DIAMOND CITY NEWS, SURAT
વિશ્વભરમાં કલર્ડ જેમસ્ટોન (રંગબેરંગી રત્નો)ના પાટનગર તરીકે ઓળખાતા પિંક સિટી જયપુરના ઇતિહાસમાં એક નવું સોનેરી પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. ‘જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GJEPC) અને ‘જ્વેલર્સ એસોસિએશન જયપુર’ (JAJ) ના સંયુક્ત પ્રયાસોથી સાકાર થઈ રહેલા ‘જયપુર જેમ્સ એન્ડ જ્વેલરી બુર્સ’ (JGJB) નું કામ હવે વેગ પકડશે. ચાલુ જૂન મહિનામાં જ આ મેગા પ્રોજેક્ટ માટે બુકિંગ પ્રક્રિયા શરૂ થવાની સાથે તેનો ભવ્ય શિલાન્યાસ (ભૂમિપૂજન) સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ વૈશ્વિક સ્તરે ભારતના જેમ્સ અને જ્વેલરી વેપારને એક નવી ઊંચાઈ પર લઈ જશે.
બુર્સના ચેરમેન પ્રમોદ અગ્રવાલે (ડેરેવાલા) આ પ્રોજેક્ટનું મહત્વ સમજાવતા ભાવુક થઈને જણાવ્યું હતું કે, “જયપુર જેમ્સ એન્ડ જ્વેલરી બુર્સ એ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ નથી, પરંતુ જયપુરના જેમસ્ટોન સમુદાયની પેઢીઓએ જોયેલા સપનાનું સાકાર સ્વરૂપ છે. આ વર્લ્ડ-ક્લાસ સુવિધા કલર્ડ જેમસ્ટોનના ગ્લોબલ હબ તરીકે જયપુરની સ્થિતિને વધુ મજબૂત કરશે, સ્થાનિક કારીગરો અને નિકાસકારો માટે નવી તકો ઊભી કરશે તેમજ આગામી વૈશ્વિક સ્પર્ધા સામે સુરક્ષા અને કનેક્ટિવિટી પૂરી પાડશે.”
વૈશ્વિક બજાર પર જયપુરનો દબદબો
જયપુર સદીઓથી પન્ના (Emerald), માણેક (Ruby), સફાયર (Sapphire) અને તાન્ઝાનાઇટ જેવા કિંમતી રત્નોના કટિંગ અને પોલિશિંગ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં માત્ર જયપુર શહેરમાંથી જ જેમ્સ અને જ્વેલરીની નિકાસ ૨ બિલિયન યુએસ ડોલર (આશરે રૂ. ૧૬,૫૦૦ કરોડથી વધુ) ના આંકડાને પાર કરી ગઈ છે, જે તેની વૈશ્વિક તાકાત દર્શાવે છે.
દિવાળી ૨૦૨૬ પહેલાં બાંધકામ શરૂ થશે, ૨૦૨૮થી પઝેશન
જયપુરના સીતાપુરા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ૪૩,૮૨૮ ચોરસ મીટર (આશરે ૧૦.૮ એકર) ની વિશાળ જમીન પર આ આખું બુર્સ આકાર પામશે. પ્રોજેક્ટ માટે જરૂરી તમામ સરકારી મંજૂરીઓ મળી ગઈ છે અને આર્કિટેક્ચરલ પ્લાનિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ વર્ષે દિવાળી ૨૦૨૬ પહેલાં તેનું બાંધકામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવશે અને વર્ષ ૨૦૨૮થી અલગ-અલગ તબક્કામાં વેપારીઓને પઝેશન (કબ્જો) આપવાનું આયોજન છે.
એક જ છત નીચે મળશે આંતરરાષ્ટ્રીય સ્તરની તમામ સુવિધાઓ
આ બુર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે વિશ્વનું સૌપ્રથમ એવું બુર્સ હશે જે માત્ર કલર્ડ જેમસ્ટોન અને તેના દાગીના માટે સમર્પિત હશે. (જેમ મુંબઈમાં હીરા માટે ભારત ડાયમંડ બુર્સ છે, તેમ જયપુરમાં રત્નો માટે આ બુર્સ હશે). અહીં મેન્યુફેક્ચરર્સ, એક્સપોર્ટર્સ, ટ્રેડર્સ અને આંતરરાષ્ટ્રીય બાયર્સ (ખરીદદારો) ને એક જ છત નીચે લાવવામાં આવશે.
GJEPC ના ચેરમેન કિરીટ ભણશાલીએ જણાવ્યું હતું કે, “આ બુર્સ ભારતીય ઉદ્યોગ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તે વેપાર કરવાની પ્રક્રિયાને સરળ (Ease of Doing Business) બનાવશે. વૈશ્વિક ગ્રાહકો સુરક્ષિત, પારદર્શક અને પ્રોફેશનલ વાતાવરણ ઈચ્છતા હોય છે, જે આ બુર્સ પૂરી પાડશે. આનાથી નિકાસ વધશે અને લાખો લોકોને રોજગારીની નવી તકો મળશે.”
બુર્સમાં આધુનિક ટ્રેડિંગ હોલ, કસ્ટમ ક્લિયરન્સ ઓફિસ, અત્યાધુનિક સિક્યોરિટી વોલ્ટ (લોકર્સ), બેંકો અને ટેસ્ટિંગ લેબોરેટરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે, જેથી વિદેશી ખરીદદારોએ ક્યાંય બહાર જવું નહીં પડે. વૈશ્વિક સપ્લાય ચેઈનમાં આવી રહેલા બદલાવો વચ્ચે આ બુર્સ ભારતને રત્ન વ્યવસાયનું અજેય કેન્દ્ર બનાવશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















