અયોધ્યા ધામ મેં રામ મંદિર ધન પાયો…

અયોધ્યા, કાશી, મથુરા, સોમનાથ વગેરેના મંદિરોને ધ્વસ્ત કરવાની કરુણ કહાણીઓની કડવાશ હજુ આપણા મનમાં ધરબાયેલી પડી છે.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 403-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

…તો છેવટે 22 જાન્યુઆરી 2024નો રળિયામણો દિવસ ઉગવાની તૈયારીમાં છે, જ્યારે શ્રી રામ પ્રભુ નિજ મંદિરમાં પધરામણી કરશે. અખિલ બ્રહ્માંડ તેનો મહોત્સવ ઉજવશે. રામનામનો મહિમા પણ ધૂમધામથી કરવામાં આવશે અને સકળ વિશ્વ ગુંજી ઉઠશે. પણ આ દિવસ આપણને એમનેમ મફતમાં નથી આવી મળ્યો. સદીઓની તપશ્ચર્યા અને બલિદાનો તેની બુનિયાદમાં છે.

ઇતિહાસ સાક્ષી છે કે ભારતવર્ષની અસ્મિતા, રાષ્ટ્રીય સ્વાભિમાન અને સંસ્કૃતિ પર વિદેશી આક્રમણ થતું રહ્યું છે. બર્બર, ઘાતકી, ક્રૂર, નિર્દયી આક્રાંતાઓએ ભારતની આત્મા પર ચોટ કરવામાં કોઈ કસર છોડી નથી. ભારતનું અપમાન કરવાના ઈરાદાથી સનાતનીઓના ધાર્મિક સ્થળો અને આસ્થાના કેન્દ્રોને તોડી પોતાના વિશ્વાસના કેન્દ્રો બનાવ્યા. તે છેક એટલે સુધી કે ભારતનું મનોબળ પણ તોડવાના પ્રયાસ થયાં. અયોધ્યા, કાશી, મથુરા, સોમનાથ વગેરેના મંદિરોને ધ્વસ્ત કરવાની કરુણ કહાણીઓની કડવાશ હજુ આપણા મનમાં ધરબાયેલી પડી છે.

ઈ.સ.1528માં ભગવાન શ્રી રામના મંદિરને આતાતાયી બાબર દ્વારા તોડવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરી મસ્જિદ ચણી નાખવામાં આવી. આ એ અક્ષમ્ય ઘટના હતી, જેણે ભારતના આત્મ-ગૌરવ પર ઘા કર્યો. જ્યાં હરેક સનાતીના હ્રદયમાં રામ વસે છે, એવા રામમંદિર પર આક્રમણનો અર્થ હતો કે હરેક હૃદયને તોડી-કચોડી નાખવું. હૃદયમાં જ નહીં અહીં, રોમ-રોમમાં રામ વસે છે; એ હિન્દુ પોતાનું અપમાન સહી લેતા પણ મર્યાદા પુરૂષોત્તમનું અપમાન કેમ કરી સહેવાત? રામમંદિર આહત થયું ને ભારતવાસી ચોટિલ…જાલિમ આક્રાંતા પોતાનું રાક્ષસી રૂપ દેખાડતા ગયા ને હિન્દુ પોતાની જ ધરતી પર જાણે પરાયો થઈ ગયો..!

ભારતની આંખોમાં એ બાબરી મસ્જિદ એમ ખૂંચતી જાણે આંખમાં આખો માળો પડ્યો હોય! હિન્દુ સમાજના મનમાં ઊંડે ઊંડે એ લાગણી પડેલી કે બાબરીને નેસ્તેનાબૂદ કરી ફરી રામલલાને બિરાજીત કરીએ. ભારતે મન બનાવ્યું, સંકલ્પ કર્યા ને સંઘર્ષ આરંભ્યો…

