સુરતને વિશ્વના આકાશમાં ચમકાવા માટે હીરાવાળાઓએ ખરીદી રહ્યાં છે પોતાની પાંખો

ટ્રાફિક જામ અને મોડી ફ્લાઇટની સમસ્યા હવે ભૂલી જાવ. સુરતમાં હીરાની ચમક વધારવા માટે શહેરના હીરાવાળા હવે પોતાની પાંખો ખરીદવા માંડ્યા છે.

Cover Story Diamond City Issue 403
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

કહેવાય છે કે કમ્ફર્ટ ઝોનમાં રહેલી વ્યક્તિ ક્યારે સફળ થઈ શકતી નથી. તે જ રીતે સતત અન્યાય, અવગણના અને ઉપેક્ષા વ્યક્તિને આપબળે સફળતા સુધી લઈ જનારી કેડી કંડારવા કાબિલ બનાવે છે. એવું જ કંઈ સુરત શહેર સાથે બન્યું છે. સુરતીઓ એ વાતનું ગૌરવ લે છે કે એક સમયે સુરત શહેરમાં તાપીના કિનારે 86 દેશના વાવટા ફરકતા હતા. દૂર વિદેશથી જહાજ લઈ વેપારીઓ  સુરતના બંદરે આવતા હતા અને ભારતમાં વેપાર કરતા હતા. ડચ અને અંગ્રેજો પણ સુરતમાં જ વેપાર કરવા આવતા હતા.

અંગ્રેજોએ ભારતમાં સૌ પ્રથમ વેપારી કંપની સુરતમાં શરૂ કરી હતી. પરંતુ સમયાંતરે સુરતનું સ્થાન મુંબઈએ લીધું. ભારતનું મુખ્ય વેપારી કેન્દ્ર મુંબઈ બન્યું. ત્યાર બાદ જાણે સુરત નકશામાંથી ભૂલાતું ગયું. એટલે સુધી કે મહારાષ્ટ્રમાંથી 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યાર બાદ સુરતના બદલે અમદાવાદને વધુ મહત્ત્વ અપાયું. ગુજરાતના બે એરપોર્ટ તે પણ અમદાવાદ અને વડોદરામાં શરૂ થયા. સુરતે દાયકાઓ સુધી બેઝિક ફેસિલિટી માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે.

જ્યાં એક સમયે 86 દેશના વાવટા ફરકતા હતા તે સુરત શહેરનો દરિયા કિનારો વેરાન થયો. અહીં હજીરા ઈન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ પરંતુ સુરતને તેનો કોઈ લાભ નહીં. બધી કંપનીઓની રજિસ્ટ્રર્ડ ઓફિસ મુંબઈ અથવા દિલ્હીમાં. તેથી કરનો લાભ પણ તે રાજયોને મળતો. સુરત હીરા નગરી તરીકે ઓળખાય પરંતુ હીરાવાળાએ વેપાર કરવા મુંબઈ જવું પડતું. તેથી જ તેઓની મુખ્ય ઓફિસો મુંબઈમાં જ રહેતી. કરનો લાભ પણ મુંબઈને મળતો. તેથી સુરતમાં નકરી મજૂરી થતી હતી. તેથી દાયકાઓ સુધી સુરતનું ડેવલપમેન્ટ થયું નહીં. તેમ છતાં સુરતની ખંતીલી પ્રજા હાર માની નહીં.

સુરતના લોકો મોજીલા ખરા પરંતુ મહેનતુ પણ એટલા જ. વળી, સુરતની ખાસિયત એ કે બહારથી જે કોઈ આવે તેને પ્રેમથી આવકારે અને હંમેશ માટે સ્વીકારી લે. તેથી જ સૌરાષ્ટ્રીયનો, મારવાડી, પંજાબી, ઓરિસ્સાવાસી જે કોઈ આવ્યું તે બધાને અહીં રોજી રોટી મળી. આજે હીરામાં સૌરાષ્ટ્રવાસીઓનો દબદબો છે, તો કાપડ ઉદ્યોગમાં મારવાડી, પંજાબીઓનું વર્ચસ્વ છે. હવે આ સુરત બહારના લોકો સુરતીઓ કરતા વધુ સુરતી થઈ ગયા છે. અને એટલે જ આજે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મૂળ સૌરાષ્ટ્રના આ હીરાવાળાઓ સુરતનું નામ રોશન કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. એ સૌરાષ્ટ્રીયન હીરાવાળા જ છે જેઓએ મુંબઈથી અલગ સુરતમાં વિશ્વ કક્ષાનું હીરાનું ટ્રેડિંગ ઓફિસ બનાવ્યું છે. તે પણ સહકારી ધોરણે. સરકારની પાસે એકેય રૂપિયાની મદદ લીધા વિના.

આ સૌરાષ્ટ્રીયન હીરાવાળા હવે અસ્સલ સુરતી બની ગયા છે. તેઓની નસે નસમાં હવે સુરત માટેનો પ્રેમ વહે છે. તેથી જ સુરત ડાયમંડ બુર્સ બનાવી તેઓ અટકી ગયા નથી, પરંતુ હવે સુરત વર્લ્ડ ડાયમંડ ટ્રેડિંગ હબ બને તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. સુરત ડાયમંડ બુર્સ બન્યા બાદ હીરાના વેપારનું કેન્દ્ર સુરત બને તેમાં સૌથી મોટી અડચણ હવાઈ સેવા છે. આ અડચણને દૂર કરવા હીરાવાળાઓએ સરકારમાં અનેક રજૂઆત કરી. સરકારે પણ શક્ય એટલી મદદ કરી તેમ છતાં હજુ સુધી સુરત એરપોર્ટ પર સંપૂર્ણ ક્ષમતા સાથે 24 કલાકની ઈન્ટરનેશનલ એરસર્વિસ એક સપનું છે. તેથી જ આ હીરાવાળાઓએ જે રીતે સુરત ડાયમંડ બુર્સ બનાવ્યું તે જ રીતે પોતાની પાંખો લઈ ઉડવાનું શરૂ કર્યું છે.

ટ્રાફિક જામ અને મોડી ફ્લાઇટની સમસ્યા હવે ભૂલી જાવ. સુરતમાં હીરાની ચમક વધારવા માટે શહેરના હીરાવાળા હવે પોતાની પાંખો ખરીદવા માંડ્યા છે. હા, સુરતમાં વિશ્વનું નંબર 1 ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ બનાવ્યા બાદ સુરતના હીરાવાળાઓ સામે સૌથી મોટી સમસ્યા એર કનેક્ટિવિટીની છે. ઈન્ટરનેશનલ એરકનેક્ટિવિટીની સમસ્યા સુરત ડાયમંડ બુર્સની સફળતા આડે અવરોધરૂપ બની શકે છે તેવી ચર્ચાઓ ઊઠી છે. સરકારે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપી દીધો. સુરત-શારજાહ ઉપરાંત હવે સુરત-દુબઈની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી દીધી તેમ છતાં સુરતમાં દેશ વિદેશના ખરીદદારો પૂરતી ફ્લાઇટ  કનેક્ટિવિટીના અભાવે આવતા અચકાશે તેવું માનવામાં આવી રહ્યું છે, ત્યારે રૂપિયા 3000 કરોડથી વધુના ખર્ચે સ્વબળે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ બનાવનાર સુરતના હીરાવાળાઓએ હવે એરકનેક્ટિવિટીની સમસ્યાનો પણ આપબળે જ ઉપાય શોધવા માંડ્યો છે. સુરતના હીરાવાળા સહિત અનેક મોટા ઉદ્યોગકારો હવે એરક્રાફટ ખરીદવા માંડ્યા છે. જેથી વિદેશી બાયર્સને પોતાના જ એર ક્રાફ્ટમાં સુરત લાવી શકાય.

એ વાત સર્વવિદિત છે કે સુરત કરતાં મુંબઈ વધુ સારી ફેસિલિટી અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. તેથી મુંબઈથી હીરાના વેપારને રાતો રાત સુરત શિફ્ટ કરી દેવો શક્ય નથી. સુરત ડાયમંડ બુર્સ ચોક્કસપણે આલિશાન ઇમારત છે, પરંતુ જ્યાં સુધી સુરતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની હવાઈ સેવા, આંતરરાષ્ટ્રીય સ્તરની હોટલોની વ્યવસ્થા સહિત અન્ય સુવિધાઓ મળતી ન થાય ત્યાં સુધી વિદેશી બાયર્સ સુરતમાં આવતા અચકાશે. આ બાબતથી સુરતના હીરાવાળા પણ વાકેફ છે. તેથી આંતરરાષ્ટ્રીય ખરીદદારોને સીધા સુરત ડાયમંડ બુર્સ લઈ જવા માટે સુરત ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા મોટા ગજાના હીરાના વેપારીઓ એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહ્યાં છે.

