
DIAMOND CITY NEWS, SURAT
અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવેલી 321 કુદરતી હીરા જડિત ખાસ ગોલ્ડ રિંગને લઈને મોટો વિવાદ ઊભો થયો છે.
આ વિવાદ વચ્ચે એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર (AWDC) એ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને તમામ આક્ષેપોને સ્પષ્ટપણે ફગાવી દીધા છે. સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે આ કિંમતી વીંટી આપવાનો હેતુ માત્ર બેલ્જિયન ક્રાફ્ટમેનશિપનું પ્રદર્શન કરવાનો હતો અને તેને યુરોપિયન હીરા પરની ટેરિફ મુક્તિ સાથે કોઈ લેવાદેવા નથી.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે યુએસ સેનેટર્સ એલિઝાબેથ વોરેન અને રિચર્ડ બ્લુમેન્થલે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા માંગી હતી.
સેનેટર્સે આરોપ લગાવ્યો હતો કે બ્રસેલ્સમાં યોજાયેલા કાર્યક્રમમાં ટ્રમ્પને આ વીંટી ભેટ આપ્યાના થોડા જ સમય બાદ તેમની સરકારે યુરોપિયન હીરા પરના ઇમ્પોર્ટ ટેરિફ (આયાત જકાત) માંથી મુક્તિ આપી હતી.
સેનેટર્સે પત્રમાં લખ્યું હતું કે, “યુરોપિયન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મળેલી ટેરિફ મુક્તિ આશંકાઓ જગાડે છે. મોંઘી ભેટો આપીને વિદેશી કોર્પોરેટ હિતો સાધવાનો અથવા એક રીતે ‘કાર્ટૂનિશ લાંચ’ આપીને ખાસ ફાયદા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ લાગે છે.”
સેનેટરોના આ ગંભીર આક્ષેપો સામે સખત વિરોધ નોંધાવતા AWDCએ સ્પષ્ટ કર્યું કે, “જો સ્વતંત્રતા દિવસની તે ઉજવણી ન હોત, તો આ વીંટી ક્યારેય અસ્તિત્વમાં આવી ન હોત. યુએસ આયાત ટેરિફ અંગેની ચર્ચા આનાથી સાવ અલગ બાબત હતી. ટેરિફ સંબંધિત મુદ્દો મહિનાઓથી ચાલી રહેલી નીતિગત બાબત હતી, જેમાં યુરોપિયન ડાયમંડ સેક્ટર પહેલેથી જ સીધી અને માળખાકીય રીતે જોડાયેલું હતું.”
AWDCના જણાવ્યા અનુસાર, બેલ્જિયન કંપનીઓને આ વૈશ્વિક ઇવેન્ટમાં યોગદાન આપવાની તક મળી હતી. સંસ્થાએ તેને એન્ટવર્પ અને બેલ્જિયમની અદ્ભુત હીરા કળાને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવાની અને બેલ્જિયમની મુખ્ય નિકાસ પેદાશ તરીકે કુદરતી હીરા પ્રત્યે વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવાની એક અનન્ય તક તરીકે જોઈ હતી.
ડાયમંડ માર્કેટ વિશ્લેષકોના મતે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં હીરા ઉદ્યોગ મહત્વનું સ્થાન ધરાવે છે. વૈશ્વિક કટ અને પોલિશ્ડ હીરાના વેપારમાં એન્ટવર્પ કેન્દ્રસ્થાને હોવાથી ટેરિફ મુક્તિ મેળવવી એ લાંબા સમયથી ઉદ્યોગની માંગ હતી. આ વિવાદ છતાં, AWDCએ સ્પષ્ટ કર્યું છે કે વ્યાપારિક વાટાઘાટો નિયમો અને સત્તાવાર પ્રક્રિયાના આધારે જ થઈ હતી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















