વુમન એમ્પાવરમેન્ટ, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં ફર્સ્ટ લેડી CEO – સ્વાતિ જાની

ડાયમંડ સિટીની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે SML કંપનીના CEO સ્વાતિ જાની વિશે વાત કરીશું. આ કંપની લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલી છે અને ગ્રોઇંગનું કામ કરે છે.

Swati Jani ceo sml Vyakti Vishes Rajesh Shah Diamond City 407-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણ માટે ઐતિહાસિક પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજકારણમાં પણ તેમણે 33 ટકા મહિલા અનામતની પહેલ કરી. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છે કે, નેચરલ ડાયમંડ પછી વૈશ્વિક સ્તરે સુરતનું નામ બુલંદી પર પહોંચાડનાર લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગે પણ વુમન એમ્પાવરમેન્ટને પ્રાધાન્ય આપ્યું છે.

સુરતની લેબગ્રોન ડાયમંડ કંપની સંગીની મૈત્રી લેબગ્રોન ડાયમંડ (SML)એ એક મહિલાને CEO જેવા ઉચ્ચ હોદ્દા પર નિમણૂંક આપીને સમગ્ર મહિલાઓનું સન્માન વધાર્યું છે. લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં કોઇ મહિલાને CEOનું પદ મળ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. આના માટે SMLની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. કારણ કે તેમણે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં મહિલાઓ પણ કામ કરી શકે છે તેના માટેનો રસ્તો ખોલ્યો છે.

છેલ્લા ઘણા દાયકાઓથી મહિલાઓએ સમાજની પુરૂષપ્રધાન માન્યતાઓને પડકાર ફેંકીને દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. પુરૂષની દુનિયા પર આધિપત્ય જમાવનાર સ્ત્રીમાં કંઈક ખાસ હોય છે. શક્તિ, બુદ્ધિ, નિર્ભયતા, આત્મવિશ્વાસ, સંયમ, શિસ્તના કુનેહથી મહિલાઓ ધારે તે કરી શકે છે. શરત એટલી જ કે રાસ્તે હજાર હૈ ચલના તો પડેગા, સુરજ સા બનના હૈ તો જલના તો પડેગા.

આજે આવા જ એક મહિલાની વાત કરવી છે જેઓ પુરુષોના આધિપત્ય ધરાવતા ડાયમંડ ઉદ્યોગમાં પહેલી મહિલા CEO બન્યા છે. સુરતની જાણીતી કંપની સંગીની મૈત્રી લેબગ્રોન (SML) ના Chief Executive Officer છે. એટલું જ નહીં, પરણ્યા પછી 10 વર્ષ ભણ્યા, 40 વર્ષની ઉંમરે સૌંદર્ય ર્સ્પધામાં ભાગ લેવાની શરૂઆત કરી અને Mrs એશિયા યુનિવર્સ પણ બન્યા.

આ મહિલાની લાઈફ જર્ની જોઇએ તો માતા-પિતા શિક્ષિત એટલે શિક્ષણ અને સંસ્કારનું સિંચન થયું અને પરણીને સાસરે આવ્યા તો સાસુ, સસરા પતિએ ખુલ્લું મેદાન પુરુષ પાડ્યું. આવા નસીબ બધાના હોતા નથી. આ એક એવી સ્ત્રીની વાત છે જે સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે, બિઝનેસ વુમન છે, ધાર્મિક છે અને પરિવારને સાથે લઇને ચાલનારી છે. એમના માટે એમ કહી શકાય કે, મા, બહેન, પત્ની, દીકરી હર કિરદાર બખુબી નિભાવતી હો, હે નારી, તુમ સબ કુછ મુમકિન કર જાતી હો. જ્યારે નારી શક્તિ ગરજે તો ઇતિહાસ બદલી નાંખે છે

ડાયમંડ સિટીની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે SML કંપનીના CEO સ્વાતિ જાની વિશે વાત કરીશું. આ કંપની લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલી છે અને ગ્રોઇંગનું કામ કરે છે.

‘સ્વાતિ’નો અર્થ જ થાય છે ચળકતો તારો. સ્વાતિનો તારો મોટો હોવાથી સહેજમાં નજરે પડી જાય. સ્વાતિ જાનીની જિંદગી વિશે વાત કરીએ તે પહેલા આ એક પંક્તિથી સમગ્ર સ્ત્રી જાતિના સન્માનની વાત કરી લઇએ.

સોંદર્ય, પ્રેમ, વાત્સલ્ય ભાવ મેં સ્ત્રી કા અસ્તિત્ત્વ હૈ,
ધર્મ, અર્થ, કામ, મોક્ષ કે આધાર મેં સ્ત્રી કા અસ્તિત્ત્વ હૈ,
જીવન કો અપને અંબર અંકુરિત કર સૃષ્ટિ કે સૃજન મેં,
ત્યાગ, ક્ષમા, ઔર સમર્પણ કી ભાવના મેં સ્ત્રી કા અસ્તિત્વ હૈ,
ધરતી કે કણ કણ કે સૌંદર્ય મેં સ્ત્રી કા અસ્તિત્ત્વ હૈ.

સ્વાતિ જાનીનો જન્મ જામનગરના જોડિયા ગામમાં થયો હતો. તેમના પિતા અને માતા બંને શાળામાં પ્રિન્સીપાલ હતા અને સ્વાતિ તેમના પરિવારમાં 3 ભાઇ બહેનોમાં સૌથી નાના હતા. પિતા આચાર્ય તો હતા, પરંતુ સાથે જ સંગીતમાં પણ નિપૂણ હતા. મતલબ કે સ્વાતિનો જન્મ 1977માં એક શિક્ષિત પરિવારમાં થયો અને ઉછેર પણ સારી રીતે થયો. સ્વાતિ તેમના ગામની સરકારી શાળામાં 1 થી 7 ધોરણ ભણ્યા અને 8 થી 12 સુધી જોડિયાની જાણીતી સ્કૂલ હુન્નર ઉદ્યોગ શાળામાં ભણ્યા બાળપણથી પરિવાર અને શાળામાથી ગાંધીવાદી વિચારધારાનું ભાથું મળ્યું. સ્વાતિએ કહ્યું, ભણવામાં તો હું એટલી પાવરધી નહોતી, પરંતુ નાનપણથી સ્કીલ ડેવલમેન્ટ શિખવા મળ્યું હતું.

એ એવો જમાનો હતો જ્યારે છોકરીઓને શિક્ષણ અને બિન્ધાસ્ત રહેવાની છૂટ નહોતી. છોકરીઓ પણ આકાશને આંબી શકે એવું વિચારનારા જૂજ લોકો હતા. સ્વાતિ નસીબદાર હતા કે તેમનો જન્મ શિક્ષિત પરિવારમાં થયો અને તેમને જિંદગી જીવવા માટે મોકળું મેદાન મળ્યુ હતું. તેમના પિતાએ નાનપણથી જ આત્મવિશ્વાસનો અમૂલ્ય ગુણ આપ્યો હતો.

ગામની નદીમાં છોકરાઓ તરવા પડે અને કોઇ છોકરી નદીમાં પડવાની હિંમત ન કરે, પરંતુ સ્વાતિના પિતા તેમને નદીએ લઇ જતા અને નદીમાં ધક્કો મારી દેતાં અને કહેતા કે તું કરી શકે છે, ડુબવાની ચિંતા કરીશ નહી, તારો પિતા બચાવવા વાળો બેઠો છે. કદાચ એટલે જ સ્વાતિ નાનપણથી જ આત્મવિશ્વાસથી ભરપૂર હતા, કારણ કે નદીમાં પડ્યા પછી એ ડર તેમના મનમાંથી નિકળી ગયો હતો. ર્સ્પોર્ટ્સમાં પણ સ્વાતિના રુચી હતી. એ જમાનામાં તેઓ ચેસ અને બીજી અનેક રમતોમાં માહીર હતા. સ્વાતિએ કહ્યું કે, નાનપણથી જ મને શૃંગાર અને અપટુડેટ રહેવાનો શોખ હતો.

સ્વાતિની માતા એ જમાનામાં ગામમાં વિકીપેડિયા તરીકે ઓળખાતા. આજે ગૂગલ પર તમને બધી માહિતી મળી જાય, પરંતુ તેમની માતા પાસે એ જમાનામાં જ્ઞાનનો ખજાનો હતો. દેશ-દુનિયાની દરેક વાતોની તેમની પાસે જાણકારી હોય. છાપાના નાના નાના કટિંગ સાચવીને રાખતા. કહેવાનો મતલબ એ છે કે સ્વાતિને તેમના માતા-પિતા પાસેથી ઘણું બધું

સુંદરતા એ નથી કે જે માત્ર ચહેરા કે બોડીથી દેખાતી હોય, સુંદરતા એ હોય જેમાં તમે કર્મ્ફટેબલ હો…

કોઇ પણ સૌંદર્ય ર્સ્પધામાં માત્ર ચહેરાની સુંદરતા કે બોડીને જ માત્ર ગણતરીમાં નથી લેવામાં આવતું, પરંતુ બુદ્ધિમતા, ભાષા પરનો પ્રભાવ, આત્મવિશ્વાસ, એટીટ્યુડ, શિસ્તતા બોલવાની ચાલવાની રીતભાત એવું ઘણું બધું જોવામાં આવે છે.

સ્વાતિએ કહ્યું કે, સુંદરતા એ છે કે જે તમને આશીર્વાદથી મળ્યું છે તેમાં તમે કેટલાં કર્મ્ફેટેબલ રહી શકો છો. તમે તમારી જાતને, શરીર અને માઇન્ડને કેવી રીતે સંભાળો છો. તમે તમારી માનસિક શાંતિ અને કુલનેસને કેવી રીતે પ્રોટેક્ટ કરો છો. દરેક વ્યક્તિમાં સુંદરતા હોય છે, જરૂર છે ખાલી નિખાર આપવાની. સ્ત્રીઓનું આત્મનિર્ભર હોવું એ સુંદરતાથી પણ વધારે મહત્વપૂર્ણ છે.

પરણીને આવ્યા પછી સાસરામાં રહીને 10 વર્ષ ભણ્યા

એ જમાનામાં છોકરીઓને સારો મુરતિયો મળે તો જલ્દી પરણાવી દેવામાં આવતી હતી. સ્વાતિના પણ 18 વર્ષની વયે લગ્ન થઇ ગયા હતા. ફરીથી નસીબે સાથ આપ્યો અને સાસરાના લોકો પણ એટલા સારા મળ્યા કે સ્વાતિને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી. પતિ, સાસુ, સસરા બધા એવું ઇચ્છતા હતા કે સ્વાતિ આગળ ભણે.

તેઓ 12 ધોરણ સુધી ગામડામાં ભણ્યા અને સાસરે આવીને તેમણે ગ્રેજ્યુએશન કર્યું, પછી તેમણે એમ.એ., બી.એડ., અંગ્રેજી અને સંસ્કૃત સાથે કર્યું. એ પછી Post Graduate Diploma in રિટેલ માર્કેટીંગનો અભ્યાસ કર્યો અને પછી MBA (Human Resource) નું ભણ્યા.

