New Gem Treasure Discovered in Ethiopia- GIA and Guebelin Lab Approve New Source of Copper
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT 

રત્ન વિજ્ઞાન (Gemology) ક્ષેત્રે અગ્રણી અને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ‘જેમલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા’ (GIA) અને સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ‘ગ્યુબેલિન જેમ લેબ’ (Gübelin Gem Lab) દ્વારા સંયુક્ત રીતે એક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

આ બંને સ્વતંત્ર સંસ્થાઓએ વિગતવાર સંશોધન અને પૃથ્થકરણ બાદ જાહેરાત કરી છે કે પૂર્વ આફ્રિકાનો દેશ ઇથોપિયા હવે કોપર-બેઅરિંગ (તામ્રયુક્ત) ટુરમાલિનનો નવો સ્ત્રોત બની ગયો છે.

આ નવા રત્નો આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપકપણે સ્વીકૃત એવા અત્યંત કિંમતી અને દુર્લભ ‘પરાઈબા ટુરમાલિન’ (Paraíba Tourmaline) ની તમામ ધોરણો અને વ્યાખ્યાઓ પર ખરા ઉતરે છે. આ જાહેરાત બાદ વૈશ્વિક જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગમાં આ નવા ડિપોઝિટને લઈને ભારે જિજ્ઞાસા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ઇથોપિયામાંથી પરાઈબા ટુરમાલિન મળવાના અહેવાલો અને સોશિયલ મીડિયા પર પ્રાથમિક વિગતો ૨૦૨૬ના પ્રારંભિક મહિનાઓમાં વાયરલ થવાના શરૂ થયા હતા. રત્નોના વૈશ્વિક બજારમાં આ નવા સ્ત્રોતની પ્રામાણિકતા અને ઓળખ ચકાસવા માટે બંને લેબોરેટરીઓએ અલગ-અલગ રીતે સંશોધન હાથ ધર્યું હતું.

ગ્યુબેલિન જેમ લેબને સૌથી પહેલાં મે ૨૦૨૬માં આ ઈથોપિયન રત્નોનું સેમ્પલ મળ્યું હતું. તેના પ્રાથમિક કેમિકલ કમ્પોઝિશન (રાસાયણિક બંધારણ) ના પરીક્ષણ દરમિયાન એ જાણવા મળ્યું કે આ પથ્થરો અત્યાર સુધી જાણીતા ત્રણ મુખ્ય સ્ત્રોતો—બ્રાઝિલ, મોઝામ્બિક અને નાઇજિરીયાના રેફરન્સ ડેટા સાથે મેળ ખાતા ન હતા.

ત્યાર બાદ ગ્યુબેલિને આ રત્નની અધિકૃતતા માટે ઇથોપિયાના માઇનિંગ ક્ષેત્રની મુલાકાત લઈ જેમલોજિસ્ટ દ્વારા એકત્ર કરાયેલા સેમ્પલ્સ તથા સ્વતંત્ર સ્ત્રોતોમાંથી મેળવેલા કુલ ૩૦૦ જેટલા રફ (અનકટ) અને કટેડ (પોલિશ કરેલા) પથ્થરોનો મોટો જથ્થો એકઠો કરીને ગહન અભ્યાસ શરૂ કર્યો હતો. 

બીજી તરફ, GIA દ્વારા જૂન ૨૦૨૬થી આ મોઝેક અને કલરવર્કના પથ્થરો પર સંશોધન ચાલુ કરાયું હતું. જુલાઈ ૨૦૨૬માં જાણીતા ‘ફરેરા ગ્રુપ’ (Ferreira Group) દ્વારા કેલિફોર્નિયાના કારલ્સબેડ સ્થિત GIAના રિસર્ચ ડિપાર્ટમેન્ટને ૧૦૦થી પણ વધુ રફ અને ફેસેટેડ સેમ્પલ્સ પૂરા પાડવામાં આવ્યા હતા. આ પૂરા પાડવામાં આવેલા રફ સ્ટોન્સનું વજન ૪.૨૦ કેરેટથી લઈને ૧૦.૯૫ કેરેટ સુધીનું નોંધાયું હતું.

GIAના સિનિયર રિસર્ચ મેનેજર અને કલર્ડ સ્ટોન નિષ્ણાત ડૉ. એરોન પાલ્કે (Dr. Aaron Palke) જણાવ્યુ કે, “આ વૈજ્ઞાનિક વિશ્લેષણના આધારે હવે અમે અતિ આત્મવિશ્વાસપૂર્વક GIAના ટુરમાલિન આઇડેન્ટિફિકેશન અને ઓરિજિન રિપોર્ટ્સ પર રત્નના મૂળ દેશ તરીકે ઇથોપિયા (Ethiopia) લખી શકીશું.” 

ઇથોપિયાના આ નવા ડિપોઝિટમાંથી નીકળતા ટુરમાલિનના ભૌતિક અને રંગીન લક્ષણો વિશે વાત કરીએ તો, તેમાં મુખ્યત્વે ઘેરો વાદળી (Blue) અને વાદળી-લીલો (Bluish Green) રંગ જોવા મળે છે.

આ ઉપરાંત કેટલીક રફ સ્ટોન્સની સરફેસ પર વાયોલેટ (જાંબલી), પર્પલ અને કલરલેસ (રંગહીન) ઝાંય ધરાવતા વિસ્તારો પણ જોવા મળ્યા છે. આ રત્નોમાં ‘કલર ઝોનિંગ’ (રંગોનું અલગ-અલગ સ્તરોમાં વહેંચાવું) ખૂબ જ સ્પષ્ટ અને પ્રબળ રીતે દેખાઈ આવે છે.

વૈજ્ઞાનિક ચકાસણી દરમિયાન બંને પ્રયોગશાળાઓએ આ ઇથોપિયન રત્નોમાં અનન્ય રાસાયણિક લક્ષણો શોધી કાઢ્યા છે. બંને લેબના રિપોર્ટ અનુસાર, આ સ્ટોન્સમાં વેનેડિયમ (Vanadium) નું પ્રમાણ 60 ppm થી વધુ ઊંચા સ્તરે માલૂમ પડ્યું છે.

તેની સાથે લેડ (Lead/સીસું) નું પ્રમાણ 170 થી 6,000 ppm અને ગેલિયમ (Gallium) નું પ્રમાણ 280 થી 900 ppm સુધીનું ઊંચું જોવા મળ્યું છે.

ગ્યુબેલિન જેમ લેબના આર એન્ડ ડી હેડ ડૉ. પીટર ટોલેન (Dr. Peter Tollan) આ અંગે વિગતે ઉમેર્યું હતું કે, “ઇથોપિયાના સેમ્પલ્સની સૌથી મોટી અને રસપ્રદ ખાસિયત એ છે કે વ્યક્તિગત સેમ્પલ્સ વચ્ચે જટિલ કેમિકલ તફાવતો હોવા છતાં, તે તમામ એક અત્યંત સ્પષ્ટ અને સુસંગત કમ્પોઝિશનલ પ્રોફાઇલ (રાસાયણિક છાપ) ધરાવે છે.”

ડૉ. ટોલેને વધુમાં જણાવ્યું કે આ મજબૂત રાસાયણિક લાક્ષણિકતાઓને સામાન્ય અને સારા સ્તરના ED-XRF (ઇલેક્ટ્રોન ડિસ્પર્સિવ એક્સ-રે ફ્લોરોસન્સ) સાધનો વડે સરળતાથી માપી શકાય છે, જેના કારણે અત્યાધુનિક કે સંશોધન-સ્તરની LA-ICP-MS પદ્ધતિઓ વિના પણ ઇથોપિયાના પરાઈબાને બ્રાઝિલ કે મોઝામ્બિકના પરાઈબાથી અલગ ઓળખી શકાય છે.

ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો, પરાઈબા ટુરમાલિન સૌપ્રથમ ૧૯૮૦ના દાયકાના અંતમાં બ્રાઝિલના ‘પરાઈબા’ રાજ્યમાંથી મળી આવ્યા હતા અને તેમના ચમકતા ઇલેક્ટ્રિક/નિયોન બ્લૂ રંગને કારણે વૈશ્વિક રત્ન બજારમાં અત્યંત મૂલ્યવાન માનવામાં આવે છે.

ત્યારબાદ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં નાઇજિરીયા અને મોઝામ્બિકમાંથી તેના સ્ત્રોત મળ્યા હતા. હવે ઇથોપિયા આ કિંમતી રત્ન પૂરું પાડતો વિશ્વનો ચોથો અધિકૃત દેશ બની ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક દાયકામાં ઇથોપિયા (જેમ કે ૨૦૦૮/૦૯માં ઓપલ અને ૨૦૧૪/૧૫માં સપ્ફાયરની શોધ) રત્નોના નવા ગ્લોબલ હબ તરીકે ઊભરી રહ્યું છે. GIA અને ગ્યુબેલિન બંને સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે ઇથોપિયાથી ખાણકામ અને પ્રોડક્શન વધશે તેમ તેઓ પોતાના રેફરન્સ કલેક્શનને વધુ વિસ્તૃત કરશે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant