મુંબઈના વેપારીઓ પણ સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવા ઈચ્છા દર્શાવી

મુંબઈમાં હીરાના વેપારીઓ સાથેની બેઠકમાં સરળ સ્વભાવના ગોવિંદભાઈએ પોતાના નરમ અંદાજમાં પ્રેમથી મુંબઈના વેપારીઓને કહ્યું, તકલીફ કહો સાથે મળી દૂર કરીશું

Traders from Mumbai also expressed willingness to start trading in Surat Diamond Bourse
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું કમર્શિયલ કોમ્પલેક્સ છે. તે એક રેકોર્ડ છે. તે સુરત માટે શાનની વાત છે, પરંતુ એ પણ હકીકત છે કે ઉદ્દઘાટનના ચાર મહિના બાદ પણ સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થયો નથી. 4300 ઓફિસની આ 15 માળની નવ ઈમારતો ખાલી ભાસી રહી છે.

જાણે સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ ફ્લોપ થયો હોય તેવું ચિત્ર ઊભું થયું છે. ટીકાખોરો ભૂતિયા ઇમારત તરીકે વર્ણન કરી સુરત ડાયમંડ બુર્સનો અપપ્રચાર કરવા લાગ્યા છે, પરંતુ હજુ મોડું થયું નથી. સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે ભૂલોને સુધારી લેવાની જરૂર હતી અને તે કામ વહેલી તકે કરી લેવાયું છે.

સુરત ડાયમંડ બુર્સનું સુકાન ગોવિંદભાઈ ધોળકીયાને સોંપીને બગડતી બાજી સુધારી લેવાની દિશામાં સુરત ડાયમંડ બુર્સના સંચાલકોએ કામગીરી કરી છે, તેનું પરિણામ એ આવ્યું કે સુરત ડાયમંડ બુર્સ ગ્રાઉન્ડ લેવલના વેપારી, દલાલોને મળી તેમની તકલીફો સમજી તે દૂર કરી બુર્સને ધમધમતું કરવાની દિશામાં સંનિષ્ઠ પ્રયાસો શરૂ થયા છે.

સુરતના મહિધરપુરા, કતારગામ, મીનીબજારના વેપારી, દલાલો સાથે બેઠક કર્યા બાદ સુરત ડાયમંડ બુર્સના સંચાલકોની નવી કમિટીએ તા. 18 એપ્રિલના રોજ મુંબઈના વેપારીઓ સાથે ભારત ડાયમંડ બુર્સમાં બેઠક કરી હતી.

આ બેઠકમાં મુંબઈના 1000થી વધુ વેપારીઓ સામેલ થયા હતા. તે પૈકી મોટા ભાગના વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદી છે, તેથી તેઓ સ્વાભાવિકપણે સુરતમાં વેપાર શરૂ કરવા આતુર છે, પરંતુ તેઓને કઈ સમસ્યા રોકી રહી છે તે જાણવાનો પ્રયાસ સુરત ડાયમંડ બુર્સની નવી કમિટીએ 18મી એપ્રિલે કર્યો હતો. સુરત ડાયમંડ બુર્સના નવા ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના અસ્સલ અંદાજમાં નમ્રતાપૂર્વક પ્રેમથી મુંબઈના વેપારીઓને કહ્યું હતું કે, તકલીફ કહો એટલે સાથે મળીને દૂર કરીએ.

આ બેઠકમાં મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં વેપાર બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાં આવવાની શરતોનો એજન્ડા પડતો મૂકી સુરત ડાયમંડ બુર્સનાં સંચાલકોએ મુંબઈના બીડીબીમાં વેપારીઓ, દલાલો સાથે તા. 18 એપ્રિલના રોજ બેઠક યોજી હતી. અરવિંદ ધાનેરા (શાહ), અનુપ મહેતા અને કિરીટ ભણસાલીનાં સહયોગથી મુંબઈના ભારત ડાયમંડ બુર્સ ખાતે સુરત ડાયમંડ બુર્સનાં સંચાલકો એ યોજેલી બેઠકમાં 1000 જેટલા વેપારીઓ, દલાલો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વાઈસ ચૅરમૅન, સુરત ડાયમંડ બુર્સનાં વાઈસ ચૅરમૅન લાલજીભાઈ ટી. પટેલે જાહેરાત કરી હતી કે, અષાઢી બીજનાં દિવસથી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયા અને ધર્મનંદન ડાયમંડ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરશે. મુંબઈના વેપારીઓના સહયોગથી 7 જુલાઈ 2024નાં રોજ સુરત ડાયમંડ બુર્સની 500 ઓફિસો એક સાથે ખુલશે. લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સમાં બિઝનેસ શરુ કરવા તડામાર તૈયારીઓ સાથે સુરત ડાયમંડ બુર્સ મેનેજમેંટ કમિટીની મુંબઈમાં સુરત ડાયમંડ બુર્સના મેમ્બરો સાથે મિટીંગ યોજાઈ હતી.

સુરત ડાયમંડ બુર્સ વતી ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકિયા અને વાઈસ ચૅરમૅન લાલજીભાઈ પટેલ એ તમામ મેમ્બરોને સંબોધતા કહ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ બનાવ્યું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટના આપણે સૌ ભાગીદાર છીએ. નાની-મોટી અનેક મુશ્કેલીઓ અને અવરોધો વચ્ચે પણ આપણા દ્રઢ નિશ્ચય અને પરસ્પરના વિશ્વાસના કારણે આપણે આ ભગીરથ કાર્ય પૂર્ણ કરી શક્યા છીએ. જેની વિશ્વભરમાં નોંધ લેવાઈ રહી છે.

આ અત્યાધુનિક સંકુલને આપણે સાથે મળીને ધમધમતું કરવાનું છે. ઘણા લોકોને મળતા જાણવા મળ્યું કે લોકો એકબીજાની રાહ જોઈ ને બેઠા છે, આવા વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગમાં બિઝનેસ કરવાની ઈચ્છા કોને ન હોય? એટલે કમિટીએ સાથે મળીને નક્કી કર્યું છે કે દરેક માર્કેટમાં જઈ લોકોને જણાવીએ કે આપણે સૌ એક સાથે સુરત ડાયમંડ બુર્સમાં બિઝનેસ શરૂ કરીએ.

વધુમાં સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન અને ભાજપના રાજ્યસભાનાં ગોવિંદભાઈ ધોળકિયાએ ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે, અમે તમને એવું નથી કહેવા આવ્યા કે તમે જલ્દી ઓફિસ શરૂ કરો. કારણ કે તમે વેપાર કરવા માટે જ તો ઓફિસ ખરીદી છે. સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ચાલુ કરવામાં શું તકલીફ છે, એ એમને કહો, અમે એ દૂર કરીશું.

7 જુલાઈએ લાલજીભાઈ અને હું મારા ગ્રુપ સાથે ઓફિસ ચાલુ કરીશું. આગળના અનુભવ જોતાં અમે કોઈ પ્રોમિસ કરી રહ્યાં નથી. મને ખબર નથી કે 500 લોકો ઓફિસ શરૂ કરશે પણ  હશે, બધા શરૂ કરશે. દુનિયાના સાત્વિક, સંસ્કારી, નિરાભિમાની, સીધા વેપારીઓ જોવા હોય તો હીરા ઉદ્યોગમાં ડોકિયું કરવું પડે. આપને ઝવેરી બજાર, પંચરત્ન ઓપેરા હાઉસથી ભારત ડાયમંડ બુર્સ આવી સફળ થયા.

ભારત ડાયમંડ બુર્સને લીધે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટને સફળતા મળી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધે તો વેપાર વધે. સુરત ડાયમંડ બુર્સ પણ હીરા ઉદ્યોગને ફળશે એવી આશા રાખું છું. લગભગ 500 થી વધારે મેમ્બરો એક સાથે 7 જુલાઈના રોજ ઓફિસ ચાલુ કરવા માટેની તૈયારી બતાવી હતી.

ખચોખચ ભરાયેલા મીટિંગ હોલમાં બંને આગેવાનોએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યાપારીને સુરત ડાયમંડ બુર્સમાં કોઇ પ્રશ્ન હોય તો તેનો ઝડપથી ઉકેલ લાવવામાં માટે સ્ટાફ અને કમિટી તત્પર રહેશે. મુંબઈના જે વેપારીઓએ ઓફિસો ખરીદી છે. તેમના ઝડપી પેપર વર્ક માટે ભારત ડાયમંડ બુર્સમાં એક કાઉન્ટર ખોલવાની માંગણી ભારત ડાયમંડ બુર્સની કમિટીએ માન્ય રાખી છે.

સુરત ડાયમંડ બુર્સ કમિટીએ મુંબઈમાં જાહેરાત કરી હતી કે, ભારત ડાયમંડ બુર્સની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ નાના વેપારી, દલાલોને કૅબિન ટેબલો ફાળવવામાં આવશે. જેથી તમામ પ્રકારના લોકો એમાં વેપાર કરી શકે. આ મીટિંગમાં સુરત ડાયમંડ બુર્સની સર્વિસ કમિટીના પ્રેસિડન્ટ અરવિંદભાઈ શાહ (ધાનેરા), વાઈસ પ્રેસિડેન્ટ અશેષભાઈ દોશી,  નિલેશભાઈ કોઠારી, મનીષભાઈ જીવાણી અને અન્ય કમિટી મેમ્બર્સ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનુપભાઈ મહેતા અને કિરીટ ભણસાલીએ પણ હાજરી આપી હતી.

જૂના વાદ-વિવાદ ભૂલી ભારતીય હીરા-ઝવેરાત ઉદ્યોગની પ્રગતિ માટે કામ કરવું પડશે

સુરત ડાયમંડ બુર્સ શરૂ થવા પહેલાં હીરા ઉદ્યોગમાં વૈમનસ્યભર્યું વાતાવરણ ઊભું થયું હતું. મુંબઈ છોડો… સુરત આવો.. જેવા મેસેજ ફરતા થવાના લીધે સુરત અને મુંબઈના હીરાના વેપારીઓ વચ્ચે વેરભાવ ઊભો થયો હતો. બંને પક્ષો તરફથી જોરશોરથી પ્રચાર શરૂ થયા હતા. ક્યાંકને ક્યાંક આવા મેસેજોએ હીરા ઉદ્યોગનું વાતાવરણ બગાડવાનું કામ કર્યું હતું. મુંબઈના મોટા વેપારીઓનો એક મોટો વર્ગ સુરત ડાયમંડ બુર્સના પ્રમોશન માટે મુંબઈ છોડો.. જેવા મેસેજથી નારાજ થયો હતો. જેની ખૂબ મોટી અસર પડી.

હવે જ્યારે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ થઈ રહી નથી ત્યારે સુરત ડાયમંડ બુર્સની નવી કમિટીએ જૂની ભૂલો સુધારી લેવાની દિશામાં પગલાં માંડ્યા છે. સુરત ડાયમંડ બુર્સની નવી કમિટીએ સુરત-મુંબઈના નાના વેપારીઓ, દલાલોને સુરત ડાયમંડ બુર્સમાં આમંત્રણ આપ્યું છે, જે પહેલાં નહોતું અપાયું. સુરત ડાયમંડ બુર્સ મોટા વેપારીઓ માટે છે એવી ભ્રમણા પણ ઊભી થઈ હતી, તે ભાંગવાનો પ્રયાસ પણ શરૂ કરાયો છે.

નવી કમિટી એ સારી પેઠે જાણે છે કે હીરા ઉદ્યોગમાં વિકાસ કરવો હોય તો નાના-મોટા, સુરત-મુંબઈ બધા વેપારી, દલાલોને સાથે રાખીને ચાલવું પડશે. કરોડોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું પરંતુ વેપાર કરનારા નહીં હોય તો તે કોઈ કામનું નહીં રહે. આથી સુરત ડાયમંડ બુર્સની નવી કમિટિએ પહેલાં સુરતમાં મહિધરપુરા, કતારગામના વેપારી, દલાલોને આમંત્રણ આપ્યું અને ત્યારબાદ મુંબઈમાં વેપારીઓ સાથે બેઠક કરી. મુંબઈની મિટિંગની ખાસ એ વાત રહી કે તેમાં ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનુપ મહેતા પણ હાજર રહ્યાં. ગોવિંદભાઈ ધોળકિયાએ આ બેઠકમાં ખૂબ સારી વાત કરી કે, સારું ઈન્ફ્રાક્સ્ટ્રક્ચર હોય તો વેપારમાં સારી પ્રગતિ કરી શકાય. એસઆરકેની પ્રગતિ બીડીબીને આભારી છે.

ગોવિંદભાઈની વાતનો મર્મ સમજીએ તો સુરત અને મુંબઈના વેપારીઓએ એકબીજા સામે હરીફાઈ કરવાના બદલે સુરત અને મુંબઈ બંને શહેરોમાં હીરાનો વેપાર વધુ ને વધુ પ્રગતિ કરે તે દિશામાં કામ કરવું જોઈએ. અલગ અલગ રહેતા બે ભાઈઓ એકબીજા સામે લડવાના બદલે એકબીજાની તાકાત બંને તો તે બમણી થાય છે તે સમજવું જોઈએ. આજે એન્ટવર્પ અને દુબઈમાં હીરાના વેપારીઓ બેસે છે તેને સુરત અને મુંબઈમાં ખેંચી લાવવા હોય તો સાથે મળીને હીરા ઉદ્યોગના વિકાસની દિશામાં કામ કરવું પડશે. આંતરિક મતભેદ, મનભેદ દૂર કરવા પડશે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant