DIAMOND CITY NEWS, SURAT
યુનાઇટેડ કિંગડમની એડવર્ટાઇઝિંગ રેગ્યુલેટર બોડી એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (ASA) દ્વારા લેબ-ગ્રોન (કૃત્રિમ) હીરા વેચતી બે જાણીતી જ્વેલરી કંપનીઓ વિરુદ્ધ કડક ચુકાદો આપવામાં આવ્યો છે.
આ કંપનીઓએ તેમની જાહેરાતોમાં હીરા કુદરતી છે કે લેબમાં બનેલા, તેની સ્પષ્ટતા કર્યા વગર માત્ર ‘ડાયમંડ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેને નિયમનકારે ગ્રાહકો સાથેની છેતરપિંડી ગણાવી છે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલની ફરિયાદ બાદ કાર્યવાહી
હોંગકોંગ સ્થિત લિન્જર જ્વેલર્સ (Linjer Jewellers) એ સોશિયલ મીડિયા પર ‘ડિસ્કવર અવર બ્રિલિયન્ટ ડાયમંડ્સ’ (અમારા તેજસ્વી હીરા જુઓ) જેવી જાહેરાતો આપી હતી. આ સાથે તેમણે હીરાને ‘સસ્ટેનેબલ’ અને ‘એથિકલી સોર્સ્ડ’ ગણાવ્યા હતા.
નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) અને લંડન ડાયમંડ બોર્સ (LDB) એ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી કે કંપનીએ ક્યાંય પણ ‘લેબ-ગ્રોન’ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી.
ASA એ ચુકાદો આપતા કહ્યું કે, સામાન્ય ગ્રાહક જ્યારે ‘બ્રિલિયન્ટ ડાયમંડ’ વાંચે છે, ત્યારે તે તેને કુદરતી હીરા જ માને છે. હીરા કુદરતી છે કે સિન્થેટિક, તે ગ્રાહક માટે ખરીદીનો નિર્ણય લેવા માટે સૌથી મહત્વની માહિતી છે અને તેને છુપાવવી એ ગેરમાર્ગે દોરવા સમાન છે.
નોવિતા ડાયમંડ્સની દલીલ ફગાવી દેવામાં આવી
બીજો કિસ્સો નોવિતા ડાયમંડ્સ (Novita Diamonds) નો સામે આવ્યો છે. આ કંપનીએ ફેસબુક (Meta) પર આપેલી જાહેરાતોમાં ‘પ્રીમિયમ ડાયમંડ્સ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.
કંપનીએ બચાવમાં દલીલ કરી હતી કે લેબ-ગ્રોન હીરાનું રાસાયણિક અને ભૌતિક બંધારણ કુદરતી હીરા જેવું જ હોય છે, તેથી તેને ‘હીરા’ કહેવા ખોટું નથી.
જોકે, ASA એ આ દલીલ ફગાવી દેતા જણાવ્યું હતું કે :
- કુદરતી હીરા અને લેબ-ગ્રોન હીરાના ભવિષ્યના મૂલ્ય (Resale Value) માં મોટો તફાવત હોય છે.
- જો ગ્રાહક જાહેરાત પર ક્લિક કરીને વેબસાઇટ પર જાય ત્યારે તેને ખબર પડે કે હીરા લેબ-ગ્રોન છે, તો તે મોડું ગણાય. આ માહિતી જાહેરાતમાં જ અગાઉથી (Upfront) આપવી અનિવાર્ય છે.
કાયદાકીય ગાઈડલાઈન્સ અને ભવિષ્યના પગલાં
બ્રિટિશ રેગ્યુલેટરના આ આદેશ બાદ બંને કંપનીઓએ પોતાની જાહેરાતો હટાવી લીધી છે અને હવે ‘ડાયમંડ’ શબ્દની આગળ ‘લેબ-ગ્રોન’ કે ‘લેબ-ક્રિએટેડ’ લખવાની શરૂઆત કરી છે.
આ ચુકાદો વૈશ્વિક હીરા બજાર માટે એક મોટો સંકેત છે કે ગ્રાહકોને અંધારામાં રાખીને કૃત્રિમ હીરા વેચવા સામે કાયદાકીય સકંજો વધુ મજબૂત બની રહ્યો છે. હવેથી કોઈપણ જ્વેલરે જો તે લેબ-ગ્રોન હીરા વેચતા હોય, તો જાહેરાતમાં તેની સ્પષ્ટતા કરવી કાયદેસર રીતે ફરજિયાત રહેશે.
Disclaimer :This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