એવિએશન ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ જગતમાંથી 10 એરક્રાફ્ટ અને 1 હેલિકોપ્ટર ખરીદવા માટે ઈન્ક્વાયરી આવી છે. આમાં, શહેરમાંથી દેશની વિવિધ હોસ્પિટલોમાં દાન કરાયેલા અંગોને લઈ જવા માટે એર એમ્બ્યુલન્સ અને ઉદ્યોગપતિઓના અંગત ઉપયોગ માટે ખાનગી જેટનો સમાવેશ થાય છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે ઓળખાય છે, જેમાં કિરણ જેમ્સ, ધર્મનંદન ડાયમંડ્સ, શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટ્સ, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ વગેરે જેવી હીરાની સૌથી મોટી ઉત્પાદક કંપનીઓની આલિશાન ઓફિસો છે. પરંતુ હવે ત્રણથી ચાર હીરા ઉદ્યોગપતિઓનું એક જૂથ હવાઈ સેવાની મર્યાદાઓથી પરેશાન થઈ આ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યું છે. તેઓ એક સાહસિક પગલું ભરવા જઈ રહ્યાં છે. આ ઉદ્યોગપતિઓએ નાના, સિંગલ-એન્જિન એરક્રાફ્ટ ખરીદવાની યોજના બનાવી છે, જે વિદેશી બાયર્સને મુંબઈથી સુરત સુધી લક્ઝરીયસ ફ્લાઇટમાં લઈ જઈ શકે. જેથી સમયની પણ બચત થાય.

એક ઉદ્યોગપતિએ કહ્યું કે, અમે વિદેશી બાયર્સને રોડ ટ્રાન્સપોર્ટની અસુવિધાઓ સહન કરવા માટે છોડી શકીએ નહીં. મુંબઈ થી સુરત વચ્ચે ટ્રેન કે રોડ ટ્રાન્સપોર્ટથી મુસાફરી અસુવિધાજનક, કંટાળાજનક અને વધુ સમય વેડફનારી બની રહેશે. જે સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપાર માટે સારી નથી. એટલા માટે અમે ખાનગી જેટની શોધ કરી રહ્યા છીએ. એક પીઢ હીરા ઉદ્યોગકાર પહેલાથી જ  30 કરોડના આકર્ષક અમેરિકન એરક્રાફ્ટનો ઓર્ડર આપી ચૂક્યા છે. આ ફ્લાઈંગ જ્વેલ બોક્સ યુનાઈટેડ સ્ટેટ્સ, દુબઈ, હોંગકોંગ અને બેલ્જિયમ જેવા દેશોના ખરીદદારોને મુંબઈની અડચણને બાયપાસ કરીને સીધા જ સુરત ડાયમંડ બુર્સ સુધી પહોંચાડશે. કલ્પના કરો કે ભારતમાં વિદેશી બાયર્સ પહોંચે અને થોડી જ મિનિટોમાં તેમને વિશ્વના સૌથી મોટા હીરાના વેપારના કેન્દ્રમાં લઈ જવામાં આવે. તે ખરેખર અમારા ગ્રાહકો માટે ખરેખર અનન્ય અનુભવ બની રહેશે.  પ્રાઇવેટ જેટ પહેલ એ માત્ર એક સામાન્ય ઉકેલ નથી. વર્ષોના વચનો અને દરખાસ્તો છતાં સુરત-મુંબઈ એર લિંકનો ઉકેલ આવ્યો નથી. સુરત મુંબઈ વચ્ચે એરસર્વિસ હજુ પણ અસ્પષ્ટ છે. સીધો જોડાણનો આ અભાવ માત્ર હીરાના ખરીદદારોને જ અસર કરતું નથી પરંતુ વૈશ્વિક હીરા વેપાર કેન્દ્ર તરીકે શહેરના વિકાસને પણ અવરોધે છે.

સુરતને વિશ્વના મંચ પર ખરેખર ચમકાવવા માટે અમારે સીમલેસ એર કનેક્ટિવિટી જોઈએ છે એમ અન્ય એક હીરા ઉદ્યોગપતિ કહે છે. તેઓએ કહ્યું કે, સીમલેસ એરકનેક્ટિવિટીએ ઘણા લોકોની લાગણીનો પડઘો પાડે છે. જ્યારે ખાનગી જેટ એક અસ્થાયી ઉકેલ હોઈ શકે છે, તેઓ બે શહેરો વચ્ચે સમર્પિત એર લિંકની તાત્કાલિક જરૂરિયાતને વાચા આપે છે.

હીરાના ઉદ્યોગપતિઓની ખાનગી જેટ યોજનાના સમાચારે ઉદ્યોગમાં હલચલ મચાવી દીધી છે. કેટલાક તેને સર્જનાત્મક અને સક્રિય ઉકેલ તરીકે ગણાવે છે, જ્યારે અન્ય લોકો લાંબાગાળાની ટકાઉપણું અને સંભવિત નિયમનકારી અવરોધો વિશે ચિંતા વ્યક્ત કરે છે. જો કે, એક વાત સ્પષ્ટ છે હીરાના વેપારીનું સાહસિક પગલું સુરત-મુંબઈ એર લિંક પર પ્રગતિના અભાવ સાથે વધતી જતી નિરાશાને રેખાંકિત કરે છે. આ પ્રાઇવેટ જેટ ઉડાન ભરે કે ન ઊડે, તેમનું અસ્તિત્વ એ યાદ અપાવે છે કે ડાયમંડ સિટી એક યા બીજી રીતે ઉડવા માટે તૈયાર છે.

સુરતના ઉદ્યોગકારોએ 1 વર્ષમાં 5 એરક્રાફ્ટ ખરીદ્યા છે

પાછલા એક વર્ષમાં સુરતના ઉદ્યોગકારોએ 5 એરક્રાફ્ટ ખરીદયા છે અને હવે નવા વર્ષમાં તેઓ 1 હેલિકોપ્ટર, એર એમ્બ્યુલન્સ સહિત 10 પ્રાઇવેટ એરક્રાફ્ટ ખરીદશે. હીરા, ટેક્સટાઈલ, કેમિકલ અને રિઅલ એસ્ટેટના ઉદ્યોગકારો પ્રાઈવેટ એરક્રાફ્ટ ખરીદી રહ્યા છે. બીજી તરફ દેશમાં સૌથી વધારે ઓર્ગન ડોનેશન સુરતમાં થાય છે ત્યારે ઓર્ગન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે અને દર્દીઓની હેરફેર માટે સરળતા રહે તે માટે એરએમ્બ્યુલ્સ પણ સુરતીઓ દ્વારા ખરીદવામાં આવશે. વિદેશથી આવનારા ખરીદદારોને ડાયમંડ બુર્સ સુધી લાવવા-મૂકવા માટે એરક્રાફ્ટની ખરીદી કરી સુરતનું સૌથી મોંઘું 66 કરોડનું એરક્રાફ્ટ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા રાજહંસ ગ્રુપે ખરીદ્યું છે. આ ગ્રુપે અમે અમેરિકન બનાવટનું ચાર્ટર્ડ એરક્રાફટ ખરીદ્યું છે, જે 66 કરોડનું છે. આ એરક્રાફ્ટ 7 સીટર છે. અત્યાર સુધીનું સુરતનું સૌથી મોંઘુ એરક્રાફ્ટ છે. ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. મુંબઈના ઘણા વેપારીઓ સુરત શિફ્ટ થયા છે. વિદેશથી આવનારા ખરીદારોને સુરતમાં લાવવા-છોડવા માટે ઘણા હીરા વેપારીઓ પણ એરક્રાફ્ટ ખરીદવાનું આયોજન કરી રહ્યાં છે. અમેરિકન બનાવટનું 30 કરોડનું એરક્રાફ્ટ ખરીદ્યું સુરતના એક ઉદ્યોગકારે કહ્યું કે, અમે અમેરિકન બનાવટનું 30 કરોડનું નવું એરક્રાફ્ટ ખરીદ્યું છે. સિંગલ એન્જીનવાળું એરક્રાફ્ટ છે પરંતુ તેમાં તમામ પ્રકારની સુવિધા છે. વેધર ડિટેઈલથી તમામ પ્રકારની સુવિધાથી સજ્જ છે. વેન્ચુરા ગ્રુપે તાજેતરમાં 4 સીટરનું ડબલ એન્જિન એરક્રાફ્ટ ખરીદ્યું છે, જે સીધું શ્રીલંકા અને દુબઈ જઈ શકે છે. 200 નોટ્સની સ્પીડ છે. અંગદાન માટે હવે આ ગ્રુપ આ વર્ષે એર એમ્બુલન્સ ખરીદવા જઈ રહ્યું છે.

સુરતમાં હોંગકોંગની ફ્લાઇટ પણ ટૂંક સમયમાં શરૂ થશે

ગઈ તા. 17 ડિસેમ્બર 2023ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન પહેલાં સુરત એરપોર્ટ પર નવા આંતરરાષ્ટ્રીય સ્તરના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્દઘાટન કર્યું હતું. તેના બે દિવસ પહેલાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો હતો. સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સુરતમાં આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા  વધારવામાં આવસે. બુર્સના લોકાર્પણ પછી તેમણે ટ્વિટ કરી લખ્યું હતું કે, સુરતમાં નવી સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ શહેરના માળખાકીય વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. આ અત્યાધુનિક સુવિધા માત્ર મુસાફરીના અનુભવને વધારશે નહીં  પરંતુ તે આર્થિક વિકાસ, પ્રવાસન અને એર કનેક્ટિવિટી સુવિધાઓને પણ પ્રોત્સાહન આપશે. સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાની વર્ષો જૂની માંગ પૂરી કરી છે.

મને બરાબર યાદ છે, ત્યારે હું અહીં આવતો ત્યારે સુરતનું એરપોર્ટ ઝૂંપડી જેવું હતું. એના કરતાં વધારે બસ સ્ટેશન સારા લાગતાં, આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે. સુરત થી દુબઈની ફ્લાઇટ શરૂ થઈ છે. ખૂબ જલ્દી સુરતથી હોંગકોંગની ફ્લાઇટ શરૂ કરીશું. ગુજરાતમાં હવે 3 ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીં ડાયમંડ ઉપરાંત, અહીંની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી, ટૂરીઝમ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન અને સ્કિલ સહિત દરેક સેક્ટરનો લાભ મળશે. હું આ બહેતરીન અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સુરતવાસીઓને, ગુજરાતવાસીઓને, ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન મોદીએ લટાર મારતાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું.

સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડિંગ 600 ઈન્ટરનેશનલ પેસેન્જર્સ હૅન્ડલ કરવા સક્ષમ

ટર્મિનલ બિલ્ડિંગ દિવસના પીક પિરિયડ્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હૅન્ડલ કરવા સક્ષમ છે અને બિલ્ડિંગમાં પીક પિરિયડના કિસ્સામાં ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે.  તેનાથી વાર્ષિક પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ થશે.  ટર્મિનલ બિલ્ડિંગ સુરત શહેરનું પ્રવેશદ્વાર હોવાથી તેને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને અનુરૂપ ડિઝાઈન કરવામાં આવી છે, જેથી મૂળ તત્વો આંતરિક અને બાહ્ય બંનેમાં પ્રતિબિંબિત થાય અને મુલાકાતીઓમાં સ્થાનની ભાવના ઊભી થાય. સુધારેલા ટર્મિનલ બિલ્ડિંગના અગ્રભાગનો ઉદ્દેશ્ય સુરત શહેરના ‘રાંદેર’ વિસ્તારના જૂના મકાનોના સમૃદ્ધ અને પરંપરાગત લાકડાના કામ સાથે મુસાફરોના અનુભવને સમૃદ્ધ બનાવવાનો છે. એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગને GRIHA-IV તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેમાં ડબલ સેફ્ટી કવર રૂફ સિસ્ટમ છે. ઊર્જા બચત માટે છત્ર, ઓછી ગરમી શોષણ ડબલ ગ્લેઝિંગ એકમો,  વરસાદી પાણીનો સંગ્રહ,પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, લેન્ડસ્કેપ, સોલાર પાવર પ્લાન્ટ માટે ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant