Pandora Sales Fall - Weak Demand in the US Raises Concerns for Global Jewellery Giant
ચિત્ર : એક મોહક પેન્ડોરા બોક્સ. (સૌજન્ય : શટરસ્ટોક)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ડેનમાર્કની વિશ્વવિખ્યાત જ્વેલરી કંપની પેન્ડોરા (Pandora) એ વર્ષ 2025 ના તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જે અપેક્ષા કરતા નબળા રહ્યા છે. કંપનીએ  અગાઉ જે વેચાણ વૃદ્ધિનો અંદાજ (Guidance) આપ્યો હતો, તેને તે હાંસલ કરી શકી નથી. ખાસ કરીને વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં અમેરિકા જેવા મોટા બજારમાં ગ્રાહકોની ખરીદીમાં ઘટાડો થતા કંપનીના કુલ મહેસૂલ પર તેની સીધી અસર પડી છે.

નાણાકીય પરિણામોના મુખ્ય આંકડા :

  • વેચાણ વૃદ્ધિ : પેન્ડોરાએ વર્ષ 2025 માટે 7% થી 8% ની ઓર્ગેનિક ગ્રોથનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તે માત્ર 6% પર જ અટકી ગઈ છે.
  • કુલ મહેસૂલ : કંપનીનું વાર્ષિક મહેસૂલ અંદાજે 32.5 અબજ ડેનિશ ક્રોન (લગભગ $5.06 અબજ) નોંધાયું છે.
  • નફામાં ઘટાડો : વર્ષ 2025 માં કંપનીનો કાર્યકારી નફો (EBIT) 7.8 અબજ ડેનિશ ક્રોન રહ્યો છે, જે વર્ષ 2024 માં 8 અબજ હતો.

અમેરિકા અને યુરોપમાં નબળી કામગીરી :

પેન્ડોરા માટે અમેરિકા સૌથી મોટું બજાર છે, જ્યાં હોલિડે સીઝન (નવેમ્બર-ડિસેમ્બર) દરમિયાન સ્ટોર્સમાં ગ્રાહકોની અવરજવર (Footfall) ખૂબ જ ઓછી જોવા મળી હતી. કંપનીના જણાવ્યા મુજબ, અમેરિકામાં ગ્રાહકોની આર્થિક સ્થિતિ અને નબળા સેન્ટિમેન્ટને કારણે ચાર્મ બ્રેસલેટ અને નેકલેસની માંગમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત, યુરોપના ઇટાલી અને જર્મની જેવા દેશોમાં પણ વેચાણ અપેક્ષા કરતા ઓછું રહ્યું છે.

પડકારો :

  1. ચાંદીના ભાવમાં ઉછાળો : જ્વેલરી બનાવવા માટે વપરાતી ચાંદીના ભાવમાં ગયા વર્ષે લગભગ 161% નો તોતિંગ વધારો થયો હતો, જેણે કંપનીના નફાના માર્જિન પર દબાણ વધાર્યું છે.
  2. યુએસ ટેરિફ : અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ (જકાત) અને આર્થિક નીતિઓએ પણ વેચાણને અસર કરી છે.
  3. લેબ-ગ્રોન ડાયમંડ : જોકે પેન્ડોરા લેબ-ગ્રોન ડાયમંડ સેક્ટરમાં વિસ્તરણ કરી રહ્યું છે, પરંતુ પરંપરાગત જ્વેલરી સેગમેન્ટમાં સ્પર્ધા વધી રહી છે.

નવી નેતાગીરી અને ભવિષ્યની યોજના :

પેન્ડોરાના નવા CEO બર્ટાડી પાબ્લોસ-બાર્બિયર એ 1 જાન્યુઆરી, 2026 થી પદભાર સંભાળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “અમે અત્યારે પડકારજનક આર્થિક વાતાવરણમાંથી પસાર થઈ રહ્યા છીએ.

અમારું ધ્યાન હવે નવા અને આકર્ષક કલેક્શન લોન્ચ કરવા પર રહેશે જેથી ગ્રાહકો ફરીથી સ્ટોર્સ તરફ વળે. અમે અમારી ‘ફોનિક્સ સ્ટેટજી’ (Phoenix Strategy) દ્વારા બ્રાન્ડને ફરી બેઠી કરવા કટિબદ્ધ છીએ.”

બજારની પ્રતિક્રિયા :

નબળા પરિણામોના સમાચાર આવતા જ ડેનિશ શેરબજારમાં પેન્ડોરાના શેરમાં 10% નો કડાકો જોવા મળ્યો હતો, જે જૂન 2023 પછીની સૌથી નીચી સપાટી છે. હવે રોકાણકારોની નજર 5 ફેબ્રુઆરીએ આવનારા વિગતવાર ઓડિટેડ રિપોર્ટ પર છે, જેમાં વર્ષ 2026 માટેની નવી વ્યૂહરચના જાહેર કરવામાં આવશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant