DIAMOND CITY NEWS, SURAT
વૈશ્વિક સ્તરે આર્થિક સુસ્તી અને ચીનના બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે જ્વેલરી ઉદ્યોગ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
વિશ્વપ્રસિદ્ધ કન્સલ્ટિંગ ફર્મ ‘બેઈન એન્ડ કંપની’ (Bain & Company) ના ૨૦૨૫ ના લક્ઝરી રિપોર્ટ અનુસાર, ચીનમાં જ્વેલરીના વેચાણમાં જે મોટો ઘટાડો જોવા મળતો હતો, તેમાં હવે નોંધપાત્ર સુધારો થયો છે.
ગત વર્ષના ૧૫% થી ૨૦% ના જંગી ઘટાડાની સરખામણીએ ૨૦૨૫ માં આ ઘટાડો માત્ર ૦% થી ૫% ની વચ્ચે રહ્યો છે, જે બજાર ફરી બેઠું થઈ રહ્યું હોવાનું સૂચવે છે.
જ્વેલરી હવે માત્ર ફેશન નહીં, પણ ‘એસેટ’ (મૂડી) :
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ચીની ગ્રાહકો હવે સોના અને કિંમતી ધાતુઓના વધતા ભાવને કારણે ‘ફાઇન જ્વેલરી’ (સુદ્ધ ઘરેણાં) ખરીદવા તરફ વધુ વળ્યા છે.
ગ્રાહકો જ્વેલરીને માત્ર સુંદરતા માટે જ નહીં, પરંતુ મૂલ્ય જાળવી રાખવા માટે એક ‘એસેટ’ તરીકે જોઈ રહ્યા છે. રેર મેટલ્સ (દુર્લભ ધાતુઓ) ની વધતી કિંમતોએ જ્વેલરીમાં રોકાણ કરવાની વૃત્તિને વધુ મજબૂત બનાવી છે.
સેકન્ડ હેન્ડ માર્કેટનો દબદબો :
ચીનના લક્ઝરી માર્કેટમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ૨૦૨૫ માં ‘સેકન્ડ હેન્ડ’ લક્ઝરી માર્કેટમાં ૧૫% થી ૨૦% નો તોતિંગ વધારો થયો છે.
યુવા પેઢી અને કિંમત પ્રત્યે સભાન ગ્રાહકો હવે જૂની લક્ઝરી વસ્તુઓ ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. જેમાં લેધર ગુડ્સ અને બેગનો હિસ્સો ૫૦-૫૫%, ઘડિયાળોનો ૨૫-૩૦% અને જ્વેલરીનો હિસ્સો ૧૦-૧૫% રહ્યો છે.
મુખ્ય હાઇલાઇટ્સ :
- વર્કિંગ ક્લાસ વિરુદ્ધ અમીરો : બજારમાં સામાન્ય યુવા ગ્રાહકોએ લક્ઝરી ખરીદીમાં થોડો વિલંબ કર્યો છે, પરંતુ ‘વેરી ઈમ્પોર્ટન્ટ ક્લાયન્ટ્સ’ (VICs) એટલે કે અતિ ધનાઢ્ય વર્ગ હજુ પણ બજારમાં સક્રિય છે.
- ઘડિયાળો પર દબાણ : જ્વેલરીમાં સુધારો થયો છે, પરંતુ મોંઘી ઘડિયાળોના વેચાણમાં ૧૪% થી ૧૭% નો ઘટાડો નોંધાયો છે.
- સ્થાનિક ખરીદીમાં વધારો : ચીની ગ્રાહકો હવે વિદેશ જવાને બદલે પોતાની ધરતી પર જ ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. કુલ લક્ઝરી ખરીદીના ૬૫% ચીનની અંદર જ થઈ છે.
ભવિષ્યનું અનુમાન :
બેઈન એન્ડ કંપનીના સિનિયર પાર્ટનર બ્રુનો લેન્સના જણાવ્યા અનુસાર, “૨૦૨૪ ની ઉથલપાથલ બાદ ૨૦૨૫ માં બજાર સ્થિર થવાનું શરૂ થયું છે. આ કોઈ મોટો ઉછાળો નથી, પણ ‘રીકેલિબ્રેશન’ (ફરીથી ગોઠવણ) નો તબક્કો છે.”
અહેવાલ મુજબ ૨૦૨૬ માં ચીનના લક્ઝરી માર્કેટમાં સાધારણ પણ મજબૂત સુધારો જોવા મળશે તેવી અપેક્ષા છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube





















