DIAMOND CITY NEWS, SURAT
દક્ષિણ આફ્રિકાના હીરા ઉદ્યોગમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ ડાયમંડ કંપની ‘એકાપા માઇનિંગ’ (Ekapa Mining) એ સત્તાવાર રીતે લિક્વિડેશન (કંપની બંધ કરવાની પ્રક્રિયા) માટે અરજી કરી દીધી છે.
આ નિર્ણય એક ભયાનક ભૂસ્ખલન અને કાદવના પૂરમાં 5 ખાણિયાઓ ફસાઈ ગયાની ઘટનાના બરાબર એક અઠવાડિયા બાદ લેવામાં આવ્યો છે. 17 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકાના નોર્ધન કેપ પ્રાંતની રાજધાની કીમ્બર્લીમાં આવેલી આ ખાણમાં પાણી અને કાદવનો પ્રચંડ ધસારો આવ્યો હતો, જેના કારણે જમીનથી અંદાજે 800 મીટર નીચે કામ કરી રહેલા શ્રમિકો સંપર્ક વિહોણા થઈ ગયા હતા.
બચાવ કામગીરી અને હૃદયદ્રાવક વાસ્તવિકતા
ઘટના બાદ તરત જ ઈકાપા રિસોર્સિસ અને ઈકાપા મિનરલ્સ દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નિષ્ણાતોની ટીમો અને ડ્રિલિંગ મશીનોની મદદથી ટનલ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ખાણના નીચલા સ્તરો સંપૂર્ણપણે કાદવ અને પાણીથી ભરાઈ ગયા હોવાથી ત્યાં જીવન બચવાની કોઈ સંભાવના રહી નથી.
મિનરલ્સ કાઉન્સિલના સીઈઓ મઝિલા મથેન્જાને જણાવ્યું હતું કે, “અમારી પ્રાથમિકતા હજુ પણ તે પાંચ ગુમ થયેલા શ્રમિકોને શોધવાની છે. અમે અસરગ્રસ્ત પરિવારો અને મેનેજમેન્ટને પૂરો સહયોગ આપી રહ્યા છીએ.”
આર્થિક મંદી અને કરૂણ ઘટનાનો બેવડો માર
કંપનીએ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેઓ હવે તેમની નાણાકીય જવાબદારીઓ પૂરી કરવા સક્ષમ નથી.
આ નિર્ણય પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે:
- વૈશ્વિક હીરા બજારમાં મંદી : છેલ્લા લાંબા સમયથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાયમંડની માંગમાં ઘટાડો અને ભાવમાં કડાકાને કારણે કંપની પહેલેથી જ આર્થિક સંકડામણ અનુભવી રહી હતી.
- તાજેતરની દુર્ઘટના : આ કરૂણ હોનારતે કંપનીની કમર તોડી નાખી છે, જેના કારણે સુરક્ષા અને ઓપરેશનલ ખર્ચ ઉઠાવવો હવે અશક્ય બન્યો છે.
રાજકીય અને સામાજિક પડઘા
આ ઘટના બાદ દક્ષિણ આફ્રિકાની સત્તાધારી પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) ની સંસદીય અભ્યાસ સમિતિએ આ મામલે તપાસ તેજ કરી છે. સમિતિએ કંપનીને તાત્કાલિક ધોરણે ખાણમાંથી પાણીનો નિકાલ કરવા અને શ્રમિકોના દેહને બહાર કાઢવા આદેશ આપ્યો છે.
આ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે હીરા કાઢવાની પ્રક્રિયામાં ખાણિયાઓ આજે પણ જીવના જોખમે કામ કરી રહ્યા છે. સેંકડો પરિવારોના ભવિષ્ય હવે અંધકારમય બન્યા છે કારણ કે કંપનીના બંધ થવાથી મોટા પાયે બેરોજગારી સર્જાવાની ભીતિ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















