DIAMOND CITY NEWS, SURAT
ભારતીય ડાયમંડ ઉદ્યોગ અને રત્નકલાકારોના હિતમાં કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. દેશની સંસદના ઉપલા ગૃહ રાજ્યસભા દ્વારા Taxation and Other Laws (Amendment) Bill, 2026 ને સફળતાપૂર્વક પસાર કરવામાં આવ્યું છે.
આ નવા કાયદા હેઠળ ભારતના ‘સ્પેશિયલ નોટિફાઇડ ઝોન્સ’ (SNZs) મારફતે રફ ડાયમંડનું વેચાણ કરતી વિદેશી માઇનિંગ (ખનન) કંપનીઓ, સાઇટહોલ્ડર્સ, બ્રોકર્સ, એગ્રીગેટર્સ અને ઓક્શન સંસ્થાઓને આગામી 15 વર્ષ સુધી, એટલે કે 31 માર્ચ, 2041 સુધી ઇન્કમ ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
આ સીમાચિહ્નરૂપ સુધારા બાદ સુરત ડાયમંડ બુર્સ (SDB) ના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે મુલાકાત કરી હતી.
તેમણે સમગ્ર ભારતીય હીરા ઉદ્યોગ અને વેપારીઓ વતી નાણામંત્રી તથા કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વાતચીત કરતા ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ નીતિગત નિર્ણયથી વૈશ્વિક હીરા વેપાર ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મક ક્ષમતા અને સ્થાન અભૂતપૂર્વ રીતે મજબૂત થશે.
આંતરરાષ્ટ્રીય નિર્ભરતા ઘટશે : દુબઈ અને એન્ટવર્પના ચક્કરથી મુક્તિ
ભારતીય હીરા ક્ષેત્રની આ દાયકાઓ જૂની માંગણી હતી. અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, વિદેશી માઇનિંગ કંપનીઓ ભારતમાં રફ ડાયમંડનું પ્રદર્શન કરી શકતી હતી, પરંતુ તેનું આખરી ખરીદ-વેચાણ અને વ્યવહારો (Transactions) દુબઈ, એન્ટવર્પ કે બેલ્જિયમ જેવા આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ સેન્ટર્સ મારફતે જ કરવા પડતા હતા.
નવા ટેક્સ ફ્રેમવર્કને કારણે હવે પાત્રતા ધરાવતા વિદેશી સપ્લાયર્સ સીધા જ ભારતની ધરતી પરથી રફ ડાયમંડના સોદા પૂર્ણ કરી શકશે. આ નિર્ણય ખાસ કરીને સુરત માટે અત્યંત મહત્વનો સાબિત થશે, કારણ કે વિશ્વના 90% કરતાં વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. અત્યાર સુધી હીરા ઉત્પાદન મથક હોવા છતાં સુરતના વેપારીઓએ રફ મેળવવા વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું.
ઉદ્યોગ પર સકારાત્મક અસરો અને ભવિષ્યની તકો
હીરા ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકોના મતે આ નિર્ણયથી નીચે મુજબના વ્યાપક ફાયદાઓ થશે :
- સરળ રફ પુરવઠો અને સમયની બચત : સ્થાનિક સ્તરે જ રફ હીરાનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થતાં તેના પ્રોક્યોરમેન્ટ (ખરીદી) માટે લાગતો સમય અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે.
- SNZ સેન્ટર્સનો વિકાસ : સુરત અને મુંબઈ ખાતે આવેલા સ્પેશિયલ નોટિફાઇડ ઝોન્સ (SNZs) માં ટ્રેડિંગ પ્રવૃત્તિઓનો ધમધમાટ ખૂબ વધશે.
- વૈશ્વિક રોકાણ અને રોજગાર : આ નિર્ણયથી ભારતની ડાયમંડ વેલ્યુ ચેઇન મજબૂત થશે, જેનાથી મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ, વિદેશી રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે.
- દીર્ઘકાલીન વિઝન (2041) : 15 વર્ષની સ્પષ્ટ અને સ્થિર નીતિગત વિન્ડો (માર્ચ 2041 સુધી) મળવાથી આંતરરાષ્ટ્રીય માઇનિંગ કંપનીઓ ભારતને પોતાના કાયમી રફ ડાયમંડ ટ્રેડિંગ ડેસ્ટિનેશન તરીકે પસંદ કરવા માટે પ્રોત્સાહિત થશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















