સુરતના જાણીતા ડાયમંડ ટેક્નોક્રેટ હેમંત પટેલ સાથે ખાસ મુલાકાત…

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે Unipro Technocrats Pvt. Ltd.ના મેનેજિંગ ડિરેક્ટર હેમંત પટેલની લાઈફ વિશે વાત કરીશું.

Hemant Patel Unipro Technocrats Vyakti Vishesh Rajesh Shah Diamond City Issue 405-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકન લેખક Robert T. Kiyosakiનું એક પુસ્તક છે Rich Dad Poor Dad જે બેસ્ટ સેલર બન્યું હતું. આ બુકમાં રોબર્ટ પોતાની સ્ટોરી કહે છે. રોબર્ટ કિયોસાકી એક જાપાની-અમેરિકન નાગરિક છે જે અમેરિકાના હવાઈ શહેરમાં રહે છે, તેના પિતા એક પ્રોફેસર છે, જેઓ વિચારે છે કે રોબર્ટે સારું ભણવું જોઈએ અને સારી નોકરી કરવી જોઈએ, પણ રોબર્ટને તે ગમતું નહોતું.

કારણ કે તેના પિતા જેટલો પગાર મેળવતા હતા એ બધો ઘર ખર્ચમાં પુરો થઇ જતો હતો. એટલે રોબર્ટ નોકરી કરવા નહોતા માંગતા બલ્કે ઘણા બધા રૂપિયા કમાવવા માંગતા હતા. રોબર્ટનું માનવું હતું કે કોઇ પણ વ્યક્તિ નોકરી કરીને માત્ર પોતાની જરૂરિયાતો પુરી કરી શકે છે પરંતુ શોખ અને સપના પુરા કરી શકે નહીં.

રોબર્ટનું માનવું હતું કે વ્યક્તિ પોતાની વિચારધારાને કારણે ગરીબ કે અમીર બને છે. ગરીબ વ્યક્તિ પહેલાં ખર્ચ કરશે અને પછી બચત વિશે વિચારશે. જ્યારે અમીર વ્યક્તિ પહેલાં બચત કરશે અને પછી ખર્ચ કરશે.

આ વાત અમે એટલા માટે તમારી સાથે શેર કરી રહ્યા છીએ કારણ કે, સુરતના એક ડાયમંડ ટેક્નોક્રેટની સ્ટોરી પણ અદ્દલ આવી જ છે. તેમણે 6ઠ્ઠા ધોરણમાં ભણતી વખતે નક્કી કરી દીધેલું કે જિંદગીમાં ક્યારેય નોકરી તો કરવી જ નથી, કરવો તો બિઝનેસ જ છે.

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે Unipro Technocrats Pvt. Ltd.ના મેનેજિંગ ડિરેક્ટર હેમંત પટેલની લાઈફ વિશે વાત કરીશું. હેમંત પટેલના પિતા પોતાના પુત્રને શિક્ષક બનાવવા માંગતા હતા, પરંતુ હેમંતનું મનોબળ મજબુત હતું તેમણે બિઝનેસનો માર્ગ પસંદ કર્યો અને આજે ડાયમંડ ઉદ્યોગમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે અને એક સન્માનીય નામ છે. હેમંત પટેલ જેવી જિગર રાખનારા ઘણા ઓછા હોય છે. તેમણે જોબ કરી ખરી, પરંતુ માત્ર બિઝનેસ શિખવા માટે.

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકાના એક ખોબા જેવડા ગલિયાદાંતીમાં જન્મેલાં હેમંત પટેલના પરિવારની તે વખતે આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. તેમના પરિવારમાં પિતા-માતા એક ભાઇ અને બહેન સહિત 5 લોકોનો પરિવાર હતો. પિતા ખેતી કરતા અને માતા ગૃહિણી હતા.

હેમંત પટેલે 1 થી 10 ધોરણ પોતાના ગામમાં જ અભ્યાસ કર્યો. તેઓ ભણવામાં ખૂબ હોંશિયાર હતા. જ્યારે 6ઠ્ઠા ધોરણમાં હતા ત્યારે એક વખતે સ્કૂલના શિક્ષકને પૂછી લીધું કે સર, તમને કેટલો પગાર મળે? શિક્ષકે કહ્યું કે, મહિને 5,000 રૂપિયા.

શિખવા માટે 7 થી 8 જગ્યાએ નોકરી કરી પછી પોતાની કંપની શરૂ કરી

બિઝનેસ કરવાનો એ વાત તો મનમાં પાક્કી જ હતી, પરંતુ બિઝનેસ કરવા માટે શીખવું પણ જરૂરી હતું એટલે 7થી 8 જગ્યાએ નોકરી કરી. તેમાં પણ સહજાનંદ ટેક્નોલોજીમાં 4 વર્ષની નોકરીએ આખી જિંદગી બદલી નાંખી. અહીં ઘણું શિખવા મળ્યું.

હેમંત પટેલે કહ્યું કે, તે વખતે મને ખબર હતી કે, આપણી પાસે પૈસા પણ નથી, ક્લાયન્ટ પર પકડ પણ નથી. એટલે મેં સાથે સાથે માર્કેટીંગ પણ શિખવા માંડ્યું. એ પછી હેમંત પટેલે 2007માં Unipro Technocrats Pvt Ltd ની સ્થાપના કરી હતી.

સુરત, નવસારી અને પાલનપુર-ગુજરાતમા અને મુંબઈ અને વિદેશોમાં પણ હીરા ઉદ્યોગમાં સારો અનુભવ ધરાવતી નિષ્ણાત ટીમ સાથે આજે ભારતમાંઅને વિદેશો માં પણ હીરા ઉદ્યોગમાં લેસર પ્રક્રિયા માટે સંપૂર્ણ ઉકેલો પ્રદાન કરવા માટે કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.

Unipro Technocrats Pvt. Ltd. આજે હીરા ઉદ્યોગને લેસર ટેક્નોલોજીને આત્મસાત કરવામાં તેમની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે, ઉત્પાદક કર્મચારીઓને નવીનતમ સાધનો અને સોફ્ટવેરના યોગ્ય ઉપયોગ માટે તાલીમ આપવાનું કામ કરે છે. તેમજ CVD Daimond ગ્રોઇંગ પોલિશિંગ સેલિંગ તેમજ સોફ્ટવેર ડેવલોપમેન્ટ કંપની પણ કાર્યરત છે અને બહુ મોટા વિઝન સાથ કંપની આગળ કામ કરી રહી છે

એ જમાનામાં બાળકોને નાની ઉંમરે બધું સમજાઇ જતું હતું…

હેમંત પટેલે કહ્યું કે, ગામડામાં ઉછેર થયો હોય એટલે નાની ઉંમરે જ બધું સમજાઇ જાય. એ જમાનામાં હું નાની ઉંમરે પણ પિતાને મદદ કરવા ખેતરે જતો. આજની પેઢીને આ બધું જલ્દી ન સમજમાં આવે. પરિવારની મહેનતની સામે આવક એટલી નહીં એટલે પહેલેથી જ મનમાં ચાલતું હતું કે, બિઝનેસ કરવો છે.

એ જમાનામાં શિક્ષકને કોઇ પૂછવાની હિંમત ન કરી શકે, પરંતુ મેં પૂછી લીધું હતું કે, સર, તમારો પગાર કેટલો? એમને પગાર 5,000 રૂપિયા હતો. પિતા મને શિક્ષક બનાવવા માંગતા હતા એટલે 6ઠ્ઠા ધોરણથી જ નક્કી કરી લીધું કે નોકરી કરવી નથી.

હેમંત પટેલે વિચાર્યું કે 5,000 રૂપિયાની નોકરીમાં માણસ ઘર કેવી રીતે ચલાવી શકે? પોતાનો મોજશોખ, સપના કેવી રીતે પુરા કરી શકે? બસ, એ જ દિવસે નક્કી કર્યું કે, ગમે તે થાય જિંદગીમાં નોકરી તો કરવી જ નથી, કરીશ તો માત્ર બિઝનેસ જ. લગભગ 12 વર્ષની ઉંમરે હેમંત પટેલે દ્રઢ નિશ્ચય કરી લીધો હતો.

નાનપણમમાં જ પિતાને કહેલું કે, હું તમને કમાઇને ખવડાવીશ

હેમંત પટેલે કહ્યું કે, મને નાનપણથી જ એટલો આત્મવિશ્વાસ હતો કે હું બિઝનેસમાં કમાણી કરીશ એટલે એક વખત પિતાને કહેલું કે, તમે બિલકુલ ચિંતા ન કરશો, હું તમને કમાઇને ખવડાવીશ. પિતા તે વખતે કહેતા કે ભાઇ, તું તારું કામ કર ને.

સુરતમાં ડિપ્લોમાં મિકિનેકલમાં અભ્યાસ કર્યો

ગામડામાં શિક્ષણ પુરી કરીને હેમંત પટેલે મોડાસામાં ITIમાં અભ્યાસ કર્યો અને એ પછી 1998માં સુરત આવીને ડિપ્લોમાં મિકેનિકલનો અભ્યાસ કર્યો હતો. ગામડેથી સુરત એકલા જ આવ્યા અને ભાડાના મકાનમાં મિત્રો સાથે રહ્યા. પિતા મને PTCમાં ભણાવવા માંગતા હતા. મેં એન્જિનિયરિંગ લીધું એ વાતથી નારાજ પણ થયા હતા અને મને ઠમઠોર્યો પણ હતો.

બે વખત એલ એન્ડ ટી કંપનીમાંથી નોકરીનો ઓર્ડર મળ્યો હતો

મિકેનિકલનો અભ્યાસ પુરો કર્યા પછી સુરતની જાણીતી કંપની એલ એન્ડ ટીમાંથી નોકરીનો ઓર્ડર મળ્યો હતો. એ જમાનામાં એલ એન્ડ ટી જેવી કંપનીમાં જોબ મળવી મોટી વાત કહેવાતી હતી. છતા મારા મનમાં મેં નક્કી કરેલું કે નોકરી તો કરવી જ નથી, એટલે બે વખતે એલએન્ડટીનો નોકરીનો ઓર્ડર મળવા છતા ન સ્વીકાર્યો.

તમે જેટલું વધારે કમાશો, એટલી વધારે બચત કરી શકશો અને એટલી સંપત્તિ બનાવી શકશો

તમે તમારી આખી જિંદગી બીજાઓ માટે કામ કરીને સંપત્તિ બનાવી શકતા નથી. એક કર્મચારી એક મહિનાનો પગાર મેળવવા માટે એક મહિનાની મહેનત ખર્ચે છે. તે જ સમયે, એમ્પ્લોયર તે કર્મચારીને જે પગાર ચૂકવે છે તેના કરતાં અનેક ગણો વધુ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

તેથી, નોકરીમાં વ્યક્તિ જે કમાય છે તે તેના વાસ્તવિક મૂલ્ય કરતાં હંમેશા ઓછું હોય છે. જ્યારે તમે તમારો પોતાનો બિઝનેસ ચલાવો છો અથવા તમારા માટે કામ કરો છો, ત્યારે તમારી આવકમાં અન્ય કોઈનો હિસ્સો હોતો નથી. આવક પર કોઈ મર્યાદા નથી. તમે જેટલી વધુ કમાશો, તેટલી વધુ તમે બચત કરી શકશો, જેટલી વધુ બચત કરશો, જેટલી વધુ સંપત્તિ તમે હસ્તગત કરી શકશો અને એટલી વધુ સંપત્તિ તમે બનાવી શકશો.

સંતાનોનું આગમન જિંદગીમાં ફળ્યું

હેમંત પટેલે કહ્યું કે મારા ઘરે લક્ષ્મીજી એટલે કે મારી દિકરીનો જે દિવસે જન્મ થયો એ જ દિવસે મને જોબ મળી હતી. હું એ વાતને મારું નસીબ સમજું છું અને જ્યારે મારા દીકરાનો જન્મ થયો એ દિવસે મેં નોકરી છોડી અને બિઝનેસની શરૂઆત કરી હતી. મારા બંને સંતાનોનું આગમન મારા માટે ફળદાયી રહ્યું હતું.

વાંચવાનો એટલો શોખ કે ઘરે જ લાયબ્રેરી બનાવી દીધી છે

હેમંત પટેલે કહ્યું કે, મને વાંચવાનો ખૂબ જ શોખ છે એટલે મેં મારા ઘરે એક લાયબ્રેરી ઊભી કરી દીધી છે. મોટીવેશનમાં મને જિતેન્દ્ર અઢિયાના પુસ્તકો ખૂબ જ પ્રિય છે. એ સિવાય માર્કેટીંગ કે બિઝનેસ વધારવાના પુસ્તકો વાંચવાનો પણ મને શોખ છે.

અમીરી એ જ માણસ જોઈ શકે, જેણે ગરીબી જોઈ હોય

હેમંત પટેલની સાથે તમે વાત કરો તો તમને ખબર પડે કે એક જેન્યૂઇન બિઝનેસમેન ઉપરાંત તેઓ એક સારી વિચારધારા ધરાવતા વ્યક્તિ પણ છે. તેમણે કહ્યું કે, હું હમેંશા પોઝિટિવ વિચારો જ ધરાવું છું. કોઇ નેગેટિવ વાત સામે આવે તો પણ તેમાંથી હું પોઝિટિવિટી શોધી લઉં છું.

નકારત્મકતાને મારી નજીક આવવા જ નથી દેતો. તેમણે કહ્યું કે, વધુ પડતું એજ્યુકેશન હોય, પરંતુ સાહસવૃત્તિ ન હોય તો બિઝનેસ ચલાવવો મુશ્કેલ પડે. સાહસવૃત્તિ પણ એટલી જ જરૂરી છે. અમીરી એ જ જોઈ શકે જેણે ગરીબી જોઈ હોય અને દાતા એ જ બની શકે, જેણે ગરીબીની અહેસાસ કર્યો હોય. ડેડીકેશન બાય બોર્ન હોય છે અને એ આવી જ જાય છે.

હજુ તો મોટી મજલ કાપવાની છે, મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે

હેમંત પટેલને અમે તેમના ભવિષ્યના આયોજન વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, હજુ તો મારે ઘણી મજલ કાપવાની છે. મારો ડાયમંડ ટેક્નોલોજીનો બિઝનેસ છે, ઉપરાંત ડાયમંડ કટિંગ પોલીશિંગનું પણ હું કામ કરું છું. ભવિષ્યમાં મારી યોજના મોટું ઇન્ફ્રાસ્ટ્રચર ઊભું કરવાનું છે. મશીનરી, લેબગ્રોન ડાયમંડ બિઝનેસમાં આગળ વધવું છે અને ડાયમંડની ફેકટરી ઊભી કરવી છે. અત્યારે હું 50 માણસોને રોજગારી આપું છું એ પછી મારે વધારે માણસોને રોજગારી આપવી છે.

આજની નવી પેઢીએ પ્રેઝન્ટેશન પર વધારે ધ્યાન આપવું પડશે

હેમંત પટેલને અમે જ્યારે નવી પેઢી અને નવા એન્ટરપ્રિન્યોર માટે મેસેજ આપવા કહ્યું તો તેમણે કહ્યું કે, હું નવી પેઢીને એમ જ કહીશ કે આ પ્રેઝન્ટેશનનો જમાનો છે. તમારે તમારા વ્યક્તિત્વ પર પુરું ધ્યાન આપવું પડશે. સાફ સુથરાં અને વ્યવસ્થિત વસ્ત્રોમાં જ રહેવું પડશે. કોઈને મળવા જાવ, મીટિંગ હોય તો સામે વાળા તમારા વ્યક્તિત્વની અવશ્ય નોંધ લેતા હોય છે. એટલે વ્યક્તિત્વનો નિખાર ખૂબ જ જરૂરી છે.

બીજું કે ડિસિપ્લિન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સમયની વાત હોય, બિઝનેસની વાત હો કે ફેમિલીની વાત હોય, શિસ્ત ખૂબ જ જરૂરી છે. યુવાનો એ પણ ધ્યાન રાખે કે જીવનમાં પ્રૅક્ટિકલ અનુભવો જિંદગી ઘડવામાં ઘણા મહત્ત્વના હોય છે, એટલે પ્રૅક્ટિકલ કામ પર વધારે ધ્યાન આપો.

2014માં નાના ભાઈને સારી નોકરી છોડાવીને કંપનીમાં સામેલ કર્યા

હેમંત પટેલના નાનાભાઇ મુકેશભાઈની વીજ કંપનીમાં સારી એવી જોબ હતી. તે પોતે પણ ઇલેક્ટ્રિકલ અને ગ્રેજ્યુએટ છે. વર્ષ 2014માં મેં મારા નાના ભાઈને કહ્યું કે, તારે જો રોટલાં જ ખાવા હોય તો એ તો ઘરે બેસીને પણ મળી જશે, પરંતુ મર્સિડીઝ, BMW જેવી લક્ઝરી કારમાં ફરવું હોય તો બિઝનેસ કરવો પડશે.

મુકેશભાઈને ગવર્મેન્ટ જોબ છોડવાનો અમને થોડો ખચકાટ તો હતો પણ એમને મારી ઉપર ભરોસો મૂક્યો એટલે નોકરી છોડીને મારી સાથે બિઝનેસમાં આવી ગયા અને ચાર ચાંદ લાગી ગયા અને બન્નેએ ભેગા થઈને આગળની મહેનત ચાલુ કરી અને ઉચ્ચ પરીણામો મળતા ગયા.

મુકેશભાઈની મહેનત તો સફળતાને પણ ઝૂકી ને આવું પડે એવી સખત મહેનત છે. બસ એ જ ભાઈથી સારો ભાગીદાર કોઈ નહી એવુ હું દૃઢ પણે માનું છું. જેથી આજે હું માર્કેટીંગ અને ટેક્નોલોજી બિઝનેસ બધું સંભાળું છું અને મારો નાનો ભાઇ હિસાબ-કિતાબ અને ડેવેલપમેન્ટ જેવી બધી વાતો સંભાળી લે છે. આજના ઝંઝટભર્યા જમાનામાં 2 ભાઈ હોય એ ખુદ નસીબની વાત ગણાશે અને એ મારો ટૂંકો સંદેશ છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant