જુલાઈમાં સુરત ડાયમંડ બુર્સ ધમધમતું કરવા ક્વાયત હાથ ધરાઈ

નવી સુરત ડાયમંડ બુર્સ કમિટીનો જુલાઈ 2024થી એક સાથે 500 ઓફિસ બુર્સમાં શરૂ કરવાનો લક્ષ્યાંક, તારીખ બાદમાં નક્કી થશે

Efforts take place to start offices In Surat Diamond Bourse from July
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ કોમ્પલેક્સ સુરત ડાયમંડ બુર્સનું ગઈ તા. 17 ડિસેમ્બર 2023ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું. આ સાથે જ સુરત શહેર ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબ હબ બનશે તેવી આશા જાગી હતી, પરંતુ બુર્સનું ઉદ્દઘાટન થયાના ચાર મહિના બાદ પણ બુર્સ ધમધમતું થયું નથી. રૂપિયા 3600 કરોડના ખર્ચે બનેલા અતિ વિશાળ અને ભવ્ય બુર્સમાં 4200 પૈકી માત્ર 3 જ ઓફિસ શરૂ થઈ શકી છે.

વીતેલા ચાર મહિનામાં એકેય ઓફિસ શરૂ થઈ નથી. આ ચાર મહિના દરમિયાન બુર્સની કમિટી બદલાઈ ગઈ. બુર્સના ચૅરમૅન બદલાયા અને હવે નવી ટીમે નવી રણનીતિ સાથે બુર્સને ધમધમતું કરવા ક્વાયત હાથ ધરી છે, ત્યારે આગામી જુલાઈ મહિનામાં સુરત ડાયમંડ બુર્સના નવા ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકીયા અને વાઈસ ચૅરમૅન લાલજીભાઈ પટેલ પોતાની ઓફિસ શરૂ કરવા જઈ રહ્યાં હોવાની જાહેરાત થઈ છે.

નવા ચૅરમૅન ગોવિંદ ધોળકિયાએ ગુરુવારે વરાછાના ભાતની વાડીમાં ફૅન્સી હીરાના વેપારીઓ સાથેની મીટિંગમાં એવી જાહેરાત કરી હતી કે, 7 જુલાઈ ને અષાઢી બીજના દિવસે બુર્સમાં એસઆરકેની ઓફિસ શરૂ કરાશે. ધર્મનંદન ડાયમંડ 1 જુલાઈએ ઓફિસ શરૂ કરવાની ઘોષણા કરી છે. આ સાથે જ નવી કમિટી દ્વારા મહિધરપુરા બાદ હવે બુર્સમાં ઓફિસ ખરીદનારા મુંબઈના વેપારીઓને બુર્સમાં વેપાર શરૂ કરવાની સમજાવટ કરવામાં આવી રહી છે.

ઉદ્દઘાટન પછી બુર્સ ધમધમવાની જગ્યાએ જે વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી તેમાંથી ઘણાએ ઓફિસ બંધ પણ કરી દીધી છે. જેથી બુર્સમાં હીરાનો વેપાર વેગવંતો બનાવવા માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે. 18 જુલાઈએ મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરીને તેમને પણ વહેલી તકે સુરત બુર્સમાં ઓફિસ શરૂ કરવા કહેવાશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં ખુલ્લા મુકાયેલા ડાયમંડ બુર્સને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ માનવામાં આવે છે. 14.38 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ડાયમંડ બુર્સમાં 6.60 લાખ સ્ક્વેર મીટરનો ફ્લોર એરિયા છે.

દરમિયાન સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકિયા, વાઈસ ચૅરમૅન લાલજીભાઈ પટેલ અને સર્વિસ સોસાયટીના ચૅરમૅન અરવિંદભાઈ શાહ (ધાનેરા ડાયમંડ)નાં નેતૃત્વમાં SDBની કોર કમિટીના સભ્યો મુંબઈમાં બેઠક યોજશે. હીરા વેપારીઓએ SDBમાં ઓફિસો ખરીદી છે. તેમને સુરતમાં પણ ઓફિસ શરૂ કરવા 18 એપ્રિલ 2024 ગુરુવારે મુંબઈના BKCમાં ભારત ડાયમંડ બુર્સ નજીક આવેલી હોટેલમાં વેપારીઓને સુરતમાં વેપાર કરવા સમજાવવામાં આવશે.

17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન થયાનાં ગણતરીના દિવસોમાં SDB ની ઓફિસો સંપૂર્ણ બંધ થયાની ઘટના પછી નવી બનેલી કમિટી સજાગ બની છે. સુરત ડાયમંડ બુર્સની કમિટીનાં સભ્યો એ પણ ઓફિસ શરૂ નહીં કરતા મહિને લાખોના મેઇન્ટનન્સ ખર્ચના નુકસાનથી બચવા શરૂ થયેલી ઓફિસો પણ બંધ કરવાનો વારો આવ્યો હતો.

SDBનાં ચૅરમૅન તરીકે વલ્લભભાઈ લાખાણીનાં રાજીનામા પછી ભાજપના રાજ્યસભાના સાંસદ અને SRK એમ્પાયારનાં માલિક ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની ટીમે સુકાન સંભાળ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા અને અરવિંદભાઈ શાહ (ધાનેરા ડાયમંડ) એ SDB માં ઓફિસો ખરીદનાર હીરા વેપારીઓને બુર્સમાં ફરી ખેંચી લાવવા એકડે એકથી પ્રયાસો શરૂ કર્યા છે.

મહિધરપુરા હીરા બજાર પછી આ ટીમ તા. 12 એપ્રિલના રોજ કતારગામ ભાતની વાડીમાં પહોંચી હતી. અહીં બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ જેમણે ઓફિસો ખરીદી છે, તેમણે જુલાઈ માસના પહેલા અઠવાડિયામાં ઓફિસો શરૂ કરવા અપીલ કરી હતી. કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણી બુર્સ કમિટીના ચેરમેન હતા ત્યારે બુર્સના કોર કમિટીના 31 સભ્યો પૈકી એક માત્ર વલ્લભભાઈ એ જ ઓફિસ શરૂ કરતાં ઓફિસ ખરીદનારાઓને બુર્સ ચાલશે કે કેમ એ બાબતે શંકા ઊભી થઈ હતી.

હવે નવી બુર્સ કમિટીએ જુલાઈ 2024થી એક સાથે 500 ઓફિસ શરૂ કરવા લક્ષ્યાંક રાખ્યો છે. ગયા સપ્તાહે સુરતના મોટા ગજાના હીરા ઉદ્યોગકારો અને બુર્સની કોર કમિટીના આગેવાનો લાલજીભાઈ ટી .પટેલ, નાગજીભાઈ સાકરીયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, અશેષ દોશી આજે મહિધરપુરા જદાખાડીમાં આવેલા ડાયમંડ વિલેજ બિલ્ડિંગનાં પાર્કિગમાં હીરા વેપારીઓને ઓફિસ શરૂ કરવા સમજાવવા પહોંચ્યા હતા.

તા. 12 એપ્રિલે આ ટીમ કતારગામ નંદુ ડોશીની વાડી નજીક ભાતની વાડી ખાતે વેપારીઓ સાથે બેઠક યોજવા પહોંચી હતી. અહીં SDB નાં વાઈસ ચૅરમૅન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સમાં વ્યાપાર શરુ કરવા માટે મહિધરપુરા હીરા બજાર અને કતારગામ હીરા બજારનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 1 જુલાઈએ ધર્મનંદન ડાયમંડ અને 7 જુલાઈએ SRK એક્સપોર્ટ SDB માં પોતાની ઓફિસ શરૂ કરશે.

કતારગામના હીરાના વેપારીઓએ બુર્સમાં કામકાજ શરૂ કરવા વચન આપ્યું

સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરુ થાય તે માટે તા. 12 એપ્રિલના રોજ કતારગામ ભાતની વાડી ખાતે SDB નાં આગેવાનોએ બેઠક યોજી હતી. જેમાં કતારગામના 40 ફૅન્સી ડાયમંડના વેપારીઓની જુલાઈમાં ઓફિસ શરૂ કરવાની ખાતરી આપી હતી. આ અગાઉ તા. 04/04/2024 ના રોજ મહિધરપુરા હીરા માર્કેટમાં (મોટી બજાર)માં મિટિંગ યોજાઈ હતી. જેમાં મહિધરપુરા હીરા બજારના મોટા વેપારીઓ, હીરા દલાલ અને નાના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત ડાયમંડ બુર્સ ઓફિસ ધરાવનાર અહીંના વેપારીઓએ એક જ અવાજે જૂન-2024 માં માર્કેટ શરુ કરવાની બાહેંધરી આપી હતી. આ મિટિંગમાં સુરત ડાયમંડ બુર્સની કમિટી તરફથી ચૅરમૅન ગોવિંદભાઇ ધોળકિયા, વાઈસ ચૅરમૅન લાલજીભાઈ પટેલ, પ્રેસિડેન્ટ અરવિંદભાઈ શાહ (અજબાણી), પદ્મશ્રી મથુરભાઈ સવાણી, વાઈસ પ્રેસિડેન્ટ નાગજીભાઈ સાકરીયા, વાઈસ પ્રેસિડેન્ટ અશેષભાઈ દોશી હાજર રહ્યા હતા.

વીડિયો મેસેજમાં લાલજી પટેલે કહ્યું, એકસાથે 400-500 વેપારી બુર્સમાં કામ શરૂ કરે તેવું આયોજન

સુરત ડાયમંડ બુર્સ વર્લ્ડનું સૌથી મોટું બિલ્ડિંગ સુરતમાં બન્યું છે. વડાપ્રધાને તા. 17 ડિસેમ્બરે ઉદ્દઘાટન કર્યું છે. હવે બુર્સને ધમધમતું કરવા અમારી તૈયારી થઈ ચૂકી છે. મહિધરપુરામાં થોડા સમય પહેલાં નાના-મોટા વેપારીઓ સાથે મિટિંગ મળી હતી, જેમાં વેપારીઓએ ફર્નિચર તૈયાર થયા છે અને ટૂંકમાં બુર્સમાં કામ શરૂ કરવા તૈયારી ખાતરી છે. મહીધરપુરા, મીનીબજારની ઓફિસો એકસાથે બુર્સમાં ટ્રાન્સફર થઈ શકશે.

આ ઉપરાંત ચોકી, માર્કીસ, ફૅન્સીના 250 વેપારીના ગ્રુપે ઓફિસ શરૂ કરવા તૈયારી બતાવી છે. ગોવિંદભાઈ ધોળકીયા 7મી જુલાઈ અને ધર્મનંદનની 1 જુલાઈએ બુર્સમાં ઓફિસો શરૂ થશે. એકસાથે 400-500 વેપારીના લેટર સાથે તારીખ નક્કી કરાશે અને તે જ તારીખે એક સાથે બુર્સમાં ઓફિસો શરૂ થશે. જેથી લે-વેંચ કરનારા તમામ વેપારીઓ એકસાથે કામકાજ શરૂ કરી શકશે. આ ઉપરાંત 18મી એપ્રિલે મુંબઈ બીકેસીમાં મિટીંગ છે. મુંબઈના વેપારીઓ પણ એક ચોક્કસ તારીખે સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ શરૂ કરવા ઉત્સાહિત છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant