હવે મુંબઈ ભૂલી જાવ, દિવાળી બાદ સુરતમાં જ હીરાવાળાની મેઈન ઓફિસો ધમધમશે…

સુરત ડાયમંડ બુર્સ શરૂ થતાં જ મુંબઈમાં ડાયમંડ બિઝનેસને લગતી 1000 જેટલી ઓફિસો કાયમ માટે બંધ થઈ જશે. જેના કારણે મહારાષ્ટ્રને કરોડોનું નુકસાન થશે

Cover Story Diamond City Newspaper 400
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સરકારની મદદ  વિના સુરતના હીરાના વેપારીઓએ અંદાજે રૂ. 3400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બિઝનેસ હબ બનાવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ નામના આ ડાયમંડ હબને વિશ્વની સૌથી મોટી ઇમારતનો ખિતાબ પણ મળ્યો છે, જે ખિતાબ અત્યાર સુધી પેન્ટાગોન બિલ્ડીંગ પાસે હતું. સુરતમાં બનેલા સુરત ડાયમંડ બુર્સને કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને ટેક્સ સ્વરૂપે મોટો આંચકો મળવા જઈ રહ્યો છે. કારણ કે મુંબઈમાં સ્થાયી થયેલા ગુજરાતી હીરાના વેપારીઓએ પોતાનો ધંધો બંધ કરીને સુરત તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે.

વર્ષોથી સુરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. સુરત શહેરના હીરાના કારખાનાઓમાં કાપવામાં આવતા હીરાની દેશ અને દુનિયાના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હીરાનો આ વ્યવસાય લાખો લોકોને રોજગાર પુરો પાડે છે. સુરતના હીરાના કારખાનાઓમાં કાપેલા હીરાને વિશ્વના વિવિધ દેશોમાં મોકલવા માટે મુંબઈનો ઉપયોગ થતો હતો. મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને કારણે સુરતના હીરાના વેપારીઓને મુંબઈમાં અલગ ઓફિસ ઉભી કરવી પડી હતી. જેના દ્વારા સુરતમાં કાપેલા હીરા મુંબઈથી વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા.

હવે આવું નહીં થાય, કારણ કે ગુજરાતના સુરતમાં બનેલ વિશ્વના સૌથી મોટા ડાયમંડ હબ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં સુરતના હીરાના વેપારીઓને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે હવે મુંબઈ થઈને વિશ્વમાં હીરાનો ધંધો કરતા સુરતના હીરાના વેપારીઓ મુંબઈમાંથી હીરાનો ધંધો બંધ કરીને સુરત તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સુરત ડાયમંડ બુર્સની મીડિયા કમિટી મેમ્બર દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતના ખજોદ વિસ્તારમાં સરકારે જાહેર કરેલા ડ્રીમ સિટી પ્રોજેક્ટની 67 લાખ ચોરસ ફૂટ જમીન પર 14 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે. આ ટાવર્સમાં વિવિધ ડાયમંડ કંપનીઓની 4600 ઓફિસો આવેલી છે. આ ઓફિસ બિલ્ડીંગ તૈયાર થાય તે પહેલા જ હીરાના વેપારીઓએ ખરીદી લીધી હતી.

આ સુરત ડાયમંડ બુર્સ અંદાજે 3400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. સુરત અને મુંબઈના હીરાના વેપારીઓને એક છત નીચે લાવી શકાય તે માટે હીરાના વેપારીઓએ અહીં સરકાર પાસેથી બજાર કિંમત કરતાં વધુ કિંમત ચૂકવીને જમીન ખરીદી હતી. 

દિનેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી વિશ્વના વિવિધ દેશોમાં હીરા મોકલવા માટે સુરતના વેપારીઓએ મુંબઈમાં પોતાનો અલગ ઓફિસ સ્ટાફ રાખવો પડતો હતો. મુંબઈમાં ઓફિસ ખોલવી પડતી હતી. મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાના કારણે ત્યાંથી જ સુરતના હીરાવાળાઓએ બિઝનેસ કરવો પડતો હતો. પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારીને જરૂરી તમામ સુવિધાઓ છે. વિશ્વનું સૌથી મોટું કસ્ટમ હાઉસ તૈયાર છે. હવે સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ શરૂ થશે, જેના કારણે હવે સુરતના હીરાના વેપારીઓ મુંબઈને બદલે સુરતથી દુનિયાભરમાં તેમનો હીરાનો વ્યવસાય કરી શકશે.

વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં હીરાની ઓફિસો નવા વર્ષમાં ધમધમતી થશેદશેરાએ કુંભ ઘડો મૂક્યો, નોમ પર ઓફિસો શરૂ થશે

યુએસની મિલિટરી કચેરી પેન્ટાગોન કરતા પણ વિશાળ વિશ્વની સૌથી કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં હીરાની ઓફિસો ધમધમતી કરવાની દિશામાં દશેરાના શુભ દિવસે પહેલું પગલું માંડવામાં આવ્યું હતું. સુરત-મુંબઈના 983 હીરાના વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સની પોતાની ઓફિસોમાં કુંભ સ્થાપના કરી હતી.

આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કુંભ સ્થાપના કરવા પહેલાં હીરાના વેપારીના પરિવારોએ પરંપરાગત રીતે કળશ યાત્રા કાઢી હતી. જેમાં 5000 જેટલાં લોકો જોડાયા હતા. તેના લીધે દશેરાના દિવસે જ સુરત ડાયમંડ બુર્સમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

સુરતના હીરાવાળાના ચહેરા પર સપનું સાકાર થયું હોવાની ખુશી સ્પષ્ટ નજરે પડતી હતી. સુરત-મુંબઈના 983 હીરાવાળાઓએ સુરત ડાયમંડ બુર્સમાં દશેરાના દિવસે કુંભ સ્થાપના કરી છે તેઓ હવે તા. 21 નવેમ્બરને નોમના દિવસે ઓફિસો શરૂ કરશે. આ 983 પૈકી 80 ટકા મુંબઈના વેપારી હોવાની વાત જાણવા મળી છે.

ત્યાર બાદ તા. 17મી ડિસેમ્બરના રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું વિધિવત ઉદ્દઘાટન કરશે. તે જ દિવસે કેન્દ્ર સરકારે સુરતથી બે કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરે તેવી પણ ચર્ચા છે. જો એમ થાય તો ચોક્કસપણે સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારીઓનો વેપાર સુરતથી જ દેશ વિદેશમાં ફેલાશે.

સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત સુરતના ખજોદ ખાતે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

24 ઓક્ટોબર 2023ને દશેરાના શુભ દિને સવારે શુભ મુહૂર્તમાં સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસોમાં કુંભ સ્થાપના કરી હીરાના વેપારીઓએ ઓફિસ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી હતી. તા. 21મી નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ પોતાની ઓફિસનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બુર્સના અન્ય ઉદ્યોગકારો પણ પોતાની ઓફિસનું વ્યવસ્થાપન કરવા માંડશે.

જાણવા જેવું

  • ભારતનો હીરા ઉદ્યોગ, જે આગામી પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ 10 થી 15 ટકા વૃદ્ધિ પામવાનો અંદાજ છે. તે વિશ્વની કુલ હીરાની નિકાસમાં 70 – 75 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉદ્યોગ 850,000 લોકોને રોજગારી આપે છે. મૂલ્યની દૃષ્ટિએ સૌથી મોટું કટિંગ હબ બનાવે છે.
  • ફેબ્રુઆરી 2021 સુધીમાં, સોના અને હીરા ઉદ્યોગે ભારતના જીડીપીમાં 75% અને ભારતની કુલ વેપારી નિકાસમાં 14% યોગદાન આપ્યું છે. ભારત રત્ન અને ઝવેરાતનું વિશ્વનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાંથી 938.54 મિલિયન USD ની કિંમતના હીરા ઝવેરાતની આયાત કરવા સાથે યુએસ (44 ટકા) સૌથી મોટો દેશ છે.
  • ભારતનો 23 અબજ ડોલરનો હીરા ઉદ્યોગ તેના જેમ્સ અને જ્વેલરીના વેપારમાં ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે. તે ભારતીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો 7% હિસ્સો ધરાવે છે. નાણાંકીય વર્ષ 2020માં ભારતે 18.66 બિલિયન ડોલરના કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરી હતી.
  • વર્ષ 2022-23માં ભારતે 23.73 બિલિયન ડોલરના પોલિશ્ડ હીરાની નિકાસ કરી હતી. 2022-23માં ભારતની રફ હીરાની આયાત 17.37 અબજ ડોલરની હતી.
  • ભારત વિશ્વમાં ઉત્પાદિત 11 પૈકી 9 હીરા પોલિશ્ડ કરે છે. ભારત વર્લ્ડ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર પ્લેયર છે. વાર્ષિક 23 બિલિયન ડોલરના પોલિશ્ડ ડાયમંડની ભારત નિકાસ કરે છે, જે વૈશ્વિક હીરા ઉદ્યોગનો 90 ટકા બજાર હિસ્સો છે.
  • ભારતમાંથી મુખ્યત્વે યુનાઈટેડ સ્ટેટસ (10.2 બિલિયન ડોલર), હોંગકોંગમાં (6.75 બિલિયન ડોલર), બેલ્જિયમમાં (2.38 બિલિયન ડોલર), યુએઈમાં (2.23 બિલિયન ડોલર) અને ઈઝરાયેલમાં (1.41 બિલિયન ડોલર)ના પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ થાય છે.
  • ભારત તેના મોટાભાગના રફ હીરા યુએઈ, બેલ્જિયમ અને રશિયામાંથી આયાત કરે છે અને ભારત વિશ્વમાં રફ હીરાનો સૌથી મોટો આયાતકાર છે. રફ હીરાના ટોચના 3 આયાતકારોમાં 529,836 શિપમેન્ટ સાથે ભારત પ્રથમ નંબરે છે, ત્યારબાદ બેલ્જિયમ 13,619 સાથે અને સંયુક્ત આરબ અમીરાત 7,626 શિપમેન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
  • ભારતની હીરાની આયાત 2026 સુધીમાં વધીને 33 બિલિયન યુએસડી થવાની આગાહી છે, જે 2021માં 29 બિલિયન યુએસડી હતી. 1993 થી સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 2.3% રહ્યો છે.
  • ભારતમાંથી હીરાની નિકાસ 2021માં 27 બિલિયન યુએસડીથી વધીને 2026 સુધીમાં 30 અબજ યુએસડી સુધી પહોંચવાની ધારણા છે. 1993થી સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 2.6% રહ્યો છે.
  • સુરતમાં હીરાના નાના મોટા 6000 એકમો આવેલા છે. રફ ડાયમંડને કટ એન્ડ પોલિશ્ડ કરી અહીંથી વિશ્વભરમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. સુરતમાં 10 લાખ રત્નકલાકારો હીરા ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે.

સુરતના રિયલ એસ્ટેટને પણ મોટો ફાયદો

Cover Story Diamond City Newspaper 400-1

સુરત ડાયમંડ  બુર્સ શરૂ થવાથી સુરતની રિયલ એસ્ટેટને પણ મોટો ફાયદો થયો છે. કારણ કે જે લોકો મુંબઈથી શિફ્ટ થઈ રહ્યા છે તેઓને નવા મકાનની જરૂર છે. તેથી લોકો તેમના મકાનો ખરીદી રહ્યા છે. આ ઉપરાંત શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. શોપિંગ મોલમાં ખરીદદારોની સંખ્યા વધી રહી છે.

સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનથી સુરતના દરેક વિસ્તારના લોકોને ફાયદો થશે. આ ઉપરાંત લગભગ 1 લાખ લોકોને એક છત નીચે રોજગાર પણ મળશે. સુરત ડાયમંડ બુર્સ શરૂ થતાં જ મુંબઈમાં ડાયમંડ બિઝનેસને લગતી 1000 જેટલી ઓફિસો કાયમ માટે બંધ થઈ જશે. જેના કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને પણ ટેક્સમાં કરોડો રૂપિયાનું નુકસાન થશે.

કિરણ જેમ્સના વલ્લભ લાખાણી 1200 કર્મચારી સાથે મુંબઈથી સુરત શિફ્ટ થશે

સુરતના મોટા હીરાના ઉદ્યોગપતિ વલ્લભભાઈ લાખાણી કે જેમણે પોતાનો બિઝનેસ મુંબઈથી સંપૂર્ણપણે ખસેડ્યો છે તેઓ કિરણ ડાયમંડ એક્સપોર્ટના નામથી દેશ અને દુનિયામાં હીરાનો વ્યવસાય કરે છે. વલ્લભભાઈ લાખાણીએ પોતાના હીરા વિશ્વના દેશોમાં મોકલવા માટે છેલ્લા 30 વર્ષથી મુંબઈમાં ઓફિસ ખોલી હતી.

તેમની ઓફિસમાં લગભગ 2500 લોકોનો સ્ટાફ હતો. સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાને કારણે સુરતના હીરાના વેપારીઓ પાસે તેમના હીરા વિદેશ મોકલવા માટે મુંબઈ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. કિરણ (જેમ્સ) એક્સપોર્ટ ડાયરેક્ટર વલ્લભ લાખાણીએ જણાવ્યું કે તે મૂળ ભાવનગરનો છે.

1980માં તેઓ બિઝનેસ માટે મુંબઈ ગયા અને ત્યાં ડાયમંડ કંપની શરૂ કરી. ભારત ડાયમંડ બુર્સનું મુખ્ય મથક બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈમાં આવેલું હતું. તેમણે 1997માં સુરતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. કિરણ જેમ્સનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 17,000 કરોડ છે, જ્યારે બીજી જ્વેલરી કંપની છે જેનું ટર્નઓવર રૂ. 3,000 કરોડ છે. કુલ મળીને તેમની કંપનીઓનું ટર્નઓવર 20,000 કરોડ રૂપિયા છે.

વલ્લભભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે, તેણે મુંબઈથી પોતાનો ધંધો સદંતર બંધ કરી દીધો છે અને તેને સુરત ખસેડ્યો છે. તેમણે હાલમાં તેમની ઓફિસના કર્મચારીઓના રહેઠાણ માટે અલગ-અલગ બિલ્ડિંગમાં 1200 ફ્લેટ બનાવ્યા છે. સુરત ડાયમંડ બુર્સનું ઔપચારિક ઉદ્દઘાટન થતાંની સાથે જ તેનો સ્ટાફ કંપની દ્વારા બનાવવામાં આવેલા મકાનોમાં રહેવાનું શરૂ કરશે. સ્ટાફ માટે બનાવેલા મકાનોમાં ઘરવપરાશની તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુંબઈની ઓફિસમાં માત્ર 100 કર્મચારીઓ જ ગુજરાતીઓ છે, બાકીના મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના કર્મચારીઓ છે, જેમાંથી મોટા ભાગના સુરત આવવા સંમત થયા છે.

દિવાળી બાદ કિરણ જેમ્સ મુંબઈના બીડીબીની ઓફિસને તાળું મારી દેશે

સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થવાથી મુંબઈના હીરા ઉદ્યોગને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. સૌથી મોટા હીરા ઉત્પાદક કંપની કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ પોતાનો વેપાર મુંબઈમાંથી સંકેલી લઈ સુરતમાં શિફ્ટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેઓ મુંબઈની ઓફિસને દિવાળી બાદ તાળાં મારી દેશે અને તા. 21 નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરશે.

કિરણ જેમ્સની ડાયમંડ ફૅક્ટરી પહેલેથી જ સુરતમાં ધમધમે છે. હવે મુંબઈમાં કામ કરતા 1200 કર્મચારીને પણ વલ્લભભાઈ સુરત લઈ આવશે. આ કર્મચારીઓ માટે સુરતમાં કિરણ જેમ્સ દ્વારા ભવ્ય ટાઉનશિપનું નિર્માણ કરાયું છે. હાલ મોટા ભાગના કર્મચારીઓ એકલા આવશે. જૂનના વેકેશન બાદ સહપરિવાર કર્મચારીઓ સુરતમાં શિફ્ટ થાય તેવી શક્યતા છે.

દરમિયાન દશેરા પહેલાંની પત્રકાર પરિષદમાં સુરત ડાયમંડ બુર્સનાં ચૅરમૅન વલ્લભભાઇ લાખાણીએ જણાવ્યું હતું કે, મુંબઈની કોર્પોરેટ ઓફિસ અને એના 1200 કર્મચારીઓ માટે સુરતનાં કુદરતી માહોલમાં કિરણ એવન્યુના નામે ટાઉનશીપ ઊભી કરી છે. પ્રથમ, અમે ખાજોદમાં વિશ્વનો સૌથી મોટો ડાયમંડ બુર્સ બનાવ્યો, એની સાથે અમે મુંબઈમાં અમારા કર્મચારીઓ માટે એપાર્ટમેન્ટ્સ બનાવ્યા.

કિરણ જેમ્સના કર્મચારીઓ માટે કિરણ એવેન્યુ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચાલુ છે અને તે ટૂંક સમયમાં એનું પણ લોકાર્પણ થશે. સંપૂર્ણ સુસજ્જ 2BHK એપાર્ટમેન્ટમાં વેલ ફર્નિશડ ફર્નિચર, એર કન્ડિશન્ડ, PNG પાઇપલાઇન ગેસ, શોપિંગ સેન્ટર, ચિલ્ડ્રન પ્લે એરિયા,ગાર્ડન, વોકિંગ ટ્રેક સહિતની અનેક સુવિધાઓ હશે.

સિંગલ વ્યક્તિઓ માટે અલગ રહેઠાણ અને કેન્ટીનની વ્યવસ્થા રેહશે. દિવાળીના તહેવાર પછી ભારત ડાયમંડ બુર્સમાં કિરણ જેમ્સની ઓફિસને તાળું મારી દેવામાં આવશે. આ પગલું ડાયમંડ કંપનીના માલિકોમાં વિશ્વાસ જગાડવાનો હેતુ છે કે બિઝનેસને મુંબઈથી સુરતમાં સ્થાળાંતરીત કરવાના વચનને સમર્થન આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, કિરણ જેમ્સ, 17,000 કરોડ રૂપિયાના વાર્ષિક ટર્નઓવર સાથે, લાંબા સમયથી હીરા ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી છે. કંપનીનું મુખ્ય મથક અત્યારે મુંબઈના પ્રતિષ્ઠિત ભારત ડાયમંડ બુર્સમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં છે, જે 12,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવે છે. હાલમાં કિરણ જેમ્સ હીરા ઉદ્યોગમાં વિશ્વના સૌથી મોટા રોજગારદાતા તરીકેનું ગૌરવ ધરાવે છે, લગભગ 48,000 કુશળ હીરા કારીગરો સુરતમાં આવેલી તેની આઠ ડાયમંડ ફેક્ટરીઓમાં કાર્યરત છે. કિરણ જેમ્સે પલસાણા-હઝીરા સ્ટેટ હાઈવે 168 પર ખાજોદ ખાતે આવેલા સુરત ડાયમંડ બોર્સ (SDB) થી માત્ર 10-મિનિટના અંતરે કર્મચારીઓ માટે ટાઉનશીપ ઊભી કરી ચોંકાવી દીધા છે. 21 નવેમ્બરના રોજ SDB ખાતે કિરણ જેમ્સની અત્યાધુનિક ઓફિસ 1.17 લાખ ચોરસ ફૂટમાં શરૂ થશે

SDBમાં આવવાથી, હીરા કંપનીઓને સમૃદ્ધ સામાજિક જીવનની દ્રષ્ટિએ ફાયદો થઈ શકે છે, જે સખત મુસાફરીના સમયમાં ઘટાડો થશે. બે કલાકનો સમય ઘટીને 15 મિનીટ થશે. મુંબઈના ત્રીજા ખર્ચમાં સુરતમાં મકાનો મળી જશે અને સૌથી અગત્યનું પોલિશ્ડ હીરાના ભાવમાં 3-4%નો સીધો ઘટાડો થશે. સુરત ડાયમંડ બુર્સ એ 2025 સુધીમાં વાર્ષિક રૂ. 4 લાખ કરોડના પોલિશ્ડ હીરાની નિકાસનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એસડીબી ખાતે ડાયમંડ ટ્રેડિંગ સત્તાવાર રીતે 21 નવેમ્બરથી શરૂ થવાનું છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૈયાર છે. 17 ડિસેમ્બરે એનું વિધિવત ઉદ્દઘાટન કરશે.

મુંબઈના બીડીબી કરતા સુરતનું ડાયમંડ બુર્સ મોટું

દાયકાઓથી સુરતના હીરાવાળાઓએ ચમકાવેલા કિંમતી હીરા બંડીમાં નાંખી ટ્રેનમાં મુંબઈ દોડવું પડતું હતું. તેનું જ કારણ છે કે મુંબઈમાં હીરાનો વેપાર ખૂબ ફુલ્યો ફાલ્યો. દેશમાંથી જેટલાં પણ હીરાની નિકાસ થાય તે બધા મુંબઈના હિસાબી ચોપડામાં જ નોંધાતા હતા. સુરત માત્ર ને માત્ર મજૂરી કામ કરતું હોય તેવું ચિત્ર ઊભું થયું હતું

ભલે સુરત વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હોય પણ એ હકીકત હતી કે સુરતના હીરાવાળાઓએ રફ હીરાને પોલિશ્ડ કર્યા બાદ તે વેચવા માટે મુંબઈ લાંબા થવું પડતું હતું. દેશ વિદેશના ખરીદદારો મુંબઈ આવતા હોય સુરતના મોટા મોટા હીરા ઉદ્યોગકારોએ પણ મુંબઈમાં ઓફિસો રાખવી પડતી હતી.

લગભગ તમામ નાના મોટા સુરતના હીરાવાળાઓની મુંબઈમાં ઓફિસ ખરી. તેનું એક કારણ એ કે મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. મુંબઈમાં સારી હોટલો સહિતની સુવિધા છે. તેથી દેશ વિદેશના ખરીદદારો મુંબઈ જ આવવું પસંદ કરતા હતા. તેની સામે સુરતમાં હીરાના કારખાના ખરા પરંતુ ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહોતી. તેથી દાયકાઓથી સુરતના હીરાવાળાઓએ ચમકાવેલા કિંમતી હીરા બંડીમાં નાંખી ટ્રેનમાં મુંબઈ દોડવું પડતું હતું. તેનું જ કારણ છે કે મુંબઈમાં હીરાનો વેપાર ખૂબ ફુલ્યો ફાલ્યો.

દેશમાંથી જેટલાં પણ હીરાની નિકાસ થાય તે બધા મુંબઈના હિસાબી ચોપડામાં જ નોંધાતા હતા. સુરત માત્ર ને માત્ર મજૂરી કામ કરતું હોય તેવું ચિત્ર ઊભું થયું હતું. તેનું જ પરિણામ છે કે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં બન્યું. ભારત ડાયમંડ બુર્સ મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં 20 એકર જમીનમાં બન્યું. અહીં 2 મિલિયન સ્કે.ફૂટનું બાંધકામ થયું હતું. 9 ટાવર બન્યા હતા. તેમાં 2500 ઓફિસો હતી. અહીંથી જ દેશ વિદેશમાં હીરાની નિકાસ થતી હતી.

જોકે, હવે મુંબઈનો આ ચમકતું વર્તમાન ભવ્ય ઇતિહાસ બનીને રહી જાય તો નવાઈ નહીં. કારણ કે ભારત ડાયમંડ બુર્સથી ત્રણ ગણું મોટું સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે. આ વિશ્વનું સૌથી મોટું બિલ્ડિંગ બન્યું છે. 14 માળના 9 ટાવરમાં 4600 ઓફિસો બની છે. હવે માત્ર બસ અહીં ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થાય તેની વાર છે. સુરત કટ એન્ડ પોલિશ્ડના વિશ્વના સૌથી મોટા સેન્ટરની સાથે સાથે વર્લ્ડ બિગેસ્ટ ડાયમંડ ટ્રેડ હબ પણ બને એ દિવસો દૂર નથી. ખરા અર્થમાં સુરત શહેરે ડાયમંડ સિટી બનવાની દિશામાં પગલું માંડી દીધું છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant