DIAMOND CITY NEWS, SURAT
આજની ભાગદોડ વાળી જિંદગીમાં સુંદર દેખાવવું, વ્યવસ્થિત અને સુઘડ વસ્ત્રો પરિધાન કરવા એ જિંદગીનો એક ભાગ બની ગયો છે. તમે ટોળામાં હો, ઓફિસમાં હો, કોઇ પ્રસંગમાં હો કે જાહેર કાર્યક્રમમાં હો તો સુંદર દેખાતી વ્યક્તિ તરત સેન્ટર ઓફ એટ્રેક્શન બની જાય છે. સક્ષમ લોકો માટે દુનિયા ખુલ્લું મેદાન છે. આપણામાં ગમે તેટલી પ્રતિભા હોય, પણ જો આપણે શરીરથી અને મનથી વિખરાયેલા હોઇએ તો કોઈ આપણાને પસંદ ના કરે. બીજા લોકોનો વિશ્વાસ જીતવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય જીવનને વ્યવસ્થિત કરવાનો છે. જે લોકો વ્યવસ્થિત છે, તે આકર્ષક હોય છે. જે અવ્યવસ્થિત છે તેનાથી લોકો દૂર થઈ જાય છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યાં છીએ કે સુરતના એક તબીબે વ્યક્તિત્વને નિખાર આપીને અનેક લોકોના જીવનમાં મેઘધનુષના રંગો પૂર્યા છે. બ્યુટી ટ્રીટમેન્ટ અને સ્કિન ક્લિનિકમાં આ તબીબનું આજે ભારતભરમાં નામ છે
Parleની એક જાહેરખબર આવે છે જેમાં કહેવામાં આવે છે કે નામ તો સુના હી હોગા. આજે એવી જ એક વાત કરવી છે. ડૉ. જગદીશ સખિયા, સખિયા સ્કિન ક્લિનિક નામ તો સુના હી હોગા. 27 વર્ષમાં ભારતની નંબર-1 સ્કિન ક્લિનિક ચેઇન ઊભી કરનાર ડૉ. જગદીશ સખિયાના આજે સુરતમાં 8 સહિત ભારતભરમાં 31 સ્કિન ક્લિનક ચલાવે છે અને એક દુબઇમાં. હજુ તો ઘણું બધું મોટું કરવાની તેઓ તૈયારી કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદે કહેલું કે જે મહેનત કરે છે તે જાતે નસીબ બનાવે છે. જીવનમાં જે કંઇ જોઈતું હોય તેના માટે ખાલી ઈશ્વર પાસે પ્રાર્થનાઓ કરતા રહેવાના બદલે અથવા નસીબના ભરોસે બેસી રહેવાને બદલે માણસે મહેનત કરવી જોઈએ.
ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ કોલમ’માં આ વખતે સખિયા સ્કિન ક્લિનિકના સ્થાપક ડૉ. જગદીશ સખિયા વિશે વાત કરીશું.
27 વર્ષમાં તેમણે જે સફળતા મેળવી છે તે એમનેમ મળી નથી, તેમની અથાગ મહેનત, જિંદગી પ્રત્યેનો પોઝિટિવ અભિગમ, અનેક સંઘર્ષો અને પડકારોનો સામનો કર્યા પછી ડૉ. જગદીશ સખિયા હસતાં ચહેરા સાથે સફળતાના પથ પર નિરંતર આગળ વધી રહ્યાં છે. તમે એમની સ્ટોરી વાંચશો તો ખબર પડશે કે એક માણસ ધારે તો કેટલું કરી શકે છે. ડૉ. સખિયાની સફળતાનું રહસ્ય તેમનો સ્માઇલિંગ ફેસ છે. ડૉ. સખિયાને તમે જ્યારે પણ મળો તો તેમના ચહેરાં પર ઉર્જાવાળી સ્માઇલ જોવા મળશે. હું તમને ચોક્કસ ખાત્રી સાથે કહી શકું છે કે ડૉ. સખિયાની લાઈફ સ્ટોરી તમારી જિંદગીમાં પ્રેરણાના પ્રાણ પુરશે.
તો ડૉ. સખિયાના બાળપણથી માંડીને અત્યાર સુધીની તેમની સફર વિશે અમે તમને જણાવીશું
ડૉ. જગદીશ સખિયાનો જન્મ ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામમાં થયો હતો. તેમના પિતા સરકારી નોકરીમાં હતા અને માતા ગૃહિણી હતા. ડૉ. સખિયાના દાદા ગોંડલના રજવાડાના સમયમાં આચાર્ય હતા એટલે શિક્ષણનું ભાથું તેમને બાળપણથી જ મળ્યું હતું. તેઓ જુનાગઢમાં 1 થી 12 ધોરણ ભણ્યા અને MBBS અને MDની ડિગ્રી તેમણે જામનગરમાંથી મેળવી. વિશ્વસનીય અને લેટેસ્ટ ટેક્નોલૉજીનું જ્ઞાન તેઓ હજુ પણ મેળવી રહ્યા છે અને આના માટે દુનિયાના 40 દેશોમાં ફર્યા છે.
ફાઇનલ MBBSમાં 1 માર્ક માટે ફેઈલ થયા હતા ત્યારે 6 મહિનાનો એ કપરો સમય ટર્નિંગ પોઇન્ટ બન્યો
ડૉ. જગદીશ સખિયા આજે સફળતાના શિખરો પર પહોંચેલા છે, પરંતુ એ પહેલા તેમણે જિંદગીમાં અનેક સંઘર્ષનો સામનો પણ કરેલો છે. તેઓ ફાઇનલ MBBSની પ્રૅક્ટિકલમાં માત્ર 1 માર્ક માટે નાપાસ થયા હતા. આ એક કપરો સમય હતો. કારણ કે એવી આશંકા ઊભી થયેલી કે હવે ડૉક્ટર નહીં બની શકાશે. શરૂઆતમાં તેમના મનમાં નિરાશા હતી, પરંતુ નિરાશાને તેમણે હાવી ન થવા દીધી અને 6 મહિના તેમણે મનોમંથન કર્યું અને આ મનોમંથન તેમની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ બન્યું. તેમણે નક્કી કર્યું કે, બસ, ગમે તે થાય, આગળ વધવું જ છે.
100ના પરિવારમાં ડૉ. સખિયા પહેલા તબીબ બન્યા
ડૉ. સખિયાએ કહ્યું કે, બે વખત દાઝી જવાના અને બે વખત અકસ્માતના પ્રસંગોને કારણે હોસ્પિટલને નજીકથી જોઇ હતી. ત્યારે જ નક્કી કર્યું કે તબીબ બનવું છે. MBBS પુરું કર્યા પછી કઇ બ્રાન્ચમા જવું તેના વિશે વિચાર્યું અને કયા ક્ષેત્રમાં ગેપ છે તે આઇડેન્ટીફાય કર્યું. તો ખબર પડી કે ડર્મેટોલોજીસ્ટની બ્રાન્ચમાં એટલે કે ચામડીના રોગાની સારવાર માટે ઓછા વિદ્યાર્થીઓ જાય છે. એટલે મેં ડર્મેટોલોજીસ્ટ બનવાનું નક્કી કર્યું. દેશમાં અત્યારે ક્વોલીફાઇડ ડર્મેટોલોજીસ્ટની સંખ્યા માત્ર 12,000 છે. ડૉ. સખિયાએ કહ્યું કે, અમારો 100 લોકોનો મોટો પરિવાર છે, પરંતુ પરિવારમાં મારા પહેલાં કોઇ મેડિકલ ક્ષેત્રમાં ગયું નહોતું. સખિયા પરિવારનો હું પહેલોં એવો વ્યક્તિ હતો જે તબીબ બન્યો હોય.
કરોડો રૂપિયાના મશીનો લાવેલો, પરંતુ કોઇ ટ્રીટમેન્ટ કરાવવા આવતું નહોતું, પરંતુ નિરાશ ન થયો
ડૉ. સખિયાએ કહ્યું કે, સખિયા સ્કિન ક્લિનિક શરૂ કર્યું પછી બ્યુટીફિકેશન અને સ્કિન ટ્રીટમેન્ટ માટે હું કરોડો રૂપિયાના આધુનિક મશીનો લાવ્યો હતો. લોકોમાં અવેરનેસ નહોતી અને મોંઘી ટ્રીટમેન્ટ હશે એમ માનીને લોકો ટ્રીટમેન્ટ કરાવવા જ નહોતા આવતા. તે વખતે મારા માટે આ મશીનો ધોળા હાથી પુરવાર થઇ રહ્યાં હતા. એક તબક્કે એમ લાગતું હતું કે આ સાહસ ભારે પડી જશે. પરંતુ હું નિરાશ ન થયો કે અટકી ન ગયો. મેં બે વર્ષ સુધી કેમિકલ પીલીંગ મફતમાં કર્યું હતું. આજે લોકોમાં અવેરનેસ આવી છે અને આધુનિક મશીનો પર લોકો ટ્રીટમેન્ટ કરાવી રહ્યાં છે.
જ્યારે પહેલું ક્લિનિક શરૂ કરેલું ત્યારે પિતા પાસે 2.50 લાખ અને સસરા પાસે 2.50 લાખની સહાય લીધેલી
સુરતના વરાછા વિસ્તારમાં જ્યારે પહેલું ક્લિનિક શરૂ કરવામાં આવેલું ત્યારે ડૉ. સખિયા પાસે પૈસા નહોતા. તેમણે તેમના પિતા પાસે 2-50 લાખ અને સસરા પાસે 2-50 લાખ રૂપિયાની સહાય લીધેલી.
ડૉ. સખિયાનનો ચહેરો સદાયે હસતો જોવા મળે છે, તેની પાછળ છે આ કારણ…
ડૉ. સખિયાને અમે પૂછ્યું કે તમારો ચહેરો દરેક વખતે હસતો જોવા મળે છે, એની પાછળનો રાઝ શું છે? તેમણે કહ્યું કે, એના માટેનો પહેલો નિયમ એ છે કે તમે અંદરથી સારા હો તો એ બહાર દેખાય છે. બીજું કે હું હંમેશા પોઝિટિવ વિચારધારા ધરાવું છું. તમે કૃત્રિમ રીતે લાંબો સમય સુધી તમારો ચહેરો હસતો રાખી શકો નહીં. પુસ્તકોએ મને વધારે મજબુત કર્યો છે.
સખિયા સ્કિન ક્લિનિકની ભવિષ્યની યોજનાઓ પણ ભવ્ય છે…
ડો. સખિયાએ કહ્યું કે, સખિયા સ્કિન ક્લિનિકની 20,000 ફ્રેન્ચાઇઝી ઊભી કરવાની અમારી યોજના છે. ગામના લોકોને ચામડીને લગતી બીમારીમાં બેઝિક સારવાર મળી જશે. તેમણે આગળ કહ્યું કે, પહેલી આવક 30,000 રૂપિયા હતી આજે 600 કરોડની કંપની બની ગઇ છે. કંપનીના ડેવલપમેન્ટ માટે આગામી 3 વર્ષમાં IPO લાવવાની પણ અમારી યોજના છે. આગામી 10 વર્ષની અંદર સખિયા સ્કિન કલિનિકને 30,000 થી 40,000 કરોડ રૂપિયાની કંપની બનાવવાનું અમારું ફોકસ છે.
ડૉ. જગદીશ સખિયાનું વિઝન અને મિશન આ છે
વિઝન : વિશ્વના દરેક વ્યક્તિ માટે સુલભ ગુણવત્તાયુક્ત ત્વચા સંભાળ સોલ્યુશન્સ પ્રદાન કરવાનું
મિશન : વિશ્વની સૌથી મોટી સ્કિન ક્લિનિક ચેઇન બનવાના મૂળ સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ઉચ્ચ ગુણવત્તા, નવીન અને દર્દી-કેન્દ્રિત ત્વચારોગવિજ્ઞાન અને કોસ્મેટોલોજી સેવાઓનો સંપૂર્ણ સ્પેક્ટ્રમ પહોંચાડવાનું
પાયાના મૂલ્યો : અમે જે કરીએ છીએ તેમાં પ્રામાણિક્તા, પેશન, ઇનોવેશન, અનુકૂલનક્ષમતા અને અસંતુલિત અખંડિતતા સાથે નૈતિક રીતે કાર્ય કરીએ.
પત્ની રૂપલ સખિયાના પગલાંએ સડસડાટ સફળતા અપાવી
ડૉ. જગદીશ સખિયાના પત્ની ડૉ. રૂપલ હોમિયોપેથી ડૉક્ટર છે. તેમણે કહ્યું કે, મારી જિંદગીની સફળતાની ગાડી મારા લગ્ન પછી સડસડાટ દોડવા માંડી હતી. રૂપલના મારા જીવનમાં પગલાં પડ્યા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. તેમણે કહ્યું કે, પત્ની રૂપલે સખિયા સ્કિન ક્લિનિકમાં એડમિનીસ્ટ્રેશનની મહત્ત્વની જવાબદારી સંભાળી લીધી છે એટલે હું મારા કામમાં વધારે ફોકસ કરી શકું છું. સંતાનમાં બે પુત્ર છે, ધ્રુવ અને હેત. ધ્રુવ MDમાં પ્રથમ વર્ષમાં સ્મીમેર મેડિકલમાં અને હેત MBBSના બીજા વર્ષમાં અમદાવાદમાં અભ્યાસ કરી રહ્યા છે…
ડૉ. જગદીશ સખિયા દાનની સરવાણી વહેવડાવવામાં પણ પાછળ નથી
સખિયાએ કહ્યું કે, જ્યારે આખી દુનિયા કોવિડને કારણે સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે સખિયા સ્કિન ક્લિનિક માનવજાતને તેની સેવાઓ પ્રદાન કરવામાં મોખરે રહ્યું હતું અને દર્દીઓને 5000થી વધુ ઓનલાઈન ટેલિ કન્સલ્ટેશન પૂરું પાડ્યું હતું. સખિયા સ્કિન ક્લિનિકે પી.જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું, જે વંચિત જૂથો માટે મફત સ્કિન કેર ચેક-અપ સુવિધાઓ પૂરી પાડે છે. અમે મહિનાના દર પ્રથમ બુધવારે મફત સલાહ આપીએ છીએ.
1998માં સુરતમાં 600 સ્ક્વેર ફુટ વિસ્તારમાં પહેલું સ્કિન ક્લિનિક શરૂ કરેલું આજે 60,000 સ્ક્વેર ફુટમાં છે.
1997માં MDનું ભણવાનું પુરું થયું પછી ડૉ. સખિયાએ સૌથી પહેલું સ્કિન ક્લિનિક સુરતના વરાછા વિસ્તારમાં આવેલા તાપીબાગમાં શરૂ કરેલું. પહેલું ક્લિનિક માત્ર 600 સ્ક્વેર ફુટ વિસ્તારમાં હતું, પરંતુ 27 વર્ષમાં સખિયા સ્કિન ક્લિનિક ભારતની નંબર વન ચેઇન બની ગઇ છે. આજે સખિયા સ્કિન ક્લિનિક 60,000 સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલું છે. સુરતમાં 8 અને ભારતામાં 31 સખિયા સ્કિન ક્લિનિક ચાલે છે. એક દુબઇમાં છે અને હવે નજીકના દિવસોમાં અમેરિકામાં પણ શરૂ કરવાની યોજના છે.
તેમણે કહ્યું કે, અત્યારે દોઢ બે લાખની વસ્તી પર એક ડર્મેટોલોજીસ્ટ છે અને એ તાલુકા અને ગામડામાં તો ઘણા ઓછા છે, આ વાતને ધ્યાનમાં રાખીને અમે સખિયા સ્કિન ક્લિનિકના સેન્ટરો દેશભરમાં શરૂ કર્યા. ડૉ. જગદીશ સખિયાએ ત્વચારોગ વિજ્ઞાનમાં તબીબી ડિગ્રી પ્રાપ્ત કરી ત્યારથી, સૌંદર્ય શાસ્ત્ર અને સૌંદર્ય વિજ્ઞાનના અધ્યયનમાં પોતાને સમર્પિત કરી દીધા. ભારતના અગ્રણી ત્વચારોગ વિજ્ઞાનીઓમાંના એક તરીકે, તેઓ કોસ્મેટિક ત્વચારોગવિજ્ઞાનના પ્રસિદ્ધ નિષ્ણાત પણ છે.
ડૉ. જગદીશ સખિયાએ ઑસ્ટ્રેલિયામાં એન્ટિ-રિંકલ ઇન્જેક્શન થેરાપી, પેરિસમાં માઇક્રો-ડર્મા અને કેમિકલ પીલિંગ, યુએસમાં ફ્રેક્શનલ CO2 લેસર ફેશિયલ રિસરફેસિંગ, યુએઈમાં એડવાન્સ ફિલર્સ, ગ્રીસમાં ત્વચા અને વાળ માટે મેસો-થેરાપીની અદ્યતન તાલીમ લીધી છે. અને બેંગ્લોરમાં સ્ક્લેરોથેરાપી, મલેશિયામાં લાઇટ-આધારિત IPL ત્વચા સારવાર, ઇઝરાયેલમાં લેસર વાળ દૂર કરવા, અમેરિકામાં ત્વચાની સારવાર માટે Q-Switch Nd-Yag લેસર, સ્પેનમાં ત્વચાને કડક કરવા માટે રાડિયા ફ્રીક્વન્સીનું જ્ઞાન મેળવ્યું. આવી તો લાંબી યાદી છે.
સ્કિનની લેટેસ્ટ સારવારનું જ્ઞાન મેળવવા માટે 40 દેશોમાં ફર્યા છે. ડૉ. જગદીશ સખિયા ગુજરાત રાજ્ય ત્વચારોગ વિજ્ઞાન શાખાના પ્રેસિડેન્ટ, પિગમેન્ટેટરી ડિસઓર્ડર્સ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ, વરાછા રોડ મેડિકલ એસોસિએશન-સુરતના પ્રમુખ અને કોસ્મેટોલોજી ડર્મેટોલોજી સોસાયટી ઓફ ઈન્ડિયાની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય છે.
તેઓ P.J. ચેરિટેબલ ટ્રસ્ટના પણ સ્થાપક છે, જે એમની માતાની યાદમાં બનાવેલું છે. જે જરૂરિયાતમંદો માટે ફ્રીમાં કેમ્પ કરે છે. વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ એવી વિવિધ જગ્યાઓ પર ચામડીના રોગોના નિદાન કેમ્પ અને ફ્રી ઑફ કોસ્ટમાં દવા પણ આપે છે. તેઓ અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી (A.A.D.) તેમજ અમેરિકન સોસાયટી ફોર લેસર મેડિસિન એન્ડ સર્જરીના આંતરરાષ્ટ્રીય ફેલો પણ છે.
P.J. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહીનાના પહેલા બુધવારે નાના વરાછા ક્લિનિકમાં ફ્રી કન્સલ્ટેશન કરીએ છીએ. અને જરૂરિયાત મંદોને સારવાર આપી છીએ.
જિંદગીના કેટલાક પ્રસંગો એવા છે જેણે અનહદ ખુશી આપી હતી
અમે ડૉ. સખિયાને તેમની જિંદગીના એવા પ્રસંગો વિશે પૂછ્યું જેમાં તેમને ખુશી મળી હોય. તેમણે કહ્યું કે જ્યારે MBBSમાં પ્રવેશ મળ્યો તે જિંદગીનો અનહદ ખુશીનો દિવસ હતો એ પછી MDમાં પ્રવેશ મળ્યો તે પણ મારા માટે ખુશીની ઘટના હતી. તેમણે કહ્યું કે, અમારા સગાં સંબંધીઓની બે દીકરીનું કન્યાદાન કર્યું હતું અને લગ્નનો તમામ ખર્ચ ઉપાડેલો એ પણ એક ધન્ય ઘડી હતી. આ ઉપરાંત કેટલાક દર્દીઓની લાઇફના કિસ્સા પણ તેમણે શેર કર્યા.
એક યુવતીને શરીર પર વ્હાઇટ સ્પોટ હતો અને તેને કારણે તેણીના લગ્ન જીવનમાં ભંગાણ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ યુવતીને સર્જરી કરીને તેને એકદમ પરફેક્ટ બનાવી દીધી. આજે એ દીકરી મને પગે લાગવા આવે છે ત્યારે સુકુનનો અહેસાસ થાય છે કે કોઇકના માટે કંઇક કરી શક્યા. એક યુવતીને ખીલ હતા તો તેનો પતિ તેણીની સાથે વાત જ નહોતો કરતો. એ યુવતી મારી પાસે આવી અને તેના ખીલ દુર કર્યા અને આજે તેની લાઈફ પણ પરફેક્ટ છે.
એક 70 વર્ષના વૃદ્ધ હતા તેમને શરીરમાં એટલી ખંજવાળ આવતી કે તેમને આપઘાત કરવાના વિચાર આવતા હતા. તેમને મારો સંપર્ક મળ્યો અને પછી વૃદ્ધની એવી ટ્રીટમેન્ટ કરી કે તેમની ખંજવાળની સમસ્યા ગાયબ થઇ ગઇ. ઉપરાંત પેન્ફીગસ જે ચામડીનો જીવલેણ રોગ કહેવાય છે તેના 300 દર્દીઓને સાજા કર્યા છે. તેમણે કહ્યું કે, આવી બધી બાબતો જિંદગીમાં સુકુન અને ખુશી આપે છે.
આજે જિંદગીના દરેક ક્ષેત્રમાં સૌંદર્ય જરૂરી છે એ હવે લક્ઝરી નથી
ડૉ. સખિયા માત્ર ચામડીના રોગાની સારવાર જ કરે છે એવું નથી, પરંતુ તેઓ બ્યુટીફિકેશનની ટ્રીટમેન્ટ માટે પણ એટલા જ જાણીતા છે. તેમની પાસે આધુનિક મશીનો છે જેની પર તેઓ લોકોના વ્યક્તિત્વને નિખાર આપવાનું કામ પણ કરે છે. તેમણે કહ્યું કે, આજના યુગમાં સૌંદર્ય ખૂબ જ જરૂરી છે અને હવે સૌંદર્ય લક્ઝરી રહ્યું નથી.
આજે પ્રેઝન્ટેશનનો જમાનો છે, જો તમે અપ ટુ ડે નહીં દેખાતા હો તો પાછળ રહી જશો. તેમણે કહ્યું કે બ્યુટી ટ્રીટમેન્ટના ફાયદા એ છે કે વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે, ફીલ ગુડનો અનુભવ થાય છે, આખા વ્યક્તિત્વમાં નિખાર આવી જાય છે, તમારી હાજરીની નોંધ લેવામાં આવે છે, તમે સુંદર અને આકર્ષક દેખાતા હો તો લોકોને તમારી સાથે વાત કરવાનું પણ ગમશે, આજે એટલા બધા સેક્ટર ખુલ્યા છે, જેમાં તમારી ગ્લેમરસતાની જરૂર પડશે.
