DIAMOND CITY NEWS, SURAT
આંતરરાષ્ટ્રીય વેપારને વધુ પારદર્શક, ઝડપી અને પ્રોત્સાહક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.
ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ ચાંદી (સિલ્વર બુલિયન) ની આયાત માટેની મંજૂરી પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવાની એક નવી વ્યવસ્થા જાહેર કરી છે. આ સુધારાત્મક પગલાંનો મુખ્ય હેતુ યોગ્યતા ધરાવતા ઉમેદવારો અને વેપારીઓને નિયંત્રિત તેમજ કાયદાકીય માધ્યમો દ્વારા સિલ્વર મેળવવાની પ્રક્રિયામાં સમયનો વ્યય અટકાવવાનો અને વ્યાપાર કરવાની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવાનો છે.
DGFT દ્વારા તારીખ ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા ટ્રેડ નોટિસ નંબર ૩૦/૨૦૨૬-૨૭ અનુસાર, ચોક્કસ ITC (HS) કોડ હેઠળ આવતી ચાંદીની વસ્તુઓની આયાત માટેની અરજીઓની પ્રક્રિયા હવે ઝડપી ધોરણે પૂર્ણ કરવામાં આવશે.
આ ખાસ ઝડપી પ્રક્રિયાનો લાભ મેળવવા માટે અરજદારોએ એ બાબતનું ડિક્લેરેશન આપવાનું રહેશે કે તેમની આયાત સામાન્ય રીતે લાગુ પડતા કસ્ટમ્સ ડ્યુટીના દરે જ કરવામાં આવશે અને તેઓ તેના પર કોઈપણ પ્રકારના કન્સેશન એટલે કે ખાસ છૂટછાટ કે રાહતનો દાવો નહીં કરે.
આ નવી નીતિગત પ્રક્રિયા હેઠળ કેટલીક ચોક્કસ શરતો પણ લાગુ કરવામાં આવી છે. જે મુજબ, ચાંદીના કાચા સ્વરૂપ એટલે કે ‘સિલ્વર ડોર’ (Silver Dore) ને આ ઝડપી આયાત મંજૂરી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યું છે.
આ સિવાય, આયાત માટે અરજી કરનાર દરેક અરજદારે તેઓ જેટલા જથ્થા અને મૂલ્યની ચાંદી આયાત કરવા માંગે છે, તેના માટે યોગ્ય અને સંતોષકારક કારણો તેમજ વાજબી ખુલાસો સત્તાવાર રીતે સબમિટ કરવાનો રહેશે.
વેપારમાં સંપૂર્ણ પારદર્શિતા અને ટ્રેસેબિલિટી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે, આપવામાં આવનાર દરેક આયાત અધિકૃતતામાં એ સ્પષ્ટ શરત રાખવામાં આવી છે કે ચાંદીની ખરીદી માત્ર અને માત્ર ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) અથવા ફોરેન ટ્રેડ પોલિસી ૨૦૨૩ ના એપેન્ડિક્સ ૪-બી હેઠળ અધિસૂચિત કરાયેલી નોમિનેટેડ બેંકો અને માન્યતા પ્રાપ્ત એજન્સીઓ મારફતે જ કરવાની રહેશે. આ પ્રક્રિયાથી ગેરકાયદેસર વ્યવહારો અટકાવી શકાશે.
દરેક આયાત અધિકૃતતાની સમયમર્યાદા તેની જારી થયા તારીખથી માત્ર છ મહિનાની રહેશે અને આ સમયગાળામાં કોઈ પણ સંજોગોમાં વધારો કે એક્સ્ટેન્શન આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, સમગ્ર આયાત પ્રક્રિયા દરમિયાન શિસ્ત અને નિયંત્રણ જાળવવા માટે DGFT એ જરૂર જણાયે વધુ વિગતો માગવાનો તેમજ કોઈપણ અરજીની બારીકાઈથી ચકાસણી કરવાનો પોતાનો અબાધિત અધિકાર અનામત રાખ્યો છે.
આ મહત્વપૂર્ણ નિર્ણયનું સ્વાગત કરતા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કિરિટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “DGFT નું આ નોટિફિકેશન અમારા સભ્યો અને સમગ્ર જ્વેલરી ઉદ્યોગ માટે ચાંદીની ઉપલબ્ધતા વધુ સરળ બનાવવા તરફનું એક અત્યંત મહત્વનું અને પ્રોત્સાહક પગલું છે. GJEPC ના RCMC ધરાવતા તમામ વેપારીઓ IIBX પર ક્વોલિફાઇડ જ્વેલર્સ તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂકેલા છે, જેથી અમારા સભ્યો હવે આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ મારફતે સીધી જ ચાંદી મેળવી શકશે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ સરળીકૃત પ્રક્રિયાને કારણે યોગ્યતા ધરાવતા અરજદારો માટે આયાત મંજૂરીઓ મેળવવાનું ખૂબ સરળ બનશે. વેપારીઓ લાગુ પડતી કસ્ટમ્સ ડ્યુટી અને નીતિગત શરતોને આધીન રહીને IIBX મારફતે આંતરરાષ્ટ્રીય ભાવે ચાંદીની ખરીદી કરી શકશે, જેનાથી ભારતીય જ્વેલરી ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં મોટો વધારો થશે.”
ભારતીય ઝવેરાત ઉદ્યોગની ભવિષ્યની યોજનાઓ અને માંગણીઓ અંગે વાત કરતા કિરિટ ભણસાલીએ જણાવ્યું હતું કે, “અમે હાલમાં સિલ્વર નિકાસ માટે પણ IIBX ને નીતિ હેઠળ અધિસૂચિત કરાવવા માટે સરકાર સાથે સક્રિય રીતે કામ કરી રહ્યા છીએ અને અમને આશા છે કે ખૂબ જ ટૂંક સમયમાં તેમાં પણ સફળતા મળશે. આ જ પ્રકારના સુધારાત્મક પગલાં સોનાની આયાત-નિકાસ માટે પણ લાગુ કરવામાં આવે તે માટેના પ્રયાસો ચાલુ છે. ચાંદીના કિસ્સામાં મળેલી આ સફળતાથી સોના તેમજ અન્ય પ્રતિબંધિત એચએસ કોડની આયાત નીતિને સરળ બનાવવાની અમારી રજૂઆતને વધુ મજબૂતી મળશે.”
સમગ્ર દેશના રત્ન અને આભૂષણ ક્ષેત્ર માટે આ નિર્ણય બહુવિધ ફાયદા લાવશે. નિયંત્રિત ખરીદી માધ્યમો દ્વારા પારદર્શિતા જાળવી રાખીને પણ આયાતકારો માટે કામગીરી સરળ બનવાથી ભારતમાંથી ચાંદીના ઘરેણાં અને વસ્તુઓની નિકાસને વેગ મળશે. સરકારના આ સુધારાથી ખાસ કરીને નાના અને મધ્યમ કદના ઉત્પાદકો માટે કાચા માલની અછત દૂર થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય પ્રોડક્ટ્સ વધુ સ્પર્ધાત્મક બનશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















