DIAMOND CITY NEWS, SURAT
ભારતના બુલિયન અને ગોલ્ડ રિફાઈનિંગ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ નિર્ણય લેતાં ‘ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી’ (IFSCA) દ્વારા ગઈકાલે ‘IFSCA (ગુડ ડિલિવરી) ગાઈડલાઈન્સ, ૨૦૨૬’ સત્તાવાર રીતે નોટિફાઈડ કરવામાં આવી છે. આ ગાઈડલાઈન્સ જાહેર થતાં જ ‘જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GJEPC) એ ભારત સરકારને આ ‘ઈન્ડિયા ગુડ ડિલિવરી ગોલ્ડ ફ્રેમવર્ક’ ને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવા અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવા માટે વિનંતી કરી છે. આ ફ્રેમવર્કથી ભારતમાં રિફાઈન થતા સોનાની વિશ્વસનીયતા વધશે, રેસ્પોન્સિબલ સોર્સિંગ મજબૂત થશે અને ભારતમાંથી ગોલ્ડ બુલિયનની નિકાસ માટે નવી તકો ઊભી થશે.
GJEPC ના ચેરમેન શ્રી કિરીટ ભાનુશાળીએ આ નીતિગત નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, “ગઈકાલે જાહેર થયેલી IFSCA ગાઈડલાઈન્સ ૨૦૨૬ એ ભારતના ગોલ્ડ બુલિયન ઉદ્યોગ અને સમગ્ર ઈકોસિસ્ટમ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. અત્યાર સુધી વિશ્વભરમાં સૌથી વધુ ભરોસાપાત્ર ગણાતા ગોલ્ડ બાર્સ પર ‘લંડન ગુડ ડિલિવરી’ નો સિક્કો અને શ્રદ્ધા હોતી હતી. પરંતુ આ નવી માર્ગદર્શિકાથી ભારતમાં રિફાઈન થયેલું સોનું પણ તે જ સ્તરનો વૈશ્વિક વિશ્વાસ પ્રાપ્ત કરી શકશે. આ ગાઈડલાઈન્સ રિફાઈનરીનું સોનું ક્યાંથી આવે છે અને તેનું ચેકિંગ કેવી રીતે થાય છે તેના પર વૈશ્વિક ધોરણો મુજબના સ્પષ્ટ નિયમો નક્કી કરે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે હવે સરકારને વિનંતી કરીએ છીએ કે આ ‘ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ’ ને પેરિસ સ્થિત ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવવા માટે ઝડપી પગલાં ભરે. હાલમાં જ ભારતે યુરોપિયન યુનિયન (EU) અને યુનાઇટેડ કિંગડમ (UK) સાથે કરેલા વ્યાપારિક કરારો (FTAs) આપણને OECD માં સ્વીકૃતિ મેળવવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે, કારણ કે OECD નું મુખ્ય મથક પેરિસમાં અને LBMA લંડનમાં સ્થિત છે. વૈશ્વિક માન્યતા મળવાથી ભારત વિશ્વ સ્તરે સોનાના ભાવ નક્કી કરવામાં એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક અવાજ બનશે, જે આપણું લાંબા સમયનું રાષ્ટ્રીય સ્વપ્ન રહ્યું છે.”
આ નવી માર્ગદર્શિકા સોનાના શુદ્ધિકરણમાં ગુણવત્તાની ખાતરી, જવાબદાર સોર્સિંગ અને ટ્રેસેબિલિટી (સોર્સ ટ્રેકિંગ) માટે એક મજબૂત માળખું સ્થાપિત કરે છે. IFSC માં કાર્યરત નાણાકીય ઉત્પાદનો અને સંસ્થાઓની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા IFSCA, ગિફ્ટ સિટીમાં આવેલા ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ’ (IIBX) દ્વારા આ સિસ્ટમનો અમલ કરશે. માન્યતા પ્રાપ્ત રિફાઈનર્સનું સોનું નક્કી કરેલા ધોરણો પૂરા કર્યા બાદ IFSC એક્સચેન્જો પર સત્તાવાર ડિલિવરી માટે અને ઓવર-ધ-કાઉન્ટર (OTC) ટ્રેડિંગ માટે યોગ્ય ગણાશે.
આ ફ્રેમવર્ક માત્ર ગોલ્ડ બાર્સની શુદ્ધતા અને ગુણવત્તા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેના ઉદ્ગમ સ્થાનને પણ આવરી લે છે. રિફાઈનર્સે કાચા સોનાનું મૂળ સ્થાન ટ્રેસ કરવું પડશે, સપ્લાય ચેઈનના જોખમોનું મૂલ્યાંકન કરવું પડશે, સપ્લાયર્સ અને વાસ્તવિક માલિકોની ચકાસણી કરવી પડશે તેમજ કડક રેસ્પોન્સિબલ-સોર્સિંગ ધોરણોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત, સ્વતંત્ર થર્ડ-પાર્ટી ઓડિટ દ્વારા તેનું વધારાનું ચેકિંગ પણ કરવામાં આવશે.
જીજેઈપીસીના ગોલ્ડ જ્વેલરી પેનલ કમિટીના કન્વીનર કે. શ્રીનિવાસને સમજાવતા કહ્યું હતું કે, “અત્યાર સુધી ભારતમાં ‘ગુડ ડિલિવરી’ ની વ્યાખ્યા માત્ર ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ’ (BIS) દ્વારા જ નક્કી કરવામાં આવતી હતી, જે માત્ર સોનાના બારની શુદ્ધતા અને ક્વોલિટી દર્શાવતી હતી. તે ખરીદદારોને સોનાની શુદ્ધતા બતાવતી હતી પરંતુ તે ક્યાંથી આવ્યું છે તે દર્શાવતી નહોતી. નવી IFSCA ગાઈડલાઈન્સ આ ખામી દૂર કરે છે. રિફાઈનર્સે હવે તેમના કાચા સોનાનું મૂળ સ્થાન (પછી તે ખાણનું ગોલ્ડ કોન્સન્ટ્રેટ હોય, રિસાઈકલ જ્વેલરી હોય કે ઈન્ડસ્ટ્રીયલ ભંગાર હોય) ટ્રેસ કરવું પડશે અને યુદ્ધગ્રસ્ત કે વિવાદિત વિસ્તારોના સોનાનો બહિષ્કાર કરવો પડશે. પ્રત્યેક માન્યતા પ્રાપ્ત રિફાઈનરનું સ્વતંત્ર ઓડિટર્સ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે, જે ભારતીય રિફાઈનર્સને વિશ્વના શ્રેષ્ઠ રિફાઈનર્સની હરોળમાં મૂકી દેશે. ભવિષ્યમાં ભારત પોતાની રિફાઈનરીઓમાં બનેલું સોનું દુબઈ બુલિયન એક્સચેન્જ મારફતે પણ ટ્રેડ કરી શકશે.”
GJEPC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રોયે જણાવ્યું હતું કે, “આ માર્ગદર્શિકા યોગ્ય સમયે આવી છે. ભારતે તાજેતરમાં મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ સામેની વૈશ્વિક સંસ્થા ‘ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ’ (FATF) ના પિયર રિવ્યુમાં ઉત્કૃષ્ટ રેટિંગ મેળવ્યું છે. સોના માટેનું IFSCA ‘ઈન્ડિયા ગુડ ડિલિવરી ફ્રેમવર્ક’ તે વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે છે. કાનૂની સ્તરે જે જરૂરી હતું – જેમ કે રિફાઈનર્સે તેમના સપ્લાયર્સને જાણવું (KYC), વાસ્તવિક માલિકોની ચકાસણી કરવી, શંકાસ્પદ વ્યવહારોની જાણ કરવી અને ૮ વર્ષ સુધી રેકોર્ડ જાળવવો – તે તમામ બાબતો હવે એક્રેડિટેશન મેળવવા માટેના ધોરણો તરીકે આ ગાઈડલાઈન્સમાં આવરી લેવામાં આવી છે. આ એ જ ધોરણો છે જે લંડન કે ન્યુયોર્ક જેવા અગ્રણી વૈશ્વિક સોનાના વેપાર કેન્દ્રોમાં અનુસરવામાં આવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના સહયોગથી GJEPC સહિતના ભારતીય હિસ્સેદારોએ તાજેતરમાં લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) ની તર્જ પર ગોલ્ડ માટે સેલ્ફ-રેગ્યુલેટરી સિસ્ટમ પણ તૈયાર કરી છે. હવે પછીનું પગલું આ સિસ્ટમને જમીની સ્તરે અમલી બનાવવાનું છે. અમે આશા રાખીએ છીએ કે IFSCA અને ‘ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ’ (IIBX) ટૂંક સમયમાં એક્રેડિટેશન નિયમો, માન્ય ઓડિટર્સની પેનલ અને ગુડ ડિલિવરી બાર્સ માટેની ટ્રેડિંગ સિસ્ટમ સ્થાપિત કરશે. GJEPC આમાં પૂરો સહયોગ આપવા તૈયાર છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG) સાથેના અમારા તાજેતરના અભ્યાસમાં પણ ગોલ્ડ બુલિયન નિકાસને ભારત માટે મોટા નિકાસ ગ્રોથની તક તરીકે દર્શાવવામાં આવી છે. આ માળખા સાથે, ભારતમાં રિફાઈન થયેલું સોનું બુલિયન એક્સચેન્જો પર વેચાઈ શકશે અને વિશ્વસનીય ભારતીય પ્રોડક્ટ તરીકે વૈશ્વિક બજારોમાં નિકાસ થઈ શકશે.”
ઉલ્લેખનીય છે કે, આ પહેલ ભારત સરકારના નીતિ આયોગ (NITI Aayog) ની ભલામણોને અનુસરીને કરવામાં આવી છે, જેણે રિફાઈનરીઓ માટે ‘ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ’ અને જવાબદાર સોર્સિંગ માર્ગદર્શિકાની હિમાયત કરી હતી. નીતિ આયોગના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું કે સ્થાનિક રિફાઈનિંગ ક્ષમતા વધારવાથી ભારતમાં વધુ આર્થિક મૂલ્ય જળવાઈ રહેશે, રોજગારીની તકો ઊભી થશે અને દેશની નિકાસને મોટો ટેકો મળશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















