સાવરકુંડલા તાલુકાના એક નાનકડા વંડા ગામમાં એક અતિ સામાન્ય પરિવારમાં જન્મેલાં રમેશ વઘાસિયા SGCCIના પ્રમુખ બનવા જઈ રહ્યાં છે…

પિતા ખેડૂત હતા, પરંતુ તેમણે ગાંધીજીના અમૂલ્ય મૂલ્યો શિખવ્યા હતા, જે જિંદગીમાં ઘણા કામ લાગ્યા અને હજુ કામ લાગી રહ્યાં છે...

Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રમેશભાઇ વઘાસિયા અત્યારે દેશની પ્રતિષ્ઠિત વેપારીઓની સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI)માં ઉપપ્રમુખ છે અને આગામી 4 મહિનામાં SGCCIના પ્રમુખ બનવાના છે. આ સફર પર પહોંચાશે એવું રમેશભાઇએ સપનેય વિચાર્યું નહોતું, પરંતુ સંઘર્ષ, સખત મહેનત, ધીરજ અને લોકો સાથેના સારા સબંધોને કારણે તેઓ આ મુકામ પર પહોંચી શક્યા. રમેશભાઇ, પ્રતિષ્ઠિત સંસ્થાના ઉચ્ચ હોદ્દા સુધી તો પહોંચ્યા છે, પરંતુ સાથે સાથે તેમની આજે સુરતમાં ટેક્સ કન્સલટન્ટ, બિઝનેસ મેનેજમેન્ટ અને ફાયનાન્સીઅલ એડવાઇઝરની 3 ઓફિસો પણ છે. એકદમ સૌભ્ય ભાષી, ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ, સેવાભાવી, કર્મઠ કાર્યકર અને સખત અભ્યાસુ એવા રમેશભાઇ વઘાસિયાની જીવન સફર વિશે ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં જાણકારી મેળવીશું.

રમેશભાઇ વઘાસિયાનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા વંડા ગામમાં થયો હતો. તેમના પિતા ખેડુત હતા અને સાથે સાથે ગામમાં આવેલી ખાદી ગ્રામોદ્યોગની સંસ્થામાં નોકરી કરતા હતા. તે વખતે પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી, પણ પિતા ગાંધી વિચારોથી પ્રભાવિત હતા એટલે તેમણે તેમના સંતાનોને આ ગાંધી મૂલ્યોનુ અમૂલ્ય ભાથું આપ્યું હતું. સંસ્કારોના સિંચનની સાથે સાથે શિક્ષણ પર પુરો ભાર આપ્યો હતી એટલે તેમને ભણવામાં રસ જળવાયો હતો.

રમેશભાઇએ કહ્યુ કે, હું 12 ધોરણ તો ગામમાં જ ભણ્યો હતો અને પ્રાથમિક શિક્ષણથી હાયર સેકન્ડરી સુધીનું શિક્ષણ સરકારી શાળામાં મેળવ્યું હતું. તેમણે કહ્યું કે અમારું વંડા ગામ પ્રગતિશીલ ગામ તરીકે ઓળખાતું હતું. પરંતુ એ સમય એવો હતો કે સુરત શહેર ડાયમંડ ઉદ્યોગમાં જબરદસ્ત વિકસિત થઇ રહ્યું હતું અને સુરતમાં કામ કરનારા રત્નકલાકારો હતા તે જ્યારે ગામ આવતા ત્યારે તેમની લાઈફ સ્ટાઇલ જોઇને ગામના છોકરાઓ અંજાઈ જતા હતા. ક્લાસમાં ભણતા સાથી મિત્રોમાંથી મોટાભાગના સાથીઓ અભ્યાસ અડધેથી છોડીને સુરતની વાટ પકડી લીધી હતી. 12માં ધોરણ સુધી જ્યારે હું પહોંચ્યો ત્યારે માંડ પાંચ-દસ છોકરાઓ જ શાળામાં બચ્યા હતા. હીરાઉદ્યોગમાં તે જમાનામાં રૂપિયા સારા મળતા હતા એટલે કમાવાની લાલચે ગામના છોકરાઓ એક પછી એક સુરત હીરા શિખવા માટે જતા હતા.

Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-2

પરંતુ પિતાનો આગ્રહ એવો હતો કે આગળ ભણવાનું ચાલુ રાખવું. વઘાસિયાએ કહ્યું કે, મારું સદનસીબ હતું કે તે જમાનામાં શિક્ષકો પણ એવા સારા મળ્યા હતા કે તેમણે મારી જિંદગીને પોલીશ કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો. તેમણે કહ્યું કે, મારી પ્રાથમિક શાળાના એક શિક્ષક અને સારા લેખક હતા નાનાભાઇ જેબલિયા જેઓ તળપદી ભાષામાં ઝવેરચંદ મેઘાણીની કક્ષાનું લખતા. આ શિક્ષકે મારું ઘડતર કર્યું. સેકન્ડરીમાં રસિકભાઇ સોનપાલ અને હાયર સેકન્ડરીમાં ચંદુભાઇ દવે જેવા અનેક શિક્ષકોએ જીવનનો સાચો રાહ બતાવી સાચું શિક્ષણ આપ્યું.

ગામમાં 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી શું કરવું તેની અસમંજસ હતી. તે વખતે મારી હાઇસ્કૂલના શિક્ષક નટુભાઇ રાજ્યગુરુએ કહ્યું કે, તારું અંગ્રેજી ઘણું સારું છે તો તારે કોલેજમાં અંગ્રેજી મીડિયમમાં ભણવું જોઇએ. પછી વલ્લભવિદ્યાનગરની BJVM કોલેજમાં એડમિશન લીધું. અંગ્રેજી માધ્યમમાં એડમિશન તો લઇ લીધું, પરંતુ પહેલાં વર્ષમાં ઘણી મુશ્કેલી પડી કારણ કે, 12 ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલા અને અચાનક ભારેખમ અંગ્રેજી ભણવાનું આવી ગયું. એક તો હોમ સિકનેસ હતી અને બીજી બાજુ અંગ્રેજી હતું એટલે પહેલાં વર્ષે ભણવામાં ખુબ મુશ્કેલીઓ પડી અને પરીક્ષામાં તો પરસેવો વળી ગયો હતો. પણ પિતાના મક્કમ મનોબળના સંસ્કાર અને ભણવાના ઉત્સાહને કારણે અંગ્રેજીનો ડર ભાગી ગયો અને હું ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો.

રમેશભાઇએ કહ્યું કે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં ભણવાનો ફાયદો એ થયો કે સરદાર સાહેબના જીવન વિશે અનેક પુસ્તકો વાંચવા મળ્યા અને તેને કારણે મારા વ્યક્તિત્વમાં એક મોટો નિખાર આવ્યો અને સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો. આ યુનિવર્સિટીમાં ભણવાને કારણે સરદાર વલ્લભભાઇ પટેલના જીવન વિશે અનેક ઘટનાઓ જાણવાનો મોકો મળ્યો અને આ પુસ્તકોને કારણે મારા વ્યક્તિત્વમાં અનેરો નિખાર આવ્યો અને સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થયો. સરદારના પુસ્તકો વાંચવાથી દેશભક્તિની ભાવના મજબૂત થઇ અને મુશ્કેલીના સમયે કેવી રીતે લડવું તે શિખવા મળ્યું.

વર્ષ 1988માં ગ્રેજ્યુએશન પુરું કર્યા પછી CA અને LAWનો અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો. વઘાસિયાએ કહ્યું કે, તે વખતે પણ પરિવારની આર્થિક સ્થિતિ એટલી સધ્ધર નહોતી કે મને ભણવાની સાથે વધારાનો ખર્ચ મોકલી શકે. તેમણે કહ્યું કે, જ્યારે હોસ્ટેલમાં રહેતા તે વખતે સવારે નાસ્તો કરવાના પણ ગજવામાં પૈસા નહોતા રહેતા. સવારે ઊઠીને ચા પીવા જતો ત્યારે સુખી સંપન્ન ઘરના વિદ્યાર્થીઓ બટાટા પૌઆ કે એવો નાસ્તો કરતા હોય, મને પણ ઇચ્છા થાય કે નાસ્તો કરું, પરંતુ ગજવા પર નજર જાય એટલે મન માંડી વાળવું પડે. તે વખતે બટાટા પૌઆની ડીશ માત્ર 2 રૂપિયામાં મળતી, પરંતુ એ જમાનામાં 2 રૂપિયા પણ ખર્ચવા ભારે પડતા. એવા સંજોગોમાં ચા અને પાણી પર જીવનનો ગુજારો કરવો પડતો હતો. આવી સ્થિતમાં અભ્યાસ કરવો ઘણો મુશ્કેલ હતો પરંતુ એ જ તો જીવન છે. પડકારો આવે અને તેને પાર કરીને જે મળે તેમાં અત્યંત ખુશી મળતી હોય છે.

