DIAMOND CITY NEWS, SURAT
લેબ ગ્રોન હીરાના સતત વધતા ક્રેઝ અને માર્કેટ ડિમાન્ડ વચ્ચે જ્વેલરી ક્ષેત્રે એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ન્યૂ યોર્ક સ્થિત જાણીતી જ્વેલરી ડિઝાઇનર અને ઇન્ફ્લુએન્સર સ્ટેફની ગોટલીબે પોતાના કરિયરમાં પહેલીવાર લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું છે. જે સ્ટેફની વર્ષોથી કુદરતી હીરાના પ્રચાર અને બ્રાન્ડિંગ સાથે જોડાયેલા રહ્યા છે, તેમનું આ કલેક્શન લોન્ચ કરવું સમગ્ર ગ્લોબલ ડાયમંડ માર્કેટ માટે ચર્ચાનો વિષય બન્યું છે.
સ્ટેફની ગોટલીબે વર્ષ ૨૦૧૩માં ન્યૂ યોર્કમાં ‘Stephanie Gottlieb Fine Jewelry’ની સ્થાપના કરી હતી. તેઓ પોપ સ્ટાર બ્રિટની સ્પીયર્સ જેવી વૈશ્વિક હસ્તીઓ માટે કસ્ટમ ડાયમંડ જ્વેલરી ડિઝાઇન કરવા માટે જાણીતા છે. તેઓ ઘણા સમયથી નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) સાથે એમ્બેસેડર અને કન્ટેન્ટ પાર્ટનર તરીકે જોડાયેલા છે. ઇન્ડસ્ટ્રીમાં તેમની છબી એક એવા ડિઝાઇનર તરીકેની હતી જેઓ ક્યારેય લેબ ગ્રોન હીરા નહીં વેચે, પરંતુ આ વધતા વૈશ્વિક ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને તેમણે આ નવતર પ્રયોગ કર્યો છે. જોકે, NDC આ નવા લેબ ગ્રોન કલેક્શનમાં કોઈ પણ રીતે સામેલ નથી.
પોતાના આ નિર્ણય પાછળનું ગણિત સમજાવતા સ્ટેફનીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “હું વર્ષોથી વિચારતી હતી કે સ્ટેફની ગોટલીબ બ્રાન્ડમાં લેબ ગ્રોન હીરાનું કોઈ સ્થાન છે કે નહીં. આજના જ્વેલરી ઉદ્યોગમાં આ વિષયથી બચી શકાય તેમ નથી. પરંતુ જ્યારે મેં આ કલેક્શન લોન્ચ કરવાનું નક્કી કર્યું, ત્યારે હું સ્પષ્ટ હતી કે તે માત્ર પરંપરાગત ક્લાસિક ડાયમંડ જ્વેલરી નહીં હોય.”
નવીન ડિઝાઇન અને પ્રાઇસ રેન્જ
ગોટલીબે તેમના આ લોન્ચિંગમાં બે અલગ-અલગ લેબ ગ્રોન કૅપ્સ્યુલ કલેક્શન રજૂ કર્યા છે:
- કેઝ્યુઅલ કેરેટ્સ (Casual Carats): આ કલેક્શનમાં સોફ્ટ સિલિકોન બેન્ડ્સ પર લેબ ગ્રોન હીરા જડવામાં આવ્યા છે. આ ડિઝાઇન રોજિંદા વપરાશ જેમ કે વર્કઆઉટ, રસોઈ કે ગાર્ડનિંગ કરતી વખતે રિયલ એન્ગેજમેન્ટ રિંગને સુરક્ષિત રાખીને પેરવા માટે યોગ્ય વિકલ્પ આપે છે. આ લાઇનની કિંમત $675 થી $1,850 (અંદાજે ₹56,000 થી ₹1.54 લાખ) રાખવામાં આવી છે.
- લોલા કલેક્શન (Lola Collection): આ કલેક્શનમાં પાતળા દોરા જેવા સપોર્ટ પર ડ્રિલ કરેલા હીરા સેટ કરવામાં આવ્યા છે, જે ત્વચા પર તરતા (floating) હોય તેવો લુક આપે છે. આ કલેક્શનમાં ચાર નેકલેસ, ત્રણ એરિંગ્સ અને એક રિંગનો સમાવેશ થાય છે, જેની કિંમત $1,065 થી $7,750 (અંદાજે ₹88,000 થી ₹6.45 લાખ) સુધીની છે.
આ નવો ટ્રેન્ડ અપનાવવા છતાં સ્ટેફની ગોટલીબ મક્કમતાથી માને છે કે નેચરલ હીરા અને લેબ ગ્રોન વચ્ચે મોટો તફાવત છે. તેમના મતે, “કુદરતી હીરા કાયમી (Forever) છે, જ્યારે લેબ ગ્રોન હીરા સામયિક ટ્રેન્ડ કે વર્તમાન સમય (For Right Now) માટે છે.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube




















