DIAMOND CITY NEWS, SURAT
વિશ્વમાં રત્નો અને આભૂષણો (જેમ્સ એન્ડ જ્વેલરી)ના મૂલ્યાંકન અને શિક્ષણ ક્ષેત્રે સર્વોચ્ચ સંસ્થા ગણાતી ‘જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા’ (GIA) લંડનના સુપ્રસિદ્ધ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ ‘કેનરી વ્હાર્ફ’ (Canary Wharf) ખાતે પોતાનું નવું ફ્લેગશિપ કેમ્પસ શરૂ કરવા જઈ રહી છે. ઓગસ્ટ ૨૦૨૬થી આ નવા કેમ્પસમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને તેના માટે સંસ્થા દ્વારા પ્રવેશ પ્રક્રિયા (એનરોલમેન્ટ) સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ નવું કેમ્પસ વન કેનેડા સ્ક્વેર (One Canada Square) ના ૨૧મા માળે આશરે ૮,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હશે, જે લંડનમાં જ્વેલરી અને બિઝનેસના વિદ્યાર્થીઓ માટે એક નવું સીમાચિહ્ન બનશે.
GIA ના પ્રેસિડેન્ટ અને CEO પ્રિતેશ પટેલે આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારા કાર્યક્રમો દ્વારા સર્વોચ્ચ શિક્ષણ આપવું એ અમારું ગૌરવ છે. લંડનનું આ નવું કેમ્પસ વૈશ્વિક સ્તરે શિક્ષણને વધુ સુલભ બનાવશે. જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે લોકોનો ભરોસો મજબૂત કરવાના અમારા મિશનને આ કેમ્પસ વધુ વેગ આપશે અને અમે વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેકનિકલ જ્ઞાન આપી શકીશું.”
GIA નો ભવ્ય ઇતિહાસ અને સ્થાપના
૧૯૩૧માં રોબર્ટ એમ. શિપલી દ્વારા સ્થાપિત GIA એક સ્વતંત્ર નોન-પ્રોફિટ સંસ્થા છે. આ સંસ્થાએ જ હીરાની ગુણવત્તા નક્કી કરવા માટે વિશ્વભરમાં માન્ય ‘4Cs’ (કલર, ક્લેરિટી, કટ અને કેરેટ વેઇટ) પદ્ધતિની શોધ કરી હતી. લંડનમાં GIA એ સૌપ્રથમ ૨૦૦૨માં પોતાની શૈક્ષણિક સફર શરૂ કરી હતી, જે બ્રિટિશ એક્રેડિટેશન કાઉન્સિલ (BAC) અને ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ્સ ઇન્સ્પેક્ટોરેટ (ISI) દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
લંડનમાં પહેલીવાર શરૂ થશે ખાસ ‘જ્વેલરી ડિઝાઇન એન્ડ ટેકનોલોજી‘ પ્રોગ્રામ
કેનરી વ્હાર્ફ ખાતેના આ નવા કિંગ-સાઇઝ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે બેઠક ક્ષમતા (કેપેસિટી) વધારવામાં આવી છે. આ ઉપરાંત, લંડનના ઇતિહાસમાં પહેલીવાર GIA તેનો પ્રખ્યાત ‘જ્વેલરી ડિઝાઇન એન્ડ ટેકનોલોજી‘ (JDT) ડિપ્લોમા પ્રોગ્રામ અહીં શરૂ કરવા જઈ રહ્યું છે. આ કોર્સમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર-એઇડેડ ડિઝાઇન (CAD), કમ્પ્યુટર-એઇડેડ મેન્યુફેક્ચરિંગ (CAM) અને 3D પ્રિન્ટિંગ જેવા આધુનિક સોફ્ટવેર અને સાધનોની મદદથી આભૂષણોની ડિઝાઇન કરવાનું શીખવવામાં આવશે. આ સાથે જ ગ્રેજ્યુએટ જેમોલોજીસ્ટ (GG), ગ્રેજ્યુએટ ડાયમંડ્સ અને કલર્ડ સ્ટોન્સ જેવા લોકપ્રિય પ્રોગ્રામ્સ પણ ચાલુ રહેશે, જેમાં વિદ્યાર્થીઓ અદ્યતન વર્કસ્ટેશન પર બેસીને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવશે.
વૈશ્વિક બજારનો જીવંત અનુભવ મળશે
આ નવું કેમ્પસ માત્ર ભણવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનું લોકેશન વિદ્યાર્થીઓની કારકિર્દી માટે ગેમ-ચેન્જર સાબિત થશે. લંડનનું કેનરી વ્હાર્ફ વિસ્તાર હાઇ-એન્ડ લક્ઝરી બ્રાન્ડ્સ અને રિટેલ સ્ટોર્સનું હબ માનવામાં આવે છે.
GIA યુ.કે.ના એજ્યુકેશન ડિરેક્ટર મેહદી સાદિયાને જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ અહીં એકદમ આધુનિક અને મધ્યસ્થ કેમ્પસનો અનુભવ કરશે. આ લોકેશન વિદ્યાર્થીઓને બજારના વાસ્તવિક પ્રવાહો (Real-world trends) અને જ્વેલરી મર્ચેન્ડાઇઝિંગને ખૂબ જ નજીકથી જોવાની અને સમજવાની સુવર્ણ તક આપશે.” આ ઉપરાંત, આ કેમ્પસ લંડનના ઐતિહાસિક ‘હેટન ગાર્ડન’ અને બોન્ડ સ્ટ્રીટ જેવા પ્રખ્યાત જ્વેલરી બજારોની પણ નજીક છે.
૫૦થી વધુ દેશોના વિદ્યાર્થીઓ બનશે હિસ્સો
GIA લંડન કેમ્પસનો ઇતિહાસ રહ્યો છે કે અહીં વિશ્વના ૫૦થી વધુ દેશોમાંથી વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓ જેમોલોજી શીખવા માટે આવે છે. ટ્રાન્સપોર્ટ, કલ્ચરલ પ્લેસ અને આકર્ષક કેફેથી ઘેરાયેલું આ નવું કેમ્પસ વિદ્યાર્થીઓને એક શાનદાર ગ્લોબલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડશે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સપ્ટેમ્બર ૨૦૨૬માં (૪, ૯ અને ૧૨ સપ્ટેમ્બરના રોજ) આ નવા કેમ્પસ માટે ખાસ ‘ઓપન ડેઝ’ અને ભવ્ય ઓપનિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે, જ્યાં લોકો આવીને કેમ્પસની મુલાકાત લઈ શકશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















