શું શું સાથે લઈ જઈશ હું ?

અવાર-નવાર સાંભળીએ છીએ કે અહીંનું બધું અહીં જ છૂટી જવાનું છે તો પછી આટલી દોડ-ધામ શા માટે? આટલી પળોજણ કે આળપંપાળ શા માટે?

Diamond-City-News-Adhi-Akshar-378-Kalpna-Gandhi
(શીર્ષક પંક્તિ: ઉમાશંકર જોષી)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

માણસને ખબર છે કે ગમે તેટલી સંપત્તિ હશે, ખજાનો હશે, સંબંધો હશે કે સ્વજનો હશે એ અહીંથી સાથે કશું લઈ જઈ નહિ શકે. જે-જે મેળવવા તેણે દિવસ-રાત એક કર્યા હોય, પરસેવો પાડીને કમાણી કરી હોય, સાચાનું જૂઠું ને જૂઠને સાચું ઠેરવ્યું હોય, દગા-ફટકા કે છેતરપીંડી પણ આચરીને દોલત મેળવી હોય, પારકાને વહાલાં અને વહાલાંને પારકા કરી સિદ્ધિ મેળવી હોય…પણ તોય કશું જ સાથે લઈ જઈ શકાય છે? અને અંતે સાથે શું શું લઈ જઈ શકાય છે?!

કવિ શ્રી ઉમાશંકર જોષીએ એક કાવ્ય કર્યું છે જેનું

શીર્ષક છે, ‘શું શું સાથે લઈ જઈશ હું?’

કાવ્ય આ પ્રમાણે છે.

શું શું સાથે લઈ જઈશ હું?

કહું?

લઈ જઈશ હું સાથે

ખુલ્લા ખાલી હાથે

પૃથ્વી પરની રિદ્ધિ હ્રદયભર-

વસંતની મ્હેકી ઉઠેલી ઉજ્જવલ મુખશોભા જે નવતર

મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયે એ તડકો,

વિમળ ઊમટ્યો જીવનભર કો’ અઢળક ઉમળકો,

માનવજાતિ તણાં પગમાં તરવરતી ક્રાંતિ

અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાંતિ,

પશુની ધીરજ, વિહંગના કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,

વિરહ ધડકતું મિલન, સદા-મિલને રત સંતન

તણી શાંત શીળી સ્મિત શોભા,

અંધકારના હ્રદયનિચોડ સમી

મૃદુ કંપતી સૌમ્ય તારકિત આભા,

પ્રિય હ્રદયોનો ચાહ

અને પડઘો પડતો જ ‘આહ!’

મિત્ર ગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંધુ

તણું કદિ એકાદ લૂછેલું અશ્રુબિન્દુ

નિદ્રાની લ્હેરખી નાની – કહો, એક નાનકડો

સ્વપ્ન-દાબડો,

(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)

-અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન સાજ!

વધુ લોભ મને ના,

બાળકના કંઈ અનંત આશ-ચમકતા નેનાં

લઈ જઈશ હું સાથે

ખુલ્લા બે ખાલી હાથે

ખુલ્લા બે ‘ખાલી’ હાથે?

——————-

આપણે જાણીએ છીએ કે યેન-કેન-પ્રકારેણ મેળવલ કાંઈપણ સ્થાવર-જંગાવર મિલકત આપણે લઈ જઈ શકવાના નથી. અવાર-નવાર સાંભળીએ છીએ કે અહીંનું બધું અહીં જ છૂટી જવાનું છે તો પછી આટલી દોડ-ધામ શા માટે? આટલી પળોજણ કે આળપંપાળ શા માટે ? આટલી હૈયાહોળી કે લાલચવૃત્તિ શા માટે ?

…પણ કવિ જે યાદી અહીં આપે છે તે કોઈને નડ્યા કે કનડ્યા વગર પણ સાથે લઈ જઈ શકાય છે, કવિની વાતમાંથી ઘણાં આશ્વાસનો જડે તેમ છે. મૃત્યુને આપણે એટલી અશુભ ઘટના ગણીયે છીએ કે તે વિશે બે વાત કરતા પણ ખચકાઈએ છીએ.

કવિ સ્વર્ગ-નર્ક વિશે ફોડ પાડ્યા વગર જાણે એ જ કહે છે કે સ્વયં પરમપિતા પરમાત્માને પણ ઈર્ષા આવી શકે એવી પૃથ્વીના હ્રદયની રિદ્ધી લઈને મારો જીવ અહીંથી જશે! પૃથ્વીનું હ્રદય, ને વળી, તેની રિદ્ધિ એ શું હશે ? ઉમાશંકર જોષી એ આકંઠ ટાગોરનું રસ-પાન કર્યુ છે, એવો આ મહાન કવિ કહે છે વસંતની જે મહેક છે તેના ઊજળા મુખની શોભા હું સાથે લઈ જઈશ. જ્યારે મેઘ ઘેરાયેલા હોય એવી ઉદાસીન સાંજે વૃક્ષની ડાળીઓમાં જે ખુશનુમા તડકો ઝિલાતો હશે હું તેને સાથે લઈ જઈશ!

કવિની કૃતિ માત્ર પોતાના ઈચ્છા-અનિચ્છા, પસંદ-નાપસંદ કે પોતાના જ ગમા-અણગમા વિશે વાત નથી કરતી, એ તો સમગ્ર વિશ્વના માનવસમુદાયની ભાવનાઓ અને સંવેદનાઓનો પડધો ઝીલે છે. તેમાં આખીયે માનવજાતિનો ધબકાર હોય છે એટલે કવિ મનુષ્યતાની ક્રાંતિ અને હિમાલયના મસ્તક પર બિરાજીત, ઝિલમિલાવતી, શાંતિની પણ વાત કંટારે છે. પ્રકૃતિના ખોળે રમતા કવિની પ્રકૃતિમાંથી પોતાની સાથે લઈ જવાનો અહીં સાધન સંરજામ મળે છે.

આપણી વાત કરીએ તો આપણે આ કુદરત પાસેથી શું-શું લઈ જઈશું ? ખીલતા-મુરઝાતા ફૂલોની આશા-નિરાશા? તોફાને ચઢેલી ધૂળની ડમરીમાંથી વીંટળાતો પવન અને જંગલોની નિરવતા? ઘૂઘવતા દરિયાની મોજ અને રણની એકલતા? આ ખજાનો લૂંટતા માણસને કોઈ રોકી શકે એમ નથી કારણ કે કોઈના પિતાશ્રીની સંપત્તિ નથી. આ તો ભાવનાનો મેળો છે, જે આત્મસાત કરી શકાય તો મૃત્યુ પછી સાથે લઈ જઈ શકાય એમ હોય છે. પ્રકૃતિમાતા કોઈનેય ખાલી હાથે પાછા નથી મોકલતી. મન ભરીને માણી શકે તે દરેક જણ આ ખજાનો સાથે લઈ જઈ શકે.

કવિ કહે છે પશુ પાસે જે અનંત ધીરજ છે તે પંખીઓ પાસે છે. કલાનૃત્ય છે તે, પથ્થરો પાસે જે નિરંતન મૌન છે તે, તે, બધુ જ હું સાથે લઈ જઈશ.

કવિ જાણે છે કે કોઈપણ મિલન વિરહ વગરનું નથી હોતું ! ‘હર મુલાકાત કા અંજામ જુદાઈ ક્યૂં હૈ?’ એ રાગ સનાતન છે પણ સંતો, ઋષિઓ, મુનિઓ, ગુરૂઓ માટે વિયોગ પણ વિયોગ જેવો નથી હોતો! તેઓ એક પ્રકારના મિલનમાં જ સતત રત હોય છે, એ યાદ જ તેમનું મિલન છે. આ નિરંતર સ્મરણ મિલનના એક આત્મીય સુખનું કારણ બને છે. આ સુયોગ જ તેમના ચહેરા પર એક આભા અને શોભાને નિર્મિત કરે છે. કવિ પોતાને સંતો સાથે નહિ, સામાન્ય માણસ સાથે સરખાવે છે, એ તેમની મહાનતા છે, એટલે જ તેઓ જણાવે છે કે આ મિલન-વિરહની રાજ રમત મારે સાથે લઈ જવી છે!

અંધકારનો નિચોડ સમી તારાવલી છે! કેટલું સુંદર કલ્પન છે કે અમાસની રાતે જ તારાઓની ચમક વધારે જણાય છે, એ આભા મારે સાથે લઈ જવી છે! જેનો એક અર્થ એ થયો કે હડહડતી નિરાશામાંથી જન્મેલ ચળકતી આશા માટે લઈ જવી છે. કેટલાય હ્રદય હશે જે મનોમન પ્રિય હશે તે હ્રદયોની ચાહ જેનો મેળ ‘આહ’ સાથે પડે છે, તે સાથે લઈ જવા છે.

શ્રી ઉમાશંકર જોષી મોટા ગજાના કવિ છે. એમની બે પંક્તિઓ અહીં સ્મરણ કરવા જેવી છે.

પ્રભુએ મને પકડ્યો’ તો એકવાર

સંધ્યાના તડકાથી એ વૃક્ષના થડ રંગતો’તો

જે કવિ આટલી નાજુક વાતને કવિતામાં વણી શકે છે, એ જ પ્રિય હ્રદયોની ચાહ અને આહ સાથે લઈ જઈ શકે છે અને એ જાણી શકે છે કે કોઈ ‘ચાહ’, ‘આહ’ વગરની હોતી નથી!

કવિ આગળ જણાવે છે કે મિત્ર ગોઠડીની મસ્ત વાત તો સાથે લઈ જ જવી છે પણ અજાણ્યા હોય એવા માનવબંધુનું જો કોઈ અશ્રુ મેં લૂછ્યુ હોય તો તેની યાદ પણ સાથે લઈ જવી છે! પોતીકાના સઘળા આંસુ લૂંછી શકે તેને પછી અજાણ્યો જણ પણ પોતાના ‘માનવબંધુ’ સ્વરૂપે દેખાય અને તો જ તે તેના આંસુને સ્મિતની ભેટ આપી શકે!

જે નિંદ્રા મનુષ્ય કે કહો જીવમાત્ર માટે કુદરતના વરદાન રૂપ છે, તેના સુવાળા અહેસાસને તો સાથે લઈ જવો છે પરંતુ સાથોસાથ નાનકડા સ્વપ્ન દાબડાને પણ સાથે લઈ જવો છે! મનુષ્ય જાતને નિંદ્રા પછી જો કોઈ બીજું વરદાન મળ્યું છે તો તે સપના નીરખવાનું ને છતાં કવિ પૂરી સભાનતા સાથે કહી ઉઠે છે, બધા જ સ્વપ્ન સફળ ન થાય, એવી પ્રાર્થના! સપના સાકાર થવાની અરજી તો સૌ ઈશ-ચરણે મૂકી શકે, માતબર કવિ જ જાણે છે કે બધા સ્વપ્નાઓ સફળ થવાની કાબેલિયત ધરાવતા નતી હોતા!

આવું કઈ રીતે કહી શકાય?  ઉમાશંકરની જે ત્રણ પંક્તિઓમાં તેનો જવાબ આલેખાયેલો છે!

ગળે વીંટાળ્યા જે કર, અરર તેના જ નખથી

વલૂરાયા હૈયાં,

ભર્યું શું આયુષ્યે? અણસમજ ને ગેરસમજો

આ વ્યથા અને એકલતાનો જાણકાર જ કહી શકે સૌ સપનાઓ સફળ ન થશો. ભલે ને એ મધમીઠા જણાતા હોય, શરૂઆતમાં! ને સાથે જ પંક્તિ આવે છે કે વસુંધરામાં જે રસ ભર્યો છે તે સ્વપ્ન-સાજ (સર સામાન) બને છે.

કવિ જાણ છે કે-

માનવીના હૈયાને નંદવામાં વાર શી?

થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી?

ને છેલ્લે એ લખે છે કે મારે વધારે લોભ કરવો નથી પણ છેલ્લી નોંધરૂપે  એ જે શબ્દો પ્રયોજે છે એ માણસ જાતનું નવનીત છે. કહે છે કે મારે બાળકનાં કઈ કેટલીય અનંત આશાઓથી ચમકતા નૈન લઈ જવા છે!

