US Import Policy - Tariff Threat Looms Over Colored Gemstones and Pearls
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકા સરકારના યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા હાથ ધરવામાં આવેલી ત્રણ ઝડપી તપાસોના પરિણામે ચાલુ મહિનાના અંત સુધીમાં નવા આયાત ટેરિફ નિયમો લાગુ થઈ શકે છે.

આ નવા ટેરિફથી ખાસ કરીને રંગીન રત્નો અને સંવર્ધિત મોતીના વૈશ્વિક વેપાર પર મોટી અસર પડવાની આશંકા ‘અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશન’ (AGTA) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ તપાસ અમેરિકી ટ્રેડ એક્ટની સેક્શન 301 (Section 301) હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

USTR એ તેના પ્રારંભિક તારણોમાં વિશ્વના આશરે 60 દેશોને આવરી લીધા હતા, જેમાં ભારત, થાઈલેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા સહિત 46 દેશોમાંથી આવતા જેમસ્ટોન અને મોતીની આયાત પર 12.5% નો વધારાનો લેવી (ટેરિફ) લાદવાની દરખાસ્ત મુકવામાં આવી છે. જાહેર સુનાવણી અને હિસ્સેદારોના મંતવ્યો પૂર્ણ થયા બાદ આ અંગેનો આખરી નિર્ણય આ જ મહિનાના અંત સુધીમાં જાહેર થવાની સંભાવના છે.

આ સિવાય, આ સમીક્ષા હેઠળ 16 મુખ્ય વેપારી ભાગીદાર દેશો (જેમાં ભારત, કમ્બોડિયા, થાઈલેન્ડ, યુરોપિયન યુનિયન અને જાપાન સામેલ છે) ની સરકારી સબસીડી, ઔદ્યોગિક નીતિઓ અને ઉત્પાદન ક્ષમતાથી વધુ ઉત્પાદન જેવા મુદ્દાઓની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે. USTR આ સમીક્ષા અંગે પણ ચાલુ માસના અંતમાં અંતિમ નિર્ણય લેશે તેવી અપેક્ષા છે.

બ્રાઝિલ માટે 25% ટેરિફનો આખરી નિર્ણય

બીજી તરફ, બ્રાઝિલ સામેની અલગ સેક્શન 301 તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ તપાસના આધારે નિર્ણય લેવાયો છે કે 22 જુલાઈ 2026 થી બ્રાઝિલમાંથી આયાત થતા પોલીશ્ડ રંગીન રત્નો પર 25% ની ભારે ટેરિફ લાગુ થશે.

મુખ્ય નિયમો અને છૂટછાટો :

  • રફ સ્ટોન્સને મુક્તિ : કાચા રંગીન રત્નો પર આ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • રી-એક્સપોર્ટ અને થર્ડ કન્ટ્રી પ્રોસેસિંગ : જો બ્રાઝિલમાંથી કાચા રત્નો પ્રોસેસિંગ કે કટિંગ-પોલિશિંગ માટે અન્ય ત્રીજા દેશમાં મોકલવામાં આવે અને ત્યાંથી યુએસએ નિકાસ થાય, તો તે ત્રીજા દેશ માટે નક્કી થયેલા ડ્યૂટી દર મુજબ કર લાગશે.

વૈશ્વિક સરચાર્જ અને રિફંડની વર્તમાન સ્થિતિ

અગાઉ આ વર્ષની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ લાદવામાં આવેલા રેસિપ્રોકલ આયાત ટેરિફને રદ કર્યા હતા. ત્યારબાદ, અમેરિકી વહીવટીતંત્રે સેક્શન 122 હેઠળ કામચલાઉ ધોરણે 10% નો વૈશ્વિક આયાત સરચાર્જ અમલમાં મૂક્યો હતો, જેની મુદત 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.

દરમિયાન, યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા અગાઉ એકત્રિત કરાયેલા IEEPA ટેરિફના રિફંડ પ્રોસેસ કરવાની કામગીરી ચાલુ છે. કૉર્ટ ઑફ ઇન્ટરનેશનલ ટ્રેડને અપાયેલા અહેવાલ મુજબ, એકત્રિત થયેલા આશરે $166 બિલિયનમાંથી લગભગ 60% રકમ માટે રિફંડ ક્લેમ દાખલ થયા છે. જોકે, એજન્સીએ અત્યાર સુધીમાં તેમાંથી ખૂબ નાનો હિસ્સો જ વેપારીઓને પરત ચૂકવ્યો છે.

AGTAની રજૂઆત : “અમેરિકામાં લોકલ પ્રોડક્શન નથી, ટેરિફમુક્ત દર જાળવો”

અમેરિકન જેમ ટ્રેડ એશોસિએશન (AGTA) ના પ્રમુખ બ્રુસ બ્રિજિસના નેતૃત્વ હેઠળ જેમસ્ટોન ઉદ્યોગ વતી વોશિંગ્ટન ડીસીમાં જોરદાર લોબિંગ કરવામાં આવી રહ્યું છે.

AGTA ના પ્રતિનિધિઓએ વોશિંગ્ટન ડીસીમાં યુએસ કોંગ્રેસના એક ડઝનથી વધુ સભ્યો સાથે મુલાકાત કરીને સ્પષ્ટ રજૂઆત કરી હતી : “અમેરિકામાં કુદરતી રંગીન રત્નોનું કોઈ નોંધપાત્ર સ્થાનિક ઉત્પાદન કે સંસાધનો ઉપલબ્ધ નથી. આથી, સ્થાનિક ઉદ્યોગ અને વેપારીઓને બચાવવા માટે રંગીન રત્નોની આયાતને તેની ઐતિહાસિક ટેરિફ-મુક્ત સ્થિતિમાં જ જાળવી રાખવી જોઈએ.”


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant