Government Doubles Duty Drawback Rates for Gold and Silver Jewellery Exports
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ અને નિકાસકારો માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખુબ જ રાહતના સમાચાર આવ્યા છે. દેશમાંથી સોના અને ચાંદીના દાગીનાની નિકાસને મોટો વેગ આપવા માટે નાણા મંત્રાલય દ્વારા ડ્યુટી ડ્રોબેકના દરોમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી નિકાસકારોની લિક્વિડિટી (રોકડ પ્રવાહ) માં સુધારો થશે, તેમની વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) નો ખર્ચ ઘટશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય જ્વેલરી વધુ સ્પર્ધાત્મક બનશે. ખાસ કરીને વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના આજના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે આ નિર્ણય ભારતીય નિકાસકારો માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થશે.

મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 16 જુલાઈ 2026 ના રોજ સત્તાવાર નોટિફિકેશન નંબર 64/2026-Customs (N.T.) બહાર પાડીને કસ્ટમ્સ ટેરિફના ચેપ્ટર 71 હેઠળ ડ્યુટી ડ્રોબેક શેડ્યૂલમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારેલા દરો તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યા છે.

નવા જાહેર કરાયેલા સત્તાવાર દરોની વિગત નીચે મુજબ છે :

  • ટેરિફ આઇટમ 711301 : સોનાના દાગીના માટેનો ડ્યુટી ડ્રોબેક દર પ્રતિ ગ્રામ રૂ. 773.17 થી વધારીને રૂ. 1,851.99 કરવામાં આવ્યો છે.
  • ટેરિફ આઇટમ 711302 : અન્ય કેટેગરી માટે આ દર રૂ. 14,990.66 થી સીધો વધારીને રૂ. 29,501.09 કરવામાં આવ્યો છે.
  • ટેરિફ આઇટમ 711401 : સોના-ચાંદીની અન્ય કિંમતી વસ્તુઓ માટે પણ ડ્રોબેકનો દર રૂ. 14,990.66 થી વધારીને રૂ. 29,501.09 નિર્ધારિત કરાયો છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોના તેમજ ચાંદીના ભાવમાં જે તીવ્ર ઉછાળો આવ્યો છે, તેના કારણે નિકાસ માટેના દાગીનાના ઉત્પાદન પર ચૂકવવી પડતી ડ્યુટી અને ટેક્સનું ભારણ પણ વધી ગયું હતું.

ડ્યુટી ડ્રોબેકનો મુખ્ય હેતુ નિકાસી માલના ઉત્પાદન માટે વપરાતા કાચા માલ પર ચૂકવાયેલી ડ્યુટી પરત (રિફંડ) કરવાનો છે. પરંતુ જૂના દરો સોના-ચાંદીના વર્તમાન ઊંચા ભાવો સામે ખૂબ ઓછા હતા, જેના કારણે નિકાસકારોને વાસ્તવિક નુકસાન વેઠવું પડતું હતું.

સરકારે આ ડ્રોબેક દરોને સીધા બમણા કે તેનાથી વધુ કરીને આ ખાધને પૂરી કરી દીધી છે, જેથી નિકાસકારો હવે તેમના ટેક્સ ખર્ચનો મોટો હિસ્સો પાછો મેળવી શકશે. આ સુધારાથી ખાસ કરીને એમએસએમઈ (MSME) ક્ષેત્રના નાના અને મધ્યમ જ્વેલરી ઉત્પાદકોને મોટી રાહત મળશે, કારણ કે તેમની મૂડી હવે ટેક્સ રિફંડમાં અટવાઈ નહીં રહે અને ઓર્ડરની નફાકારકતા વધશે.

ઉલ્લેખનીય છે કે, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા સોના-ચાંદીના પ્રવર્તમાન ભાવોને અનુરૂપ ઓલ ઇન્ડિયા રેટ્સ (AIR) માં સુધારો કરવા માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેને સરકારે ગ્રાહ્ય રાખી આ ઐતિહાસિક નિર્ણય લીધો છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant