DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગમાં જોવા મળી રહેલી તીવ્ર મંદી અને રફ ડાયમંડની કિંમતોમાં થયેલા મોટા ઘટાડાને કારણે માઇનિંગ ક્ષેત્રની કંપનીઓ ભારે નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે કેનેડાની જાણીતી ડાયમંડ માઇનિંગ કંપની ‘માઉન્ટેન પ્રોવિન્સ ડાયમંડ્સ’ એ કેનેડાના નોર્થવેસ્ટ ટેરિટરીઝમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ ‘ગાહચો કુએ’ ડાયમંડ માઇનમાં પોતાનો 49% જોઈન્ટ વેન્ચર હિસ્સો પોતાની ભાગીદાર કંપની ‘ડી બિયર્સ’ ને ટ્રાન્સફર (સોંપવાનો) કરવાનો નિર્ણય લીધો છે.
આ કરારના બદલામાં, વિશ્વની અગ્રણી હીરા ઉત્પાદક કંપની ‘ડી બિયર્સ’ માઉન્ટેન પ્રોવિન્સને આ માઇનિંગ ભાગીદારી સંબંધિત તમામ નાણાકીય જવાબદારીઓ, દેવાઓ, બાકી ચૂકવણીઓ અને ખાણ બંધ કરવા માટેના રિક્લેમેશન પેમેન્ટ્સ (પુનઃપ્રાપ્તિ ખર્ચ) માંથી સંપૂર્ણપણે મુક્ત કરશે.
આ મોટા નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા માઉન્ટેન પ્રોવિન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જોનાથન કોમરફોર્ડે જણાવ્યું હતું કે, “છેલ્લા એક વર્ષ દરમિયાન રફ હીરાના ભાવમાં થયેલો જંગી ઘટાડો, આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફ અને જકાત સંબંધિત અનિશ્ચિતતાઓ તેમજ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને રાજકીય સંઘર્ષોને કારણે ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. આવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે કંપની પાસે ઉપલબ્ધ તમામ વિકલ્પોની વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન સંજોગોમાં કંપનીના તમામ સ્ટેકહોલ્ડર્સ અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે આ સૌથી વિશ્વસનીય અને યોગ્ય માર્ગ છે.”
આ મહત્વપૂર્ણ સોદામાં માઉન્ટેન પ્રોવિન્સે ભવિષ્ય માટે એક ખાસ શરત પણ રાખી છે. કરાર અનુસાર, જો ભવિષ્યમાં ‘ડી બિયર્સ’ ગાહચો કુએ ખાણ અથવા તેના ખનિજ અધિકારોનો મોટો ભાગ વેચવાનો નિર્ણય લેશે, તો માઉન્ટેન પ્રોવિન્સ પાસે તેને ખરીદવા માટેનો પ્રથમ અધિકાર રહેશે. આ ઉપરાંત, કંપની પાસે 3 ડિસેમ્બર 2029 પહેલા પોતાના ભાગનો ડિમોનિશનિંગ ખર્ચ ચૂકવીને પોતાનો 49% હિસ્સો પરત ખરીદવાનો અધિકાર પણ સુરક્ષિત રહેશે.
બીજી તરફ, નાણાકીય સ્થિતિને ફરી પાટા પર લાવવા અને બેલેન્સ શીટનું પુનર્ગઠન કરવા માટે માઉન્ટેન પ્રોવિન્સે તેના મુખ્ય શેરહોલ્ડર અને ધિરાણકર્તા ‘ડ્યુનબ્રિજ’ સાથે પણ એક ખાસ કરાર કર્યો છે. આ કરાર હેઠળ ડ્યુનબ્રિજે કંપનીને મુદલ રકમ અને વ્યાજની ચુકવણીમાં 6 મહિનાની રાહત (સસ્પેન્શન) આપી છે, જેથી કંપની નવું ફંડિંગ એકત્ર કરી શકે.
નોંધનીય છે કે, ગાહચો કુએ ખાણ સિવાય પણ માઉન્ટેન પ્રોવિન્સ પાસે આ જ માઇનિંગ વિસ્તારની આસપાસ 96,000 હેક્ટર જમીનમાં ફેલાયેલો ‘કેનેડી પ્રોજેક્ટ’ આવેલો છે, જેમાં કેલ્વિન અને ફેરાડે નામના સમૃદ્ધ કિમબર્લાઇટ ઓર પાઇપ્સ (હીરા ધરાવતી ખાણો) નો સમાવેશ થાય છે.
કંપનીના સીઈઓ કોમરફોર્ડે વધુમાં ઉમેર્યું હતું કે, “જો આગામી સમયમાં વૈશ્વિક હીરા બજારની સ્થિતિમાં સુધારો થશે, તો આ નવું પ્રાપ્ત થનારું નાણાકીય ભંડોળ કંપનીને ગાહચો કુએ ખાણમાં પોતાના અધિકારોનો પુનઃ ઉપયોગ કરવામાં અને કેનેડી ડાયમંડ એસેટ્સના આગળના વિકાસ અને સંશોધનમાં મદદરૂપ બનશે.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















