સમગ્ર હીરાઉદ્યોગ કેટલાક સમયથી તેના અસ્તિત્વ કાળના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હીરાઉદ્યોગનો કપરો સમય આવવાના એક નહીં એક કરતા વધારે કારણો છે.
જેમાં વૈશ્વિક આર્થિક સંકટ, વૈશ્વિક અશાંતિ, ઉદ્યોગની આંતરિક હરીફાઈ, ઓવર પ્રોડકશન અને કુદરતી હીરાને લેબ હીરા સાથે કરવી પડતી કિંમતની આંતરિક હરીફાઈ તેના મુખ્ય કારણો છે.
હીરાઉદ્યોગમાં છેલ્લા ચારેક વર્ષથી ઉદ્દભવેલ આ પરિસ્થિતીનું મારી સમજણ અને અનુભવના આધારે વિશ્લેષણ અને સંશ્લેષણ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. જરૂરી નથી કે મારા વિશ્લેષણના તારણો સાથે બધા જ લોકો સહમત હોય શકે.
કોઈના પણ સહમત અને અસહમત થવાના સંપૂર્ણ અધિકાર સાથે એટલી ખાતરી તો હું જરૂર આપી શકું કે આ વિશ્લેષણ કુદરતી હીરા અને લેબગ્રોન હીરાના પક્ષ કે વિપક્ષમાં પૂર્વગ્રહ રાખ્યા વગર મેં કર્યું છે.
હીરા કુદરતી હોય કે લેબગ્રોન મારા માટે કોઈપણ હીરા લાગણીનો નહીં રોજગારનો વિષય છે. અન્ય રીતે કહું તો હીરા મારા માટે ટપ ટપનો નહીં મંમ મંમનો વિષય છે.
હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કોઈપણ લોકો માટે હીરા કુદરતી હોય કે લેબગ્રોન તે રોજગારનો જ વિષય હોવો જોઈએ. એ કહેવાની કોઈ જરૂર નથી કે રાષ્ટ્રહિત સહિતના તમામ માનવીય હિતોનો સમાવેશ રોજગારમાં જ થતો હોય છે.
જો રોજી રોટીને આપણે ભગવાન સમજતા હોઇએ તો હીરા લેબગ્રોન હોય કે કુદરતી આપણા માટે તે બંને ભગવાન જ છે.
પ્રસ્તુત વિશ્લેષણમાં જે વિષયો પર હું પ્રકાશ પાડવા માંગુ છું તેમાં હીરાઉદ્યોગની આજની સ્થિતી, આજની સ્થિતી થવાનું કારણ, કુદરતી હીરા સાથે લેબગ્રોન હીરાની સરખામણી અને હીરાઉદ્યોગનું ભવિષ્ય વગેરે વિષયો મુખ્ય છે.
હીરાઉદ્યોગની હાલની સ્થિતી
તે હકિકતમાં કોઈ બે મત નથી કે હીરાઉદ્યોગ તેના ઈતિહાસના સૌથી કપરા સમયમાંથી હાલ પસાર થઈ રહ્યો છે. તે હકિકતમાં પણ કોઈ બે મત નથી કે આ કપરા સમયનો સૌથી મોટો આર્થિક ભોગ હીરાઉદ્યોગના ઘોરી નસ સમાન રત્નકલાકારો વધારે બન્યા છે.
સમગ્ર હીરાઉદ્યોગનો સમય જ્યારે કપરો ચાલતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉદ્યોગના સંચાલક એવા નાના અને મોટા તમામ ઉદ્યોગકારો પણ એટલા જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય. એટલું જ નહીં એવા લોકો પણ એટલી જ મુશ્કેલી અનુભવી રહ્યા હોય કે જેઓ હીરાઉદ્યોગ સંલગ્ન અન્ય વ્યવસાયો જેવા કે મકાન બાંધકામથી લઈ વાળ કાપનાર વાળંદ સુધીની કામગીરી સાથે સંકળાયેલા હોય.
હીરાઉદ્યોગના આ કપરા સમયે એવા અનેક દુર્ભાગી રત્નકલાકારો છે કે જેઓ સંપૂર્ણ રોજગાર વગરના થયા છે. જે રત્નકલાકારો હાલમાં રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે તેઓ પણ પહેલાની સરખામણીએ ઘણું ઓછુ આર્થિક વળતર પ્રાપ્ત કરી રહ્યા છે.
જે રત્નકલાકારે સંપૂર્ણ બેરોજગાર થયા છે તેઓની સ્થિતી દયનીય હોય તે તો સ્વાભાવિક છે પરંતુ જેઓ પહેલાની સરખામણીએ ઓછી કમાણી કરી રહ્યા છે તેવા રત્નકલાકારો પણ ઘણા દુઃખી છે.
સંપૂર્ણ બેરોજગાર અને અર્ધ બેરોજગાર રત્નકલાકારો દુઃખી એટલે છે કે તેઓએ તેઓની સારા સમયે થતી કમાણીના પ્રમાણમાં જીવન ધોરણ સેટ કરવા ઉપરાંત ભવિષ્યમાં હપ્તે હપ્તે ભરપાઈ કરીશું એવું વિચારી લોન લઈને મકાન, વાહન, સાધનો વગેરેનો ખર્ચ કરેલ હતો.
હવે કમાણી બંધ અથવા ઓછી થતા ઘરના ચાલુ ખર્ચા અને લોનના હપ્તા ભરવા ઉપરાંત કસમયે આવતી માંદગી તથા સમયે આવતા સામાજીક પ્રસંગોના ખર્ચા કાઢવા રત્નકલાકારો માટે અઘરા થયા છે.
નાનાને નાના અને મોટાને મોટાના પ્રમાણમાં કપરી પરિસ્થિતીની પીડા તો હોય જ છે. વ્યક્તિગત રીતે હું એવા કેટલાયે હીરાઉદ્યોગકારોને ઓળખું છું કે તેઓ હાલમાં તેઓના વ્યવસાયની અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.
જેમ કેટલાક રત્નકલાકાર રોજગાર વિહોણા થયા છે તેમ કેટલાય હીરાઉદ્યોગકારો પણ વિપરીત પરિસ્થિતી સામે હારી થાકીને પોતાનું ઉત્પાદન કાર્ય સંપૂર્ણ બંધ કરીને બેસી રહ્યા છે.
જેઓએ ઉત્પાદન ચાલુ રાખ્યું છે તેઓએ ઉત્પાદન ઓછુ તો કર્યું જ છે. હીરાઉદ્યોગના કપરા સમયના આ વાવાઝોડામાં કોની કેટલી મૂડી ઓછી થઈ તે તો તેઓને જ ખબર પરંતુ અનુમાન એવું જરૂર કરી શકાય કે હીરાઉદ્યોગકારોમાં મૂડી ઓછી કરવાનો આંકડો સામાન્ય નહીં ઘણો મોટો હશે.
કાઠીયાવાડના જુના સમયમાં જ્યારે પોસ્ટકાર્ડ દ્વારા પત્ર વ્યવહાર થતો ત્યારે એ નાનકડા પોસ્ટકાર્ડના અંતે એવું અમુક લખાતું કે થોડું લખ્યું છે ઝાજુ કરીને વાંચજે. એ જ રીતે હીરાઉદ્યોગની હાલની સ્થિતી વિષે થોડું લખ્યું છે પણ ઝાજું કરીને વાંચવા જેવી સ્થિતી છે.
હીરાઉદ્યોગની આ સ્થિતી થવાનું કારણ
કાર્ય કારણના સિદ્ધાંત અનુસાર કાર્યનું કોઈને કોઈ કારણ તો હોય, હોય ને હોય જ છે. હીરાઉદ્યોગની સ્થિતી ખરાબ થવાના એક નહીં એક કરતા વધારે કારણો જવાબદાર છે. કોઈપણ વ્યવસાયમાં આવતી તેજી અને મંદી એ જે તે વ્યવસાયનો એક સામાન્ય હિસ્સો જ હોય છે.
હીરાઉદ્યોગના આજ સુધીના ઈતિહાસમાં તેજી અને મંદી આવવાના અનેક કારણોમાં આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં થયેલી આર્થિક ઉથલપાથલ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અશાંતિ, હીરાનું ઓવર અથવા ઓછું પ્રોડકશન, દેશ અને વિદેશની સરકારી નિતિઓમાં થતા ફેરફાર અને ઉદ્યોગની વિપરીત કે તરફેણમાં લેવાયેલા સરકારી નિર્ણયો જેવા કારણોથી હીરાઉદ્યોગમાં તેજી અને મંદી આવેલ હતી.
હીરાના ઓવર અથવા ઓછા પ્રોડકશનને બાદ કરતા તેજી અને મંદી આવવાના બાકીના તમામ કારણો ઉદ્યોગના આંતરિક નહીં બહારના જ પરીબળો છે. એટલે કે આજ સુધીના ઈતિહાસમાં હીરાઉદ્યોગમાં આવેલ મોટાભાગની તેજી કે મંદી બાહ્ય પરિબળોના કારણે જ આવેલ હતી.
સને ૧૯૬૦થી આજ સુધીનાં ઈતિહાસમાં હીરાઉદ્યોગમાં જેટલી પણ તેજી અને મંદી આવી તેમાં ઉપરોક્ત પૈકીના કોઈને કોઈ એક અથવા એક કરતા વધારે કારણો જવાબદાર હતા.
હીરાઉદ્યોગમાં જે પરિસ્થિતીનું નિર્માણ હાલ થયેલ છે તે આગળના કોઈપણ પરિબળ કરતા બિલકુલ અલગ એવું એક નવું જ પરિબળ છે.
હીરાઉદ્યોગની હાલની પરિસ્થિતી સર્જન થવાનું નવું પરિબળ છે લેબમાં તૈયાર થતા કાચા હીરા. જેને આપણે લેબગ્રોન અને સી.વી.ડી. હીરા તરીકે ઓળખીએ છીએ.
આપણો હીરાઉદ્યોગ આજ સુધી માત્ર ને માત્ર વિદેશની ધરતીના પેટાળમાં કુદરતી પ્રોસેસથી બનેલ કાચા હીરા પર જ નિર્ભર હતો.
હવે જ્યારે જમીનમાં થતી કુદરતી પ્રોસેસ જેવી જ પ્રક્રિયા કરીને કુદરતી હીરા જેવા જ હીરા લેબમાં બનવાનું નવું પરિબળ ઉમેરાયું છે ત્યારે લેબમાં તૈયાર થતા લેબગ્રોન હીરાના નવા પરિબળે કુદરતી હીરાઉદ્યોગની સાથોસાથ હાલના સમગ્ર હીરાઉદ્યોગના પાયા હચમચાવી નાંખ્યાં છે.
ઉદ્ભવેલ હાલની વિપરીત પરિસ્થિતીને એક અર્થમાં મંદી ન કહેતા હીરાઉદ્યોગના આંતરિક માળખામાં આવેલ આમુલ પરિવર્તન કહીએ તે સત્યની સૌથી વધારે નજીક છે.
આ પરિવર્તન કુદરતી હીરાને પ્રોસેસ કરવાની મશીનરીમાં આવેલ ટેકનોલોજીનું નહીં પરંતુ ધરતીના પેટાળમાંથી નીકળતા કુદરતી હીરા જેવા જ હીરા મનુષ્ય સર્જિત લેબમાં નિર્માણ કરવાની આવેલ ટેકનોલોજીનું છે.
હીરાઉદ્યોગમાં આવેલ આ નવું પરિવર્તન સમગ્ર ઉદ્યોગ માટે શ્રાપ છે કે આશીર્વાદ તે સમજવા માટે આપણે માનવ ઈતિહાસમાં આવેલ આજ સુધીના વિવિધ ક્રાંતિકારી પરિવર્તનોમાં ડૂબકી લગાવવી પડશે.
મનુષ્યના વિકાસમાં સમુળગી ક્રાંતિ લાવનારા ઐતિહાસિક પરિવર્તનોને યાદ કરવા સૌથી પહેલા આપણે આપણી જંગલી અવસ્થા સુધી પહોંચવું પડશે.
મનુષ્ય જ્યારે સંપૂર્ણ જંગલી અવસ્થામાં આમથી તેમ ભટકતો હતો ત્યારે તે કોઈ એક સ્થાને સ્થાઈ ન હતો. કૃષિની શોધ એ મનુષ્યના જીવનનું સૌથી મોટું વિકાસલક્ષી ક્રાંતિકારી પરિવર્તન હતું. જેનાથી તેને વિકાસની સાથોસાથ સ્થાઈત્વ પણ મળ્યું.
થયેલ કૃષિક્રાંતિ પછી સમયે સમયે થયેલ અન્ય ક્રાંતિઓ જેવી કે વ્યાપારની ક્રાંતિ, વિજ્ઞાનની ક્રાંતિ, વરાળથી ચાલતા મશીનની ક્રાંતિ, ઉદ્યોગની ક્રાંતિ, વિજળીની ક્રાંતિ, કોમ્પ્યુટરની ક્રાંતિ જેવા ક્રાંતિકારી પરિવર્તનો આવતા મનુષ્યના જીવનમાં ઘનમૂળથી વિકાસલક્ષી પરિવર્તનો અર્થાત્ ટર્નિંગ પોઈન્ટસ આવ્યા હતા.
એ બાબતમાં ઈતિહાસ સાક્ષી છે કે આવેલા ક્રાંતિકારી નવા પરિવર્તનો સાથે જેઓ તાલ મેળવવામાં નિષ્ફળ રહ્યા અથવા પાછળ રહ્યા તેઓ માનવ વિકાસની સાથોસાથ આર્થિક વિકાસના વિષેશ પ્રવાહથી જ નહીં સામાન્ય પ્રવાહથી પણ બહાર ફેંકાય ગયા છે.
જેવા ક્રાંતિકારી પરિવર્તનો માનવ જીવનમાં આવ્યા તેવા જ ક્રાંતિકારી પરિવર્તનો વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગોમાં પણ આવ્યા છે.
એક સમયે અમદાવાદની ઓળખ એવા મીલ ઉદ્યોગથી ધમધમતા અમદાવાદમાં મીલો બંધ થવાનું સૌથી મોટું કારણ મજુરોનું યુનિયન નહીં કાપડ બનાવવાની ટેકનોલોજીમાં આવેલ ક્રાંતિકારી પરિવર્તન જ હતું.
જે તે સમયે કાપડ બનાવતી મીલોના સંચાનું સ્થાન આધુનિક લુમ મશીનોએ લેતા લુમની ઝડપ અને કવૉલિટી સામે સંચા ટકી શક્યા ન હતા. સાથોસાથ આજ અરસામાં કુદરતી કોટનનું સ્થાન સિન્થેટીક ફાઈબરે લેતા કાપડ ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું.
કાપડ ઉદ્યોગના જે ઉદ્યોગકારો આ ક્રાંતિકારી પરિવર્તન સાથે તાલ ન મેળવી શક્યા તેઓ સામાન્ય પ્રવાહની બહાર થયાના આપણી સમક્ષ અનેક દાખલા મોજૂદ છે.
કાપડ ઉદ્યોગની વાત તો બહારની છે, આપણા જ હીરાઉદ્યોગની વાત કરીએ તો તેમાં પણ સમયે સમયે ટેકનોલોજી, મેનેજમેન્ટ, વ્યાપારની રીતભાત, હીરા બનાવટની રીતભાત, વ્યાપારની નૈતિકતા, આંતરરાષ્ટ્રીય પ્રવાહો વગેરેમાં આવેલા પરિવર્તનો સાથે જેઓ તાલ ન મેળવી શક્યા તેઓ આપણી નજર સામે જ સામાન્ય પ્રવાહની બહાર નિકળી ગયાના અનેક દાખલા મોજૂદ છે.
એટલે જ આપણે એ સ્વિકારવું જોઈએ કે હીરાઉદ્યોગની હાલની વિપરીત સ્થિતી મંદીની ઓછી અને ક્રાંતિકારી પરિવર્તનની વધારે છે. છેલ્લા પાંસઠ વર્ષમાં હીરાઉદ્યોગમાં આવેલ તેજી મંદીના અનુભવથી આપણે એ સમજવું જોઈએ કે મંદીનો આવો પિરિયડ આટલો લાંબો ક્યારેય હોય શકે નહીં.
(વધુ આવતા અંકે)
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















