યુએસના માર્કેટમાં સોલિટેરની ડિમાન્ડ નીકળતા હીરા ઉદ્યોગમાં રિકવરીના સંકેત

નવેમ્બરમાં યુએસમાં હોલિડે સિઝનની ખરીદીમાં તેજી જોવા મળી હતી. નવેમ્બરમાં લુઝ ડાયમંડ યુનિટનું વેચાણ વાર્ષિક ધોરણે 16 ટકા વધ્યું

Solitaire demand in the US market signals recovery in the diamond industry
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

આઠ મહિના લાંબી મંદી બાદ ભારતના હીરા ઉદ્યોગમાં ગાડી ફરી પાટે ચઢે તેવા સંકેત મળ્યા છે. અત્યાર સુધી અમેરિકાના માર્કેટમાં ડાયમંડની ખરીદી નહોતી. ગ્રાહકો ડાયમંડથી રિસાયા હોય તેવું વાતાવરણ હતું, તેથી ભારતની નેચરલ ડાયમંડની ઈન્ડસ્ટ્રી સંકટમાં મુકાઈ હતી, પરંતુ હવે છેલ્લાં કેટલાંક સમયથી યુએસના માર્કેટમાં નેચરલ ડાયમંડની ખરીદી નીકળી છે. તેથી ક્રિસમસ બાદ આવનારું વર્ષ ભારતીય હીરા ઉદ્યોગ માટે સારું રહે તેવી આશા જાગી છે.

યુએસના માર્કેટમાં ગ્રાહકોએ સોલિટેર ખરીદવાનું શરૂ કર્યું છે, જે બજારને પુનર્જીવિત કરવામાં મદદરૂપ બન્યું છે. ગ્રાહકો અડધાથી વધુ કેરેટના સોલિટેર ખરીદી રહ્યાં છે. તેથી ભારતમાંથી હીરાની નિકાસને વેગ મળે તેવી આશાઓ જાગી છે.

નેચરલ ડાયમંડ જ્વેલરીનું વેચાણ નવેમ્બરમાં 5.1 ટકા વધ્યું છે. તેથી સરેરાશ આવક 4.7 ટકા વધી છે. નવેમ્બરમાં યુએસમાં હોલિડે સિઝનની ખરીદીમાં તેજી જોવા મળી હતી. નવેમ્બરમાં લુઝ ડાયમંડ યુનિટનું વેચાણ વાર્ષિક ધોરણે 16 ટકા વધ્યું છે, એમ જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે જણાવ્યું હતું.

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પાછલા વર્ષે આર્થિક કટોકટીમાં ફસાઈ હતી. મંદીના દબાણ હેઠળ અમેરિકામાં બજારો ઠપ્પ થયા હતા. તેના પગલે યુએસમાં હીરાની માંગ 50 ટકા કરતા વધુ ઘટી ગઈ હતી. એપ્રિલ નવેમ્બરના સમયગાળામાં ભારતની કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ વાર્ષિક ધોરણે 27.95 ટકા ઘટીને 11,063.62 મિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.

જોકે, ફરી એકવાર યુએસમાં ક્રિસમસ અને નવા વર્ષની હોલિડે સિઝનની ખરીદીમાં ઉછાળો આવતા હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર ફરી વળી છે. યુએસના રિટેલ માર્કટેમાં ડાયમંડ જ્વેલરીની સારી ખરીદી નીકળી છે. ભારતીય હીરાના વેપાર માટે સૌથી વધુ સારી બાબત એ છે કે યુએસના બાયર્સે સોલિટેર ખરીદવાનું પસંદ કર્યું છે, એમ જીજેઈપીસીના વાઈસ ચૅરમૅન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું.

યુએસના વેપારીઓએ કહ્યું હતું કે, રિટેલ માર્કેટમાં નેચરલ ડાયમંડનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. માર્કેટમાં નેચરલ ડાયમંડ ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. વધુ વજન, વધુ કેરેટ ધરાવતા હીરા ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. નવેમ્બરમાં 1.66 કેરેટ વજન સુધીના નેચરલ ડાયમંડ યુએસના ગ્રાહકોએ ખરીદ્યા છે. જેના લીધે રિટેલર્સ અને હીરા ઉદ્યોગના વેપારીઓનો ઉત્સાહ વધ્યો છે. કારણ કે 1.50 કેરેટથી વધુ વજન ધરાવતા હીરા પર વધુ માર્જિન હોય છે.

નવેમ્બરમાં 1.00 થી 1.04, 1.50 થી 1.59 અને 2.00 થી 2.24 કેરેટની કેટેગરીના ડાયમંડની સારી માંગ રહી હતી. નવેમ્બરમાં આ કેટેગરીના ડાયમંડના સેલ્સનો હિસ્સો બજારમાં 36 ટકા રહ્યો હતો.

ભણસાલીએ વધુમાં જણાવ્યું હતું કે, નાના ડાયમંડ પણ બજારમાં સારી માત્રામાં વેચાયા હતા. નાના ડાયમંડની કિંમતો 10 ટકા વધી છે. તેથી કહી શકાય કે યુએસ માર્કેટમાં રિકવરીના પ્રારંભિક સંકેતો દેખાય રહ્યાં છે.

જોકે, હીરાનો વેપાર ચીનના બજારને લઈને ચિંતિત રહ્યો. ચીનનું બજાર હજી ખુલવાનું બાકી છે અને ત્યાં બહુ ઓછા  માલ જઈ રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે ચાઇનીઝ નવા વર્ષ પછી ચીનના બજારમાં થોડી હલચલ જોવા મળશે. દેશના સૌથી મોટા હીરા ઉત્પાદક કિરણ જેમ્સ, ડિરેક્ટર (ગ્લોબલ બિઝનેસ) દિનેશ લાખાણીએ જણાવ્યું હતું.

GJEPCના વાઈસ ચૅરમૅને જણાવ્યું હતું કે ભારતના હીરા નિકાસકારો ચીનની ગેરહાજરીમાં નવા બજારો તરફ ધ્યાન આપી રહ્યા છે. વિયેતનામ આશાસ્પદ દેખાઈ રહ્યું છે અને દેશમાં નિકાસ શરૂ થઈ ગઈ છે. અમે હીરાની નિકાસ માટે દક્ષિણ અમેરિકા પણ જોઈ રહ્યા છીએ એમ અંતે ભણસાલીએ કહ્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant