DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગમાં માઇનિંગ (ખનન) ક્ષેત્રની અગ્રણી અને રશિયાની સરકારી માલિકીની જાયન્ટ કંપની ‘અલરોસા’ (Alrosa) દ્વારા કુદરતી હીરાના બજારને વધુ મજબૂત કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
અલરોસાએ વર્ષ 2030 સુધીના તેના પ્રથમ લાંબાગાળાના ‘નેચરલ ડાયમંડ પ્રમોશન પ્રોગ્રામ’ (Natural Diamond Promotion Programme) ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.
આ વ્યૂહાત્મક પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના અગ્રણી જ્વેલરી બજારોમાં કુદરતી એટલે કે અસલી હીરા માટે ગ્રાહકોની માંગને સતત અને ટકાઉ (Sustainable) રાખવાનો તેમજ લેબ-ગ્રોન હીરાની સામે અસલી હીરાનું વર્ચસ્વ જાળવી રાખવાનો છે.
આ આખી યોજનામાં જેનરિક માર્કેટિંગ (ઉદ્યોગ સ્તરનું સામૂહિક માર્કેટિંગ), ગ્રાહક શિક્ષણ, રિટેલર્સને વ્યાપક સપોર્ટ અને નિયમનકારી હિમાયત (Regulatory Advocacy) નું સચોટ મિશ્રણ કરવામાં આવ્યું છે.
આ પ્રોગ્રામ દ્વારા ગ્રાહકો સમક્ષ કુદરતી હીરાના મૂળભૂત ગુણો જેવા કે – તેની વિરલતા, પ્રમાણિકતા, અજોડતા, નૈસર્ગિક અને ભાવનાત્મક મહત્વ તેમજ પેઢીઓ સુધી ટકી રહે તેવા કાયમી મૂલ્યને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવશે.
ઓમ્નીચેનલ માર્કેટિંગ અને નવી પેઢી પર વિશેષ ફોકસ
અલરોસાએ જણાવ્યું છે કે આ અભિયાનને સફળ બનાવવા માટે ‘ઓમ્નીચેનલ માર્કેટિંગ’ અભિગમ અપનાવવામાં આવશે, જે ડિજિટલ પ્લેટફોર્મ્સ, રિટેલ સ્ટોર્સના પ્રત્યક્ષ અનુભવો અને ગ્રાહકો સુધી સીધા પહોંચવાના કાર્યક્રમોને એકસાથે સાંકળશે.
આ કેમ્પેઈનને ખાસ કરીને BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્ય દેશો) તેમજ યુરેશિયન ઇકોનોમિક યુનિયન (EEU) ના મુખ્ય બજારોની જરૂરિયાતો અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.
આ પ્રોગ્રામ હેઠળ મુખ્યત્વે ‘મિલિનિયલ્સ’ અને ‘જેન ઝી’ (Gen Z) ગ્રાહકોને લક્ષ્ય બનાવવામાં આવશે. બદલાતા સમય સાથે, હીરા ખરીદવા માટેના પરંપરાગત પ્રસંગો ઉપરાંત ‘સેલ્ફ-પર્ચેઝ’ (પોતાના માટે જાતે ખરીદી કરવી) સહિતના હીરા ભેટ આપવાના નવા સામાજિક પ્રસંગો ઊભા કરવા પર ભાર મૂકવામાં આવશે.
ગ્રાહકોને અસલી અને નકલી (સિન્થેટિક) વચ્ચેનો તફાવત સમજાવાશે
આ પ્રોગ્રામનો સૌથી મહત્વનો ભાગ ગ્રાહકોને કુદરતી (Natural) અને પ્રયોગશાળામાં તૈયાર થતા સિન્થેટિક (Lab-Grown) હીરા વચ્ચેનો વાસ્તવિક તફાવત સમજાવવાનો છે.
અલરોસા દ્વારા આયોજિત પગલાંઓમાં હીરા ઉદ્યોગ માટે પ્રમાણભૂત શિષ્ટાચાર અને શબ્દાવલી (Standardised Terminology) નો ઉપયોગ પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી લેબ-ગ્રોનને અસલી હીરા તરીકે વેચી ન શકાય.
આ ઉપરાંત, રિટેલ એટલે કે દુકાન સ્તરે હીરાની ચકાસણી કરવા માટેની મશીનરી અને ટેકનોલોજી મજબૂત કરવામાં આવશે, જેથી સામાન્ય ગ્રાહક પણ છેતરાયા વિના અને સંપૂર્ણ માહિતી સાથે ખરીદીનો સાચો નિર્ણય લઈ શકે.
અલરોસાના સીઈઓ (CEO) અને મેનેજમેન્ટ બોર્ડના ચેરમેન પાવેલ મેરિનીચેવ આ યોજના અંગે કંપનીનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે :
“કુદરતી હીરો એ શુદ્ધ પ્રમાણિકતા અને જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોનું અમૂલ્ય પ્રતીક છે. અમારું ધ્યેય કુદરતી હીરાના આ વિશિષ્ટ ગુણધર્મોનું રક્ષણ કરવાનું છે. અમે ગ્રાહકોને અસલી હીરા અને તેના વિકલ્પો (લેબ-ગ્રોન) વચ્ચેના તફાવત વિશે સંપૂર્ણ પ્રામાણિકતાથી માહિતગાર કરવા માંગીએ છીએ, જેથી તેઓ સમજી-વિચારીને યોગ્ય પસંદગી કરી શકે. આ આખી કવાયત અંતે તો હીરાના ખનન (Mining) થી લઈને રિટેલ શોરૂમ સુધીની સમગ્ર ડાયમંડ વેલ્યુ ચેઈનના ભવિષ્ય અને ટકાઉ વિકાસ માટેનું એક મોટું રોકાણ છે.”
રશિયાના કડક કાયદાને વૈશ્વિક સ્તરે રોલ મોડલ બનાવાશે
આ અભિન્ન પહેલ તાજેતરના રશિયન સરકારી નિયમોને સુસંગત છે, જે અંતર્ગત પ્રયોગશાળામાં ઉત્પાદિત થતી તમામ પ્રોડક્ટ્સને સત્તાવાર રીતે માત્ર અને માત્ર “સિન્થેટિક” (Synthetic) તરીકે જ ઓળખવી ફરજિયાત બનાવવામાં આવી છે.
આ કાયદા હેઠળ સિન્થેટિક સામગ્રી માટે પરંપરાગત હીરાના શબ્દો, ગ્રેડિંગ વર્ણનો અથવા કુદરતી હીરાની ઓળખ આપતી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવા પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
અલરોસાની સ્ટ્રેટેજી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને રશિયાના નાયબ નાણા પ્રધાન એલેક્સી મોઇસેવ (Alexey Moiseev) એ જણાવ્યું હતું કે, “અલરોસા દ્વારા આ પ્રોગ્રામની સ્વીકૃતિ એ વૈશ્વિક બજારોમાં કુદરતી હીરાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ઉદ્યોગની લાંબાગાળાની પહેલોને ટેકો આપતું ખૂબ જ સમયસરનું અને સચોટ પગલું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રશિયા પોતાના આ કડક રિટેલ ડિસ્ક્લોઝર નિયમોને (જેમાં અસલી-નકલીની સ્પષ્ટ જાહેરાત કરવી પડે છે) આંતરરાષ્ટ્રીય સ્તરે એક ‘બેસ્ટ-પ્રાક્ટિસ મોડલ’ તરીકે રજૂ કરવાનો ઈરાદો ધરાવે છે, અને આ માટે વિશ્વના અન્ય હીરા ઉત્પાદક દેશો સાથે સહકાર અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવશે.
અલરોસાના મતે, આ લાંબાગાળાનો પ્રોગ્રામ માત્ર કોઈ એક કંપની પૂરતો સીમિત નથી, પરંતુ તે વિશ્વભરના માઇનર્સ, મેન્યુફેક્ચરર્સ, રિટેલ જ્વેલર્સ અને આંતરરાષ્ટ્રીય હીરા સંગઠનોના પ્રયાસોને બળ આપશે, જેનાથી ગ્રાહકોનો અસલી હીરા પરનો ભરોસો વધશે અને નેચરલ ડાયમંડ માર્કેટ વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















