DIAMOND CITY NEWS, SURAT
રશિયાના નાણા મંત્રાલય દ્વારા સરેરાશ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા અટકાવવા માટે લેબ ગ્રોન ડાયમંડના વેચાણ અંગે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રશિયામાં જ્વેલરી રિટેલરો જો લેબ ગ્રોન ડાયમંડ માટે ખોટી, અસ્પષ્ટ કે ગેરમાર્ગે દોરનારી શબ્દાવલીનો ઉપયોગ કરશે, તો તેમની સામે પ્રોડક્ટ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા સહિતના આકરા પગલાં લેવામાં આવશે.
‘ટાસ’ (TASS) સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, રશિયાના નાયબ નાણા મંત્રી એલેક્સી મોઇસેયેવે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વિક્રેતા ઉત્પાદન અંગેની ફરજિયાત માહિતી આપવાના નિયમોનું અનાદર કરશે, તો તેની સામે આકરા કાનૂની પગલાઓ લેવામાં આવશે. આ કડક નિયમોના પાલનનું નિરીક્ષણ રશિયન કન્ઝ્યુમર પ્રોટેક્શન એજન્સી (Rospotrebnadzor) અને ફેડરલ એસે ચેમ્બર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.
રશિયામાં કૃત્રિમ હીરાના નામકરણ અને માર્કેટિંગ અંગેના આ નવા નિયમો 1 સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે અમલમાં આવી ચૂક્યા છે. નવા કાયદા મુજબ, સિન્થેટિક હીરા માટે “કિંમતી” (Precious), “અસલી” (Real), “પ્રાકૃતિક” (Natural), “ખાણમાંથી નીકળેલ” (Mined), “ખનિજ” (Mineral), અથવા “ઇકો-ફ્રેન્ડલી” (Eco-friendly) જેવા કોઈ પણ શબ્દોનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ બેન મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, રશિયામાં તમામ પોલિશ કરેલા હીરા માટે વપરાતો પરંપરાગત વિશિષ્ટ શબ્દ “બ્રિલિયન્ટ” હવેથી માત્ર અને માત્ર કુદરતી હીરા માટે જ વાપરી શકાશે.
નવા નિયમ અનુસાર, કૃત્રિમ હીરાના ટેગ કે લેબલ પર તેની ક્વોલિટી, કલરની ગુણવત્તા કે કેરેટ વેઇટ (વજન) લખવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. તેના બદલે દરેક કૃત્રિમ સ્ટોન પર સ્પષ્ટ અક્ષરે “સિન્થેટિક” (Synthetic) લખવું જ્વેલર્સ માટે કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નાયબ નાણા મંત્રી એલેક્સી મોઇસેયેવે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે એક ચોક્કસ સિદ્ધાંત સ્થાપિત કર્યો છે કે ‘ બ્રિલિયન્ટ’ માત્ર એ જ કુદરતી હીરો છે જે પૃથ્વીના પેટાળમાં કરોડો વર્ષોની પ્રક્રિયા બાદ કુદરતી રીતે બન્યો છે. કોઈ પણ સિન્થેટિક કે માનવસર્જિત સ્ટોન ક્યારેય ‘બ્રિલિયન્ટ’ હોઈ શકે નહીં.”
તેમણે જણાવ્યું કે છેલ્લાં કેટલાક વર્ષોમાં લેબ ગ્રોન ડાયમંડની કિંમતોમાં 10 થી 20 ગણો મોટો ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં કુદરતી હીરા અને સિન્થેટિક હીરા વચ્ચેનો તફાવત ભૂંસાઈ ન જાય અને ગ્રાહકો છેતરાય નહીં તે માટે આ શબ્દાવલી અંગેનો નવો કાયદો અત્યંત જરૂરી હતો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















