Simple answers to questions that arise in the mind regarding land sale-transfer
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

પ્રશ્ન : ૧ નોંધ પ્રમાણિત થવાથી કોઈ ગેરકાયદેસર વ્યવહાર કાયદેસર થઈ જાય છે?

જવાબ : ના, નોંધ પ્રમાણિત થવા છતાં કોઈ ગેરકાયદેસર વ્યવહાર કાયદેસર થતો નથી તે ગેરકાયદેસર જ રહે છે. નામદાર હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ ફક્ત કોઈપણ રેવન્યૂ રેકોર્ડ તેમજ હક્ક પત્રકમાં નામ હોવાથી વ્યક્તિને જમીન-મિલકતમાં ટાઈટલ પ્રાપ્ત થયેલું ગણી શકાય નહીં.

Simple answers to questions that arise in the mind regarding land sale-transfer-Kishor Sojitra

પ્રશ્ન : ૨ ખેડૂત ખાતેદાર અગર હક્ક સંપાદન કરનારે તેમના હક્ક નોંધાવવા કોનો સંપર્ક સાધવાનો હોય છે?

જવાબ : જે તે ગામના તલાટી-કમ-મંત્રીનો/મામલતદારને હક્ક સંપાદન કર્યાના દાખલા સાથે સંપર્ક સાધવાના હોય છે.

પ્રશ્ન : ૩ કઈ જમીનનું વેચાણ થઈ શકે અને કઈ જમીનનું વેચાણ/ગીરો ન થઈ શકે?

જવાબ : 1. જે જમીન ટુકડા તરીકે જાહેર થઈ હોય તે જમીનની તબદીલી કે વેચાણ થઈ શકે નહીં.

જવાબ : 2. ખેતીની જમીનની ટોચ મર્યાદા કરતાં વધુ એટલે કે ફાજલ જમીન જાહેર થઈ હોય તેની તબદીલી કે વેચાણ પણ થઈ શકે નહીં. ટોચમર્યાદા કરતા વધારે જમીન ધારક પણ કેસ ચાલ્યા પહેલા કલેક્ટરની પરવાનગી વગર વેચાણ કરી શકે નહીં.

જવાબ : 3. શહેરી વિસ્તારમાં શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ-૧૯૭૬ હેઠળ ફાજલ થતી કે થયેલ જમીનનું વેચાણ ભાડાપટ્ટો, બક્ષિસ વગેરે… તબદીલ થઈ શકે નહીં. (તા. ૩૦-૩-૯૯ની અસરથી આ કાયદો નાબૂદ કરવામાં આવેલ છે.)

જવાબ : 4. નવી શરત કે નિયંત્રિત સત્તા પ્રકારની જમીનની તબદીલી કે વેચાણ થઈ શકે નહીં.

જવાબ : 5. એકત્રીકરણ યોજના અમલમાં આવ્યા પછી બ્લોક તોડીને તે પૈકી જમીનની તબદીલી કે વેચાણ કલેક્ટરની પૂર્વમંજૂરી વિના થઈ શકે નહીં. પરંતુ વારસાઈના કિસ્સામાં ટુકડો ન પડતો હોય તે રીતે બ્લોકનું વિભાજન પેટા વિભાગમાં થતું હોય તો કલેક્ટરની પૂર્વમંજૂરીની જરૂર નથી.

પ્રશ્ન : ૪ ખેતીની જમીન વેચાણ રાખતાં પહેલાં કઈ બાબત તપાસવી જરૂરી છે?

જવાબ : પ્રથમ તો વેચનાર ખેડૂત છે કે નહીં તેને માટે જે તે જમીનના ગામ નમૂના નંબર : ૭/૧૨ અને એન્ટ્રીઓ તેમજ ખેડૂત ખરાઈ દાખલો ચકાસી લો.

કોઈ એન્ટ્રી વાંધાજનક નથી તેની ખાતરી કરી લો તેમજ સબ-રજિસ્ટ્રારની કચેરીમાં ઈન્ડેક્ષ-૨ની તપાસ કરાવવી અને તે પછી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવી તેની અનુક્રમણિકા મેળવી તમારું નામ રેવન્યૂ રેકોર્ડમાં દાખલ કરવા મામલતદારને અરજી આપો.

પ્રશ્ન : ૫ ખેતીની જમીનોની કૌટુંબિક વહેંચણી કરી હક્કપત્રકમાં નોંધ કરાવવા શું કરવું?

જવાબ : ખેતીની જમીનની કૌટુંબિક વહેંચણીમાં ટુકડાધારા હેઠળ ટુકડા થતાં હોય તે રીતે બે ભાગ થઈ શકે નહીં. આવા કેસમાં જ્યાં ટુકડા થતાં હોય ત્યાં આખા નંબરની જ કૌટુંબિક વહેંચણી થઈ શકે.

અગર બધા જ વારસદારોના સંયુક્ત નામે જ જમીનની તબદીલી થઈ શકે. હવે વહેંચણીનો દસ્તાવેજ રજિસ્ટર્ડ કરવો જરૂરી છે. કૌટુંબિક વહેંચણી મુજબ હક્કપત્રકમાં ફેરફાર કરવા મામલતદારને અરજી કરવાની હોય છે.

પ્રશ્ન : ૬ ટુકડા ધારા હેઠળ આ અંગે શી જોગવાઈ છે?

જવાબ : ટુકડા ધારા હેઠળ જે સર્વે નંબરની જમીનને ટુકડો જાહેર કરેલ હોય તે ટુકડો કહેવાય અને તેનું વેચાણ થઈ શકે નહીં. વારસાઈ થઈ શકે પરંતુ ભાગલા પડી શકે નહીં અને ટુકડો વેચાણ કરતા પહેલા કલેક્ટરની પરવાનગી લેવી પડે.

આ ઉપરાંત જિરાયત જમીનનો બે એકરથી નાનો ટુકડો તથા બાગાયત / પિયત તથા ક્યારી જમીનનો ૦-૨૦ ગુંઠાથી ઓછો ટુકડો કહેવાય એટલે કે ભાગ પડી શકે નહીં.

પ્રશ્ન : ૭ કોઈ જમીનની તબદીલી અંગે કોઈને વાંધો હોય તો શું કરવું?

જવાબ : વારસાઈ હક્કપત્રકમાં નામોમાં ફેરફાર થતો હોય તો જે વારસદાર હક્કો છોડી દેતા હોય તેમના નામ હક્કપત્રકે દાખલ કરવાના હોતા નથી. તે સિવાય તમામ વારસદારોના નામ દાખલ કરવામાં આવે છે.

હિન્દુ વારસાઈ ધારા અન્વયે તમામ વારસદારો એટલે કે ગુજરનારની વિધવા, પુત્ર-પુત્રીઓ દરેકને સરખે હિસ્સે વારસાઈથી હક્ક પ્રાપ્ત થાય છે.

વારસાઈ સિવાયની કોઈપણ નોંધ એટલે કે તબદીલી માટે તકરાર / વાંધો કોઈને હોય તો આવો વાંધો મામલતદાર સમક્ષ લેખિતમાં રજૂ કરવો, મામલતદાર તેની નોંધ તકરારી રજિસ્ટરમાં કરશે અને તેની પક્ષકારો સહિત સ્થાનિકે સુનાવણી કરી ડેપ્યુટી કલેક્ટર/પ્રાંત અધિકારી જે નિર્ણય કરે તે પ્રમાણે ફેરફાર મંજૂર કે નામંજૂર રાખવામાં આવે છે.

પ્રશ્ન : ૮ હક્ક પ્રાપ્ત થયાની જાણ ફરજિયાત છે?

જવાબ : હા, રજિસ્ટર્ડ દસ્તાવેજથી તબદીલી થઈ હોય તે સિવાય કોઈપણ જમીન ઉપર હક્ક સંપાદન કર્યા સંબંધી લેખિત જાણ ત્રણ મહિનામાં કરવી ફરજિયાત છે.

જે કોઈ વ્યક્તિ ઉત્તરાધિકારી અનુજ્ઞાતિકત્વ, વારસા વહેંચણ, ખરીદી, ગીરો, બક્ષિસ, પટાની રૂએ અથવા બીજી રીતે જમીન ધારણ કરનાર, ખાતેદાર, માલિક, ગીરો રાખનાર, જમીન માલિક અથવા ગણોતિયા તરીકે અથવા તેનું ગણોત અથવા મહેસૂલના આધારે નામફેર કરી લેનાર વ્યક્તિ તરીકે કોઈ હક્ક સંપાદન કરે તે વ્યક્તિએ એવી રીતે હક્ક સંપાદન કર્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર જાણ, અરજી, પુરાવા સહિત મામલતદારને કરવી જરૂરી છે.

પ્રશ્ન : ૯ હક્ક સંપાદનની લેખિત જાણ સમયસર ન કરવામાં આવે તો શું પરિસ્થિતિ થાય?

જવાબ : આમ ન કરવામાં આવે તો પણ આવા હક્ક સંપાદનની નોંધ / ફેરફાર હક્કપત્રકે થઈ શકે પરંતુ મોડી જાણ કર્યા બદલ રેકોર્ડ દંડ જે સક્ષમ અધિકારી નક્કી કરે તે ભરવો પડે. આ ફી ગણાય છે દંડ નહીં.

જો કોઈ વ્યક્તિ ત્રણ માસની મુદતમાં પ્રાપ્ત કરેલ હક્કની જાણ કરવામાં નિષ્ફળ જાય તો દંડ વસૂલ કરવા હુકમ કરી શકે છે. જે સક્ષમ અધિકારી નક્કી કરે તે ભરવો પડે. આ ફી ગણાય છે દંડ નહીં.

જો કોઈ વ્યક્તિ ત્રણ માસની મુદતમાં પ્રાપ્ત કરેલ હક્કની જાણ કરવામાં નિષ્ફળ જાય તો દંડ વસૂલ કરવા હુકમ કરી શકે છે.

પ્રશ્ન : ૧૦ જે વ્યક્તિની તરફેણમાં ગીરો છોડાવવામાં આવ્યો હોય અથવા નષ્ટ થયો હોય અથવા પટો પૂરો થયો હોય તો તે વ્યક્તિએ પણ હક્ક સંપાદનની જાણ કરવી જરૂરી છે.

જવાબ : હા, જે તે બેંક/સરકારી મંડળીમાંથી દાખલો મેળવો અને તે સાથે મામલતદારને જાણ કરો.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant