DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક ટેકનોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે વર્ચસ્વ જમાવવા માટે હવે જાપાન અને અમેરિકાએ હાથ મિલાવ્યા છે.
જાપાનના વિશાળ $550 અબજના રોકાણ કાર્યક્રમના ભાગરૂપે, બંને દેશો હવે અમેરિકામાં અત્યાધુનિક લેબ-ગ્રોન ડાયમંડ (LGD) એટલે કે કૃત્રિમ હીરાના ઉત્પાદન માટે એક વિશાળ ફેસિલિટી સ્થાપવાની યોજના બનાવી રહ્યા છે.
આ વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગમાં વપરાતા નિર્ણાયક મટિરિયલ્સ માટે ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
શા માટે આ પ્રોજેક્ટ મહત્વનો છે?
સામાન્ય રીતે આપણે હીરાને માત્ર ઘરેણાં તરીકે જોઈએ છીએ, પરંતુ ઔદ્યોગિક જગતમાં લેબ-ગ્રોન ડાયમંડ તેની અદભૂત ગરમી સહન કરવાની ક્ષમતા અને મજબૂતીને કારણે ‘સુપર મટિરિયલ’ માનવામાં આવે છે.
આ હીરાનો ઉપયોગ મુખ્યત્વે સેમીકન્ડક્ટર ચિપ્સ, ચોકસાઈપૂર્વકના કટીંગ ટુલ્સ (Precision Tools), અને નેક્સ્ટ જનરેશન ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં થાય છે. હાલમાં આ સેક્ટરમાં ચીનનો એકહથ્થુ શાસન જેવો દબદબો છે.
ચીને તાજેતરમાં કેટલાક મહત્વપૂર્ણ મટિરિયલ્સ પર નિકાસ નિયંત્રણો લાદ્યા હોવાથી પશ્ચિમી દેશો અને જાપાન પોતાની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા માંગે છે.
જાપાની વડાપ્રધાનની મુલાકાત અને નાણાકીય સહાય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટની જાહેરાત જાપાનના વડાપ્રધાનની આગામી વોશિંગ્ટન મુલાકાત દરમિયાન થઈ શકે છે. આ પ્રોજેક્ટમાં જાપાનની સરકારી સંસ્થાઓ આર્થિક પીઠબળ પૂરું પાડી શકે છે.
આ મેગા પ્રોજેક્ટમાં ડી બીયર્સ ગ્રુપ (De Beers Group) ની પેટાકંપની એલિમેન્ટ સિક્સ (Element Six) જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ થાય તેવી પ્રબળ શક્યતા છે. એલિમેન્ટ સિક્સ પાસે સિન્થેટિક ડાયમંડ ટેકનોલોજીમાં દાયકાઓનો અનુભવ છે, જેનો લાભ આ નવા પ્લાન્ટને મળશે.
ભારત માટે પણ સંકેત એકતરફ ભારત લેબ-ગ્રોન ડાયમંડના હબ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે અમેરિકા અને જાપાનનું આ પગલું સૂચવે છે કે ભવિષ્યમાં આ સેક્ટર માત્ર ફેશન પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ ટેકનોલોજીનો મુખ્ય હિસ્સો બની જશે.
જોકે, આ ચર્ચાઓ હાલ પ્રાથમિક તબક્કે છે અને સત્તાવાર કરાર પર મહોર લાગવાની બાકી છે, પરંતુ આ હિલચાલથી ગ્લોબલ ટેક માર્કેટમાં ગરમાવો આવી ગયો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