પવિત્ર સરયૂની ધારાઓ કે રક્તથી લાલચોળ બની. સ્થાનિક લોકો, ધાર્મિક સાધુ સંતો તો વળી અન્ય કેટલાય માણસો શ્રી રામ મંદિર યજ્ઞની આહૂતિમાં પ્રાણ ન્યોછાવર કરતા રહ્યાં… ક્યારેક આક્રાંતા પક્ષની લાલસાનું પલડું ભારી થતું તો ક્યારેક લાગતું કે સનાતની શ્રદ્ધા જીતશે. આપણે ઘણાંય રણસંગ્રામ હાર્યા, હારતા ગયા પણ એ ભરોસો ન હાર્યા કે રામ મંદિર રામ-જન્મભૂમિ પર જ બનીને રહેશે. નોંધનીય છે કે આક્રાંતાઓ પરાઈ ભોમકા અને એ ભૂમિના ધર્મને નાથવા મથી રહ્યા હતા, જ્યારે ભારતની જન્મમેદની પોતાની માટીથી પોતાના રામને રાજતિલક કરવા રણે ચડી હતી. આશરે 74-74 વખત જંગ થઈ, એ પણ પોતાના જ ભોમકા અને પોતાના જ ભગવાન માટે…પણ આપણે હાર ન માની…

15મી ઓગસ્ટ, 1947ના રોજ ભારતને આઝાદી મળી, પણ રામલલાની જન્મભૂમિ હજુ પણ ક્યાં સ્વતંત્ર હતી! પણ અચાનક 23 ડિસેમ્બર 1949ના દિવસે શ્રી રામલલા પ્રગટ થયા! અહીં એક વાર્તાની બે પટકથા લખાઈ રહી હતી. એક, રામલલા પરિસરમાં ફરજ નિભવતા સુરક્ષાકર્મી  બરકત અલીએ બયાન આપ્યું કે વિગ્રહ આપોઆપ પ્રગટ થયો છે. બરકત અલીનું આ બયાન સરકારી ચોપડે યથાવત છે, મરતે દમ સુધી તેમણે એ વિધાન ન બદલ્યું! તેમણે પોતાના સાથી શેરસિંહને આ વાત પોતે જ જણાવી હતી. ભારતની સૌથી મોટી માઈનોરિટીનું કહેવું હતું કે પાંચ સાધુઓ અર્ધી રાતે મૂર્તિઓ પધરાવી ગયા છે! પણ ભક્તોની અપરંપાર આસ્થામાં જુવાળ ફૂટ્યો અને ભક્તોની મેદની દર્શનાર્થે આવી તો જાણે માણસોનો વંટોળ ફૂંકાયો. આ વંટોળ સમાવવો દુષ્કર હતો. તત્કાલીન પ્રધાન મંત્રી જવાહર લાલ નહેરુએ ઉ.પ્ર. સરકારને ફરમાન બજાવ્યુ અને સ્થિતિ નિયંત્રણમાં લે, પરંતુ અયોધ્યા તો શ્રદ્ધાના સાગરથી બંને કાઠે છલકાતું હતું એટલે આ ઓર્ડરને અમલમાં મૂકવો હોય તો વિપુલ પ્રમાણમાં નરસંહાર વગર હવે તે શક્ય બને તેમ નહોતું. કદાચ આ હિન્દુત્વનો પહેલો એવો બળવો હતો જેની સામે સરકાર જેવી સરકાર લાચાર હતી, હિન્દુત્વનો ગગનચૂંબી વિજય ધ્વજ ફરકાવવા તરફ આ પહેલું સશક્ત પગલું હતું, જે કોઈ એક વ્યક્તિ દ્વારા નહિ પણ ભારતીય જનચેતનાના જુવાળ થકી, સમષ્ટિ દ્વારા લેવામાં આવ્યું હતું. આ હતું, હિન્દુત્વની શક્તિનું પહેલું પ્રદર્શન! જાણે સ્વંય રામે નિર્ણય કરી લીધેલો હવે અહીંથી મને કોઈ હટાવી નહીં શકે વખત જતા વિવાદિત ઢાંચાને તાળું વાસી દેવાયું, માત્ર પૂજારીને સેવા-પૂજા માટે ભીતર જવાની અનુમતિ હતી છતાં સમગ્ર દુનિયામાંથી આવતા ભક્તો ફક્ત બહારથી જ પોતાના પ્રિય રામના દર્શન કરી ધન્ય થઈ જતા. બાબરી મસ્જિદ તૂટી પછી થોડા જ દિવસોમાં સગી આખે સરયૂને લાલ થતી જોઈ, ત્યારે ભારતના હિન્દુઓ માટે પડકારો વધતા જતા હતાં. મામલો પહેલી વાર અદાલતના પગથિયા ચઢ્યો. સનાતના વિરોધીઓ વિરોધ નોંધાવવાનો કોઈ મોકો ચૂકતા નહોતા ને નવા-નવા બહાને આખી સચ્ચાઈને ધરમૂળથી નકારી કાઢતા હતાં.

જે અખિલ બ્રહ્માંડનો સ્વંય નિર્માતા છે, એવા પરાત્પર પરમ બ્રહ્મના પોતાના જ અસ્તિત્વ પર પ્રશ્નો ઉઠવા લાગ્યા! ‘રામ જન્મ્યાં જ નહોતા’ આવા પ્રકારના કટાક્ષો થયા. એ આ જ લોકો હતા, જેઓ રામનવમીની રજા ભોગવતા હતા! ક્યાંથી આવતા હશે એવા લોકો જેઓ રામ અયોધ્યામાં જ જન્મ્યાં હતા, તે માટે સર્ટિફિકેટ લાવવાનું કહેતા હતાં! આ કેવું આઝાદ ભારત હતું જ્યાં મેજોરિટી હિન્દુ પ્રજાએ પોતાની પરમ આસ્થા માટે અદાલતનું બારણું ખડખડાવવું પડ્યું?!

આવા કઠણ કાળમાં 1984માં દિલ્હીના ‘વિજ્ઞાનભવન’ માં વિશ્વ હિન્દુ પરિષદે ધર્મ સંસદનું આયોજન કર્યું. આ સંસદનો કેન્દ્રવર્તી વિચાર એ હતો કે હિન્દુ પ્રજાને જગાડવી અને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે સનાતનીઓને આહવાન કરવું. તેમણે ‘રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ’ની રચના કરી. એકત્રિત થયેલા સાધુસંતો અને અન્ય મહાનુભાવોએ એ સંકલ્પનો જાણે પુનર્રોદ્ધાર કર્યો કે ‘અબ મંદિર યહીં બનાયેંગે.’ ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ ને સાકાર કરવા આ સંકલ્પનો જીર્ણોદ્ધાર જરૂરી હતો. આ સમિતિએ કરેલા આવાહનને આખાય દેશે સર-માથા પર ઊંચકી લીધો. ભારતભરમાં તેના ઘેરા પ્રતિઘાત પડ્યા. લોકોમાં આ મુદ્દે જરૂરી ગંભીરતા અને જાગૃતિનો સંચાર થયો. જુદે-જુદે ઠેકાણે  જુદી-જુદી પ્રવૃતિઓ દ્વારા ભારતીયો પોતાના પ્યારા પ્રભુ માટે સંઘર્ષ કરવા લાગી પડ્યા.

કોઈ હનુમાન કુદકો લગાવતો હતો તો કોઈએ ખિસકોલી કૃત્ય કરતું હતું. 80ના દાયકામાં રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલે આંદોલનનું સ્તર જ બદલી નાખ્યું. સિરિયલ શરૂ થતાની સાથે ગામે-ગામમાં જાણે કરફ્યૂ લાગી જતો! જે રૂમમાં ટીવી હોય, લોકો ચપ્પલ પહેરીને ન જતા! ધૂપ-દીપ કરતા! આ રામમયતા અભૂતપૂર્વ હતી! મનમાં એક જ પ્રણ કે અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ કરવું…

સન 1989માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2,75,000 ગામથી પૂજન કરી કેસરી કપડામાં વીંટાળી રામ શિલા અયોધ્યા મોકલવામાં આવી. સાધુ સમાજે શિલાન્યાસનો નિર્ણય કર્યો. ઈ.સ. 1980માં લાલકૃષ્ણ અડવાની દ્વારા સોમનાથથી અયોધ્યા સુધીની ‘રથયાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું. દેશમાં જન ભાવનાઓનો સૈલાબ ઊમટી પડ્યો.

આ સાથે ભારતીય જનમાનસનું સામર્થ્ય એકત્રિત થવા લાગ્યું. જનજનના મનમાં ઉમ્મીદની નવી કિરણોએ પ્રકાશ પાથર્યો કે મંદિર બનીને જ રહેશે. છદ્મ સેક્યુલરવાદીઓના ચહેરા અને ચારિત્ર્ય પરથી પરદો હટી ગયો ને સત્ય પ્રગટ થવા લાગ્યું. આ જનઆંદોલનને નાથવા તમામ પ્રકારના પ્રયત્નો થયા પણ બધુ વ્યર્થ હતું. હવે ‘કરો યા મરો’ ની સ્થિતિ હતી.

30 ઓક્ટોબર 1990 અને 1 નવેમ્બર 1990ના રોજ દેશને કારસેવા માટે વિ.હિ.પ. દ્વારા આવાહન કરવામાં આવ્યું. પરિણામ સ્વરૂપ લાખો રામભક્ત અયોધ્યામાં ઊમટી પડ્યા. અહીં ફરી એકવાર હિન્દુઓની એકાત્મકતાનો અટલ પરચો અને પરિચય થયો પણ ઉ.પ્ર.ના તત્કાલિન મુખ્યમંત્રીએ ઘોષણા કરી કે ‘અયોધ્યા મેં પરિન્દે કો ભી પર નહીં મારને દેંગે…’ પરિસ્થિતિઓ વધુ નાજુક ને ગંભીર બનવા લાગી. અયોધ્યાથી સો-બસો કિ.મી. દૂર ટ્રેનો રોકી દેવામાં આવી! રસ્તા બંધ કરી દેવાયા! સડકો પર કડક પહેરો બેસાડાયો! અયોધ્યા કે જેનો અર્થ જ થાય જ્યાં યુદ્ધ ન થાય એ ભૂમિને ‘યુદ્ધભૂમિ’ બનાવી મૂકાઈ. અયોધ્યા સૈનિક છાવણીમાં બદલાઈ ગયું. રામ નામ પર એવી કડક પાબંદી કે અંતિમ સંસ્કારે નીકળેલા લોકો સુદ્ધાંને રોકવામાં આવ્યાં. કારણ કે તેઓ ‘રામ નામ સત્ય હૈ’ કહેતા જઈ રહ્યા હતાં, તોય કારસેવકો જીવ પર આવીને પગપાળા અયોધ્યા પહોંચ્યા. અંતરમાં સિયારામ રમતા’તા તો હોઠો પર રામના ગીત હતા ને પગમાં ફોલ્લા પણ રામભક્તો કોઈના રોકાયા, રોકાતા નહોતા. રામ કાજે આ રામભક્તો પર ગોળીઓ વરસી! અનેકાનેક લોકોએ બલિદાની વહોરી…કેટલાય કારસેવકો કે જેઓ ત્યાં બલિદાન થયા તેમના સ્વજનોને તેઓના મૃત્યુદેહના અંતિમ દર્શન કરવા પણ ન મળ્યા…ગમે તેમ થયું પણ કારસેવકોએ વિજય પ્રતીક સમો ભગવો લહેરાવી દીધો. આમ કેટલાય કારસેવકોએ જીવ આપીને પણ સફળતાના વાવટા ફરકાવી દીધા. આવી ઘટના ઈતિહાસમાં કદિ બની નહોતી. ભારતીય ચેતના સુષુપ્તિમાંથી નવી ઉર્જા સાથે ઊભી થઈ હતી.દૃઢ ઈચ્છા શક્તિ અને અસીમ વિશ્વાસની આ અનન્ય ઘટના હતી.

વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર 6 ડિસેમ્બર 1992માં કારસેવાનું આહવાન કર્યું. તેને માટે અદાલતને પ્રાર્થનાપત્ર લખાવાયો પણ ઉત્તર ન મળ્યો. છતાં. નોખા-નોખા વિચાર, પંથ, સંપ્રદાય અને આસ્થાવાળો જન સમુદાય એકત્રિત થયો. જાતિનું આવરણ હટ્યું, નામની પહેચાન હટાવી, સૌ હિન્દુ ‘એક’ બન્યા! જાણે ‘હમ સબ હિન્દુ, હમ સબ સિન્ધુ’નો વિચાર હવાના કણકણમાં લહેરાવા લાગ્યો અને આ સિન્ધુમાં એવા જવાર ઊઠ્યો કે વિવાદિત ઢાંચો સદા સદા માટે ટૂકડે-ટૂકડા થઈ વેરણ-છેરણ થઈ ગયો. આ ક્ષણો ‘સત્યમેવ જયતે’ની ક્ષણો હતી, આ પળો ન્યાય અને ધર્મના વિજયની પળો હતી. ‘યતો ધર્મ તતો જય’નો ધ્વનિ લલકાર કરી રહ્યો હતો. પણ છદ્મ સેક્યુલરવાદીઓ કાંઈ ગાજ્યા જાય એમ નહોતા. તેઓએ અદાલતમાં ભગવાન રામ સામે અસ્તિત્વગત પ્રશ્નોને વેગ આપ્યો, જોકે આ 1950થી ચાલી આવતી આ વાહિયાત પરંપરા હતી. આઝાદ ભારતમાં એ સ્થિતિ હતી કહો કે ભારતની બદનસીબી હતી કે રામલલાને દર્શનાથીઓ લોખંડના સળિયા પાછળથી દર્શન કરતા…! પણ આ લડાઈ ધર્મ વિરુદ્ધ-અધર્મની હતી ને ધર્મનો જય સુનિશ્ચિત હોય છે. અધધ જુલ્મો અને વિડમ્બનાઓ પછી 9 નવેમ્બર 2019ના રોજ પાંચ જજોની બેંચે ઐતિહાસિક નિર્ણય કરતા કહ્યું કે અયોધ્યામાં રામ જન્મભૂમિની ધરા જમીન રામલલાની છે ને માનનીય સર્વોચ્ચ અદાલતે રામમંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવાનો આદેશ કર્યો.

ચૂકાદા અનુસાર 5 ફ્રેબુ. 2020ના રોજ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ નામક ટ્રસ્ટનું નિર્માણ થયું અને જે ભૂમિ સરકારે સ્વયં હસ્તગત કરી હતી તે ટ્રસ્ટને સોંપવામાં આવી. ભારતીયોના પ્રાણોના દીવડામાં જાણે ઘી રેડાયું! 5 ઓગસ્ટ 2020ના રોજ ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી, શ્રી રામ જન્મભૂમિ તીર્થના અધ્યક્ષ પૂજ્ય મહંત નૃત્યગોપાલ દાસ, આર.એસ.એસ.ના સરસંઘ ચાલક શ્રી મોહન ભાગવત, ઉ.પ્ર.ના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉ.પ્ર.ના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી સહિત 125 જેટલા લોકોની ઉપસ્થિતિમાં શ્રી રામ જન્મભૂમિ સ્થળે ભૂમિ પૂજન કર્યું અને એક મહાન, પુણ્યશાળી, ધાર્મિક સંરચનાના નિર્માણનો દિવ્ય-ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો અને દીવડા ઝળહળી ઊઠ્યા!

લગભગ પાંચસો વર્ષ લાગ્યા, રામ જન્મભૂમિના મુક્તિ સંઘર્ષને સફળ કરવામાં…પણ ધર્મ વિજયી નીવડ્યો. વિશ્વના ઈતિહાસમાં પોતાના જ ઘરમાં વસવા માટે આટલું ગદર મચાવવું પડે, તે ઘટના બેજોડ છે. જો હિન્દુ સાચા માર્ગે ન ચાલીને માત્ર માથુ કાઢીને મંદિર રચવા નીકળ્યો હોત તો મંદિર નિર્માણને સદીઓ થઈ ગઈ હોત પણ કદાચ હિન્દુ જ એવી કૌમ છે જે આટલી સહનશીલ હોઈ શકે છે.

શ્રી રામ સમગ્ર વિશ્વ માટે આદર્શ પુરુષ છે. જેઓ ભારતીય જીવન મૂલ્યો અને સિદ્ધાંતોના શિરમોર છે. જે હરેક હિન્દુના હ્રદયમાં જન્મથી મરણ સુધી રહે છે, એવા મર્યાદા પુરૂષોત્તમ, વિષ્ણુના અવતાર, અવધપતિ અવધમાં બિરાજીત થવાના છે. લોકોનો હરખ મા’તો નથી! આ એ ‘રક્ષાસૂત્ર’ છે જે હરેક હિન્દુના દિલને કડીથી કડી બનાવી ‘એક’ કરી દેશે. અધ્યાત્મ, એકાત્મતા અને આત્મીયતાનો સરવાળો કરી આપે એવા શ્રી રામનું આ મંદિર સનાતન ધર્મની મહાન ઉપલબ્ધિની ઝાંખી કરાવનારું બની રહેશે.

આ મંદિર ન કેવળ બાબરી માનસિકતાનો પરાભવ છે, અપિતુ  એક સંપન્ન, સુસંસ્કૃત, સફળ, સમૃદ્ધ, સામર્થ્યવાન અને સાહસી ભારતની વિજયગાથાનું પ્રતીક પણ છે. આ એક નવો જ સૂર્યોદય છે. આ એક એવી રાષ્ટ્રભાવનાની તરફ આગે કદમ છે જેનું સ્વપ્ન ભારતની મહાન અને વિરલ વ્યક્તિઓએ જોયું હતું. આપણા પૂર્વજોએ મંદિરને તૂટતા જોયું છે જ્યારે આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણે મંદિરના નવનિર્માણને જોઈ રહ્યા છીએ. જે રામ-ભક્તો, શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળવાના છે, એ તેમના જીવનની ધન્યતાની ક્ષણો હશે. જે રામનું નામ માત્ર ભવસાગર તારનારું છે, એ ‘અયોધ્યા’ જ્યારે ‘અયોધ્યા ધામ’ બની ગયું છે, ત્યારે તે સ્વર્ગથી પણ કેટલું સારું અને પ્રભુનું પ્યારુ હશે! આ મંદિર એક મહાન રાષ્ટ્રના સંકલ્પની ધરોહર છે. આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ આ મહાગૌરવ ગાથાના મુગટમાં છેલ્લું પીછું ઉમેરાવાનું છે.

આ રામયજ્ઞ, આ રાષ્ટ્રયજ્ઞમાં જે જાણ્યા-અજાણ્યા લોકોએ પોતપોતાની ભૂમિકા ભજવી અને અનેક લોકોએ બલિદાન પણ આપ્યા. તેઓનું પુણ્ય સ્મરણ કરી તેમને અંત:કરણપૂર્વક શ્રદ્ધા-સુમન સમર્પિત કરીએ. આ 22 જાન્યુઆરીએ હર્ષોલ્લાસ સાથે દીવડા તો જગાવીએ પણ સાથે હુંકાર ભરીએ કે હવે ભારતમાં દર વર્ષે બે-બે દિવાળી ઉજવાશે, એક પરંપરાગત અને બીજી જે દિવસે રામલલા ફરી અયોધ્યા ધામમાં, નિજમંદિરમાં પધરામણી કરશે તે!

ગોલ્ડન કી

बना बना श्री राम का मंदिर चलो दर्शन को जाना है ।
अयोध्या धाम से बढ़कर कहाँ कोई ठिकाना है ।।
कलंक था हिंदू के माथे पे जाने कितनी सदियों से ।
कि स्वर्णिम काल है आया हमें, हर घर सजाना है ।।
कोई हनुमान के जैसे, किसकी राह शबरी सी ।
बना है धन्य हर कोई, अब हर दिन सुहाना है ।।
चौबीस दो हज़ार की ये जनवरी बाइस आई है ।
सनातन धर्म का हम सबको मिलकर गान करना है ।।
तुम्हारी जो समस्या हो, निवारण सबको मिलना है ।
हैं श्री राम सबके और सभी का एक घराना है ।।
चले आओ सभी मिलकर सभा ये सजके बैठी है ।
जो रुठे हो, मना लेंगे भवसागर पार जाना है… ।।

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant