DIAMOND CITY NEWS, SURAT
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ ભારત સરકારના વાણિજ્ય સચિવ શ્રી રાજેશ અગ્રવાલ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે લોકસભામાં ‘ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026’ પસાર કરવા બદલ વાણિજ્ય સચિવ અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ નવું ટેક્સ બિલ ભારતના સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZ) મારફતે રફ ડાયમંડના વેપાર સાથે જોડાયેલી પાત્ર વિદેશી કંપનીઓને સળંગ ૧૫ વર્ષ (31 માર્ચ 2041 સુધી) માટે આવકવેરામાં સંપૂર્ણ મુક્તિ પ્રદાન કરે છે.
આ નીતિગત સુધારો GJEPC ની લાંબા સમયની માંગણીઓમાંથી એક રહ્યો છે. આ ઐતિહાસિક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય રફ ડાયમંડના વેપારીઓ, માઇનિંગ કંપનીઓ, તેમના સાઇટહોલ્ડર્સ અને ઓક્શન એન્ટિટીઝ માટે ભારતમાં વધુ સ્પર્ધાત્મક અને સ્થિર ટેક્સ ફ્રેમવર્ક તૈયાર થશે, જે બેલ્જિયમ અને દુબઈ જેવા સ્પર્ધક દેશોની સરખામણીએ ભારતને વૈશ્વિક સ્તરે રફ ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે સ્થાપિત કરશે. આ સુધારાના કારણે ભારતના નાના અને મધ્યમ કક્ષાના હીરા ઉત્પાદકોને વૈશ્વિક માઇનિંગ કંપનીઓ પાસેથી સીધા રફ ડાયમંડ મેળવવામાં સરળતા રહેશે.
બેઠક દરમિયાન, GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ વાણિજ્ય સચિવ શ્રી રાજેશ અગ્રવાલને ૧૯ ઓગસ્ટના રોજ મુંબઈના SEEPZ ખાતે આવેલા ‘ભારત રત્નમ મેગા સીએફસી’ ખાતે યોજાનારા વિશેષ ‘ચિંતન શિબિર’ માં હાજરી આપવા માટે ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સબ્યસાચી રે અને વીનસ જ્વેલના પાર્ટનર શ્રી હિતેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈમાં યોજાનાર આ ‘ચિંતન શિબિર’ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રના તમામ મહત્વના સભ્યો, વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવશે, જ્યાં રત્ન-કલાકારો અને ઉત્પાદકો સામેના મુખ્ય પડકારો, ટેકનોલોજીકલ પ્રગતિ, નિકાસમાં વૃદ્ધિ અને ક્ષેત્રમાં રહેલી નવી તકો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા અને વ્યૂહાત્મક મંથન કરવામાં આવશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















