
DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક હીરા ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ‘વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ’ (WDC) દ્વારા વર્ષ 2026 માટે નેતૃત્વમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે.
બેલ્જિયમના એન્ટવર્પ ખાતે 7 મે, 2026 ના રોજ યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં રોની વેન્ડરલિન્ડેનને સંસ્થાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભારત માટે ગૌરવની વાત એ છે કે, જાણીતા ડાયમંટેર અને GJEPC ના ડાયમંડ પેનલના કન્વીનર શ્રી અનુપ મહેતાની ઉપપ્રમુખ (Vice President) તરીકે વરણી કરવામાં આવી છે.
રોની વેન્ડરલિન્ડેને ફેરીએલ ઝેરોકીનું સ્થાન લીધું છે, જેમને હવે WDC ના માનદ પ્રમુખ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. નવા પ્રમુખ વેન્ડરલિન્ડેને તેમના સંબોધનમાં વૈશ્વિક હીરા બજારની વર્તમાન સ્થિતિ અને પડકારો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
બેઠકના મુખ્ય મુદ્દાઓ :
- એકસૂત્રતા અને એક અવાજ : વેન્ડરલિન્ડેને જણાવ્યું હતું કે, જ્યારે હીરાની માંગમાં નરમાશ અને હરીફાઈ વધી રહી છે, ત્યારે સમગ્ર કુદરતી હીરા ઉદ્યોગે એક થઈને ‘એક અવાજે’ વાત કરવી પડશે. તેમણે નેચરલ ડાયમંડ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ વધારવા પર ભાર મૂક્યો હતો.
- કિંબર્લી પ્રોસેસ (KP) માં સુધારો : તેમણે ‘કોન્ફ્લિક્ટ ડાયમંડ’ (રક્ત રંજિત હીરા) ની વ્યાખ્યાને આધુનિક જોખમો મુજબ અપડેટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કિંબર્લી પ્રોસેસના માળખાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવું એ તેમની પ્રાથમિકતા રહેશે.
- સામાજિક અને આર્થિક પ્રભાવ : નેચરલ ડાયમંડ માત્ર લક્ઝરી નથી, પરંતુ તે ખાણકામ કરતા દેશો અને સમુદાયોના સામાજિક-આર્થિક વિકાસમાં મોટું યોગદાન આપે છે. આ વાતને વૈશ્વિક સ્તરે મજબૂત રીતે રજૂ કરવામાં આવશે.
- ભારતીય નેતૃત્વ : ઉપપ્રમુખ તરીકે અનુપ મહેતાની નિમણૂકને આવકારતા વેન્ડરલિન્ડેને તેમને “ભારતીય અને વૈશ્વિક હીરા વેપારના સ્તંભ” ગણાવ્યા હતા. અનુપ મહેતાના અનુભવનો લાભ વિશ્વભરના હીરા ઉદ્યોગને મળશે.
આ ઉપરાંત, ડેવિડ બોનાપાર્ટની ટ્રેઝરર તરીકે અને ઉદી શેઈન્ટલની સેક્રેટરી તરીકે ફરીથી પસંદગી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે આ નવી ટીમ નેચરલ ડાયમંડ સેક્ટરને લેબ-ગ્રોન ડાયમંડના વધતા પ્રભાવ વચ્ચે એક નવી દિશા આપશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