જિંદગીના આરંભમાં જે બાળપણ છે તે, જિંદગીના અંત ભાગે આવેલા મૃત્યુ સાથે આવરીને આખીયે જીવન-રેખા જાણે અહીં ઉકેલી નાખી છે.

સિકંદરે કહેલું કે મૃત્યુ બાદ મારા બંને ખાલી હાથ જનાજાની બહાર કાઢી મુકજો, જેથી લોકો જાણી શકે કે જેણે આખી દુનિયા જીતવાના સપના જોયેલા તે પણ ગયો તો ખાલી હાથે જ…

અહીં કવિ કહે છે ખુલ્લા ખાલી હાથે હું આ સઘળુ લઈ જઈશ અને પછી પોતાની જ વાતો પર પ્રશ્નાર્થ મુકી દેતા ઉમેરે છે ખુલ્લા બે ‘ખાલી’ હાથે આ બધુય લઈ જવાશે?!

કવિની બે પંક્તિઓના સઘળી કવિતા સાથે મેળ પડે છે, જ્યાં તેઓ લખે છે.

બારણાં બંધ હું જ્યારે કરું છું, ચિત્તમાં રહ્યું

કો’ક ત્યાં બોલી ઉઠે છે.  “કોણ બહાર રહી ગયું?”

મૃત્યુની બહાર જે નથી રાખવું  એ ચિત્તના દ્વાર બંધ કરતી વેળાએ બહાર ન કરી જાય તેની વાત મુખ્ય કવિતા કરે છે!

આ કવિતા સમગ્ર પ્રજા કે કહો વિશ્વ સમુદાયની કવિતા છે જેમાં કવિએ શું શું સાથે લઈ જવું છે તેની વાત નિરાંતે માંડી છે…

કવિની ઈચ્છાઓ તો અહીં સમાપ્ત થાય છે, ઉછળે છે પ્રશ્ન આપણી જાત પર, કે હું શું શું સાથે લઈ જઈશ. ક્યો ખજાનો છે એવો જે મારી સાથે જશે?  કાળના કોઈક સિકંજામાં દરેકનો કાળ આવી સામે ઊભો રહેશે ત્યારે ખાલી હાથ શેનાથી ભર્યા હશે? કઈ ચાહતો, ક્યા અરમાનો, કેવા સપનાઓ, કેવી હસરતો, કેટલી ખ્વાહીશોનો કાફલો સાથે હશે ? એ ઈચ્છાઓ-આકાંક્ષાઓ પુર્નજન્મ પામશે કે છેલ્લા સ્ટોપ નિર્વાણ અથવા મોક્ષ સુધી લઈ જશે ?

વધુ લોભ કે લાલચ વગર સાવ છેલ્લી બાબત કઈ ઉમેરાશે? જેવી જિંદગી પામીએ એવા જ અનુસંધાને મોત પમાતું હોય છે. જેવો જિંદગીનો ઘાટ એવી અંતિમ સફરની વાટ… નક્કી કા તો જીવાતી જિંદગીમાં જે કરી લેવું પડશે કે એવું જીવીએ કે મોત પોતે પરવાનગી આપે સાથે લઈ જવાની લિસ્ટની…

સાવ સાંસારિક સફરોમાં પણ સાથે શું-શું લઈ જશું તેની વિસામણ થતી હોય છે. ત્યારે આ તો અનન્તની યાત્રા છે, અને તેમાં સાથે શું શું લઈ જઈ શકાશે, તેની વાત છે! સમજુ અને પરિપક્વ લોકો તેની તૈયારી કરતો રહે છે અને ક્ષુલ્લક માણસ તો એ ભૂલાવી જ દે છે કે એક દિવસ મરવાનું પણ છે!

-: વિસામો :-

પ્રભો! આ પ્રેમની પૂંજી, ધરું છું આપને પદે!’

વહેંચ એ સર્વ જીવોમાં, વધે તો અહીં લાવજે.’

(પંક્તિઓ : ઉમાશંકર જોષી)

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant