સુરતના ડાયમંડ બુર્સ બાદ નવી મુંબઈમાં ડાયમંડ ક્લસ્ટર હબના નિર્માણની જાહેરાતે હીરા ઉદ્યોગને ચોંકાવ્યું

મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે નવી મુંબઈમાં રૂપિયા 20,000 કરોડના ખર્ચે વિશ્વના સૌથી મોટા ડાયમંડ ક્લસ્ટર હબના નિર્માણની જાહેરાત કરી

The announcement of the creation of a diamond cluster hub in Navi Mumbai took the diamond industry by surprise
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરતમાં વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ એવા સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે એકાએક મુંબઈની સરકારે મુંબઈમાં દુનિયાના સૌથી મોટા ડાયમંડ કલસ્ટરના નિર્માણની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ડાયમંડ કલ્સ્ટરનું નિર્માણ કોઈ હરીફાઈના ભાગરૂપે છે કે પછી સાચે જ હીરા ઉદ્યોગના વિકાસ માટે છે તે તો હજુ સ્પષ્ટ નથી.

આ મામલે જેટલાં મોંઢા એટલી વાત છે. કોઈ તેને મુંબઈ અને સુરતના હીરાવાળાઓની સીધી સ્પર્ધા સાથે જોડે છે. કોઈ ગુજરાત અને મહારાષ્ટ્ર્ની લડાઈ તરીકે વર્ણવે છે. તો શાણા લોકો ડિપ્લોમેટિકલી જવાબ આપતા કહે છે કે સારું જ છે હેલ્ધી હરીફાઈ થાય તો ઉદ્યોગ અને દેશ બંનેનો વિકાસ થશે. ભલે, સાચું જે હોય તે. સમયના ગર્ભમાંથી હકીકત બહાર આવશે જ. પણ અત્યારે આપણે વાત કરીએ મુંબઈના નવા ડાયમંડ ક્લસ્ટર પ્રોજેક્ટ વિશે.

આ પ્રોજેક્ટની જાહેરાત ગઈ તા. 28 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું છે કે ડાયમન્ડનું સૌથી મોટું હબ નવી મુંબઈમાં આવતા વર્ષ સુધીમાં આકાર લેશે. એટલું જ નહી એ માટેની પોલીસીઓ પણ તૈયાર થઈ ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ આક્ષેપ કરતા કહ્યું હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાતે આવ્યા હતા અને તેમનો ઇરાદો છે કે મોટાભાગની ઇન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં ચાલી જાય, જેમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. 

ઉદય સામંતે યવતમાળમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું હતું કે દેશનું સૌથી મોટું ડાયમન્ડ હબ નવી મુંબઈમાં આકાર લેશે. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણા પ્રોજેક્ટસ ગુજરાત અને કર્ણાટકમાં ચાલ્યા ગયા છે. જોકે છેલ્લા એક વર્ષથી રાજ્યમાં જે નવી સરકાર આવી છે ત્યારથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને વિશ્વાસ બેઠો છે કે સરકાર તેમની પડખે છે તેમને સપોર્ટ કરશે. એસબીઆઇના ક્વૉર્ટરલી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર છેલ્લા દોઢ વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. 

ડાયમંડનું દેશનું સૌથી મોટું ક્લસ્ટર નવી મુંબઈના મહાપે ખાતે બની રહ્યું છે. રૂ. 20,000 કરોડના રોકાણ સાથે બની રહેલા આ પ્રોજેક્ટ દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે એક લાખ લોકોને રોજગાર મળશે એવી જાહેરાત કરતાં રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું કે રાજ્યમાં સ્થાપિત થઈ રહેલા ઉદ્યોગોને મહારાષ્ટ્ર શાસન કેટલીક સવલત અને પ્રોત્સાહન આપી રહી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર વિદેશી રોકાણમાં આજે નંબર એક પર છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની કેન્દ્ર સરકારની શિખર સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા નવી મુંબઈમાં ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. આ પાર્કમાં 2,000 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ઘટક સ્થાપિત થશે. અનેક મોટી નામાંકિત સંસ્થાઓ પણ અહીં રોકાણ કરવાની છે. આવા પ્રકારનો આ દેશનો એકમાત્ર પ્રોજક્ટ છે, એમ પણ સામંતે કહ્યું હતું.

આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા 86,053 ચોરસ મીટર જગ્યા ફાળવવાનો નિર્ણય પહેલી માર્ચ, 2019ના રોજ ઉદ્યોગ મંડળની ઉપસમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે બાદ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ એમઆઈડીસીને આપવામાં આવેલા 3 એફએસઆઈમાં બીજી બે એફએસઆઈ વધારીને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વધારાની બે એફએસઆઈમાંથી એક એફએસઆઈ લેબગ્રોન ડાયમંડ્સ (પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા) ઉદ્યોગ માટે અનામત રાખવામાં આવશે અને બાકીની એક એફએસઆઈ બાંધીને તૈયાર કરીને એમઆઈડીસીને વિનામૂલ્ય હસ્તાંતરિત કરવાની રહેશે. આ વિસ્તાર જેમ્સ એન્ડ જ્વેલરી તેમ જ લેબગ્રોન ડાયમંડ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને આપવા માટે અનામત રાખવામાં આવશે.

 મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે ટિપ્પણી કરી હતી કે મહારાષ્ટ્રનો ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ ગુજરાત શિફ્ટ થઈ રહ્યો હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. દેશનું સૌથી મોટું ડાયમંડ ક્લસ્ટર નવી મુંબઈમાં બનવા જઈ રહ્યું છે. સરકાર એક સંપૂર્ણ ડાયમંડ હબ માટે નવી મુંબઈમાં કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ માટેનો વિગતવાર રિપોર્ટ અને તેને અનુરૂપ નીતિઓ બંને તૈયાર કરી દેવાઈ છે. આગામી વર્ષ 2024 સુધીમાં નવી મુંબઈમાં દેશના સૌથી વ્યાપક ડાયમંડ હબના એક હિસ્સાના ભવ્ય ઉદ્દઘાટનની મહારાષ્ટ્ર સરકાર અપેક્ષા રાખે છે.

સામંતે વધુમાં કહ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં કર્ણાટક અને ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે ટોચનું સ્થાન મેળવ્યું હતું પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં સરકાર બદલાયા બાદ ઉદ્યોગપતિઓનો વિશ્વાસ વધ્યો છે. સરકાર તેમની પડખે ઊભી રહેશે.

આ સાથે જ સામંતે દાવો કર્યો હતો કે નવી મુંબઈમાં નિર્માણ થવા જઈ રહેલાં ભારતના અને વિશ્વના સૌથી મોટા ડાયમંડ ક્લસ્ટર હબમાં હીરા ઉદ્યોગને લગતી વિવિધ પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખવામાં આવશે, જેમાં ડાયમંડ ટ્રેડિંગ, પ્રોસેસિંગ, ગ્રેડિંગ, કટિંગ, પોલિશિંગ અને જ્વેલરી મેન્યુફેક્ચરીંગનો પણ સમાવેશ થઈ શકે છે. આવા હબની પ્રવૃત્તિઓમાં પ્રારંભિક રફ ડાયમંડ ટ્રેડિંગથી માંડીને ગ્રાહકોને હીરાના દાગીના અને જ્વેલરીના અંતિમ વેચાણ સુધીની દરેક બાબતોનો સમાવેશ થઈ શકે છે.

મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રીએ નવા ડાયમંડ કલ્સ્ટરના નિર્માણની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ખાસ કરીને સુરતના હીરાવાળાઓની ચિંતા વધારી દીધી છે. કારણ કે સુરતમાં જે ડાયમંડ બુર્સ બન્યું છે તેનો પહેલો હેતુ જ મુંબઈમાંથી સુરતમાં શિફ્ટ થવાનો છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સેવાઓ ઉપલ્બ્ધ કરાવવામાં આવે કે જેથી હીરાના ઉત્પાદકોને મુંબઈ સુધી લાંબા થવું નહીં પડે. એ વાત સૌ કોઈ જાણે છે કે સુરત એ ડાયમંડ સિટી તરીકે એટલા માટે ઓળખાય છે કારણ કે વિશ્વમાં વપરાશમાં લેવાતા 90 ટકા ડાયમંડને કટ એન્ડ પોલિશ્ડ સુરતમાં થાય છે.

સાદી ભાષામાં ખાણમાંથી નીકળતા કિંમતી રફ પત્થરોને સાચા અર્થમાં હીરા એટલે કે ઝવેરાતમા જડી શકાય અને પહેરી શકાય એવા ચમકતા હીરા સુરતના રત્નકલાકારો બનાવે છે. રફ પત્થરને સુરતના રત્નકલાકારો ઘાટ આપે છે, તેને ચમકાવે છે અને ત્યાર પછી તે રફ પત્થર સાચા અર્થમાં હીરો બને છે. જેની વૈશ્વિક માર્કેટમાં લાખો કરોડોની કિંમત હોય છે. મતલબ કે સુરતના હીરા ઉત્પાદકો, રત્નકલાકારો પત્થરને હીરો બનાવે છે, પરંતુ આ હીરો વેચવો હોય તો મુંબઈ લાંબા થવું પડે.

હવે મુંબઈ જાવ એટલે મુંબઈના વેપારીઓ સાથેના સંબંધો સાચવવા પડે. મુંબઈની સરકારને સાચવવી પડે. મુંબઈના અધિકારીઓને સાચવવા પડે. વળી, તે ઉપરાંત મુંબઈમાં ટ્રાફિક જેવી સિવિસ પ્રોબેલેમ્સનો પણ સામનો કરવો પડે. તેના લીધે ગુજરાતી વેપારીઓ કંટાળી, ત્રાસી ગયા હતા, તેથી એક દાયકા પહેલાં કેટલાંક અગ્રણી હીરા ઉત્પાદકોએ સુરતમાં શિફટ થવાનું મન બનાવ્યું. તે માટે સહકારી સંસ્થાનું ગઠન કર્યું અને એક દાયકા બાદ રૂપિયા 3400 કરોડના ખર્ચે સુરતના ખજોદ વિસ્તારમાં આલીશાન, ભવ્ય અને અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોન કરતા પણ વિશાળ સુરત ડાયમંડ બુર્સ આકાર પામી ગયું છે.

આ સુરત ડાયમંડ બુર્સમાં ગયા દશેરાએ 983 હીરાના ઉત્પાદક, વેપારીઓએ કુંભ સ્થાપના કરી. આગામી નોમના દિવસે તેઓ વેપાર શરૂ કરશે અને ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 17મી ડિસેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. તે જ દિવસે વડાપ્રધાન સુરતથી બે આંતરરાષ્ટ્રી વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. સુરતમાં હીરા ઉદ્યોગના વિકાસનો ઘોડો તેજ ગતિએ દોડે તેવા સપના સુરતના હીરાવાળા જોઈ રહ્યાં છે ત્યારે અચાનક 28 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે ડાયમંડ કલ્સ્ટરની એક વર્ષમાં નિર્માણની જાહેરાત કરીને સુરતના હીરાવાળાને ચોંકાવી દીધા છે.

સ્વાભાવિકપણે મુંબઈના હીરાવાળા ઉદ્યોગ મંત્રીની જાહેરાતથી પ્રસન્ન છે ત્યાર સુરતના હીરાવાળાને થોડી ચિંતા થઈ છે. ચિંતા એ જ કે મુંબઈથી સુરતનું સ્થળાંતર સફળ થશે કે નહીં. જોકે તે તો સમય બતાવશે. પણ એક વાત ચોક્કસ છે કે અત્યારે હીરા ઉદ્યોગમાં સુરત અને મુંબઈ વચ્ચે વોર શરૂ થઈ ગઈ છે.

અત્યાર સુધી મુંબઈ અને સુરતના હીરાવાળા વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું હતું. સુરતમાં ડાયમંડ બુર્સના નિર્માણની જાહેરાત થઈ તે વાત જ મુંબઈના હીરાવાળાઓને ગમી નહોતી. ત્યાર બાદ કોઈ પણ પ્રકારે સુરતમાં હીરા ઉદ્યોગના અગ્રણીઓએ સહકારી ધોરણે 4600 ઓફિસ વાળી 15 માળની 9 ઈમારતો રૂપિયા 3400 કરોડના ખર્ચે ઉભી કરી દીધી. આ બિલ્ડિંગો બની ત્યારબાદ મુંબઈ છોડો સુરત આવો જેવા સ્લોગનો હીર ઉદ્યોગમાં ફરતા થયા હતા, તેની સામે મુંબઈના હીરાવાળાઓએ જાહેરમાં નારાજગી પણ વ્યક્ત કરી હતી.

મુંબઈ છોડી સુરત જવાની વાતથી મુંબઈના હીરાવાળા ખફા થયા હતા. તેઓએ આ મામલે પોતાની નારાજગી મોટા ઉદ્યોગકારો, સરકાર સામે ખાનગી રીતે પ્રકટ કરી હતી. છાપાઓમાં પણ કેટલાંક અહેવાલો છપાયા હતા, જેમાં ઉદ્યોગ અગ્રણીઓના નિવેદનો વાંચવા મળ્યા હતા. બીજી તરફ સુરતના હીરાવાળા સુરત ડાયમંડ બુર્સ માટે મક્કમ હતા. તેઓએ મક્કમતાથી નિર્માણ કર્યું હવે બુર્સ ધમધમતું થાય તે માટે મહેનત કરી રહ્યાં છે. સુરતના હીરાવાળાઓનું કહેવું છે કે આ સુરત કે મુંબઈ વચ્ચેની સ્પર્ધા નથી.

આ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી, રત્નકલાકારો, કર્મચારીઓની સગવડ માટેની વાત છે. સુરતમાં હીરા કટ એન્ડ પોલિશ્ડ થાય ત્યાર બાદ તેના વેચાણ માટે મુંબઈ પર આધારિત રહેવું પડતું હોવાના લીધે સુરતના હીરા ઉત્પાદકો, ઉદ્યોગકારોનો સમય વેડફાતો હતો. ખર્ચ વધું થતો હતો. આ બધી સમસ્યાઓથી છૂટવા માટે સુરતમાં ડાયમંડ બુર્સના નિર્માણની કલ્પના કરાઈ હતી, જે કલ્પના આજે સાકાર થઈ છે.

સુરત ડાયમંડ બુર્સના નિર્માણનો હેતુ એકમાત્ર એ જ છે કે સુરતના હીરાવાળાઓને પોતાના હીરા વેચવા માટે નગર નગર ભટકવું પડે નહીં. જે કોઈને હીરા ખરીદવા હોય તેઓ સુરતમાં આવે અને હીરા ખરીદે. વળી, હીરા ખરીદવા આવનારા ખરીદદારોને કોઈ તકલીફ ન પડે, તેઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ મળી રહે તે માટે સુરતમાં આલિશાન, ભવ્ય અને વિશાળ ડાયમંડ બુર્સનું નિર્માણ કરાયું છે. ટુંક સમયમાં અહીંથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પણ સરકારની મંજૂરીથી શરૂ કરવામાં આવે તેવી આશા છે.

આવા સંજોગોમાં સુરત અને મુંબઈ બંને શહેરોમાંથી હીરાનો વેપાર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. સુરતના હીરાવાળાઓ ત્યાં સુધી કહે છે કે બે રાજ્યો, બે શહેરો વચ્ચેના હીરાના વેપારીઓ વચ્ચેની તંદુરસ્ત સ્પર્ધાના લીધે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 5 ટ્રીલિયન ઈકોનોમીનું સપનું સાકાર થઈ શકશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant