DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને સોનાના ભાવમાં આવતા સતત ઉતાર-ચઢાવ વચ્ચે પણ પ્રખ્યાત હોંગકોંગ સ્થિત જ્વેલરી બ્રાન્ડ ‘ચાઉ સંગ સંગ’ (Chow Sang Sang) એ નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. સોનાના ઘરેણાંની સ્થાનિક માંગ અને પ્રવાસીઓના વધેલા ઘોડાપૂરને કારણે કંપનીના કુલ રીટેલ વેચાણ મૂલ્ય (Retail Sales Value) માં વાર્ષિક ધોરણે ૧૬% નો મજબૂત વધારો જોવા મળ્યો છે.
કંપની દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, ૩૦ જૂનના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન સેમ-સ્ટોર સેલ્સ (એક વર્ષથી વધુ જૂના સ્ટોર્સનું વેચાણ) માં હોંગકોંગ અને મકાઉ ખાતે ૩૦% નો જંગી વધારો નોંધાયો છે, જ્યારે મુખ્ય ચીનના બજારમાં સેમ-સ્ટોર સેલ્સ ૧૭% વધ્યું છે.
પ્રવાસીઓનો ઘસારો અને પ્રોડક્ટ પોર્ટફોલિયોની સફ્ળતા
જોકે, ચીનના મુખ્ય બજારોમાં ગ્રાહકો આર્થિક સ્થિતિને કારણે ખરીદી કરવામાં થોડી સાવચેતી વર્તી રહ્યા છે. તેમ છતાં, હોંગકોંગ અને મકાઉના પ્રખ્યાત શોપિંગ અને પ્રવાસન વિસ્તારોમાં ગ્રાહકોના વધેલા પગપેસારાને કારણે જ્વેલરી સેક્ટરમાં ભારે ઉછાળો આવ્યો છે.
સોનાના વધતા ભાવ છતાં ગ્રાહકોનો પ્રતિસાદ સાતત્યપૂર્ણ રહ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે તેમના વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ખાસ કરીને ‘સિગ્નેચર કલેક્શન્સ‘ ની ભારે માંગને કારણે સોનાના ઘરેણાંનું વેચાણ જળવાઈ રહ્યું છે.
સ્ટોર્સની સંખ્યામાં ઘટાડો: કાર્યક્ષમતા વધારવા પર ભાર
અન્ય એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણયમાં, ચો સંગ સંગ જૂથે જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમિયાન પોતાના રીટેલ નેટવર્કને વધુ સક્ષમ બનાવવા માટે કુલ ૪૯ જ્વેલરી સ્ટોર્સ બંધ કર્યા છે. આ ફેરફાર બાદ ૩૦ જૂન સુધીમાં વિશ્વભરમાં કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા ૭૭૬ થઈ ગઈ છે.
કંપની માત્ર સ્ટોર્સની સંખ્યા વધારવાને બદલે તેમની કાર્યક્ષમતા, પ્રાઇમ લોકેશન અને ગ્રાહકોના બ્રાન્ડ અનુભવને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ વ્યૂહરચના હેઠળ, બિન-નફાકારક શાખાઓ બંધ કરીને ચીનના મુખ્ય શોપિંગ ડેસ્ટિનેશન્સ પર પસંદગીના નવા સ્ટોર્સ ખોલવામાં આવી રહ્યા છે તેમજ હયાત આઉટલેટ્સને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