વેકેશનમાં બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ પુરી થાય એટલે ઝડપથી ઘેર જવા રીતસરની દોટ મુકતા હોય છે પણ હું વેકેશનમાં કમાણી કરવા વિદ્યાનગર જ રહી જતો અને પ્રિન્ટીંગ પ્રેસ જેવા ધંધામાં નોકરી મેળવીને થોડી આવક ઊભી કરવાના પ્રયત્નો કરતો.

રમેશભાઇએ કહ્યું કે જ્યારે મેં CAનું ભણવાનું શરૂ કર્યું ત્યારે મનમાં એક સપનું હતું કે આટલો સંઘર્ષ કર્યો છે તો CAનો પડાવ પણ પાર કરી જ દેવો છે. પરંતુ સંજોગોએ તે વખતે સાથ ન આપ્યો.CAનો અભ્યાસ કરતો હતો અને ઇન્ટર મીડિયેટ સુધી પહોંચ્યો હતો તે જ વખતે પિતાને હાર્ટ એટેક આવતા અભ્યાસ અધુરો છોડવાના સંજોગો ઊભા થયા. પરિવારની જવાબદારી માથા પર આવી એટલે CA તો પુરું ન થઇ શક્યું. પરંતુ CAની સમકક્ષ કામ કરી શકાય એટલો અનુભવ મેં મેળવી લીધો હતો અને કુશળતા કેળવી લીધી હતી. 1993 સુધી અમદાવાદમાં રહ્યો અને ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેનો અનુભવ મેળવ્યો.

  • Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-3
  • Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-4
  • Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-5
  • Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-6
  • Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-8
  • Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-7

એ પછી 1993માં સુરત આવ્યો. સુરત આવ્યાને આજે 30 વર્ષ થયા છે અને મારે ચોક્કસ એ કહેવું જોઇએ કે સુરતે આટલા વર્ષોમાં મને મારી હેસિયત કરતા પણ અનેક ગણું આપ્યું છે. સુરત આવવા માટે મને CA કે. જે. રાદડીયાએ પ્રોત્સાહન આપ્યું હતુ, તેમની સાથે ટેક્સેશનનું કામ શરૂ કર્યું. કમનસીબે 3 જ મહિનામાં તેમનું અવસાન થયું. હવે પરિસ્થિતિ એ નિર્માણ થઇ કે ઓફિસ આગળ ચલાવે એવું કોઇ નહોતું, મારા માથા પર ઓફિસની જવાબદારી આવી. પણ ધીમે ધીમે રાદડીયાની ગેરહાજરીને કારણે ક્લાયન્ટો પણ દુર થતા ગયા. તે વખતે મેં નક્કી કર્યું કે ટેલન્ટનો પુરેપુરો ઉપયોગ કરીને ક્લાયન્ટને ફરી આ ઓફિસમાં લાવવા છે. મેં એના માટે મારી 100 પરસેન્ટ સ્કીલનો ઉપયોગ કરીને ખૂબ મહેનત કરી અને સદનસીબે એ ક્લાયન્ટ ફરી અમારી ઓફિસ સાથે જોડાઈ ગયા.

કે. જે. રાદડીયાએ મને સુરત લાવીને રસ્તો બતાવ્યો હતો એટલે તેમનો મારી જિંદગી પર મોટો ઉપકાર હતો. મેં આ ઓફિસ ચલાવી અને વર્ષો સુધી ભાગીદાર તરીકે કે જે રાદડીયાના પરિવારને રાખીને વ્યવસાયને આગળ ધપાવ્યો. એ પછી વર્ષ 2000માં મારી પોતાની આર. વઘાસિયા એન્ડ કંપની શરૂ કરી અને ધીમે ધીમે સુરતમાં મારી 3 ઓફિસો થઇ શકી છે. એક ઓફિસ વરાછા રોડ પર મીની બજારમાં આવેલા અક્ષર ડાયમંડમાં છે, બીજી બોમ્બે માર્કેટ અને ત્રીજી ઓફિસ સુરત-ડુમસ રોડ પર આવેલી IBC બિલ્ડિંગમાં છે.

રમેશભાઇએ કહ્યું કે, હવે આટલા વર્ષોમાં કામનો વિસ્તાર ખાસ્સો વધી શક્યો છે. પહેલા એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલટન્ટ તરીકે કામ કરતા આજે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, ફંડ મેનેજમેન્ટ જેવા કામ પણ મારી કંપની કરે છે અને હવે મારો પુત્ર બાલકૃષ્ણ જે 2017માં CA થઇ ગયો છે તે પણ હવે મારી સાથે કંપની સંભાળે છે.

રમેશભાઇ વઘાસિયાનો આ મેસેજ અનેક યુવાનો અને એન્ટરપ્રિન્યોર્સને કામ લાગે તેવો છે

રમેશભાઇએ કહ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલ કહેતા કે લોકો શું કહેશે એ વાત ધ્યાન પર ન લો, તમે તમારી ફરજ બજાવો. મોરારી બાપુએ પણ કથામાં એકવાર કહેલું કે સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ. તમને જે જવાબદારી મળી હોય તેની પર પૂરેપુરું ફોકસ કરવું. સરદાર કહેતા કે આ પણ એક દેશ સેવા જ છે. તેમણે કહ્યું કે સરદારે એમ પણ કહેલું કે કાળજું હંમેશા સિંહ જેવું રાખો. સાચું કહેવાની હિંમત રાખો, ઘરની વાત ઘરમાં જ રાખો અને ઉચ્ચ વિચારો અમલમાં રાખો. વઘાસિયાએ કહ્યું કે તમારી પાસે જે રિસોર્સીસ ઉપલબ્ધ હોય તેની પર સમય ગુમાવ્યા વગર મંડી પડો. તમારી પોતાની ક્ષમતા કેવી રીતે વધારી શકાય તેની પર મનોમંથન કરતા રહો. સફળતા માટે મહેનત કર્યા વગર કોઇ છૂટકો નથી એટલે ખંતથી તમારું કામ કરો. સૌથી મહત્ત્વની વાત એ છે કે હંમેશા કઇંક ને કઇંક વાંચતા રહો અને તેમાંથી શીખતા રહો. વાંચન તમારી જિંદગીને પોલિશ કરવામાં મુખ્ય ફાળો ભજવશે. વાંચનને કારણે તમારી જિજ્ઞાસાની ભુખ પણ વધશે. રમેશભાઇએ કહ્યું કે, મારા અનુભવોથી કહું છું કે જ્યારે પણ સમય મળે ત્યારે સારા અને વિદ્વાન માણસોને મળતા રહેવું અને બધા સાથે સારા રિલેશન મેઇન્ટેઇન રાખવા. એ તમને બધી જગ્યાએ ઉપયોગી થશે. તમારી પરિસ્થિતિનો અભ્યાસ કરીને અને તમારી આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દેશ દુનિયામાં શું બની રહ્યું છે તેનો ખ્યાલ રાખીને તમારાથી જે બેસ્ટ થઇ શકે તેમ હોય તેનો નિર્ણય લો, પછી બાકીનું પરમાત્મા પર છોડી દો. વિચારો હંમેશા પોઝિટિવ રાખો.

રમેશભાઇ વઘાસિયા દેશની પ્રતિષ્ઠિત મહાજનોની સંસ્થા SGCCIમાં જુલાઇ મહિનામાં પ્રમુખ બનશે

Vyakti-Vishes-Rameshbhai-Vaghasiya-Diamond-City-384-9

દેશની જેટલી મહાજનોની સંસ્થા છે એમાં ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) એક પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ સંસ્થા તરીકે ખ્યાતિ ધરાવે છે. આવી માતબર સંસ્થામાં રમેશભાઇ વઘાસિયા અત્યારે ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે અને જુલાઇ મહિનામાં તેઓ SGGCIના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળી લેશે.SGCCIની સ્થાપના 1940માં થયેલી મતલબ કે 83 વર્ષ જુની સંસ્થા છે અને ISO 9001:2015 પ્રમાણિત છે. ચેમ્બર દક્ષિણ ગુજરાતના ભરૂચ થી વાપી અને ઉમરગાંવ થી મુંબઈ તરફના વેપાર અને ઉદ્યોગના વિકાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરે છે. SGCCI સાથે 11,000થી વધારે સભ્યો, 150થી વધુ એસોસિયેશનો જોડાયેલા છે. સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલના પ્રશ્નો માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર સાથે ધારદાર રજૂઆત કરીને સંસ્થાએ ઉદ્યોગને અનેક રીતે મદદ કરી છે. SGCCI દુનિયાભરમાં પોતાના એક્ઝિબિશનોને કારણે પણ જાણીતી સંસ્થા છે. ખાસ કરીને સ્પાર્કલ, ઉદ્યોગ પ્રદર્શન, ઓટો શો, ટેક્સટાઈલ એક્ઝિબિશનોમાં ચેમ્બરે ભારતમાં અને વિશ્વમાં પોતાની એક અનોખી ઇમેજ ઊભી કરી છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant