
DIAMOND CITY NEWS, SURAT
ઝવેરાતની દુનિયામાં કુદરતી મોતી (Natural Pearls) હંમેશા કિંમતી રહ્યા છે, પરંતુ તાજેતરમાં જેમલોજિકલ ઇન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકા (GIA) ની મુંબઈ લેબોરેટરીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
લેબમાં તપાસ માટે આવેલી મોતીની એક જોડીમાં ‘પાર્શિયલી-ફેક’ એટલે કે આંશિક રીતે નકલી મોતી હોવાનું બહાર આવ્યું છે. આ મોતીઓને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે તે જોવામાં બિલકુલ કુદરતી લાગે.
શું હતો સમગ્ર મામલો?
GIA ના ‘જેમ્સ એન્ડ જેમોલોજી’ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, 7.40 અને 9.37 કેરેટના બે બટન આકારના મોતી તપાસ માટે લાવવામાં આવ્યા હતા. ઉપરથી જોતા આ મોતી કુદરતી લાગતા હતા, પરંતુ જ્યારે તેની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ મોતી ‘એસેમ્બલ્ડ’ (જોડેલા) હતા. એટલે કે, તેમાં કુદરતી અને માનવસર્જિત એમ બંને ભાગોનું મિશ્રણ હતું.
તપાસમાં સામે આવેલી વિગતો
જ્યારે લેબોરેટરીમાં મોતીને જ્વેલરીમાંથી અલગ કરવામાં આવ્યા, ત્યારે વૈજ્ઞાનિકોને નીચે મુજબની વિગતો મળી :
- આંતરિક માળખું : મોતીના અંદરના ભાગમાં કુદરતી મોતી જેવી રચના હતી, પરંતુ તેની આસપાસ પીળાશ પડતું પારભાસક પડ હતું. આ પડ સંભવતઃ ગુંદર (Adhesive) હતું, જેનો ઉપયોગ અંદરના ભાગને બહારના પડ સાથે જોડવા માટે થયો હતો.
- એક્સ-રે (RTX) રિપોર્ટ : રીઅલ-ટાઇમ એક્સ-રે માઇક્રોરેડિયોગ્રાફીમાં જાણવા મળ્યું કે મોતીનો બહારનો ભાગ ‘બ્લિસ્ટર’ જેવો હતો, જેમાં કુદરતી વિકાસના કોઈ લક્ષણો નહોતા. મોતીની અંદર મોટા ખાલી અવકાશ (voids) જોવા મળ્યા હતા, જે ‘માબે-ટાઈપ’ (Mabe-type) અથવા એસેમ્બલ્ડ મોતીની ખાસિયત છે.
- કેમિકલ એનાલિસિસ : EDX ટેસ્ટિંગ દ્વારા પુષ્ટિ થઈ કે આ મોતી ખારા પાણીના (Saltwater) સ્ત્રોતમાંથી મેળવવામાં આવ્યા હતા, પરંતુ તે સંપૂર્ણપણે કુદરતી નહોતા.
ગ્રાહકો માટે લાલબત્તી
નિષ્ણાતોના મતે, આ પ્રકારના મોતી માર્કેટમાં ‘નેચરલ’ કહીને ઉંચી કિંમતે વેચવામાં આવે છે. જ્યારે મોતી જ્વેલરીમાં જડેલા હોય છે, ત્યારે નરી આંખે તેની અસલિયત પારખવી અશક્ય છે. આ છેતરપિંડી એટલી આધુનિક છે કે તે અનુભવી ઝવેરીઓને પણ છેતરી શકે છે.
GIA ના મતે : “આ એક અસામાન્ય પ્રકારના એસેમ્બલ્ડ મોતી છે. તેમાં કુદરતી કોર (Core) નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી લેબ ટેસ્ટ વગર તેને પકડવા મુશ્કેલ બને. ગ્રાહકોએ હંમેશા અધિકૃત લેબોરેટરીના રિપોર્ટ તપાસીને જ ખરીદી કરવી જોઈએ.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















