DIAMOND CITY NEWS, SURAT
હીરા ખનન ક્ષેત્રની જાણીતી કંપની પેટ્રા ડાયમંડ્સ પોતાની દક્ષિણ આફ્રિકા સ્થિત જાણીતી ‘ફિન્સ’ હીરાની ખાણને વેચાણ માટે બજારમાં મૂકશે. બિઝનેસ રેસ્ક્યૂ પ્રેક્ટિશનરો દ્વારા આ ખાણની કામગીરી પુનઃ શરૂ કરવા માટે કોઈ વ્યવહારુ કે આર્થિક રીતે સક્ષમ રસ્તો ન મળતાં અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપની દ્વારા શુક્રવારે આપવામાં આવેલા તાજેતરના અપડેટ મુજબ, પેટ્રા ડાયમંડ્સના ધીરાણકારો એ ફિન્સ ખાણની તમામ સંપત્તિઓને વેચી દેવાના પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ફિન્સના લેણદારો માટે વધુમાં વધુ મૂલ્ય અને નાણાં રિકવર કરવાનો છે.
વેચાણની આ પ્રક્રિયા દરમિયાન ખાણની સંપત્તિઓની જાળવણી અને પુનઃપ્રાપ્તિ માટે એક સુરક્ષિત લેણદાર દ્વારા પેટ્રાને મર્યાદિત પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે પોસ્ટ-કમિન્સમેન્ટ ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું છે.
વેચાણમાંથી જે પણ નાણાં એકત્ર થશે તેને લેણદારોના દાવાઓની અગ્રતા મુજબ વહેંચવામાં આવશે, જેમાં સિક્યોર્ડ ક્રેડિટરને સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે.
આ સિવાય, વિશિષ્ટ સમયગાળા માટે એસેટ રિક્લેમેશન હાથ ધરી શકાય તે માટે ખાણ પર મર્યાદિત કર્મચારીઓની ટીમ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન બાકીના કર્મચારીઓના દાવા દક્ષિણ આફ્રિકાના લેબર એક્ટની કલમ ૧૮૯ (Section 189) મુજબ ચૂકવવામાં આવશે.
હીરા ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે છવાયેલી લાંબાગાળાની મંદીને ધ્યાનમાં રાખીને પેટ્રા ડાયમંડ્સે મે ૨૦૨૬ના અંતમાં ફિન્સ માઇન બંધ કરીને તેને ‘બિઝનેસ રેસ્ક્યૂ’ પ્રક્રિયા હેઠળ મૂકવાની પ્રથમ જાહેરાત કરી હતી. આ ખાણમાંથી મુખ્યત્વે નાના કદના રફ હીરાનું ઉત્ખનન થતું હતું, જેના ભાવ હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે દબાણ હેઠળ છે. પરિણામે કંપનીએ પોતાના ખર્ચમાં કાપ મૂકવા અને નાણાકીય સ્થિતિ સુધારવા આ પગલું ભર્યું છે.
ફિન્સ ખાણમાંથી બહાર નીકળ્યા બાદ પેટ્રા ડાયમંડ્સ પોતાની તમામ નાણાકીય સંપત્તિ અને ધ્યાન દક્ષિણ આફ્રિકા સ્થિત પોતાની એકમાત્ર બાકી રહેલી ‘કલિનન’ માઇન પર કેન્દ્રિત કરશે. કલિનન ખાણ મોટા કદના અને અત્યંત મૂલ્યવાન પ્રીમિયમ હીરાના ઉત્પાદન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
નોંધનીય છે કે, હીરા બજારની મંદીનો ભોગ બનનારી ફિન્સ એ પેટ્રાની પ્રથમ ખાણ નથી. આ પહેલાં નાણાકીય પ્રવાહીતાની સમસ્યાઓના કારણે ૨૦૨૫માં પેટ્રાએ ટાન્ઝાનિયામાં આવેલી પોતાની ‘વિલિયમસન’ માઇનનો હિસ્સો વેચી દીધો હતો. આ ઉપરાંત, ૨૦૨૩માં ઉત્પાદન સ્થગિત કર્યા બાદ ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકા સ્થિત ‘કોફીફોન્ટેન’ માઇનનું પણ વેચાણ કરી દેવામાં આવ્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















