અડધા મૂરખા અને અડધા શાણા આ જગતના સૌથી જોખમી પ્રાણીઓ છે!

સમજણમાં કરેલું રોકાણ ક્યારેય ખોટ કરતું નથી, શક્ય છે કે જે આજે સમજાયું તેને અમલમાં મુકવાનો વખત ક્યારેક જ આવે પણ છતાં એ સાંપ સંઘરી રાખ્યા જેવો ખરો.

Diamond-City-News-Adhi-Akshar-376-Kalpna-Gandhi
(શીષર્ક પંક્તિ : ગોથે, જર્મન કવિ 1749-1832)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આપણે મનુષ્યો છીએ એટલે જેટલી સમજ માણસ પ્રત્યે કેળવીએ તેટલું જીવન સહજ, સરળ, સંતોષકારક અને સાર્થક બને. જિંદગીની બધી ખોજ અંતે તો સાર્થકતાની ખોજ છે. નાનામાં નાના કૃત્યથી માંડીને મોટામાં મોટા કાર્યો પણ છેવટે તો સાર્થકતા જ શોધે છે. ટૂંકમાં, માણસને માણસ જેટલો કળી શકાય અને સમજી શકાય તેટલી તેની વર્તણૂંક સાર્થકતામાં પરિણમે. અનેકવિધ, દાર્શનિકો, ચિંતકો, લેખકો અને મનોવૈજ્ઞાનિકોએ પણ પોતાની સમજ મુજબ માણસના પ્રકારના વિભાજનો કર્યા છે.

ઈ.સ. 1831-96માં થઈ ગયેલા અમેરિકન શિક્ષણશાસ્ત્રી ઈસાબેલ બર્ટન માણસના ચાર પ્રકાર ગણાવે છે.

1. એ માણસ જે જાણતો નથી અને એ વાત જાણતો નથી કે તે જાણતો જ નથી- એ માણસ મૂર્ખ છે, માટે તેને ટાળો. (તેની સાથે વ્યવહારમાં ઉતરવાથી બચો. તેનાથી કિનારો કરી લો. ટૂંકમાં, તેની અડફેટે ન ચડો.)

2. એ માણસ કે જે જાણતો નથી અને સાથે એમ પણ જાણે છે કે હું જાણતો નથી- તે માણસ સરળ છે. તેને શીખવો. (કારણ કે આવો માણસ જે નથી જાણતો તે શીખવા માટે તત્પર હોય છે, તેની જિજ્ઞાસા અમર હોય છે. વળી, જે શીખવા માટે પોતાના મન-મગજના દરવાજા મોકળા કરી શકે, તે જ કોઈપણ ઉંમરે શીખી શકે, બાકિ તો એમ જ કહે કે આટલી ઉંમરે શું શીખવું?)

3. એ માણસ કે જે બરાબર જાણે છે કે પોતે જાણતો નથી-એ માણસ ઉંઘમાં છે, એને જગાડો. (કોઈને જગાડવું એ સૌથી મોટા પરાક્રમનું કામ છે. કારણ કે ઘણાંને મન તેમની ઉંઘ સર્વેસર્વા હોય છે. હકીકતથી બચવા તેઓ કાલ્પનિક દુનિયામાં સરી જતા હોય છે. છતાં ઈસાબેલ કહે છે કે તેને જગાડો કદાચ તમારું સાહસ સફળ થઈ રહે તો જ્ઞાન આપ્યાનો તમને અને મેળવ્યાનો તેને એમ બંને પક્ષ વીન-વીન પરિણામ આવી શકે એમ બને. ચીની ચિંતક કન્ફયુશિયસે કહ્યું છે કે અજ્ઞાનની સભાનતા અને તેનો સ્વીકાર એ સાચું જ્ઞાન છે.)

4. એ માણસ કે જે જાણે છે અને પોતે જાણે છે કે હું જાણું છું તેનું અનુસરણ કરો. (અનુકરણ કૂવામાં ધકેલે છે પણ આવા માણસનું અનુસરણ પાંખો આપે છે. આવા માણસો જે અનુકરણીય છે, તે લોકો વચ્ચે સફળ નેતા થઈ શકે છે. તેમના કરિશ્માથી લોકો અંજાઈ જાય છે પણ અનુસરણ જાગતી આંખો સાથે થવું જોઈએ, ઘેનમાં પડેલા મન સાથે નહીં.)

આ ચાર પ્રકારોમાં માણસ વિશે ઈસાબેલે ઘણી ઊંડી સમજ નિરૂપી છે.

દરેક દેશ, કાળ, જાતિ, રંગ, લિંગ, ધર્મ, સંપ્રદાય અને સમાજે માણસ-માણસને સમજે તે માટે વિચાર-દીપ પ્રગટાવ્યા છે. આપણે જેમ દિવાળીમાં ઘર, ઓફિસ, દુકાન, મકાનની સાફ સૂફી કરીને કચરો કાઢી નાખીએ છીએ, તેમ મનના જાળા પણ સાફ કરતા રહેવું જોઈએ નહિતર ઉંમર વગરનું ઘડપણ આવી જાય.

સમજણ એક એવું વૃક્ષ છે જે વૃદ્ધાવસ્થામાં ફળ, છાંયો અને વિસામો આપે છે પણ માણસે આ સમજનું બીજ જેટલી નાની વયે રોપ્યું હોય તેટલો તેને ઘડપણમાં લાભ મળી શકે. બાકિ જો સમજણની નહેર બનાવી જ ન હોય તો બીજ પણ બળીને રાખ થઈ જાય. સાર્થકતા એક ઉદ્દેશ્ય છે, માટે કર્મ શુભ હોય તે અનિવાર્ય છે, નહિતર એવા કાર્યો થવા લાગે છે જે ગુનાહમાં બદલાઈ શકે.

ખાલી સોય કશું સીવતી નથી પણ તેમાં દોરો પરોવાય તો સરસ માળા બની શકે કે વસ્ત્ર બની શકે એમ સમજણની સોયમાં સાર્થકતાનો દોરો પરોવાય ત્યારે માણસ સંસારમાં ભૂલો પડી જતો નથી. એવું શ્રીમદ્ રાજચંદ્ર કે જે આધ્યાત્મિક વિભૂતી હતા, તેઓ કહેતા.

દરેક દેશ, કાળ, જાતિ, રંગ, લિંગ, ધર્મ, સંપ્રદાય અને સમાજે માણસ-માણસને સમજે તે માટે વિચાર-દીપ પ્રગટાવ્યા છે. આપણે જેમ દિવાળીમાં ઘર, ઓફિસ, દુકાન, મકાનની સાફ સૂફી કરીને કચરો કાઢી નાખીએ છીએ, તેમ મનના જાળા પણ સાફ કરતા રહેવું જોઈએ નહિતર ઉંમર વગરનું ઘડપણ આવી જાય.

શીખવાની કોઈ ઉંમર નથી હોતી અને જ્ઞાનની ક્યાંય સમાપ્તિ નથી થતી માટે માણસે પોતે જે રસ્તા વણખેડ્યા હોય કે એક્સપ્લોર ન કર્યા હોય એવી જ્ઞાનની વાડીઓમાંથી ફળ તલાશવા મથવું જોઈએ.

બાઈબલમાં વચન છે કે એ વાત હ્રદયમાં કોતરી રાખજે કે તું સદગુણો કેળવીશ તો તારું જીવન સુખમાં વ્યતીત થશે. તું જ્ઞાન અને સમજ મેળવતો જા, તેનાથી ચલિત ન થતો. કોઈપણ સંજોગોમાં સમજણ અને પરિપક્વતાનો ત્યાગ ન કરતો,  એ તારું  સદા રક્ષણ કરશે. જ્ઞાન પર ભરપૂર પ્રેમ રાખજે તો એ તારી સંભાળ રાખશે.

આગળ જણાવાયું છે કે આ સંસારની સૌથી મહત્વપૂર્ણ બાબત છે, જ્ઞાન અર્જિત કરવું એટલે તારા સર્વસ્વના ભોગે પણ તું જ્ઞાન પ્રાપ્ત કરજે, તું તેનું બહુમાન કરીશ તો જ્ઞાન તને ઊંચે આકાશમાં ઉડવાનો માર્ગ દેખાડશે. તું એને છાતીએ વળગાડીશ તો એ તને કીર્તિ આપશે સાથોસાથ તને માળા અને મુગટ પહેરાવશે…

ગીતા કે રામાયણ જ નહિ બાઈબલ કે કુરાન પણ જ્ઞાન પ્રાપ્તિ માટે સંદેશ આપે છે. માણસે એ સમજવાનું છે કે જ્ઞાન એ વધતા વધતા વધી ગયેલી પરિપક્વ સમજણ છે. આ ધન એ એવું ધન છે જેની તમે રક્ષા કરો તો તે તમારી રક્ષા કરે છે. અને સમજણ ? યર્થાથ બુદ્ધિ અને સજાગ માનસમાંથી પ્રગટે છે, બાકિ જે બુદ્ધિએ ન્યાય સાથે ડાયવોર્સ લઈ લીધો હોય તે સમજણ કપટ બની જાય છે, વારો-તારો કરે છે, જેમ ધૃતરાષ્ટ્રે કર્યુ તેમ.

આ દિવાળીએ આપણા ભીતરના રાવણનું તો દહન કરીએ જ પણ અંદર ખદબદતા ધૃતરાષ્ટ્રને પણ ઓળખી કાઢીએ. જેમ રાવણ સર્વનાશ વહોરે છે તેમ ધૃતરાષ્ટ્ર પણ…

સમત્વ બુદ્ધિ અને હ્રદયનું વિશાળ ખુલ્લાપણ સાથે સંપ અને એકતા ધરાવતું ચિત્ત જ જીવનને સાર્થકતા તરફ દોરી જાય છે. સાર્થકતા એ એક આખુ ચરિત્ર છે જે સારી ટેવ અને આદતોથી નિર્માણ પામે છે. રોજ રોજ થોડું થોડું નવું શીખતા રહેવાથી બુઢાપો માણસને અસર કરી શકતો નથી અને સમજણની એક એક ઈંટથી ક્યારે રાજ મહેલ રચાઈ ગયો તેનો પરીશ્રમ પણ કઠતો નથી.

આ દિવાળીએ સૌ શુભચિંતકોને શુભકામના કે આપનું જીવન સાર્થક્ય ભણી અગ્રેસર રહે. શુભમ્ ભવતુ…

-: વિસામો :-

અજ્ઞાન એ અભિશાપ છે. જ્ઞાન એ પાંખો છે જેના વડે આપણે દેવલોક ભણી ઉડાન ભરીએ છીએ.

શેક્સપીઅર (અંગ્રેજ નાટકકાર 1564-1616) 

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant