DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગના નકશા પર આફ્રિકા ખંડના દેશો વચ્ચે એક મોટો અને ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો છે. જાણીતા હીરા ઉદ્યોગ વિશ્લેષક પોલ ઝિમ્નિસ્કીના તાજેતરના અહેવાલ અનુસાર, વર્ષ 2024માં કિંમતના આધારે અંગોલા (Angola) આફ્રિકા ખંડનું બીજા નંબરનું સૌથી મોટું હીરા ઉત્પાદક રાષ્ટ્ર બનીને ઉભરી આવ્યું છે.
વર્ષ 2024 દરમિયાન અંગોલાનું કુલ હીરા ઉત્પાદન 1.41 બિલિયન યુએસ ડોલર ની સપાટીએ પહોંચી ગયું છે. વૈશ્વિક હીરા બજારમાં આવેલો આ મોટો બદલાવ મુખ્યત્વે અંગોલા દ્વારા ઉત્પાદનમાં કરાયેલા વ્યૂહાત્મક વધારા અને તેની સામે બોત્સ્વાના (Botswana) દ્વારા વૈશ્વિક મંદીને પહોંચી વળવા માટે ઈરાદાપૂર્વક સપ્લાયમાં કરાયેલા ઘટાડાને આભારી છે.
અંગોલાના હીરા ઉદ્યોગમાં આવેલી આ અભૂતપૂર્વ તેજી પાછળ લાંબા નાગરિક યુદ્ધ (Civil War) બાદ દેશમાં કરાયેલા આર્થિક સુધારા, વિદેશી રોકાણમાં થયેલો જંગી વધારો અને માઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલું આધુનિકીકરણ મુખ્ય કારણો છે.
કેટુકા અને લુએલે ખાણનો સિંહફાળો
અંગોલાના સત્તાવાર હીરા ઉત્પાદનમાં ‘સોસિડેડ મિનેરા ડી કેટોકા’ (Sociedade Mineira de Catoca) જોઈન્ટ વેન્ચરની માલિકીની કેટોકા (Catoca) અને લુએલે (Luele) ખાણોએ કેન્દ્રીય ભૂમિકા ભજવી છે. દેશના કુલ હીરા ઉત્પાદનમાં આ બંને ખાણોનો હિસ્સો 75% થી પણ વધુ છે. કેટોકા માઇન હાલમાં સમગ્ર આફ્રિકા ખંડમાં ડેબ્સવાના પછી બીજા ક્રમની સૌથી મોટી સક્રિય હીરાની ખાણ છે.
કિંબરલાઇટ ઓપરેશન્સ દ્વારા અંગોલા મોટા જથ્થામાં મધ્યમ ગુણવત્તાના હીરા બજારમાં સપ્લાય કરે છે. બીજી તરફ, દેશની નદીઓના કાંપવાળા વિસ્તારોમાંથી કદ, ગુણવત્તા અને આકર્ષક રંગોની દ્રષ્ટિએ વિશ્વના સૌથી અદભુત અને દુર્લભ હીરા મળી આવે છે.
આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ 170-કેરેટનો ગુલાબી હીરા ‘લુલો રોઝ’ (Lulo Rose) છે, જેણે વૈશ્વિક સ્તરે ભારે આકર્ષણ જગાવ્યું હતું. કિંબરલી પ્રોસેસના ડેટા અનુસાર, કુદરતી હીરાની નબળી વૈશ્વિક માંગ હોવા છતાં, અંગોલાએ પોતાની ગતિ જાળવી રાખીને વર્ષ 2024માં 12 મિલિયન કેરેટ હીરાનું ઉત્પાદન કર્યું હતું.
બોત્સ્વાના વિરુદ્ધ અંગોલાની આર્થિક વ્યુહરચના
ઉદ્યોગ વિશ્લેષક પોલ ઝિમ્નિસ્કીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અંગોલાનો આ સાપેક્ષ ઉદય બોત્સ્વાનાની સંયુક્ત કંપની ‘ડેબ્સવાના’ (Debswana JV) દ્વારા બજારની માંગને અનુરૂપ સપ્લાયને ઈરાદાપૂર્વક મર્યાદિત કરવાની વ્યુહરચનાને કારણે થયો છે. જ્યારે અંગોલાની સરકારી કંપની ‘એન્ડિઆમા’ (Endiama) એ તેનાથી તદ્દન ઉલટું કર્યું છે. વ્યક્તિગત રીતે હું માનું છું કે બજારની સ્થિરતા માટે બોત્સ્વાનાનો અભિગમ અંગોલા કરતાં વધુ ટકાઉ અને વ્યવહારુ છે.”
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1975 થી 2002 સુધી ચાલેલા ભયાનક નાગરિક યુદ્ધને કારણે અંગોલા લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય રોકાણકારોથી વંચિત રહ્યું હતું. આથી તે આફ્રિકાના એવા દેશોમાં સામેલ છે જ્યાં હજુ પણ હીરાના વિશાળ ભંડારો વણખેડાયેલા પડ્યા છે. છેલ્લા એક દાયકામાં દેશની સરકારે સંસાધનોના યોગ્ય સંચાલન દ્વારા હીરા ઉદ્યોગને દેશના અર્થતંત્રનું મુખ્ય એન્જિન બનાવવાની પ્રાથમિકતા આપી છે.
લેબ-ગ્રોન ડાયમંડનો પડકાર અને ‘ડી બિયર્સ‘માં હિસ્સેદારી ખરીદવાની હોડ
વૈશ્વિક હીરા ઉદ્યોગના ભવિષ્ય અંગે વાત કરતા ઝિમ્નિસ્કીએ ઉમેર્યું કે, નેચરલ ડાયમંડ ઉદ્યોગ હાલમાં લેબ-ગ્રોન હીરા તરફથી મળતી કડી સ્પર્ધાને કારણે નિર્ણાયક વળાંક પર ઉભો છે. બજારમાં હીરાનો ભરાવો ન થાય તે માટે તમામ મોટી માઇનિંગ કંપનીઓએ સાથે મળીને સપ્લાય નિયંત્રિત કરવી પડશે અને નેચરલ હીરાની માંગ વધારવા માટે માર્કેટિંગ પાછળ આર્થિક રોકાણ કરવું પડશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, લેબ-ગ્રોન હીરા ફેક્ટરીમાં ગમે ત્યારે અને ગમે તેટલા પ્રમાણમાં બનાવી શકાય છે, જ્યારે કુદરતી હીરા મર્યાદિત અને કિંમતી છે, અને આ જ તફાવત ગ્રાહકો સુધી સાચી રીતે પહોંચાડવો જરૂરી છે.
બીજી તરફ, વૈશ્વિક હીરા ક્ષેત્રની દિગ્ગજ કંપની ડી બિયર્સ (De Beers) ના ચાલી રહેલા વેચાણ પ્રક્રિયામાં અંગોલા ભારે રસ દાખવી રહ્યું છે. અંગોલા પોતાની સરકારી કંપની ‘એન્ડિઆમા’ મારફતે ડી બિયર્સમાં 20% થી 30% સુધીની હિસ્સેદારી ખરીદવા માટે સત્તાવાર બિડ (ટેન્ડર) સબમિટ કરી ચૂક્યું છે.
અંગોલાનો આ પ્લાન બોત્સ્વાના, નામીબિયા અને દક્ષિણ આફ્રિકા સાથે મળીને એક મજબૂત ‘પેન-આફ્રિકન ઓનરશિપ મોડલ’ બનાવવાનો છે, જેથી વૈશ્વિક હીરા બજાર પર આફ્રિકન દેશોનું નિયંત્રણ મજબૂત થઈ શકે. આ સોદો કોના પક્ષમાં જાય છે અને નવો માલિક કુદરતી હીરાના લાંબા ગાળાના વિકાસ માટે કેટલો પ્રતિબદ્ધ છે, તેના પર જ સુરત સહિત સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગનું ભવિષ્ય નિર્ભર રહેશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















