DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા બજારમાં રજાઓની મોસમ હોવા છતાં કેટલીક કેટેગરીમાં રિકવરીના મજબૂત સંકેતો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ૦.૩૦ થી ૦.૬૯ કેરેટના રાઉન્ડ હીરાના ભાવમાં સતત સુધારો નોંધાયો છે, જ્યારે ૧ કેરેટની કોમર્શિયલ કેટેગરીના હીરામાં વેપારીઓ સારા વેપારની માહિતી આપી રહ્યા છે.
ઉનાળાના વેકેશનને કારણે મુખ્ય વૈશ્વિક ટ્રેડિંગ હબમાં કામકાજ ધીમું પડ્યું છે, પરંતુ અમેરિકાનું હોલસેલ માર્કેટ મોસમી સુસ્તી વચ્ચે પણ સ્થિર જળવાઈ રહ્યું છે. દરમિયાન, કોર્પોરેટ ક્ષેત્રે મોટા ફેરફારોના એંધાણ છે. એંગ્લો અમેરિકને ડી બિયર્સના ખરીદદાર તરીકે ગેરેથ પેનીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમને અગ્રણી બોલીદાતા તરીકે પસંદ કર્યું હોવાના અહેવાલ છે.
ડી બિયર્સના વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિના (1H) ના પરિણામોમાં મોટું નુકસાન થવાનો અંદાજ છે; બીજા ત્રિમાસિક ગાળા (2Q) માં કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે ૪૪% ઘટીને $૬૬૫ મિલિયન નોંધાયું છે. બીજી તરફ, ઓકાવાંગો ડાયમંડ કંપનીની હરાજીમાં નાના અને નીચી ગુણવત્તા ધરાવતા રફ હીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
અમેરિકાએ બ્રાઝિલિયન ચીજવસ્તુઓ પર ૨૫% અને કેનેડા પર ૫૦% નવો ટેરિફ લાગુ કર્યો છે, જોકે હીરા અને રત્નો પર તેની શું અસર પડશે તે હજુ અસ્પષ્ટ છે. વૈશ્વિક બ્રાન્ડ્સમાં, સ્વોચ ગ્રુપનું પ્રથમ છમાસિકમાં જ્વેલરી અને વોચનું વેચાણ ૨% વધીને $૩.૬ બિલિયન થયું છે. જ્યારે લુક ફુક અને ચો સંગ સંગ જેવી અગ્રણી જ્વેલરી ચેઇન્સે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વેચાણમાં વૃદ્ધિ નોંધાવી છે.
ફેન્સી કટ્સ અને ખાસ શેપ્સમાં પ્રીમિયમ
૨ કેરેટ અને તેથી મોટા સાઈઝના હીરામાં રાઉન્ડ કટ્સ કરતાં લંબગોળ એટલે કે ફેન્સી શેપ્સ (જેમ કે ઓવલ, માર્ક્વિઝ અને એમરાલ્ડ)નું વેચાણ શ્રેષ્ઠ રહ્યું છે.
- શોર્ટ સપ્લાય : ઉચ્ચ ગુણવત્તા ધરાવતા માર્ક્વિઝ, લોંગ રેડિયન્ટ અને લોંગ ક્યુશન્સ હીરાની બજારમાં ભારે અછત છે.
- સૌથી મોંઘો શેપ : માર્ક્વિઝ બજારમાં સૌથી મોંઘો ફેન્સી શેપ બની રહ્યો છે.
- પ્રીમિયમ ભાવ : લોંગ ક્યુશન હીરા સરળતાથી વેચાઈ રહ્યા છે અને ચોરસ ક્યુશન્સની સરખામણીએ ૨૦% થી ૨૫% જેટલા પ્રીમિયમ ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.
- એન્ટિક સ્ટાઇલ : એન્ટિક કટ્સ અને ક્લાસિક સ્ટાઇલ્સની માંગ ખૂબ જ મજબૂત છે. અમેરિકામાં D-I કલર અને VS-SI કલેરિટી ધરાવતા સારી ગુણવત્તાના ઇલોન્ગેટેડ ઓવલ હીરાનું માર્કેટ મજબૂત છે.
- જોકે, ખરાબ પ્રપોર્શન (માપ) ધરાવતા ફેન્સી હીરાની લેવાલી બિલકુલ નથી.
વિશ્વના મુખ્ય હીરા બજારોની સ્થિતિ
યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા)
ઉનાળાની સુસ્તી વચ્ચે પણ અમેરિકી માર્કેટ સ્થિર છે. ૧ થી ૧.૯૯ કેરેટ, G-J કલર અને VS2-SI2 કલેરિટીના રાઉન્ડ હીરાની માગ મજબૂત છે, જેમાં SI2 કલેરિટીનું વેચાણ સતત જળવાઈ રહ્યું છે. પ્રિન્સેસ કટ્સ પણ ફરી વેગ પકડી રહ્યા હોવાનું વેપારીઓ માને છે. એન્ટિક કટ્સ જેવા કે ઓલ્ડ યુરો અને ઓલ્ડ માઇનર હીરા રિટેલ જ્વેલર્સમાં ખૂબ લોકપ્રિય બન્યા છે.
બેલ્જિયમ (એન્ટવર્પ)
વેકેશનના સમયગાળાને કારણે પ્રવૃત્તિઓ ઓછી છે પરંતુ એકંદર આત્મવિશ્વાસ સકારાત્મક છે. એન્ટવર્પમાં માલની અછત હોવાથી ખરીદદારો ભારત અને મોટા સપ્લાયર્સ તરફ વળી રહ્યા છે. સમગ્ર ટ્રેડ સપ્ટેમ્બર (૪ થી ૮ સપ્ટેમ્બર)માં યોજાનારા વિચેન્ઝાઓરો (Vicenzaoro) શોની તૈયારીઓ કરી રહ્યું છે.
ઇઝરાયેલ
લાંબા સમર હોલિડેઝને કારણે માર્કેટ શાંત છે. ડી બિયર્સ ઇઝરાયેલમાં જ પોતાની હરાજી યોજવાની યોજના બનાવી રહ્યું છે. દેશની પ્રથમ છમાસિક ગાળાની પોલિશ્ડ નિકાસ વાર્ષિક ધોરણે ૨૨% ઘટીને $૬૨૫.૭ મિલિયન થઈ છે, જ્યારે રફ આયાત ૩૬% ઘટીને $૨૦૮.૩ મિલિયન નોંધાઈ છે.
ભારત
સપ્લાય કાપ અને કુદરતી હીરા પ્રત્યે વધી રહેલા વિશ્વાસને કારણે ભારતીય હીરા ઉદ્યોગમાં સકારાત્મક માહોલ છે.
- નિકાસ : અમેરિકા ભારત માટે સૌથી ભરોસાપાત્ર એક્સપોર્ટ માર્કેટ રહ્યું છે, જ્યાં ૧ થી ૧.૯૯ કેરેટના રાઉન્ડ હીરાનું વેચાણ સારું છે.
- લેબગ્રોનથી નેચરલ તરફ શિફ્ટ : ગ્રાહકો ફરી એકવાર સિન્થેટિક (લેબગ્રોન) હીરાથી વિમુખ થઈને ૧ કેરેટ SI કલેરિટીના નેચરલ હીરા તરફ શિફ્ટ થઈ રહ્યા હોવાના અહેવાલો છે.
- આગામી તહેવારો : મુંબઈમાં યોજાનારા IIJS શો (૫ થી ૧૦ ઓગસ્ટ) અને આગામી દિવાળીના તહેવારોને કારણે સ્થાનિક માગમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. ૨ કેરેટ અને તેથી મોટા હીરા તેમજ લોંગ ફેન્સી શેપ્સનું વેચાણ વેગવંતું બન્યું છે.
હોંગકોંગ
ચીની પ્રવાસીઓની ખરીદી અને ઇન્વેસ્ટમેન્ટ બાયર્સને કારણે હોંગકોંગમાં ગત વર્ષ કરતાં વેપાર સારો છે. રોકાણના હેતુથી ૧ થી ૨.૯૯ કેરેટ (D-G, IF-VS2, 3X, નોન-ફ્લોરોસન્સ) અને ૩ થી ૫ કેરેટના ઉચ્ચ ગુણવત્તાવાળા રાઉન્ડ હીરાની ભારે માગ છે. જોકે, લેબગ્રોન હીરાની સ્પર્ધાને કારણે ૧ કેરેટથી નાના કોમર્શિયલ રાઉન્ડ હીરા નબળા રહ્યા છે. ખરીદદારો માત્ર એ જ માલ ખરીદી રહ્યા છે જે તરત જ વેચી શકાય.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















