ALROSA achieves historic carbon-neutral status for the second consecutive year
ચિત્ર : રફ ડાયમંડ સોર્ટિંગ. (સૌજન્ય : અલરોસા)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

વૈશ્વિક સ્તરે હીરાના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવતી રશિયન માઇનિંગ કંપની અલરોસા (Alrosa) એ વર્ષ ૨૦૨૫ માટે તેના તમામ કામકાજ અને હીરાના ઉત્પાદનને સંપૂર્ણપણે ‘કાર્બન-ન્યુટ્રલ’ (કાર્બન મુક્ત) જાહેર કર્યા છે.

હીરા ઉદ્યોગમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવે છે. કંપનીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ માટે સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

આ અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫ દરમિયાન અલરોસાના હીરાના ઉત્પાદનથી પર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન થવાને બદલે, પર્યાવરણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવામાં સફળતા મળી છે.

વિગતવાર આંકડાઓ જોઈએ તો, વર્ષ ૨૦૨૫ માં અલરોસાના કુલ હીરા ઉત્પાદન (આશરે ૨.૯૮ કરોડ કેરેટ) પર કાર્બન ફૂટપ્રિન્ટમાં ૬૦% નો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.

આ ગાળા દરમિયાન કંપનીનો કાર્બન ફૂટપ્રિન્ટ ઘટીને નેગેટિવ ૧.૧૮ કિલોગ્રામ CO2 ઇક્વિવેલન્ટ પ્રતિ કેરેટ નોંધાયો છે, જે અગાઉના વર્ષે નેગેટિવ ૦.૭૧ કિલોગ્રામ હતો. આનો સીધો અર્થ એ થાય છે કે કંપની દ્વારા એક કેરેટ હીરાના ઉત્પાદન દરમિયાન વાતાવરણમાંથી ૧.૧૮ કિલો કાર્બન ઓછો થયો છે.

કંપનીના માઇનિંગ અને પ્રોડક્શન યુનિટ્સે વાતાવરણમાં જેટલો કાર્બન છોડ્યો હતો તેના કરતાં ૧,૨૬,૦૦૦ ટન વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લીધો છે, જે ૨૦૨૪ ના વર્ષમાં ૩૭,૦૦૦ ટન હતો.

આ અભૂતપૂર્વ સફળતા પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ કિંબરલાઇટ (Kimberlite – હીરા ધરાવતો પથ્થર અથવા કાચી ધાતુ) નું સંશોધન છે. અલરોસાએ વૈજ્ઞાનિકો સાથે મળીને સાબિત કર્યું છે કે, રશિયાના યાકુતિયા અને આર્ખાંગેલ્સ્ક ક્ષેત્રમાં ખાણકામ દરમિયાન બહાર નીકળતો કિંબરલાઇટ પથ્થર કુદરતી રીતે જ વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવાની ક્ષમતા ધરાવે છે. આ કુદરતી પ્રક્રિયા ઉપરાંત, કંપનીએ તેની ટેકનોલોજીમાં પણ મોટા ફેરફારો કર્યા છે.

કંપની તેના પરંપરાગત પેટ્રોલિયમ ઇંધણને બદલે ગ્રીન એનર્જી તરફ વળી રહી છે. કંપનીની ઇકોલોજીકલ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ પેદાશોના બદલે હવે કુદરતી ગેસ (Natural Gas) નો ઉપયોગ વધારવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૨૫ માં ઉદાચની માઇનિંગ ડિવિઝનમાં ગેસિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને નાકિન સાઇટ સુધી નવી ગેસ પાઇપલાઇન નાખવામાં આવી છે. એટલું જ નહીં, ખાણ વિસ્તારમાં ફરતા તમામ ઓપરેશનલ વાહનોને પણ હવે નેચરલ ગેસ પર ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં અલરોસા તેની કુલ વીજ વપરાશના આશરે ૭૬% જેટલી વીજળી રિન્યુએબલ એનર્જીમાંથી મેળવે છે.

પર્યાવરણ અને ક્લાઇમેટ સેક્ટરમાં ઓડિટિંગ માટે વૈશ્વિક સ્તરે જાણીતી બહુરાષ્ટ્રીય ફર્મ TÜV AUSTRIA Standards & Compliance દ્વારા અલરોસાના આ અહેવાલ અને કાર્બન ઉત્સર્જનના આંકડાઓની ઝીણવટભરી તપાસ કરીને તેની ચકાસણી કરવામાં આવી છે.

અલરોસાના સીઇઓ પાવેલ મરીનીચેવે આ ગૌરવપૂર્ણ ક્ષણે જણાવ્યું હતું કે : “સમગ્ર વિશ્વમાં અલરોસા એકમાત્ર એવી માઇનિંગ કંપની છે જેણે તેના ઉત્પાદન (હીરા) અને તેની તમામ કામગીરી માટે સત્તાવાર રીતે કાર્બન-ન્યુટ્રાલિટી પ્રમાણપત્ર મેળવ્યું છે. ઉદ્યોગમાં નેતૃત્વ એટલે માત્ર બજારમાં મોટો હિસ્સો મેળવવો એટલું જ નથી, પરંતુ સમાજ અને પર્યાવરણ માટે લાંબા ગાળાનું મૂલ્ય ઊભું કરવું તે પણ છે. આ અભિગમ આગામી સમયમાં સમગ્ર હીરા ઉદ્યોગ માટે એક નવો સ્ટાન્ડર્ડ બનવો જોઈએ.”


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant