DIAMOND CITY NEWS, SURAT
વિશ્વભરમાં હીરાની શુદ્ધતા અને ગુણવત્તા માટે પ્રમાણભૂત ગણાતી સંસ્થા ‘જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા’ (GIA) એ તાજેતરમાં જ્વેલરીમાં જડાયેલા હીરામાં કરવામાં આવતી એક જોખમી ટ્રીટમેન્ટનો પર્દાફાશ કર્યો છે.
GIA ની મુંબઈ લેબોરેટરીમાં તપાસ માટે આવેલા ડાયમંડ નેકલેસ અને બુટ્ટીમાં ‘ફ્રેક્ચર-ફિલિંગ’ (Fracture-filling) કરેલા હીરા મળી આવતા સમગ્ર ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર ઘટના?
ઓગસ્ટ ૨૦૨૫ માં મુંબઈ ખાતે યોજાયેલા ‘IIJS પ્રીમિયર’ શો દરમિયાન GIA ની ‘જ્વેલરી એનાલિસિસ સર્વિસ’ ને તપાસ માટે કેટલાક ઘરેણાં સોંપવામાં આવ્યા હતા. જેમાં ૧૫.૨૭ કેરેટના ૧૪ રાઉન્ડ હીરા ધરાવતો નેકલેસ અને ૧૦.૮૪ કેરેટની પેઅર, ઓવલ અને માર્કિઝ શેપની બુટ્ટીઓ સામેલ હતી.
GIA ના ત્રિમાસિક જર્નલ ‘જેમ્સ એન્ડ જેમોલોજી’ ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિક તપાસમાં નેકલેસના બે હીરા અને બુટ્ટીનો એક હીરો ‘ફ્રેક્ચર-ફિલિંગ’ ટ્રીટમેન્ટ ધરાવતા હોવાનું સાબિત થયું છે.
કેવી રીતે પકડાઈ ચોરી?
GIA ના નિષ્ણાતોએ સ્પેક્ટ્રોસ્કોપિક એનાલિસિસ દ્વારા પુષ્ટિ કરી કે હીરા કુદરતી છે, પરંતુ તેની અંદરની તિરાડોને છુપાવવા માટે કાચ જેવો પદાર્થ ભરવામાં આવ્યો હતો.
માઇક્રોસ્કોપિક તપાસમાં આ હીરામાં ‘રેઈન્બો-ટોન રિફ્લેક્શન’ (મેઘધનુષ જેવા રંગો), ‘ફ્લેશ ઇફેક્ટ’ અને દૂધિયા રંગના ધબ્બા જોવા મળ્યા હતા, જે આ ટ્રીટમેન્ટની મુખ્ય નિશાનીઓ છે.
ગ્રાહકો અને વેપારીઓ માટે કેમ જોખમી છે?
૧. અસ્થિર ટ્રીટમેન્ટ : હીરાની સ્પષ્ટતા વધારવા માટે તેમાં લેડ-બેઝ્ડ ગ્લાસ (સીસા યુક્ત કાચ) ભરવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ કાયમી હોતી નથી.
૨. નુકસાનનું જોખમ : અલ્ટ્રાસોનિક ક્લિનિંગ, વધુ પડતી ગરમી કે રસાયણોના સંપર્કમાં આવવાથી આ ફિલર (ભરેલો પદાર્થ) રંગ બદલી શકે છે અથવા હીરામાંથી નીકળી શકે છે, જેનાથી હીરો ફરીથી ખરાબ દેખાવા લાગે છે.
૩. મૂલ્યમાં ઘટાડો : ફ્રેક્ચર-ફિલ્ડ હીરાની કિંમત સામાન્ય કુદરતી હીરા કરતા ઘણી ઓછી હોય છે.
GIAની કડક નીતિ :
GIA એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફ્રેક્ચર-ફિલ્ડ ડાયમંડ માટે ક્યારેય ‘ગ્રેડિંગ રિપોર્ટ’ ઇશ્યૂ કરતા નથી. આ પ્રકારની ટ્રીટમેન્ટ હીરાની ટકાઉપણું અને તેની કિંમત પર સીધી અસર કરે છે. તેથી, જ્વેલરી ખરીદતી વખતે ગ્રાહકોએ હંમેશા અધિકૃત લેબોરેટરીના સર્ટિફિકેટનો આગ્રહ રાખવો જોઈએ જેથી છેતરાવવાનો વારો ન આવે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















