DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક સ્તરે જાણીતા ઓક્શન હાઉસ એલમવુડ્સ દ્વારા લંડન ખાતે યોજાનારી પોતાની આગામી હરાજીમાં ૮.૦૩ કેરેટના અત્યંત કિંમતી અને દુર્લભ હીરાથી મઢેલી એક આકર્ષક રિંગ રજૂ કરવામાં આવી રહી છે. એલમવુડ્સ દ્વારા આ શાહી અને નાયબ દાગીનાની અંદાજિત કિંમત ૧.૫ મિલિયન બ્રિટિશ પાઉન્ડ થી ૨ મિલિયન પાઉન્ડ (રૂ. ૧૭ કરોડથી રૂ. ૨૧.૭ કરોડ) આંકવામાં આવી છે. એલમવુડ્સ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ અનોખી રિંગ આગામી ૧ ઓક્ટોબરના રોજ યોજાનાર તેમના પ્રખ્યાત ‘ફાઇન જ્વેલરી સેલ’ દરમિયાન હરાજી માટે (અંડર ધ હેમર) મૂકવામાં આવશે.
આ અનોખી રિંગની સુંદરતા અને તેની બનાવટ વિશે વાત કરીએ તો, રિંગના કેન્દ્રમાં ૮.૦૩ કેરેટનો પિઅર-શેપ (નાસપતિ આકાર) ધરાવતો ફેન્સી-લાઇટ-બ્લુ કલરનો અને VS2 ક્લેરિટી (શુદ્ધતા) ધરાવતો નેચરલ હીરો જડેલો છે. આ બ્લુ ડાયમંડની ચારેય તરફ રાઉન્ડ બ્રિલિયન્ટ-કટ ગુલાબી અને સફેદ હીરાનું ખૂબ જ આકર્ષક ફ્રેમ વર્ક (બોર્ડર) તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રિંગના શોલ્ડર્સ (બાજુની કિનારીઓ) પર પણ ગોળાકાર સફેદ બ્રિલિયન્ટ-કટ હીરા જડવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે.
ઓક્શન હાઉસે વધુમાં ઉમેર્યું હતું કે, બ્રિટનના ઇતિહાસમાં કોઈપણ ઓક્શનમાં બોલી માટે રજૂ કરવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો પિઅર-શેપ્ડ બ્લુ ડાયમંડ છે. આ ઉપરાંત યુનાઇટેડ કિંગડમ (UK)ના સમગ્ર હરાજી ઇતિહાસમાં સામે આવેલો આ ત્રીજો સૌથી મોટો બ્લુ ડાયમંડ બન્યો છે. આ નાયબ રિંગ સ્કોટલેન્ડના એક ખાનગી જ્વેલરી કલેક્ટરના સંગ્રહમાંથી આવે છે.
એલમવુડ્સના જ્વેલરી સેલ વિભાગના વડા જો કેન્ડ્રિકે આ હીરાના અસાધારણ મહત્વ વિશે જણાવતા કહ્યું હતું કે, “૮.૦૩ કેરેટનો નેચરલ બ્લુ ડાયમંડ પોતાની રીતે જ એક અત્યંત દુર્લભ અને અસાધારણ બાબત છે, પરંતુ જે વસ્તુ તેની સુંદરતા અને મૂલ્યમાં વધારો કરે છે તે બ્રિટિશ હરાજીના ઇતિહાસમાં તેનું ખાસ સ્થાન છે. સ્કોટિશ કલેક્ટર પાસેથી આવેલી આ રિંગ ખરેખર જીવનમાં એક જ વાર જોવા મળે તેવી ‘વન-ઈન-એ-લાઈફટાઈમ’ માસ્ટરપીસ છે. તેની સાઈઝ (વજન), અનોખો રંગ, શુદ્ધતા (ક્લેરિટી) અને અત્યંત ભવ્ય પિઅર શેપનું મિશ્રણ આ હીરાને એક અદ્ભુત આકર્ષક લુક આપે છે. આથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ મોટા કલેક્ટર્સ અને રોકાણકારો તરફથી આ રિંગ માટે ભારે ઉત્સાહ અને વ્યાપક રસ જોવા મળશે તેવી અમને પૂરી આશા છે.”
બ્રિટનના હરાજી ઇતિહાસમાં ૮ કેરેટથી વધુ વજન ધરાવતા બ્લુ ડાયમંડ્સ ખૂબ જ ઓછા જોવા મળ્યા છે. આ અગાઉ હરાજીમાં રજૂ થયેલા ૮ કેરેટથી મોટા બ્લુ ડાયમંડ્સમાં માત્ર બે જ ઐતિહાસિક હીરાનો સમાવેશ થાય છે :
૧. આઇડોલ્સ આઇ ડાયમંડ : ૭૦.૨૧ કેરેટનો આ વિશ્વપ્રસિદ્ધ હીરો વર્ષ ૧૮૬૫માં લંડન ખાતે ક્રિસ્ટીઝ દ્વારા હરાજી માટે મૂકવામાં આવ્યો હતો.
૨. વિટેલ્સબેક ડાયમંડ : આ ઐતિહાસિક બ્લુ ડાયમંડ વર્ષ ૨૦૦૮માં લંડન ખાતે ક્રિસ્ટીઝ દ્વારા હરાજીમાં મૂકાયો હતો અને તે જાણીતા જ્વેલર ગ્રાફ (Graff) દ્વારા ખરીદવામાં આવ્યો હતો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















