે કિંમતમાં આટલો મોટો તફાવત હોવાનું કારણ શું?
જેઓએ બજારના પરીબળોના અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તેવો જાણતા હોય છે કે મોટાભાગની ભૌતિક ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત બજાર પોતે જ કરતું હોય છે, નહીં કે જે તે ચીજવસ્તુ કે, જે તે ચીજવસ્તુને માલિક.
જે તે ચીજની ગુણવત્તાની સાથોસાથ તે ચીજની બજારમાં ઉપલબ્ધિ અને માંગ પ્રમાણે જે તે ચીજના ભાવ દિન પ્રતિ દિન બદલાતાં રહેતા હોય છે. બજાર આધારિત ભાવ નિયંત્રણના આ સિધાન્તને ડિમાન્ડ અને સપ્લાઈનો સિદ્ધાંત કહેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે ટમેટા કે ડુંગળીની ઉપલબ્ધિ બજારમાં વધારે હોય અને ડિમાન્ડ ઓછી હોય તો ભાવ ઓછા અને એજ ટમેટા અને ડુંગળીની ઉપલબ્ધિ ઓછી અને માંગ વધે તો ભાવ આસમાને ઉડવા લાગે છે.
એવું તો હતું જ નહીં કે જ્યારે ટમેટા ડુંગળીના ભાવ ઘટ્યા ત્યારે તે ધૂળ માટીના અને વધ્યા ત્યારે સોના ચાંદીના હતા.
ટમેટા અને ડુંગળી તો એના એ જ હતા પરંતુ બજારમાં ઉપલબ્ધ ઓછા કે વધારે પુરવઠાએ તેના ભાવ ઓછા અને વધારે કર્યા. ટમેટા ડુંગળીનું તો ખાલી ઉદાહરણ છે અનિયંત્રિત હોય તેવી તમામ ચીજવસ્તુઓના ભાવની સ્થિતી આવી જ હોય છે.
હિરાબજારને નિયંત્રિત બજાર કરતું હોવાથી ડિમાન્ડ અને સપ્લાઈનો સિદ્ધાંત હિરાબજારને પણ લાગુ પડે છે. હાલમાં લેબગ્રોન હિરાના વધારે પુરવઠાની સરખામણીએ માંગ ઓછી હોવાથી કુદરતી હિરા કરતાં લેબગ્રોન હિરાના ભાવ ઓછા મળે છે.
હાલમાં લેબગ્રોન હિરાની માંગ ઓછી હોવાનું કારણ તેની ગુણવત્તાની કમી નહીં પરંતુ હાલના તબક્કે ગ્રાહકોમાં જાગૃતિનો અભાવ અને લેબગ્રોન અને કુદરતી હીરા વચ્ચે ગુણવત્તા બાબત ઊભું થયેલ માનસિક અજ્ઞાનનું ધૂંધળું વાતાવરણ જ છે.
બાકી સત્ય હકીકત એ છે કે લેબગ્રોન અને કુદરતી બન્ને હિરા કાર્બન નામની એક જ સિંહણનું સંતાન છે.
જેમ મશીનથી બનેલ રોટલી અને હાથે વણેલ રોટલી એક જ ઘઉંના લોટની હોય છે તેમ. ગ્રાહકોને જે દિવસે સાચું માનસિક જ્ઞાન થશે કે લેબગ્રોન હિરા અન્ય કશું જ નથી તે પણ કુદરતી હિરા જેવા જ હિરા છે ત્યારે લેબગ્રોન હિરાની ખરીદીમાં ક્રાંતિકારી વિસ્ફોટ થશે, તેમાં કોઈ બે મત નથી.
સને ૧૯૮૦માં ભારતીય જનતા પક્ષના સ્થાપના દિવસે જે અંદાજમાં ભાજપના ભવિષ્યનાં વિકાસની અંદાજીત ઘોષણા કરતા શ્રી અટલ બિહારી બાજપાઈજીએ કહ્યું હતું કે “અંધેરા હટેગા ઔર સૂરજ નિકલેગા.”
તેવી જ ઘોષણા કરતા મને સહેજ પણ ખચકાટ નથી કે લેબગ્રોન અને કુદરતી હિરા વચ્ચે માનસિક અજ્ઞાનનું અંધારું જે દિવસે હટશે તે દિવસે લેબગ્રોન હિરાનો ક્રાંતિકારી વિકાસ થશે, જેવો આજે ભાજપનો થયો છે.
હાલમાં માનસિક અજ્ઞાનની અંધારી ટોપલી નિચે લેબગ્રોન હિરા નામનો સુરજ ઢંકાયેલો છે.
ગુણવત્તા બાબત લેબગ્રોન અને કુદરતી હિરા વચ્ચે જે અજ્ઞાનજન્ય માનસિક ગેરસમજ છે તેને સમજવી અત્યંત જરૂરી છે.
જયાં સુધી લેબગ્રોન અને કુદરતી હિરા વચ્ચે ઊભી થયેલ માનસિક અજ્ઞાનની કાચી દિવાલ તોડવામાં નહીં આવે ત્યાં સુધી બન્ને સિંહ એક જ છે એવું સામાન્ય લોકો સમજશે નહીં.
લેબગ્રોન અને કુદરતી હિરાને જુદા પાડતા અજ્ઞાનજન્ય એવા જે કારણો સામે આવ્યા છે તેમાં લેબગ્રોન હિરા ખોટા છે, લેબગ્રોન હિરા આર્ટીફિશીયલ છે, લેબગ્રોન હિરા સિન્થેટીક છે, લેબગ્રોન હિરાની રિ-સેલ વૅલ્યુ નથી વગેરે જેવા ખોટા કારણોથી લેબગ્રોન હિરા ખરીદવાથી લોકો થોડા દૂર રહે છે.
હવે જોઈએ લેબગ્રોન હિરાથી લોકોને માનસિક દૂર રાખનાર ઉપરોક્ત અજ્ઞાનજન્ય કારણોની જ્ઞાનજન્ય હકીકતને.
અમુક લોકોને હજી પણ એ અજ્ઞાન છે કે લેબગ્રોન હિરા સાચા નથી
અમુક લોકો આજે પણ પ્રશ્ન કરે છે કે શું, લેબગ્રોન હિરા સાચા જ છે? આ પ્રશ્નમાં ભારોભાર અજ્ઞાન ભરેલું છે. લેબગ્રોન હિરા કુદરતી ગુણધર્મથી કુદરતી હિરાની સમકક્ષ હોવા છતાં ઊભા થયેલા આ અજ્ઞાનના કારણે અમુક લોકો લેબગ્રોન હિરા ખરીદવાથી દૂર રહે છે. (લેબગ્રોન અને કુદરતી હિરા કુદરતી ગુણધર્મથી સમાન છે તે બાબત આગળ જણાવેલ હોવાથી અહીં ફરીવાર ઉલ્લેખ કરવામાં આવેલ નથી.)
લોકોમાં જે દિવસે સાચી જાગૃતિ આવશે કે લેબગ્રોન હિરા કુદરતી હિરા જેવા જ છે ત્યારે લેબગ્રોન હિરા ખરીદનાર ખૂબ મોટો મધ્યમ વર્ગ બહાર આવશે તેમાં કોઈ શંકા નથી.
અમુક લોકોને હજી પણ એ અજ્ઞાન છે કે લેબગ્રોન હિરા આર્ટીફિશીયલ છે : આજે પણ એક વર્ગ એવો છે કે તેઓ લેબગ્રોન હિરાને આર્ટીફિશીયલ સમજીને તેનાથી દૂર રહે છે.
લેબગ્રોન હિરા આર્ટીફિશીયલ છે કે નહીં તે જાણતા પહેલા આર્ટીફિશીયલની પરિભાષા જાણી લઇએ. “જે વસ્તુ કે સ્વાદ કે ભાવ કે આચરણ કૃત્રિમ, ખોટુ, અપ્રાકૃતિક કે બનાવટી હોય તેને આર્ટીફિશીયલ કહેવાય છે.”
આર્ટીફિશીયલની ઉપરોક્ત પરિભાષાના સંદર્ભે જાણીએ તો લેબગ્રોન હિરા સ્વાદ, ભાવ અને આચરણની નહીં વસ્તુની શ્રેણીમાં આવે છે.
ભાવ અને આચરણ જીવંત મનુષ્ય સાથે સંકળાયેલ હોવાથી ચર્ચા તેની ન કરતા વસ્તુ સંદર્ભે જ જે ચર્ચા કરીએ તો લેબગ્રોન હિરાને કૃત્રિમ એટલે ન કહેવાય કે લેબગ્રોન અને કુદરતી હિરા બનવાનું સ્થાન અલગ હોવા છતાં બંનેના તત્ત્વ તો સમાન જ છે.
ગ્રાહકોને જે તે વસ્તુના મૂળભૂત તત્ત્વ અને કવૉલિટી સાથે જ સંબંધ હોય છે વસ્તુ બનાવવાના સ્થળ અને વસ્તુ બનાવવાની પ્રોસેસ સાથે કોઈ સંબંધ હોતો નથી.
એટલું જ નહીં જે તે વસ્તુ મનુષ્યકૃત હોય કે મશીનકૃત હોય તેની સાથે પણ ગ્રાહકને સંબંધ હોતો નથી. અહીં મશીનકૃત રોટલી કે મનુષ્યકૃત રોટલીનું ઉદાહરણ બરાબર બંધ બેસતું આવે છે.
જો એક જ લોટના પીંડામાંથી અમુક રોટલી મશીનથી બનાવેલ હોય અને અમુક રોટલી મનુષ્યે હાથે વણીને બનાવેલ હોય તો બંને પૈકી કોઈપણ રોટલી ખાવામાં ખાવાવાળાને કોઈ ફરક પડે નહીં.
– ક્રમશ:
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