સુરતના રત્નકલાકારોને ચામડીના રોગની વધારે સમસ્યા રહે છે
ડૉ. સખિયાએ કહ્યું કે, સુરત ઇન્ડસ્ટ્રીઅલ સિટી છે અને ડાયમંડ ઉદ્યોગની અંદર લાખો રત્નકલાકરો કામ કરે છે. સુરતમાં હાઈજીન અને હ્યુમિડિટીની સમસ્યા વધારે છે. વધારે પડતાં ફાસ્ટફૂડના કારણે ખીલની અને ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ વધારે છે. તેમણે કહ્યું કે, માત્ર ચામડીના 5,000 જેટલાં રોગો છે. સુરતમાં ગીચતા વધારે છે અને ચામડીના કેટલાક રોગ ચેપી હોય છે.
મારી સફળતા માટે આ લોકો મારી પ્રેરણા બન્યા છે
ડૉ. સખિયાએ કહ્યું કે આમ તો માતા-પિતા અને મારી પત્ની રૂપલ મુખ્ય પ્રેરણા છે, પરંતુ પુસ્તકોએ મારામાં નવીન ઉર્જા, હકારાત્મકતાનો ભંડાર ભરી દીધો છે. આજે પણ હું પુસ્તકો વાચું છું અને ખાસ કરીને સફળ વ્યક્તિઓની બાયોગ્રાફી વાચું છું. મારી જિંદગીની સફળતાની પ્રેરણા મને ડેલ કાર્નેગી, દિવગંત ધીરુભાઇ અંબાણી અને હવે ટેસ્લા કંપનીના CEO એલન મસ્કને મેં મારા ગુરુ બનાવી દીધા છે.
સખિયા સ્કિન ક્લિનિકના આ છે માઇલ સ્ટોન :
- હાલમાં 31 ક્લિનિક છે અને બીજા નજીકના ભવિષ્યમાં 100 ખુલવાના છે
- 25 વર્ષનો અનુભવ
- 5 લાખ કરતા વધારે હેપ્પી પેશન્ટસ
- 3 લાખ લેઝર હેર રીમુવલ પ્રોસીઝર કરી
- લેઝર હેર રીમુવલમાં ગુજરાતના પાયોનિયર
ડૉ. સખિયા સુરતમાં દુનિયાની સૌથી મોટી સ્કિન ઇન્સ્ટિટ્યૂટ બનાવવા જઈ રહ્યા છે
ડૉ. જગદીશ સખિયા સુરતમાં જે કરવા જઈ રહ્યા છે તે સુરતના મેડિકલ, એજ્યુકેશન અને ટેક્નોલૉજીની દુનિયામાં એક અભૂતપૂર્વ ક્રાંતિ હશે. ડૉ. સખિયા દુનિયાનું સૌથી મોટી સ્કિન ઇન્સ્ટિટ્યૂટ બનાવવા જઈ રહ્યા છે. કામરેજના લાડવી પાસે આ ઇન્સ્ટિટ્યૂટ 3 લાખ સ્ક્વેર ફુટ વિસ્તારમાં બનવાની છે અને વર્ષ 2025થી તેનું કામ શરૂ થશે અને 2027માં શરૂ કરવાની તેમની યોજના છે. ડૉ. સખિયાએ કહ્યું કે, સખિયા સ્કીન ઇન્સ્ટિટ્યૂટ સુરતનું નામ દુનિયાભરમાં રોશન કરશે. તો હવે એ જાણો કે, સખિયા સ્કિન ઇન્સ્ટિટ્યૂટમાં શું હશે?
- વર્લ્ડની બેસ્ટ ટેક્નોલૉજી મળશે
- Speciality ક્લિનિકની સુવિધા મળશે આના માટે 22 રૂમ હશે. ચચામડીના વિવિધ રોગ માટે અલગથી કન્સલ્ટ રૂમની સુવિધા મળશે.
- એક જ છત નીચે વર્લ્ડ ક્લાસ ત્વચા રોગની સારવાર, ડર્મેટો સર્જરી અને લેસર સારવાર, એન્ટિ એજીંગ અને પ્લાસ્ટિક સર્જરી ઉપલબ્ધ હશે.
- દુનિયાભરના ભાવિ ડર્મેટોલોજિસ્ટ આ ઈન્સ્ટિટ્યૂટની એકેડેમીમાં સુરત ભણવા આવશે અને આ ઉપરાંત ક્લિનિકલ ટ્રાયલ પણ આ ઇન્સ્ટિટ્યૂટમાં થશે.
- અત્યારે ભારતમાં ડર્મેટોલોજી માટે એક પણ લેસર મશીન બનતા નથી, બધા મશીનો આયાત કરવા પડે છે. ઇન્સ્ટિટ્યૂટમાં આ બધા મશીનો બનાવવામાં આવશે. એ રીતે ભારત આત્મનિર્ભર બનશે.
- અત્યારે ચામડીના રોગો માટેની નેનો ટેક્નોલૉજી વાળી દવા 5,000થી વધારે કિંમતમાં મળે છે, જે ઇન્સ્ટિટ્યૂટમાં સસ્તાં દરે મળતી થશે.
- સખિયા સ્કિન ઇન્સ્ટિટ્યૂટમાં 7 ડિવિઝન હશે
- 30,000 સ્ક્વેર ફુટ વિસ્તારમાં ટેલી કન્સલટન્ટ સેવા શરૂ કરવામાં આવશે. જેમાં આફ્રિકા, અમેરિકા જેવા ઓવરસીઝ દેશોના દર્દીઓનું કન્સલટેશન કરવામાં આવશે. વિદેશમાં 3-3 મહિને પણ એપોઇન્ટમેન્ટ મળતી નથી. તેને બદલે ઇન્સ્ટિટ્યૂટ માં દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો વ્યક્તિ સંપર્ક કરી શકશે અને તેને 3 દિવસમાં દવા પણ પહોંચાડી દેવામાં આવશે.
- મેડિકલ ક્ષેત્ર ખાસ કરીને ચર્મરોગના ક્ષેત્રમાં સુરત ભવ્ય ક્રાંતિ કરવા જઈ રહ્યું છે.
- એક લાખ લોકોને રોજગારી મળશે.
ડૉ. જગદીશ સખિયાની આ ટિપ્સ તમારી જિંદગી સુધારી દેશે
ડૉ. જગદીશ સખિયાએ આજની યુવા પેઢી અને જિંદગીમાં કંઈક અલગ કરવા માંગતા લોકો માટે અમૂલ્ય ટિપ્સ આપી છે.
- તેમણે કહ્યું કે જિંદગીમાં જે લોકો સફળતાની ટોચે પહોંચ્યા છે તેમની બાયોગ્રાફી વાંચો તો તમને નિષ્ફળતા અને સફળતા વિશે જાણવા મળશે. માત્ર 200 કે 300 રૂપિયાના પુસ્તકમાં તમને જિંદગીનું અમૂલ્ય ભાથું મળી જશે.
- હંમેશા ગુરુ રાખવા, કોઇ કન્સલટન્ટ રાખવા. બધું મને આવડે છે એવો ફાંકો રાખવો નહીં. જાણકારો પાસેથી માહીતી મેળવો.
- એક વાત સમજી લેવા જેવી છે કે શીખવાની કોઇ ઉંમર નથી, જાગ્યા ત્યાંથી સવાર એટલે જ કહેવામાં આવે છે.
- ટેક્નોલૉજીનો સૌથી વધારે ઉપયોગ કરતા શીખો. હવે પછીનો જમાનો ઓટોમેશન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો છે.
- ડૉ. સખિયાએ કહ્યું કે ડેર્મેટોલોજી મારું પેશન છે, તમને ગમતું કામ હોય એટલે તમે એને ખુશી ખુશી કરો
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel



















