DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગની સૌથી જાયન્ટ કંપની ‘ડી બિયર્સ’ ના ભવિષ્ય અને માલિકી હક્કને લઈને છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો આખરે અંત આવી રહ્યો હોય તેમ જણાય છે. દક્ષિણ આફ્રિકાના અગ્રણી હીરા ઉત્પાદક દેશ બોટ્સવાના અને ‘ગ્લોબલ ડાયમંડ કન્સોર્ટિયમ’ વચ્ચે ડી બિયર્સમાં પોતપોતાની હિસ્સેદારીના પ્રમાણ અંગે એક મહત્વપૂર્ણ અને આખરી સંમતિ સ્થપાવવાની ખૂબ નજીક પહોંચી ગયા છે. બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલ મુજબ, આ સંભવિત કરાર બાદ ડી બિયર્સની વર્તમાન માલિક કંપની એંગ્લો અમેરિકન આ બિઝનેસમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી શકે છે.
ડી બિયર્સના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગેરેથ પેનીના નેતૃત્વ હેઠળનું ‘ગ્લોબલ ડાયમંડ કન્સોર્ટિયમ’ આ હિસ્સેદારી ખરીદવા માટે સૌથી પહેલી પસંદગીનું બિડર બનીને ઉભરી આવ્યું છે. આ કન્સોર્ટિયમમાં વિશ્વના અન્ય બે મોટા હીરા ઉત્પાદક દેશો નામીબિયા અને અંગોલાનો પણ સમાવેશ થાય છે.
ડી બિયર્સની સૌથી મહત્વપૂર્ણ અને કિંમતી હીરાની ખાણો બોટ્સવાનામાં આવેલી છે અને બોટ્સવાના સરકાર હાલમાં કંપનીમાં ૧૫% નું શેરહોલ્ડિંગ ધરાવે છે. તેથી કોઈપણ ખરીદી કે માલિકીના ફેરફાર માટે બોટ્સવાનાની સંમતિ મેળવવી સૌથી મોટી સૈદ્ધાંતિક અડચણ હતી.
માહિતીગાર વર્તુળોના જણાવ્યા અનુસાર, લાંબી વાટાઘાટો બાદ હવે બોટ્સવાના સરકાર અને કન્સોર્ટિયમ વચ્ચે શેરહોલ્ડિંગની ટકાવારી અંગે સહમતિ બની રહી છે. જોકે આ અંગેની સત્તાવાર આંકડાકીય વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બોટ્સવાના કંપનીમાં પોતાની હિસ્સેદારી વધારીને આશરે ૨૫% સુધી કરી શકે છે. આ નવો વિકાસ બોટ્સવાનાની અગાઉની તે નીતિથી મોટો ફેરફાર દર્શાવે છે જેમાં તે ડી બિયર્સમાં બહુમતી હિસ્સો મેળવવા માંગતું હતું.
આ સંભવિત કરારની મુખ્ય આંકડાકીય અને આર્થિક વિગતો નીચે મુજબ છે :
- વેચાણ મૂલ્ય : એંગ્લો અમેરિકન દ્વારા ડી બિયર્સનું વેચાણ આશરે $૧ અબજના મૂલ્યાંકને કરવાની ચર્ચા ચાલી રહી છે. કંપનીના ભૂતકાળના મૂલ્યની સરખામણીમાં આ રકમ અત્યંત ઓછી છે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક હીરા બજારમાં આવેલી મંદી છે.
- શેરહોલ્ડિંગ માળખું : આ સોદો પૂર્ણ થયા બાદ બોટ્સવાના, નામીબિયા અને અંગોલા મળીને સંયુક્ત રીતે લઘુમતી હિસ્સો ધરાવશે. જ્યારે ડી બિયર્સનું મુખ્ય સંચાલન અને બહુમતી નિયંત્રણ ખાનગી રોકાણકારોના હાથમાં રહેશે.
- ડેબ્સવાના : બોટ્સવાના સરકાર ડી બિયર્સ સાથેની પોતાની જોઇન્ટ વેન્ચર કંપની ‘ડેબ્સવાના’ માં ઓલરેડી પચાસ ટકાની ભાગીદારી ધરાવે છે, જે દેશના મોટાભાગના હીરાનું ઉત્પાદન કરે છે.
હીરા ઉદ્યોગમાં આવેલી આ ભારે મંદી પાછળ અનેક વૈશ્વિક અને આર્થિક પરિબળો જવાબદાર રહ્યા છે. ચીનના બજારમાં લક્ઝરી ચીજવસ્તુઓના વપરાશમાં આવેલો ઘટાડો, લેબ-ગ્રોન ડાયમંડનું ઝડપથી વધતું ચલણ, આંતરરાષ્ટ્રીય વેપાર તણાવ અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓને કારણે ડી બિયર્સના વેલ્યુએશનમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
જોકે, છેલ્લા કેટલાક મહિનાઓમાં હીરા બજારમાં રિકવરી અને સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે, જેનાથી ખરીદદારો માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. અહેવાલો મુજબ, આ સોદો આખરી ઓપ લેશે ત્યારે ભવિષ્યમાં કંપનીના બિઝનેસ પરફોર્મન્સ આધારિત વધારાની ચૂકવણીની શરતો પણ દાખલ કરવામાં આવશે. આ કરાર થવાથી છેલ્લા બે વર્ષથી અટકેલી વેચાણ પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