તમે વિચારો કે ઘણી બધી સ્ત્રીઓ એકવાર પરણીને સાસરે જાય પછી પરિવારમાં એવી ખોવાઈ જાય કે, પોતાની ઓળખ જ ભૂંસી નાંખે. સંતાનો પછી તો કોઇ પણ મહિલા ભણવાનું વિચારી જ ન શકે. ચોપડીઓ હાથમાં પકડે ત્યાં ઊંઘ આવી જાય. પરંતુ સ્વાતિ નોખી માટીના બનેલા છે, તેઓ 10 વર્ષ સુધી ભણ્યા અને સખત મહેનત કરી. નો ડાઉટ, તેમને સાસરિયાઓનો સહયોગ મળ્યો એટલે ભણવાનું સરળ થયું.

પરણીને આવ્યા ત્યારે સંઘર્ષના દિવસો હતા

સ્વાતિના પતિ ટેક્સટાઈલ બિઝનેસમાં હતા અને તેઓ પણ જોડિયા ગામના રહેવાસી હતા. જોડિયાથી સુરત આવ્યા ત્યારે સ્વાતિ અને તેમના પતિ એક નાનકડા રૂમમાં રહેતા હતા. આજે મહેનતને કારણે તેઓ નવ રૂમના સમૃદ્ધ બંગલામાં રહે છે. સ્વાતિના પતિ અશોક જાની ટેક્સટાઈલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને અત્યારે એક ડાઇંગ મીલમાં પ્રિન્ટીંગ માસ્ટરર છે.

અશોક જાનીએ નિખાલસ પૂર્વક કબલ્યું કે, સ્વાતિ અમારા માટે લક્ષ્મી સમાન છે. એના પગલાંથી અમારું નસીબ બદલાયું. એવું કહેવાય છે કે એવરી સક્સેસ ફુલ મેન ધેર ઇઝ એ વુમન પણ સ્વાતિના કેસમાં એમ કહી શકાય કે ધેર ઇઝ એ મેન બિહાઇન્ડ સ્વાતિ.

પરિક્ષા આપી અને સાંજે બાળકનો જન્મ થયો, બીજે દિવસે પાછા પરીક્ષા આપવા ગયા

સ્વાતિને જે સફળતા મળી છે તેમાં તેમની ગજબની હિંમત અને કોઠાસૂઝ પણ જવાબદાર છે. એક વખત સ્વાતિ બારડોલી બી.એડ.ની પરીક્ષા આપવા ગયા હતા અને મોડી સાંજે તેમણે બાળકને જન્મ આપ્યો અને બીજા દિવસે ફરી રૂગ્વેદનું પેપર આપવા બારડોલી પહોંચી ગયા.

આ વાત સામાન્ય નથી, તમે ઇમેજીન કરી શકો કે એક પ્રસૂતા કેટલી પીડા સહન કરીને બાળકને જન્મ આપે ત્યારે તેની પાસે ઊભા થવાની તાકત ન હોય, પરંતુ સ્વાતિ તો પરીક્ષા આપવા પહોંચી ગયા. સ્વાતિને અત્યારે 2 સંતાનો છે.

નાનપણથી જ જ્વેલરી પ્રત્યેનો શોખ તો હતો જ અને ડાયમંડ જ્વેલરીમાં પણ રસ હતો આ પ્રેમ એમને લેબગ્રોન ડાયમંડ તરફ લઈ ગયો

સ્વાતિને જિંદગીમાં જે જોઈતું હતું, તે બધું મળી ગયું હતું. સારો વર, સારા સાસુ-સસરા અને કુદરતે 2 સંતાનોની ભેટ આપી. સંતાનો મોટા થઇ ગયા અને ફરી સ્વાતિએ વિચાર્યું કંઈ કઇંક કરવું જોઇએ. કોઇકે તેમને ડાયમંડ ઉદ્યોગમાં નસીબ અજમાવવાની સલાહ આપી.

જોગાનુજોગ SML કંપની સાથે સ્વાતિની મુલાકાત થઇ અને તેણીના એજ્યુકેશનને ધ્યાનમાં રાખીને CEOનું પદ સોંપવામાં આવ્યું. સ્વાતિએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગમાં CEO તરીકે હું પહેલી મહિલા હતી એટલે ઉત્સાહ તો હતો, પરંતુ જિંદગીમાં ડાયમંડ ક્યારેય હાથમાં પકડ્યો નથી એટલે મનમાં થોડો ડર હતો.

પરંતુ SML કંપનીના સંચાલકો એટલા સારા અને સહયોગ આપનારા છે કે આજે હું ડાયમંડ ટ્રેડીંગ, રફ એવી ઘણી બાબતો શીખી ગઇ છું. કંપનીને હજુ વર્ષ જ થયું છે, પરંતુ સંચાલકો પાસે કંપનીને ઊંચાઇ પર લઇ જવાના સપના છે અને ક્ષમતા પણ છે.

40 વર્ષની ઉંમરે સોંદર્ય ર્સ્પધામાં ભાગ લેવાનું શરૂ કર્યું અને દુનિયાનો ખિતાબ જીતી લાવ્યા

સ્વાતિએ અગાઉ કહ્યું તેમ, નાનપણથી તેમને સંવરવાનો, સજી ધજીને રહેવાનો અને જ્વેલરી ધારણ કરવાનો શોખ હતો. તેઓ અનેક વખત સૌંદર્ય ર્સ્પધામાં જજ તરીકે જતા હતા. એક વખત તેમણે વિચાર્યું કે, ક્યાં સુધી સૌંદર્ય ર્સ્પધામાં જજ તરીકે કામ કરતી રહીશ, જાતે જ ભાગ લઇને કઇંક કરી બતાવું.

સ્વાતિના વિચારને સાસુ, સસરા, પતિ બધાએ સમર્થન આપ્યું. 40 વર્ષની વયે પહેલીવાર સુરતમાં યોજાયેલી Mrs સૌંદર્ય ર્સ્પધામાં ભાગ લીધો અને પહેલો નંબર લઇને આવ્યા. એ પછી Mrs ગુજરાત સૌંદર્ય ર્સ્પધામાં પણ સ્વાતિએ પહેલો નંબર મેળવ્યો.

એ પછી ચીનમાં Mrs વર્લ્ડ યુનિવર્સ ર્સ્પધાનું વર્ષ 2019માં આયોજન થયું હતું. જેમાં 120 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. તેમાં સ્વાતિ એશિયાના 48 દેશોમાંથી મીસિસ એશિયા યુનિવર્સ બન્યા. 2 સંતાનો, 40 વર્ષની ઉંમર અને પરિવારની જવાબદારી વચ્ચે મીસિસ એશિયા યુનિવર્સનો ખિતાબ જીતવો એ ખાવાનો ખેલ નથી અને તે પણ દુનિયાભરની નમણી નારીઓની વચ્ચે.

સ્વાતિ જાની બેંગ્લોર ખાતે ઇન્ડિયા લીડરશિપ-2019 એવોર્ડ સમારોહમાં મોસ્ટ એન્ટરપ્રાઇઝિંગ વુમન ફોર ફેશન વેર એન્ડ એસેસરીઝ માટે એવોર્ડ એનાયત, બોલીવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાના હસ્તે મેળવી ચૂક્યા છે. સ્વાતિ ચેસ, સ્વિમિંગ, ડાન્સીંગ, બ્યુટી વિથ બ્રેઇન એવા અનેક ખિતાબ પણ જીત્યા છે. તેઓ પરિવાર, બિઝનેસની સાથે સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

સ્વાતિ જાની ફુરસતના સમયમાં ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને મફત ભણાવતા

સ્વાતિ જાની સુરતની SGCCIની લેડિઝ વિંગના સેક્રેટરી છે અને સમસ્ત પાટીદાર સમાજની ડાયમંડ કેરિયર ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેઓ ધાર્મિક અને સામાજિક સેવાની વિચારધારા ધરાવતા મહિલા છે.

જ્યારે તેમની પાસે ફુરસતનો સમય રહેતો ત્યારે તેઓ ઝુપડપટ્ટીના બાળકોને મફતમાં ભણાવતા. કોરાના મહામારીના લોકડાઉનના સમયે પણ તેમણે અનેક લોકોને મદદ કરી હતી.

સફળ એટલે થયા કારણ કે રામ રાખે એમ રહીએ છીએ

સ્વાતિ જાનીને અમે પૂછ્યું કે, સફળતા માટે કઇ વાતને વધારે મહત્ત્વ આપો છો? તો તેમણે સંત તુલસીદાસની એક ચોપાઇ સંભળાવી કે, होइहि सोइ जो राम रचि राखा। को करि तर्क बढ़ावै साखा॥ अस कहि लगे जपन हरिनामा। गईं सती जहँ प्रभु सुखधामा॥ મતલબ કે રામ રાખે તેમ રહેવાનું પછી કોઇ તર્કની જરૂર નથી.

બીજી એ વાત જિંદગીમાં સૌથી અસર કરી ગઇ હતી એ સ્વામી વિવેકાનંદની. તેમણે કહેલું કે, એક વિચાર લો એ વિચારને તમારું લક્ષ્ય બનાવી લો. તેના વિશે વિચારો. તેના સપના જુઓ, તેને મન, નસો અને શરીરના દરેક ભાગને તે વિચારમાં ડૂબાડી દો, બીજા વિચારોને બાજુમાં મૂકી દો. સફળ થવાનો આ રસ્તો છે. સ્વામી વિવેકાનંદે કહેલું ઊઠો, જાગો અને ધ્યેય સુધી મંડ્યા રહો.

આજની પેઢીને અને નવા એન્ટરપ્રિન્યોરે સફળ થવું હોય તો મગજમાંથી ડર નામની ચીજ કાઢી નાંખવી…

સ્વાતિ જાનીએ કહ્યું કે આજની પેઢીને મારે કહેવું છે કે સફળ થવું હોય તો મનમાંથી ડર નામની વસ્તુને કાઢી નાંખો. જીવનમાં સારા અને ખરાબ બંને સમય આવતા રહે છે. આજે અંધારું છે તો કાલે પ્રકાશ હશે. જેમ સોનું આગમાં ગરમ કરવાથી જ કુંદન બની જાય છે. એ જ રીતે વ્યક્તિ ખરાબ સમય સામે લડીને પણ પોતાનું સર્વશ્રેષ્ઠ બતાવી શકે છે.

પ્રતિકૂળતા વ્યક્તિને મજબૂત બનાવે છે અને વસ્તુઓને વધુ સારી રીતે જોવાનું શીખવે છે. ખરાબ સમય આપણને પૈસાની કદર કરવાનું શીખવાડે છે. તેથી, તમારે ક્યારેય ગભરાવું જોઈએ નહીં અને તમારા ખરાબ સમયને છોડવો જોઈએ નહીં, બલ્કે તેની સામે લડવું જોઈએ અને આગળ વધવું જોઈએ કારણ કે આ તે સમય હશે જે તમને તમારા જીવનના સૌથી મૂલ્યવાન પાઠ શીખવશે, તેથી જીવનમાં હંમેશા ખુશ રહેવાની અપેક્ષા ન રાખો.

કારણ કે તે સ્થિર નથી. દુઃખ અને સુખ બંને આપણા જીવનનો હિસ્સો છે. તમારું કાર્ય તમને શ્રેષ્ઠ બનાવે છે. વ્યક્તિ જે પણ કામ કરે છે, તેનું પરિણામ તે જ મળે છે. વ્યક્તિ કામ કરવા માટે જન્મે છે અને કામ કર્યા વિના કોઈ રહી શકતું નથી. હું પોતે પણ ભગવદ ગીતામાં ભગવાને કૃષ્ણએ કહેલી એ વાતને અનુસરુ છું કે, કર્મ કરો, ફળની ઇચ્છા ન રાખો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant