DIAMOND CITY NEWS, SURAT
ભારત સરકારની નવરત્ન પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU) અને દેશની સૌથી મોટી લોખંડ અયસ્ક ઉત્પાદક કંપની ‘નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન’ (NMDC) એ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી પોતાની ઐતિહાસિક ડાયમંડ માઇનમાંથી એક અત્યંત દુલર્ભ અને કિંમતી હીરો શોધી કાઢીને મોટી સિદ્ધિ હાસિલ કરી છે.
કંપની દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર, આ મશીનરી આધારિત ડાયમંડ માઇનિંગ પ્રોજેક્ટમાંથી 27.29 કેરેટ વજનનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો જ્વેલરી-ગ્રેડ હીરો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો છે. પન્નાની ખાણમાં NMDC ના ઇતિહાસમાં ઉત્ખનન કરાયેલો આ અત્યાર સુધીનો બીજા નંબરનો સૌથી મોટો હીરો છે.
આ ચમકતી અને ઐતિહાસિક સિદ્ધિ અંગે માહિતી આપતાં NMDC એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર એક ખાસ પોસ્ટ શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, “15 સપ્ટેમ્બર 2026 ના રોજ ડાયમંડ માઇનિંગ પ્રોજેક્ટ (DMP), પન્ના ખાતેથી 27.29 કેરેટનો અદભુત રત્ન-ગુણવત્તા ધરાવતો હીરો મળી આવ્યો છે. જુલાઈ 2026માં જ મળી આવેલા 13.16 કેરેટના અન્ય એક કિંમતી હીરાની ભવ્ય સફળતા બાદ તુરંત જ સાંપડેલી આ નવી શોધ ‘ટીમ NMDC’ માટે અત્યંત ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ છે.”
આ નવો હીરો પોત, રંગ, કેરેટ વજન, સ્પષ્ટતા અને તેના વિશેષ ‘S’ આકારના આધારે પ્રાથમિક અંદાજ મુજબ આશરે 1 કરોડથી 2.5 કરોડ રૂપિયા સુધીનું મૂલ્ય ધરાવે છે. જોકે, તેની આખરી હરાજી અને સરકારી મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા તેનું આખરી વેચાણ મૂલ્ય નક્કી કરવામાં આવશે.
મધ્યપ્રદેશના પન્ના શહેરથી લગભગ 15 કિલોમીટર નૈઋત્ય દિશામાં આવેલા મજગવાં ડાયમંડ-બેરિંગ પાઇપ ક્ષેત્રમાં આ ડાયમંડ માઇનિંગ પ્રોજેક્ટ સ્થિત છે. આ પ્રોજેક્ટમાં હીરાના ખનન અને ઉત્પાદનની કામગીરીનો પ્રારંભ વર્ષ 1971-1972 દરમિયાન કરવામાં આવ્યો હતો.
મજગવાં-પન્ના પ્રોજેક્ટ સમગ્ર ભારતનો અને દક્ષિણ એશિયાનો એકમાત્ર સંપૂર્ણપણે મશીનરી સંચાલિત ડાયમંડ માઇનિંગ કોમ્પ્લેક્સ છે. આ સંકુલ અત્યાધુનિક ઓર પ્રોસેસિંગ મશીનરીથી સજ્જ છે, જેમાં હેવી-મીડિયા સેપરેશન પ્લાન્ટ, એક્સ-રે આધારિત ઓટોમેટિક ડાયમંડ રિકવરી યુનિટ અને પર્યાવરણ અનુકૂળ ટેલિંગ્સ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે.
પર્યાવરણીય અને નિયામક મંજૂરીઓ બાદ આ ખાણમાં માર્ચ 2024 થી પુનઃ ઉત્પાદન ઝડપથી શરૂ કરાયું હતું, જેની લીઝ લાયસન્સ મુદત 2035 સુધી લંબાવવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ઓગસ્ટ સુધીમાં આ ખાણમાંથી અંદાજે 6,000 કેરેટ હીરાનું ઉત્પાદન મેળવાઈ ચૂક્યું છે.
હૈદરાબાદ (તેલંગાણા) ખાતે મુખ્ય મથક ધરાવતી સ્ટેટ-ઓન્ડ કંપની NMDC ભારતની સૌથી મોટી આયર્ન ઓર ઉત્પાદક સંસ્થા છે. કંપની મુખ્યત્વે છત્તીસગઢ રાજ્યના બેલાડિલા સેક્ટર અને કર્ણાટક રાજ્યના બેલ્લારી-હોસ્પીટ ક્ષેત્રમાં આવેલા દોનિમાલાઈ ડિપોઝિટ્સમાં ઉચ્ચ સ્તરની મશીનરી ધરાવતી લોખંડની ખાણોનું સંચાલન કરે છે.
વિશ્વભરમાં સૌથી ઓછા ખર્ચે આયર્ન ઓરનું ઉત્પાદન કરતી કંપનીઓમાં NMDC ની ગણના થાય છે. લોખંડ અયસ્ક સિવાય પન્ના ખાતે ભારતની એકમાત્ર મિકેનાઇઝ્ડ ડાયમંડ માઇનનું સંચાલન કરવું એ પણ કંપનીના વૈવિધ્યસભર પોર્ટફોલિયોનું એક મુખ્ય પાસું છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















